કૃષ્ણ દવે – વહીવટ

(ખાસ ડૉ. વૈશાલી વિવેક ટેલરના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

સૂરજની ફાઇલમાં અંધારું વાંચીને તમને કાં લાગે નવાઇ ?
આ તો ઘુવડનો વહીવટ છે ભાઇ!

કોયલના ટહુકાના ટેન્ડરનું પૂછો છો ? એ લટકે અધ્ધર આ ડાળે,
‘કા-કા’ કરીને જે આપે સપોર્ટ એવા કાગડાની વાત કોણ ટાળે ?
જાવ જઇ સમજાવો સુરીલા કંઠને કે મૂંગા રહેવામાં મલાઇ.
આ તો ઘુવડનો વહીવટ છે ભાઇ!

પાડી પાડીને તમે પાડો છો બૂમ, પણ તમ્મારું સાંભળે છે કોણ ?
દુર્યોધન દુ:શાસન હપ્તે મળે છે ગિફ્ટમાં મળે છે પાછા ઢ્રોણ !
ઊધઇની સામે કાંઇ લાકડાની તલવારે લડવાની હોઇ ના લડાઇ.
આ તો ઘુવડનો વહીવટ છે ભાઇ!

રેશનની લાઇનમાં ઊભેલી કીડી ક્યે ટીપું કેરોસીન તો આપો,
પેટ તો બળે છે હવે પંડ્યનેય બાળવું છે લ્યો આ દીવાસળી , ને ચાંપો.
ઇ બહાને તો ઇ બહાને આ અજવાળા સંગાથે થોડીક તો થાશે સગાઇ.
આ તો ઘુવડનો વહીવટ છે ભાઇ!

         - કૃષ્ણ દવે (Krushna Dave – Vahivaat. Poems in Gujarati. Literature and art site)

Tags:

One Response to “કૃષ્ણ દવે – વહીવટ”

  1. farid says:

    ભગવતી કુમાર સાહેબ મોટા સાહિત્‍યકાર છે. અફસોસ છે કે એમની કટારો ગુ. સમાચાર , સંદેશ કે ભાસ્‍કર જેવા દૈનિકોમાં નથી આવતી ,છતાં ગુ. મિત્ર માટે તેમના લખાણો કંઇ કમ નથી.
    ફરીદ .