મહેન્દ્ર જોશી – વધુ શું જોઇએ

કાગળ કલમ ને મેજ છે એથી વધુ શું જોઇએ
આંખોમાં થોડો ભેજ છે એથી વધુ શું જોઇએ

એ આગિયાનું હો કે હો ચકમક ઘસ્યાની વેળનું
મુઠ્ઠીમાં ખપનું તેજ છે એથી વધુ શું જોઇએ

આંખોમાં ઠાલા હેતની ભરતી ઊછળતી હોય છે
તારી આંખોમાં સ્હેજ છે એથી વધુ શું જોઇએ

મનમાં જ ઘંટારવ થતો,મનમાં પ્રગટતા દીવડા
મનમાં જ તું સાચે જ છે એથી વધુ શું જોઇએ

પામું જો એવી ઊંઘ તો પડખાં સતત ઘસવાં પડે
શબ્દો જ ભીની સેજ છે એથી વધુ શું જોઇએ

એ જન્મથી અળગી થઇ વર્ષો પછી પાછી મળી
ઓ રે ! ઉદાસી તું એ જ છે એથી વધુ શું જોઇએ

કાલે પ્રભાતી રાગમાં લહેરાઇને ઊડી જઇશ
આ કાવ્ય દસ્તાવેજ છે એથી વધુ શું જોઇએ

       – મહેન્દ્ર જોશી (Mahendra Joshi – Vadhu shu joiyae. Ghazals in Gujarati. Literature and art site)

Tags:

2 Responses to “મહેન્દ્ર જોશી – વધુ શું જોઇએ”

  1. એ આગિયાનું હો કે હો ચકમક ઘસ્યાની વેળનું
    મુઠ્ઠીમાં ખપનું તેજ છે એથી વધુ શું જોઇએ..

    -આટલું સમજી શકાય તો વધુ શું જોઈએ?

  2. સુંદર રચના