Archive for December, 2005

હસે તેનું ઘર વસે

Saturday, December 31st, 2005


તમારી ગ્રહદશા કેવી ચાલે છે એ તમે જોયું ?
(Humor / fun in Gujarati. Literature and art site)

વિશાલ મોણપરા – બુઢાપો

Friday, December 30th, 2005

જુવાની ભલે વીતી હોય દીલ તો હજી જુવાન છે
છીપમાં ફરી સંતાઇ મોતી બનવાનું અરમાન છે
ચાલને પ્રીયે જઇએ ઊડી, પાંખમાં પરોવી પાંખ
હજી આંખ મંહી વિચરતા વિહંગની ઊડાન છે
હાથમાં પકડી હાથ આજે નાચીએ મન મુકીને
ભમરા પાસેથી ઉધાર લીધેલું એક ગાન છે
પ્રેમથી સીંચ્યુ તે મારા ઘર આંગણને કેટલું
તુ ના હો તો આ ફૂલવાડી એક રણમેદાન છે
મોત પણ મુકી દેશે થાકીને હથીયાર હેઠાં
તારી સાડીના પાલવમાં છુપાવેલ મારો જાન છે
બુઢાપો એટલે સંસારનું પાકી ગયેલુ ફળ મીઠું
જુવાની જિંદગીની શાન છે તો બુઢાપો એક વરદાન છે

          – વિશાલ મોણપરા(Vishal Monpara – budhaapo. Poems in Gujarati. Literature and art site)

ડૉ. વિવેક મનહર ટેલર – મળતી રહે

Wednesday, December 28th, 2005

શબ્દ ના રસ્તે મને મળતી રહે,
સ્વપ્ન ની અડફેટ માં ચડતી રહે.

હું અહલ્યા માં થી શીલા થઈ જઈશ,
એક નજર તો આ તરફ કરતી રહે.

તું પ્રણય ની હો પરી, શમણું હતું,
આદમી ને પણ કદી અડતી રહે.

છું સમય ની છીપ માં મોતી સમો,
સ્વાતિ નું થઈ બુંદ તું પડતી રહે.

હું સમય ની પાર વિસ્તરતો રહું,
તું અનાગત થઈ મને મળતી રહે.

લોક સમજે કાંકરો ડૂબી ગયો….
અંક માં રાખી મને વહતી રહે.

         – ડૉ. વિવેક મનહર ટેલર (Dr. Vivek Tailor – Malti Rahae. Ghazal in Gujarati. Literature and art site)

જયંતી પટેલ – વિચારો

Friday, December 23rd, 2005

 • દીવા નીચે અંધારું અને દીવા ઉપર મેંશ,
  જગને અજવાળે તોય ન ભાળે દિન ઉજેશ.
 • આંખે એની સાગર લહેરાય, છલકે તો આંસુ થાય;
  હૈયે ભલે અગન બળતો, તોય છલક્યે હૂંફ વરતાય.
 • અમે વરસાદી વાદળ સાજન, તમે અષાઢી વીજ;
  થઈ કટારી હૈયે વાગ્યાં, કેવી તમારી આ રીસ?
 • – જયંતી પટેલ
  (Jayanti Patel Vicharo Literature and art site)

  વજુ કોટક – પ્રભાતનાં પુષ્પો

  Tuesday, December 20th, 2005

  તારા તરફનો એક જ આંચકો અને મારો પતંગ કપાઇ ગયો. મને ખાતરી થઇ કે હું ઘણે ઊંચે પહોંચેલો પણ મારો માંજો કાચો હતો. આવા કાચા દોરના એકાદ ટુકડા સાથે, આજે તો મારું હ્ર્દય આકશમાં લથેડિયાં લઇ રહ્યું છે અને જે પક્ષીઓ મારું સ્વાગત કરવા આવ્યાં હતાં તે ચાલ્યા ગયાં છે.

  અને આવી મારી દશા જોઇને તું આનંદના પોકાર પાડે છે કે, ‘કાપ્યો રે, કાપ્યો.’ આખરે જો આમ જ કરવું હતું તો પછી તેં મને તારી આગાસીમાં શા માટે ખેંચી ન લીધો? મારા દુંખનો પાર નથી, કારણ કે હું કયાં જઇને પડીશ તે હું જાણતો નથી. આકાશમાં હું ભટકી રહ્યો છું પણ પળે પળે મારી ગતી જમીન તરફ ઢળી રહી છે અને મને પકડવા માટે અનેક આત્માઓ કૂદી રહ્યા છે.

  કેવી આ જિંદગી છે! કાપે છે કોઇ અને પકડવા દોડે છે બીજા …!! (Vaju Kotak Gujarati Chitralekha. Vicharo Literature and art site)

  રમેશ પારેખ – મેળો

  Monday, December 19th, 2005

  આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
  કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

  કોઈ ફુગ્ગાનું ફૂટવુ લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
  કોઈ અંગત ફાડી ખાનારુ એકાંત લઈને આવ્યા છે.

  કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
  કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.

  કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
  કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે.

  આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
  સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.

            – રમેશ પારેખ (Ramesh Parekh – Mealo. Poems in Gujarati. Literature and art site)

  પિનાકિન ઠાકોર – ચૂપ

  Friday, December 16th, 2005

  ડાળીએથી એક ફૂલ ચૂંટયું તમે,
  ને આખા વગડામાં પાનખર પેઠી;
  હોઠ મહીં એક વેણ રૂંધ્યું તમે,
  ને આખી મ્હેફિલ તે ચૂપ થઇ બેઠી.

            – પિનાકિન ઠાકોર (Pinakin Thakor – Chhup, Shayari in Gujarati. Literature and art site)

  ધીરજ – ગાય

  Wednesday, December 14th, 2005

  nullકાળી ધોળી રાતી ગાય.
  પીએ પાણી ચરવા જાય,
  ચાર પગ ને આંચળ ચાર,
  વાછરડાં પર હેત અપાર.
  પાછળ પૂંછડા પર છે વાળ,
  તેથી કરે શરીરસંભાળ;
  કાન શિંગ, બે મોટી આંખ,
  પૂંછડાથી ઉડાડે માખ.
  નરમ રુવાંટી લિસ્સું અંગ,
  ગેલ કરે વાછરડાં સંગ.
  દૂધ તેનું ધોળું દેખાય,
  સાકર નાખી હોંશે ખાય,
  દહીં માખણ ઘી તેનાં થાય,
  તેથી બહુ ઉપયોગી ગાય.

            – ધીરજ (Dhiraj – Gaai nursery rhyme / Bal geeto, Poems in Gujarati. Literature and art site)

  ‘ઇન્દ્રધનુ’ સુંદરજી બેટાઇ – અલ્લા બેલી

  Sunday, December 11th, 2005

  સુંદરજી બેટાઇ / Sunderji Betai
  અલ્લા બેલી, અલ્લા બેલી,
           જાવું જરૂર છે,
           બંદર છો દૂર છે!
  બેલી તારો બેલી તારો,
           બેલી તારો તું જ છે,
                    બંદર છો દૂર છે!

  ફંગોળે તોફાની તીખાતા વાયરા,
  મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;
  તારા હૈયામાં જો સાચી સબૂર છે.
           છોને એ દૂર છે!
  આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
  તારી નૌકાનેય દેતી એ ઝાટકા;
  મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે;
                    બંદર છો દૂર છે!

  આંખોના દીવા બુઝાવે આ રાતડી,
  ધડકે ને ધડકે જે છોટેરી છાતડી;
  તારે છાતીમાં, જુદેરું કો શૂર છે
           છોને એ દૂર છે!
  અલ્લા બેલી, અલ્લા બેલી,
           જાવું જરૂર છે,
           બંદર છો દૂર છે!
  બેલી તારો બેલી તારો,
           બેલી તારો તું જ છે,
                    બંદર છો દૂર છે!

            – ‘ઇન્દ્રધનુ’ સુંદરજી બેટાઇ (‘Indradhanu’ Sundarji Betai – Allah Belly Poems in Gujarati. Literature and art site)

  જયોતિ ગાંઘી – ગમતાનું ગામ ગઇ

  Thursday, December 8th, 2005

  મને ગમતાનું ગામ જરા ગોતી ધો કોઇ,
           હું તો શમણાના વનમાં ખોવાણી.

  મારો ચાંદલો ચાંદલિયાને ચોડી ધો કોઇ,
           રાત કુમકુમના ઘોળમાં ઘેરાણી.

  ઓલ્યા તારલાનાં તેજ જરા ચૂંટી લ્યો કોઇ,
           ભીનું આભલું ને વાત આ વંકાણી.

  ઓલ્યા કોકિલનો કંઠ જરા લૂંટી લ્યો કોઇ,
           પ્રીત ગીત્યુંની ભાત્યમાં ગૂંથાણી.

  મને મોરલાને પીંછે મઢી ધો રે કોઇ,
           હું તો અષાઢી ઓરતે બંધાણી.

  મને ગમતાંનું નામ જરા ગોતી ધો કોઇ,
           પીટૂયા ગારૂડીની ગાંઠે ગંઠાણી.

            – જયોતિ ગાંઘી (Jyoti Gandhi- gamta nu gaam gai. Poems in Gujarati. Literature and art site)

  ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસ – વહાલી બા

  Saturday, December 3rd, 2005

  બા લાગે વહાલી, મને તો
           બા લાગે વહાલી;

  વહાલામાં વહાલી, મને તો
           બા લાગે વહાલી

  હિંચોળી ગીત મીઠાં ગાતી
           દૂધ મીઠું પાતી … મને તો

  જે માગું તે સઘળું દેતી
           બચીઓ બહુ લેતી … મને તો

  હસું રમું તો રાજી થાતી
           રડું તો મૂંઝાતી … મને તો

  વાંક બધા યે માફ કરીને
           મારા ગુણ ગાતી … મને તો

            – ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસ
  (Tribhuvanbhai Vyas- Vahali Ba. Poems in Gujarati. Literature and art site)

  કહેવતો

  Friday, December 2nd, 2005

  અનેક પ્રસંગો બની ગયા પછી તેમાંથી સારરૂપ જે શિક્ષણ ઊભું થાય છે તે કહેવતનું રૂપ લે છે. કહેવત ઉપરથી એક પ્રજાની ડહાપણનું માપ નીકળી શકે છે.

  – વા વાત લઇ જાય. માઠા ખબર વીજળીવેગે જાય.
  – સાસ ત્યાં સુધી શોષ. જીવે ત્યાં સુધી જંજાળ. દમ ત્યાં લગી દવા.

            -લોક સાહિત્ય(lok sahitya. Poems and proverbs in Gujarati. Literature and art site)

  અનામી – મા નવ

  Thursday, December 1st, 2005

  યેષાં ન વિદ્યા, ન તપો ન દાનં,
  ન જ્ઞાનં, ન શિલં, ન ગુણો ન ધર્મં ।
  તે મૃત્યુલોકે ભૂવિભારભૂતા,
  મનુષ્યરૂપેણ મૃગાસ્ચરન્તિ ॥

  માનવી માનવ બને તો ઘણું!

            – અનામી (Aanami – Ma Nav. Vicharo in Gujarati. Literature and art site)