Month: January 2006

કરસનદાસ માણેક – એવું જ માગું મોત

એવું જ માગું મોત,
         હરિ, હું એવું જ માગું મોત !
આ થયું હોત ને તે થયું હોત ને
                  જો પેલું થયું હોત …
અન્ત સમે એવા ઓરતડાની
                  હોય ન ગોતાગોત ! – હરિ, હું

કાયાની કણીકણીથી પ્રગટે
                  એક જ શાન્ત સરોદ:
જો જે રખે પાતળું કદી યે
                  આતમ કેરું પોત ! – હરિ, હું

અન્તિમ શ્વાસ લગી આતમની
                  અવિરત ચલવું ગોત:
ઓતપ્રોત હોઉં આપ મહીં જ્યારે
                  ઊડે પ્રાણ-કપોત ! હરિ, હું

ઘન ઘન વીંધતાં, ગિરિગણ ચઢતાં,
                  તરતાં સરિતા-સ્નોત.
સન્મુખ સાથી જનમજનમનો
                  અંતર ઝળહળ જ્યોત !
હરિ, હું તો એવું જ માગું મોત !

         – કરસનદાસ માણેક (Karsandas Manek – Aavu j magu mot. Kavita in Gujarati. Literature and art site)

Tags :

ઇન્દુલાલ ગાંધી – આંધળી માનો કાગળ

(ખાસ જાગૃતિબહેનના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
                  ગગો એનો મુંબઇ કામે;
                  ગીગુભાઇ નાગજી નામે.
લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ !
                  સમાચાર સાંભળી તારા,
                  રોવું મારે કેટલા દ્હાડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
                  નિત નવાં લૂગડાં પ્હેરે
                  પાણી જેમ પઇસા વેરે.
હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ !
                  કાયા તારી રાખજે રૂડી,
                  ગરીબની ઇ જ છે મૂડી.
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
                  તારે પકવાનનું ભાણું,
                  મારે નિત જારનું ખાણું.
દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
                  તારે ગામ વીજળીદીવા,
                  મારે આંહીં અંધારાં પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
                  હવે નથી જીવવા આરો,
                  આવ્યો ભીખ માગવા વારો.

દેખતા દીકરાનો જવાબ

         – ઇન્દુલાલ ગાંધી(Indulal Gandhi – Aandhali Maa no kagal. Poems in Gujarati. Literature and art site)

Tags :

સ્નેહરશ્મિ – વતન

(ખાસ જાગૃતિબહેનના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

આવ્યો વ્હાલે વતન હરખે, દીર્ઘ કૈં વર્ષ વીત્યે,
દોડ્યો જોવા પરિચિત બધાં સ્થાન સૌ બાલ્ય કેરાં
જોયો વ્હાલો વડ જહીં રમ્યો આંબલીપીપળી તે
નાનુ, હલ્લુ, રતુ રમણની સાથ, ને જીર્ણ દેરાં –
પૂછે તને અપરિચિત શાં ‘કોણ તું ? કેમ આવ્યો ?’
હૈયું દુભ્યું; મુખ પડી ગયું, જાગિયા કંપ પ્રાણે –
જાણે તને વદન, વતને હા ! તમાચો લગાવ્યો.

         – સ્નેહરશ્મિ (Sneharism – Vatan . Kavita in Gujarati. Literature and art site)

Tags :

ડોશી અને જુવાન નર

પીપળ પાન ખરંતા હસતી કુંપળીયા
મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપલીયા.

આ પંક્તિનું સંપૂર્ણ કાવ્ય જે કોઇ વાચક ભાઇબેન પાસે હોય તો ‘અભિપ્રાય’ માં મોકલવા વિનંતી છે.

ધન્યવાદ – એસ વી

‘કાન્ત’ મણિશંકર રત્નજી ભટ્ટ – સાગર અને શશિ

(ખાસ જાગૃતિબહેનના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)
'કાન્ત' મણિશંકર રત્નજી ભટ્ટ  / 'Kant' Manishankar Ratanji Bhatt
આજ, મહારાજ ! જલ પર ઉદય જોઇને
ચન્દ્રનો હ્રદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે,
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

નવલ રસ ધવલ તવ નેત્ર સામે !
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા, કેલિ કૂજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

         – ‘કાન્ત’ મણિશંકર રત્નજી ભટ્ટ (‘Kant’ Manishankar Ratanji Bhatt – Sagar ane raashi. Poems in Gujarati. Literature and art site)

Tags :

નંદીની નરેન્દ્ર પારેખ – માયાની જાળ

નામ તારું હોઠનો શણગાર છે,
આ તો તારી ને મારી વચ્ચેની વાત છે.

કેવું છે આ મનડું જે માલિક થઇ બેઠું છે,
તારા નામ રૂપી નાવડીનું માલિક થઇ બેઠું છે.

દુનિયા છે મોટી ને શબ્દો છે ઝાઝા,
કેટકેટલા ભૂલ્યા તો કો’ક યાદ રાખ્યા.

જીવનો સંગાથ છે તું આશાની દોરી
તારાં વિના જીવનની પોથી છે કોરી.

સાઘુના સત્વની તું છે પહેલી
‘મમતા’ ની તું છે જીગરી સહેલી.

તું ન મળે તો થનગને છે કાયા,
જાનના જોખમે લોક પકડે તારી છાયા.

રજવાડા કંઇક તારા અત્તરોથી ન્હાયા,
ઘણાં સિકંદરો તને છોડી દટાયા.

“માયા ઓ માયા!” તું એવી કેવી માયા?
જો તો ખરી લોક તારી પાછળ રઘવાયા.

         – નંદીની નરેન્દ્ર પારેખ (Nandini Narendra Parekh – Maya ni jaal. Poems in Gujarati. Literature and art site)

Tags :

સુવિચારો

– વિદ્યા એક એવી વીંટી છે, જે વિનયના નંગ વડે જ દીપે છે. – સંત તુલસીદાસ

– વિચાર ભાગ્યનું બીજું નામ છે. – સ્વામી રામતીર્થ.

– સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે. – મનુ

બાલમુકુંદ દવે – આકાશી અસવાર – વર્ષાનું આગમન

ઊની રે વરાળો પહોંચી આભમાં
         ધરતી પાડે રે પોકાર;
દુંખિયાંનો બેલી સમરથ ગાજિયો,
         વા’લીડે કરિયો વિચાર:
આવે રે રાજાનો રાજા મેહુલો.

આવે રે દેકારા દેતો દખ્ખણે,
         વરતે જયજયકાર;
છડી રે પોકારે વનના મોરલા,
ખમ્મા ! આવો અનરાધાર:
આવે રે રાજાનો રાજા મેહુલો.

છૂંટાં રે ઊડે રાજાનાં ઓડિયાં,
         ઝૂલે વીજની તલવાર;
અંકાશી ધોડાના વાગે ડાબલા,
સાયબો થિયો છે અસવાર:
આવે રે રાજાનો રાજા મેહુલો.

નીચે રે મહેરામણ ઘેરા ગાજતા,
         ઊંચે હણેણે તોખાર;
એકના પડછંદા દૂજે જાગતા,
         ધરતી-આભ એકાકાર:
આવે રે રાજાનો રાજા મેહુલો.

         – બાલમુકુન્દ દવે (Balmukund Dave – Aakhashi Aavsar. Poems in Gujarati. Literature and art site)

Tags :

ઉમાશંકર જોશી – ગીત અમે ગોત્યું


અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે વનવનનાં પારણાંની દોરે, શોધ્યું ફૂલોની ફોરે, કે ગીત અમે …
અમે ગોત્યું વસંતની પાંખે, ને વીજળીની આંખે, કે ગીત અમે …
અમે શોધ્યું સાગરની છોળે, વાદળને હિંડોળે, કે ગીત અમે …
અમે ગોત્યું કંઇ સેંથીની વાટે, લોચનને ઘાટે, કે ગીત અમે …
અમે ખોળ્યું શૈશવને ગાલે, કે નહ-નમી ચાલે, કે ગીત અમે …
અમે જોઇ વળ્યાં દિશદિશની બારી, વિરાટની અટારી,
ઉરે આંસુ પછવાડે હીંચતું, ને સપનાં સીંચતું, કે ગીત અમે …

         – ઉમાશંકર જોશી (Umashankar Joshi – Geet aame gotayu. Poems in Gujarati. Literature and art site)

Tags :

રમેશ પારેખ – તમને ફૂલ દીધાનું યાદ

(ખાસ ડૉ. વિવેક ટેલરના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

રમેશ પારેખના ગીતો ગુજરાતી ભાષાનો જાણે આત્મા છે. 1968 ની સાલ માં લખાયેલું ‘તમને ફૂલ દીધાનું મને યાદ’ કાવ્ય રમેશ પારેખ ની કેટલીક સર્વકાલીન શ્રેષ્ઠ રચનાઓમાંનું એક. દરેક કવિ પોતાની કૃતિને લાડલા સંતાનની પેઠે ચાહે છે. ચાહતની આ પરાકાષ્ઠાનું અદભૂત ઉદાહરણ એટલે છે…..ક અગિયાર વર્ષ બાદ પોતાની લોકલાડીલી કવિતાનું ગીતમાં રૂપાંતરણ. બંને કવિતા અને ગીત આ સાથે આસ્વાદાર્થે અહીં બીડ્યાં છે.

કાવ્ય

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ
સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતરશેઢે, સોનલ…
અમે તમારી ટગરફૂલ-શી આંખે ઝૂલ્યા ટગરટગર તે યાદ
અમારી બરછટ બરછટ હથેળીઓને તમે ટેરવાં ભરી કેટલીવાર પીધાનું યાદ
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ
અડખેપડખેનાં ખેતરમાં ચાસ પાડતાં હળ મારી આંખોમાં ફરતાં
એકલદોકલ કોઈ ઉછળતું સસલું દોડી જતાં ઝાંખરાં પરથી પર્ણો ખરતાં
તરે પવન ના લયમાં સમળી તેના છાયા છૂટાછવાયા ફાળ ઘાસમાં ભરતા
ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઊડી એકસામટું પાંખ વીંઝતું હવા જેવડું થાય
ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં સવાર પીતું નીલરંગનું પંખી જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ
(27-9-68)

( કાવ્યનું રૂપાંતર ગીતમાં )

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે
         તમને ફૂલ દીધાનું યાદ
કેડસમાણી લીલોતરીમાં ખૂલ્લાં ખેતર તરતાં
         સોનલ, તમને ફૂલ દીધાના અવસરથી નીતરતાં
તમે અમારી હથેળીઓ ભેંકાર કેટલીવાર
         ટેરવાં ભરી પીધાનું યાદ
ખેતરમાં આ અડખપડખનાં હળ આંખોમાં ફરતાં
એકલદોકલ સસલું દોડી જતું, પાંદડાં ખરતાં
સમળી ના પડછાયા છૂટી ફાળ ઘાસમાં ભરતા
અમે તમારી ટગરફૂલ-શી ટગરટગરતી આંખે
         જિયલ ઝૂલા ઝૂલ્યા નું યાદ
ડાળ ઉપર એક ઠીબ, ઠીબથી બપોર ફંગોળાય
પાંખ વીંઝતું પાંખ વીંઝતું હવા જેવડું થાય
સવારપંખીનો પડછાયો ઠીબ વિશે તરડાય
ઠીબમાં ઝૂકી સવાર પીતું નીલરંગનું પંખી-
         જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ
(10-5-79)

          – રમેશ પારેખ (Ramesh Parekh – Tamne Phhool Aapiya nu yaad. Poems in Gujarati. Literature and art site)

Tags :

અનામી – આમંત્રણ

(ખાસ જાગૃતિબહેનના આભારી છીએ આ આમંત્રણ મોકલવા બદલ)

         

પરમકૃપાળુ પવનદેવની ઇષ્ટ કૃપાથી

શ્રીમતિ સળીબેન અને શ્રી કાગળલાલના સુપુત્ર
ચિરંજીવી પતંગના શુભલગ્ન

શ્રીમતિ ફીરકીબેન અને શ્રી માંજાલાલની સુપુત્રી
અખંડ્સૌભાગ્યવતી ચિરંજીવી દોરી સાથે

તા. ૧૪ જાન્યુઆરી ૨૦૦૬ ના રોજ નિર્ધાર્યા છે.

તો, આ શુભ ખેંચણીયા પ્રસંગે ઊડણીયા દંપતિનો આનંદ લેવા
લૂંટણીયાઓ સહિત પધારી ઘોંઘાટમાં વૃદ્ધિ કરશોજી….

વિશેષ નોંધ – ગુંદરપટ્ટી પ્રથા બંધ છે.

          – અનામી (Aanami – Aamantran. Ramuj / Humor in Gujarati. Literature and art site)

Tags :

કૃષ્ણ દવે – શિક્ષણ ???

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.

મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.

દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું.

આ ઝરણાંઓને સમજાવો સીઘી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે.

અમથું કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું?
ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું.

એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
‘આઉટડેટ’ થયેલો વડલો મારી કાઢે ભૂલો !

         – કૃષ્ણ દવે (Krushna Dave – Shikshan. Poems in Gujarati. Literature and art site)

Tags :

હર્ષદ ત્રિવેદી – કાંકરી ખૂંચે છે

(ખાસ જાગૃતિબહેનના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

કોઇ સપનામાં ઊગે છે સૂરજની જેમ, અને મારામાં કાંકરી ખૂંચે છે !
પાંપણ ઢળે તો કહે અંધારું કેમ? અને મારામાં કાંકરી ખૂંચે છે !

એકાંતે હોય તોય એકલાં નહીં, ને છતાં મેળો કહેવાય એવું કાંઇ નહીં,
આવનારાં આવે ને જાનારાં જાય, તોય પડવા દેવાની કોઇ ખાઇ નહીં;
કોઇ બારણું અધૂકડું ખોલી કહે આવ, અને અને મારામાં કાંકરી ખૂંચે છે !
પછી બે કાંઠે છલકાતું આખું તળાવ, અને મારામાં કાંકરી ખૂંચે છે !

મળવાનું સહેલું પણ ભળવાનું અઘરું, ને ખોવાવું એ જ ખરો ખેલ !
ઠરવાનાં ઠેકાણાં હડસેલે દૂર, ક્યાંક મળવાનો એવો પણ છેલ !
કોઇ માંડે છે મધરાતે મીઠી રમત, અને મારામાં કાંકરી ખૂંચે છે !
પછી ખીણમાં ધકેલાતો આખો વખત, અને મારામાં કાંકરી ખૂંચે છે !

Tags :

ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ) – દિવસો જુદાઈના જાય છે

ગની દહીંવાલા / Gani Dahiwala(ખાસ ડૉ. વિવેક ટેલર્ ને આભારી છીએ આ ગઝલ અભિપ્રાયમાં મોકલવા બદલ)

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

         – ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ) (Gani Dahiwala – diwaso joodai na jai chhe. Ghazal in Gujarati. Literature and art site)

Tags :

ડૉ. વિવેક મનહર ટેલર – છૂટ છે તને

અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,
તારી શરત થી જીતવાની છૂટ છે તને.

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મ માં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

આ આંગળીનાં શ્વાસ માં થઈ શબ્દ ની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

         – ડૉ. વિવેક મનહર ટેલર (Dr. Vivek Tailor – Chhut chhe tane. Ghazal in Gujarati. Literature and art site)

Tags :