હર્ષદ ત્રિવેદી – કાંકરી ખૂંચે છે

(ખાસ જાગૃતિબહેનના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

કોઇ સપનામાં ઊગે છે સૂરજની જેમ, અને મારામાં કાંકરી ખૂંચે છે !
પાંપણ ઢળે તો કહે અંધારું કેમ? અને મારામાં કાંકરી ખૂંચે છે !

એકાંતે હોય તોય એકલાં નહીં, ને છતાં મેળો કહેવાય એવું કાંઇ નહીં,
આવનારાં આવે ને જાનારાં જાય, તોય પડવા દેવાની કોઇ ખાઇ નહીં;
કોઇ બારણું અધૂકડું ખોલી કહે આવ, અને અને મારામાં કાંકરી ખૂંચે છે !
પછી બે કાંઠે છલકાતું આખું તળાવ, અને મારામાં કાંકરી ખૂંચે છે !

મળવાનું સહેલું પણ ભળવાનું અઘરું, ને ખોવાવું એ જ ખરો ખેલ !
ઠરવાનાં ઠેકાણાં હડસેલે દૂર, ક્યાંક મળવાનો એવો પણ છેલ !
કોઇ માંડે છે મધરાતે મીઠી રમત, અને મારામાં કાંકરી ખૂંચે છે !
પછી ખીણમાં ધકેલાતો આખો વખત, અને મારામાં કાંકરી ખૂંચે છે !

Tags:

3 Responses to “હર્ષદ ત્રિવેદી – કાંકરી ખૂંચે છે”

 1. ડૉ. વિવેક ટેલર says:

  ખૂબ સુંદર ગીત… અંતર્ભાવોનું અદભૂત આલેખન… દરેક વખતે શબ્દો વધુ પ્રગાઢ આલિંગન આપતા જણાય છે.. ઊર્મિ ની સુંવાળપ અને કશુંક ખૂંચવાનો વિરોધાભાસ અહેસાસ ને અડતો રહે છે… અભિનંદન બંને ને- ગીતકાર અને ગીત નો આસ્વાદ કરાવનાર ને!

 2. ખુબ જ સુંદર કાવ્ય છે આ. ધન્યવાદ કવિને અને આભાર જાગૃતિમેડમ અને ફોર એસ.વીનો આ કાવ્યનું રસાઅસ્વાદન કરાવવા માટે.

 3. DEEPAK TRIVEDI says:

  ડંખે છે મને !——-દીપક ત્રિવેદી
  નિજ શ્વાસોચ્છવાસ ડંખે છે મને !
  આંધળો વિશ્વાસ ડંખે છે મને !
  ખૂબ ઊડ્યો છું હવા લઇ પાંખમાં-
  એ નું એ આકાશ ડંખે છે મને !
  એક મુઠ્ઠી લઇ અને વાવી દીધો-
  એ જ લીલો ચાસ ડંખે છે મને !
  આંગળીમાં એ અચાનક જઈ ચડી-
  વાંસની એ ફાંસ ડંખે છે મને !
  ગોખલે દીવો કરું છું તે દિવસ-
  બે-ઘડી અજવાસ ડંખે છે મને !
  —-દીપક ત્રિવેદી