Garvi ગરવી ગુજરાત Gujarat

કોઇ પણ વ્યક્તિ માતૃભૂમિ છોડી વિદેશ વસવાટે જાય ત્યારે માતૃભાષાથી પણ કંઇક અંશે વિખૂટુ પડી જાય છે. આજ અંજપો તેને ભાષા અને ભૂમિ થકી કંઇક કરવા પ્રેરે છે અને પ્રેરણાસ્રોતનું પરિણામ છે - "પ્રભાતનાં પુષ્પો". ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ શરૂ થયેલાં આ બ્લૉગને અવકાશની પળોમાં સીંચીને આજે પરિપકવ વૃક્ષ બનતા જોવાનો આનંદ દેશવિરહને ભુલાવવામાં મદદરૂપ થયો છે. - એસ વી

ફોર એસ વી - પ્રભાતનાં પુષ્પો ફેસબૂક પેજ

નવરાત્રિની રાસ રમઝટ
(click here for complete list)


સિતાંશુ યશસ્ચંદ્ર – દરેક ચીજ બે બે

મારી પાસે દરેક ચીજ બે બે છે.
દરેક બારણું, દરેક દીવાલ, દરેક ચંદ્ર
દરેક મેદાન, દરેક શહેર કે પ્યાલો કે તારો.

એક પ્યાલો કાચનો, ને એ જ પાછો સ્ટીલનો.

કાચના તારાને
ખૂબ કાળજીથી જાળવી રાખું છું બને તેટલો વધારે સમય.
વર્ષો, પળો, સદીઓ કે પ્રહરો સુધી બચાવી લઉં છું
તૂટવામાંથી,
તોડી નાખે એવી પંખીઓની પાંખોની ઝાપટમાંથી.
હાથમાંથી છટકી ન જાય, કોઈની ઠેસ ના વાગે.
કોઈ બારીની પાળ પરથી પડી ના જાય કાચનો તારો
કે શહેર, એની સંભાળ પાછળ
ખરચી નાખું છું જિંદગી.

પછી
જ્યારે અણધારી રીતે સહસા
તૂટી જાય છે કાચનો પ્યાલો

ત્યારે
હળવે રહીને
મારા ખ્યાલમાં આવે છે, છલોછલ,
છલોછલ સ્ટીલની ચીજ.

          – સિતાંશુ યશસ્ચંદ્ર (Sitanshu Yashaschandra – Darek chij bae bae. Kavita / Poems, Lok Sahitya in Gujarati. Literature and art site)

Tags :


‘નિરંકુશ’ કરસનદાસ લુહાર – એક લીલા પાંદ

એક લીલા પાંદ પર તેં વહાલ વરસાવ્યું હશે!
એ પછી આંગણ સુધી જંગલ ધસી આવ્યું હશે!
આંહીનો અંધાર મારો સૌમ્ય, હરિયાળો થયો;
તુલસી ક્યારે કોડિયું તેં હમણાં પ્રગટાવ્યું હશે!
જે જગાથી આપણે લઇને તરસ છૂટાં પડ્યાં;
એ જગા જોવા પછી કોઇ ઝરણ આવ્યું હશે!
ચાર અક્ષર જેટલું અંતર સહેવાયું નહીં;
એટલે તેં છૂંદણાંમાં નામ ત્રોફાવ્યું હશે!
મારું નિર્જળ શહેર આખું પાણીપાણી છે હવે!
પત્રમાં સરિયામ ચોમાસું તેં ચીતરાવ્યું હશે!

         – ‘નિરંકુશ’ કરસનદાસ લુહાર (‘Nirankush’ Karsandas Luhar – Ek Lila paan. Kavita, Shayari in Gujarati. Literature and art site)

Tags :


રાજેન્દ્ર શાહ – આયુષ્યના અવશેષે

૧. ઘર ભણી
ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની,
વિજન પથને ચીલે ચીલે તમિસ્ર મહીં ઘન;
સ્વપન મધુરી નિદ્રાનું તે દ્રગો મહીં અંજન
ભરતી ઘૂઘરી ધોરી કેરી મીઠા રણકારથી.

ચરમ પ્રહરે ઠંડી ધીમા સમીર મહીં ભળી,
સ્મૃતિદુઃખ મને વ્યાપે તેવી બધે પ્રસરી રહી.
લઘુક દીવડે સૂતી સીમા બધી બનતી લહી
સજગ, તમ-ને ઓઢી પાછું જતી પડખું ફરી.

પથ-તરુ તણા નીડે પંખી ક્યહીં ફરકે અને
કદિક અથવા તારો કોઈ ખરે, બસ એટલું
કળિત બનતું, ત્યાંયે ઊંડા મને કરણો સહુ
કણકણની આ માટી કેરી કથા નીરખી રહે.

જનમ-સ્થલની ઝાંખી આયુષ્યની અવધે કરું,
ભર્યું જવ હતું તેની યાદે સૂને ઘર સંચરું.

૨. પ્રવેશ
ભર્યું ઘર હતું તેના સૂના રજોમય પ્રાંગણે
લઘુક ગઠડી મૂકી આયુષ્યના અવશેષની,
ત્યહીં ધૂમસથી છાએલા તે વિષણ્ણ ઉજેશની
ટશર ગગને લાગી; જાગી દિશા અનુકંપને.

ખબર પૂછતાં મોટેરાં જે જીવંત રહ્યાં જૂજ,
નજર કરી લૈ કામે લાગી જતી વહુવારુઓ,
કુતૂહલ થકી પ્રેર્યાં આવી વળ્યાં કંઈ બાળકો,
ક્ષણ ભસી પછી શ્વાને સૂંઘી લીધા ચરણો મુજ.

મુખથી ઊઘડ્યાં તાળાં, દ્વારે કર્યું જરી ક્રંદન,
અચલ સ્થિતિમાં ગાત્રો જેનાં જડાઈ ગયાં હતાં;
ભીતર થકી ત્યાં ભીની વાસી હવા તક લાધતાં
ધસી રહી શી! કો પ્રેતે જાણે લહ્યું નિજ મોચન.

ઘર મહીં જતાં અંધારાંએ ઘડી લીધ આવરી,
કિરણપરશે જૂનાં પાત્રો વળી નીરખ્યાં ફરી.

૩. સ્વજનોની સ્મૃતિ
જીરણ થઈને ભીંતે ઝૂકી ઊભો હજી ખાટ આ,
રજનિ નમતાં જે ઢાળીને પિતાજી પુરાણની
જીવનબળને દેતી ક્‍હેતા કથા રસની ભરી,
પુર ઘર સમું હેતે મ્હોર્યું હતું પરસાળમાં.

મુખ મરકતું માનું જેના સ્વરે ઘર ગુંજતું,
નિતનિત વલોણાનાં એનાં અમી ધરતી હતી,
સુરભિ હતી જ્યાં સૌની વાંછા સદા ફળતી હતી,
અવ અહીં ઝૂલે ખાલી સીકું, વિના દધિ ઝૂરતું.

અહીં ઉપરની મેડી જોને કશી વલખી રહી!
પ્રિય! ઊછળતાં બે હૈયાંનો થયો અહીં સંગમ.
અહીં પૂનમની રાતે મોજે ચડ્યાં ભરતી સમ.
ગગન ઝીલતી જાળી જાળાં થકી અવ આંધળી.

ગિરિસર સમું હંસોનો જે કલધ્વનિ રેલતું,
તમરું પણ ત્યાં આજે મૂંગી વ્યથાથી ન બોલતું.

૪. પરિવર્તન
શિશુ હ્રદયના ઉલ્લાસે હ્યાં ઊભી ઝરુખા કને
ઇહ નીરખતો ચીલો, બંકી ધરી ગતિ દ્રષ્ટિમાં
ક્ષણક્ષણ રમી સંતાતો ને અનંતન સૃષ્ટિમાં
ભ્રમણ અરથે જાતો, પૂંઠે વિમુગ્ધ મૂકી મને.

તલસતું હતું હૈયું કેવું સુદૂર અગમ્યને
પથ વિહરવા કાજે! – જેની અપૂર્ણ કથાતણા
ધૂમસ પર અંકાતી મારી સુરંગીન કલ્પના;
નિજ રચિત, આનંદે જોતાં દ્રગો, ભવિતવ્યને.

હજીય ઝરુખો એનો એ, હું, અને વળી પંચ આ,
પણ અવ અહીં આવી ઘેરી વળે ગતની સ્મૃતિ.
બીન મૂક થયું તો યે એની સુણી રહું ઝંકૃતિ,
વિવિધ સમયે છેડ્યા તે સૌ મળે સ્વર વૃંદમાં.

સરલ મનમાં ચાંચલ્યોનાં હવે નહિ ક્રીડન,
અવ હ્રદયના શૂન્યે લાધ્યું પ્રશાન્ત નિમજ્જન.

૫. જીવનવિલય
અવ હ્રદયના શૂન્યે પામી રહ્યો લહું છું લય.
અહીં નહિ હવે સંકલ્પો ને નહીં કંઈ વૃતિ યે,
તદપિ મુજ કર્મોની પેલી પ્રફુલ્લિત સૃષ્ટિ તે
ચહુ દિશ થકી ગર્જે આદ્યંત જીવનનો જય.

શબદ ઊપન્યો તેવો જોકે શમે, પણ એહના
અસીમિત જગે વ્યાપી ર્‍હે છે અનંત પ્રતિધ્વનિ.
નહિવત બની ર્‍હેતું માટી મહીં, પણ બીજની
તરુવર તણાં પર્ણે કેવી રમે શત એષણા!

જીવનનું જરા આઘે ર્‍હૈને કરું અહીં દર્શન,
ઉગમ નહિ વા ન્યાળું કોના ય તે વળી અંતને;
રૂપની રમણા માંહી કોઈ ચિરમ્તન તત્વને
નીરખું, નિજ આનંદે ર્‍હેતું ધરી પરિવર્તન.

ગહન નિધિ હું, મોજું યે હું, વળી ઘનવર્ષણ,
અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન.

         – રાજેન્દ્ર શાહ (Rajendra Shah. Aayushy na aavshesh. Kavita. Literature and art site)

Tags :


હરીન્દ્ર દવે – કોઈ અમથું અમથું કાં યાદ આવે


કોઈ અમથું અમથું કાં યાદ આવે,
દૂર દૂર દૂર સુધી નીરવ એકાંત
છતાં ભીતરથી કોનો સાદ આવે !

આકાશે તારલાઓ ટમટમતા ચૂપ,
ચૂપ ખળખળતી નદીઓનાં પાણી,
લહેરાતા વાયરાનું કંપન ખામોશ,
કંઈયે કહેતી નથી ભીતરની વાણી,
વેણ એક હોઠથી ન નીસર્યું, ને તોય
સાવ અણચિંતવી દાદ કોક આવે.

નીડમાં સૂતેલ કોઈ પંખીની આંખ
જરા ટમકીને પાછી બિડાતી,
તેજની લકીર એક હળવેથી અડકી
ને ઝળાંહળાં થાય મારી છાતી,
બંધ મારી આંખોને કેમ આજ સૂરજનો
ઓચિંતો લાલ સ્વાદ આવે !
કોઈ અમથું અમથું કાં યાદ આવે.

          -હરીન્દ્ર દવે (Harindra Dave – Koi aamthu aamthu ka yaad aave. Poems in Gujarati. Literature and art site)

Tags :


ઉમાશંકર જોશી – ગયાં વર્ષો

ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં !
ગયાં સ્વપ્નોલ્લાસે, મૃદુ કરુણહાસે વિરમિયાં !
ગ્રહ્યો આયુર્માર્ગ સ્મિતમય, કદી તો ભયભર્યો;
બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું એમ જ સર્યો !
ઉરે ભારેલો જે પ્રણયભર, ના જંપ ક્ષણ દે.
સ્ફુર્યો કાર્યે કાવ્યે, જગમધુરપો પી પદપદે
રચી સૌહાર્દોનો મધુપટ અવિશ્રાંત વિલસ્યો.
અહો હૈયું ! જેણે જીવવતર તણો પંથ જ રસ્યો.

ન કે નાવ્યાં માર્ગે વિષ, વિષમ ઓથાર, અદયા
અસત્ સંયોગોની; પણ સહુય સંજીવન થયાં.
બન્યા કો સંકેતે કુસુમ સમ તે કંટક ઘણા.
તિરસ્કારોમાંયે કહીંથી પ્રગટી ગૂઢ કરુણા.
પડે દૃષ્ટે, ડૂબે કદીક શિવનાં શૃંગ અરુણાં –
રહ્યો ઝંખી, ને ના ખબર વરસો કેમ જ ગયાં !

         – ઉમાશંકર જોશી (Umashankar Joshi. Gaya varsho. Kavita in Gujarati. Literature and art site)

Tags :


ભાવેશ શાહ – પ્રારબ્ધ ખેડુનું

અશકથી ભીંજવેલું હોય છે પ્રારબ્ધ ખેડુનું,
લહુ સિંચી ઉગેલું હોય છે પ્રારબ્ધ ખેડુનું.

ઘડીકે છાંયડાનું સુખ નથી; તડકે લખાયું છે,
પસીને નીતરેલું હોય છે પ્રારબ્ધ ખેડુનું.

નથી દાણોય કોઠીમાં; ફકત આશા જિવાડે છે,
જનમથી છેતરેલું હોય છે પ્રારબ્ધ ખેડુનું.

ઘણી આશાભરી આંખે; ગગનને તાકતો રહેતો,
કે વાદળમાં લખેલું હોય છે પ્રારબ્ધ ખેડુનું.

થતો જીવન-મરણનો ફેંસલો; વર્ષાનાં વરતારે,
સદા ગિરવે મુકેલું હોય છે પ્રારબ્ધ ખેડુનું.

કરીને પ્રેમ ધરતીને; વગર વાંકે સજા પામે,
પહેરણથીયે મેલું હોય છે પ્રારબ્ધ ખેડુનું.

       – ભાવેશ શાહ (૦૭-૦૬-૨૦૧૪) (Bhavesh Shah. Prarabdh Khedu nu. Poems in Gujarati. Literature and art site)

Tags :


‘કિસ્મત’ કુરેશી (ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી) – જીવન મારું મહેકેં

જીવન મારું મહેકેં તો મને અત્તર ન માની લે,
નિહાળી મારું મન મોટું મને સાગર ન માની લે.

હંમેશા ફૂલ જેવા થઈ નથી જિવાતું આ જગતમાં,
સખત બનવું પડે છે મારે તો તું પથ્થર ન માની લે.

તમારી પારખું દ્રષ્ટીનું પણ છે પારખું આજે,
હું પાણીદાર મોતી છું, મને કંકર ન માની લે.

કર્યુ છે ડોકીયું તેં કયાં કદી મુજ શ્યામ ભીતરમાં?
હું જો દેખાવું સુંદર તો મને સુંદર ન માની લે.

જે હૈયે હોય છે તેને ન હોઠે આવવા દઉં છું,
મધુર મારા વચનને, તારો તું આદર ન માની લે.

કહ્યું માનું છું ડાહ્યાનું – વખત વરતીને ચાલું છું,
જો બેસું સમસમીને તો મને કાયર ન માની લે.

જનમ સાથે જ જગને કાજ હું પેગામ લાવ્યો છું,
છતાં એ વાત પરથી મુજને પેગમ્બર ન માની લે.

કૃપાથી એની, ધારું તો હું જ ‘કિસ્મત’ ને વાંચી દઉં,
પરંતુ ડર છે મુજને ક્યાંક તું ઈશ્વર ન માની લે.

         –
‘કિસ્મત’ કુરેશી (ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી)(મે 20,1921-જાન્યુઆરી 8,1995)(‘Kismat’ Kureshi. Jeevan maru mehakae. Ghazal in Gujarati. Literature and art site)

Tags :


‘નિરંકુશ’ કરસનદાસ લુહાર – એક ટેકરી

આખા ડિલે ઊઠી આવ્યા
જળના ઝળહળ સૉળ,
એક ટેકરી પહેલુંવહેલું
નાહી માથાબોળ!

સાવ અચાનક ચોમાસાએ
કર્યો કાનમાં સાદ
અને પછી તો ઝરમર ઝરમર
કંકુનો વરસાદ!
દસે દિશાઓ કેસૂડાંની
થઈ ગઈ રાતીચોળ
એક ટેકરી પહેલુંવહેલું
નાહી માથાબોળ!

ભીનો મઘમઘ મૂંઝારો
ને પરપોટાતી ભીંત,
રૂંવેરૂંવે રણઝણ રણઝણ
મેઘધનુનાં ગીત
શ્વાસોચ્છ્વાસે છલ્લક
કુમકુમ કેસરિયાળી છૉળ,
એક ટેકરી પહેલુંવહેલું
નાહી માથાબોળ!

         – ‘નિરંકુશ’ કરસનદાસ લુહાર (‘Nirankush’ Karsandas Luhar – Ek Taekari. Kavita, Shayari in Gujarati. Literature and art site)

Tags :


હેમંત ધોરડા – લીટી

એને તો બસ
સરખી એક લીટી દોરવી હતી

કંઈ વિષુવવૃત્ત દોરવું નહોતું
કે દોરવા નહોતા રેખાંશ કે અક્ષાંશ
કે ઝૂપડી ફરતે યુગોયુગો પછી પણ ટકે તેવી ધૂળમાં દોરાયેલી અભેદ્ય આણ
કે સુ કે કુ દર્શન કરાવતા ચક્રની ધાર
કે ટંકારદાર ધનુષની પણછ
કે મોનાનું લીસ્સું સ્મિત
કે પાતળી પરમાર્યની કેડ ફરતે કંદોરો
કે કરિયાણાવાળા વાણિયાની વહીમાં રોજેરોજની આણપાણ
એને તો બસ

કેટકેટલું બધાએ કહ્યું એને
કહ્યું એને કે ખળખળતા ઝરણ પર વહનભર દોર તરલ લીટી
કે વન ઉપવનમાં સુમનથી સુમન લીટી સુવાસિત
કે પ્રભાતે વૃક્ષમાં ડાળડાળ વચવચાળ લીટી કલશોરી
કે પીંજેલા કાળા રૂના ઢગલા જેવાં વાદળાં વચવચે ઝબૂકતી લીટી
કે લપકતી અગનજ્વાળાઓની ટોચને ટોચ સાથે સાંકળતી લીટી કેસરિયાળ

કંઈક લીટી દોરી હતી એણે આમ તો
તેમ પણ
એવી પણ
તેવી પણ
જેવી પણ
કેવી પણ
પણ જોતા જ આંખ ઠરે?
પણ વળે કાળજે ટાઢક?
પણ થાય બત્રીસે કોઠે દીવા?
પણ આવે દોર્યાનો ઓડકાર?
પણ પ્રથમ બિંદુથી અંતિમ બિંદુ સુધી પહોંચતાં પૂરો થઈ જાય આજનમ કોડ?

એને તો બસ
સરખી એક લીટી દોરવી છે.

          – હેમંત ધોરડા (Hemant Dhorda- Liti. Kavita / Poems, Lok Sahitya in Gujarati. Literature and art site)

Tags :


હરીન્દ્ર દવે – મેળો આપો તો


મેળો આપો તો એક માનવીની સંગ,
અને એકલતા આપો તો ટોળે,
જીવન આપો તો એવું આપો કે
શ્વાસ એના કેફના કસૂંબાને ઘોળે !

તરતાં ના આવડે લગાર અને તગતગતા
તડકાનો દરિયો લલકારે.
થાકેલી આંખો અંજાતી નથી, તોયે
થોડાં મૃગજળ ચળકે છે મઝધારે.

ટીંપેથી પાય તો ધરાઉં, સાવ તરસ્યો હું
રહી ગયો છલકાતી છોળે.

સૂની બપોરની આ એકલતા એકલતા
એકલતા બોલી અકળાવો.
ઊગતી સવારના આ ડહોળાતા રંગમાં
જો થોડી આ સાંજ ઘૂંટી લાવો.

કોઇએ ના હોઠે અડકાડ્યું એ અમરતને
કોણ હવે આકાશે ઢોળે?

          -હરીન્દ્ર દવે (Harindra Dave – Maelo aapo toe. Poems in Gujarati. Literature and art site)

Tags :


ઉમાશંકર જોશી – આજ મારું મન માને ના

આજ મારું મન માને ના.
કેમ કરી એને સમજાવું,
આમ ને તેમ ઘણું ય રીઝાવું;
રેઢું મૂકી આગળ શેં જાવું ?
વાત મારી લે કાને ના.
આજ o

ચાલ, પણે છે કોકિલ સારસ,
આવ, અહીં છે મીઠી હસાહસ;
દોડ, ત્યાં લૂંટીએ સાહસનો રસ.
સમજતું કોઈ બાને ના.
આજ o

ના થઈએ પ્રિય છેક જ આળા,
છે જગમંડપ કંઈક રસાળા;
એ તો જપે બસ એક જ માળા,
કેમ મળે તું આને ના.
આજ o

         – ઉમાશંકર જોશી (Umashankar Joshi. Aaj maru maan manae na . Kavita in Gujarati. Literature and art site)

Tags :


‘મંગલપંથી’ મગન મકવાણા – યાદ

ભીની ભીની ગંધ, લ્યો આવી ચડી !
ક્યાંક નક્કી યાદની હેલી ચડી !
– મગન મકવાણા ‘મંગલપંથી’

          – ‘મંગલપંથી’ મગન મકવાણા (‘Mangalpanthi’ Magan Makwana. Yaad. Vicharo in Gujarati. Literature and art site)

Tags :


‘કિસ્મત’ કુરેશી (ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી) – હૃદય

એક કોરે કાળજું ને એક કોરે છે શિલા,
કર્મ એક સરખું કરે છે, જુલ્મી ને શિલ્પી ઉભય;
કિંતુ ધરતી-આભ કેરો છે તફાવત બેઉમાં,
એકનું પથ્થર-હૃદય બીજાનું પથ્થરમાં હૃદય.

         – ‘કિસ્મત’કુરેશી (‘Kismat’ Kureshi. Vicharo in Gujarati. Literature and art site)

Tags :


રાજેન્દ્ર પટેલ – બાપુજીનું પહેરણ

આ ધૂળેટીએ
રંગાઈ જવાના ડરે,
બાપુજીનું જૂનું પહેરણ પહેર્યું.

અને એમના શબ્દો યાદ આવ્યાઃ
દીકરા, પહેરણ ભલે સાંધેલું હોય
પણ ચોખ્ખું રાખજે.

દિવસભર રંગાઈ ગયા પછીયે
પહેરણ ખરે જ ચોખ્ખું,
હળવું, કપાસના ફૂલ જેવું લાગતું હતું.

સાંજ પડે સમજાયું
કે આ પહેરણ તો
ના પહેરીનેય પહેરાય એવું,
અને એકવાર પહેર્યા પછી
ક્યારેય ન ઉતરે એવું હતું.

સવારે રોજની જેમ
ઇસ્ત્રીબંધ નવું ખમીસ પહેર્યું
તોય લાગતું રહ્યું કે
પેલું પહેરણ તો જાણે
હાડમાં હાજરાહજૂર છે!

          – રાજેન્દ્ર પટેલ (Rajendra Patel- Bapuji nu pehran. Kavita / Poems, Lok Sahitya in Gujarati. Literature and art site)

Tags :


‘નિરંકુશ’ કરસનદાસ લુહાર – એવું એકાદ કોઈ ગામ હોય!

એવું એકાદ કોઈ ગામ હોય!
ચીંધ્યું ચીંધાય એવી દિશામાં નો’ય
અને નક્શામાં જેનું ના નામ હોય!

સૂરજની સ્હેજ આંખ ઊઘડતાં કોતિકડું
સંતાતું ક્યાંક ચૂપચાપ;
અંધારાં ઊતરીને હમચી ખૂંદેને પછી
હાજરાહજૂર આપોઆપ!
પંડ્ય તણા પાછોતરા પડછાયા પહેરવા
સૂરજની ખોજ અવિરામ હોય!
એવું એકાદ કોઈ ગામ હોય!

ખેલાતી હોય ધૂમ ચોપાટ્યું ચોકમાં
ને દોમદોમ ડાયરાઓ ડેલીએ,
કોરો રહેલ કોઈ ચૂલો પલાળવાને
ત્રાટકતું હોય કોઈ હેલીએ!
ઓલ્યે ભવ અધપીધા હુક્કાનો કેફ
જાણે પૂરો કરવાનો નો આમ હોય ?
એવું એકાદ કોઈ ગામ હોય!

         – ‘નિરંકુશ’ કરસનદાસ લુહાર (‘Nirankush’ Karsandas Luhar – Aevu ekad koi gaam hoi. Kavita, Shayari in Gujarati. Literature and art site)

Tags :