રાજેન્દ્ર શુક્લ – તું કોણ છે?

(ખાસ પંચમ શુકલને આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

નિત તરંગિત થાઉં ને તું માં શમું તું કોણ છે?
સર્વ ક્ષણને જન્મ હું તુજને ગમું, તું કોણ છે?

પૂર્ણ રૂપે હું પ્રગટ થાઉં, પ્રકાશું પૂર્ણ થઇ,
તવ ક્ષિતિજ પર પૂર્ણ રૂપે આથમું, તું કોણ છે?

કોક વેળા અન્ય રૂપે અન્ય ગ્રહમાં તું શ્વસે,
હું મને તારા સ્મરણમાં નિર્ગમું, તું કોણ છે?

અનવરત આનંદિની ઓ તટ રહિત મંદાકિની,
રમ્યલીલા તું રમે તે હું રમું, તું કોણ છે?

કોણ છે તું વિશ્વરૂપા, તું અકળપથ ચારિણી,
તારી ઇચ્છાથી સતત ભમતો ભમું, તું કોણ છે?

         – રાજેન્દ્ર શુકલ (Rajendra Shukla Tu Kone Chhe. Kavita. Literature and art site)

Tags:

2 Responses to “રાજેન્દ્ર શુક્લ – તું કોણ છે?”

  1. આ ગઝલમાં તું કોણ છે? એને વિવિધ પરિપ્રેક્ષ્યમાં માણી શકાય છેઃ

    પ્રિયતમા
    પ્રકૃતી અથવા…
    જગત જનની આરાસુરી, અષ્ટભૂજાળીની લીલાનું અવગાહન, ઈચ્છાનું અનુસરણ….