Archive for February, 2006

મકરન્દ દવે – ધૂળિયે મારગ

Monday, February 27th, 2006

(ખાસ ડૉ. વિવેક ટેલરના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)
કોણે કીધું ગરીબ છીએ ?
         કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રે ભોળા !
         આપણા જુદા આંક.
થોડાંક નથી સિક્કા પાસે,
         થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ?
          એમાં તે શી ખોટ ?
ઉપરવાળી બેંક બેઠી છે
         આપણી માલામાલ,
આજનું ખાણું આજ આપે ને
          કાલની વાતો કાલ.
ધૂળિયે મારગ કૈંક મળે જો
          આપણા જેવો સાથ,
સુખદુ:ખોની વારતા કે’તા
          બાથમાં ભીડી બાથ.
ખુલ્લાં ખેતર અડખે પડખે
          માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું
          ક્યાં આવો છે લાભ ?
સોનાની તો સાંકડી ગલી,
          હેતુ ગણતું હેત,
દોધિયાં માટે દોડતાં એમાં
         જીવતા જોને પ્રેત !
માનવી ભાળી અમથું અમથું
          આપણું ફોરે વ્હાલ ;
નોટ ને સિક્કા નાખ નદીમાં,
          ધૂળિયે મારગ ચાલ !

         – મકરંદ દવે (Makarand Dave – Dhuliyae marg. Poems in Gujarati. Literature and art site)

જાગૃતિ ત્રિવેદી – શંકર

Saturday, February 25th, 2006

શિવરાત્રિ નિમિત્તે શિવ-ભક્ત તરીકે મહાદેવ સાથેની અંતરંગ વાત એક કવિતા રૂપે તેના ચરણોમાં પ્રસ્તુત છે. – જાગૃતિ

પોતે પહેર્યાં ભભૂતિ વાઘાં,
અમને પહેરાવે નવીન મ્હોરાં !!
          શંકર, તું આવો કેવો ?

પોતે શિર ધરી ગંગજટા,
અમને ભાલે સદા અંગારા,
          શંકર, તું આવો કેવો ?

પોતે ભટકે થઇને જોગી,
અમને ભટકાવે બનાવી ભોગી,
          શંકર, તું આવો કેવો ?

પોતે હલાહલ અટકાવ્યું કંઠે,
અમને ઘૂંટ ગળાવે પરાણે,
          શંકર, તું આવો કેવો ?

          – જાગૃતિ ત્રિવેદી (Jagruti Trivedi – Shankar. Poems in Gujarati. Literature and art site)

તમે ચતુર કરો વિચાર

Friday, February 24th, 2006

ચાર ખૂણાનું ચોખંડુ
અધ્ધર ઉડે જાય
રાજા પૂછે રાણીને
આ ક્યુ જનાવર જાય
(પતંગ)

પડી પડી પણ
ભાંગી નહી
કટકા થયા બે ચાર
વગર પાંખે ઉડી ગઇ
તમે ચતુર કરો વિચાર
(રાત) (uukhana in Gujarati. Literature and art site)

મોહમ્મદઅલી ભૈડુ “વફા” – કાગળ લખું

Friday, February 24th, 2006

શબ્દનો વેપાર આ ફેલાયતો કાગળ લખું.
મૌનની દિવાલ આ ચિરાયતો કાગળ લખું.

લાગણીના મોગરા મ્હેકાયતો કાગળ લખું.
પાન સબંધોના કંઇ લીલાયતો કાગળ લખું.

વરસો થયાં પાષણ એ તૂટ્યો નાથી જરા.
એ ખડગ થોડો જરા મીણાયતો કાગળ લખું.

સંકીર્ણ થઈ ગઈ છે બધી શબ્દની ઇમારતો,
અર્થની ભંગિમા અંગડાયતો કાગળ લખું.

બન્ને તરફની બેકરારી એકાંતમા અશ્રુ વહે,

રેલા તમારી આંખમા રેલાયતો કાગળ લખું.

વ્યસ્ત હુંરર્હ્યો સદા પ્રતિબિંબની સજાવટમા,
મનનો આ આયનો તરડાયતો કાગાળ લખું.

ટેરવાં વિવશ બન્યાં એક બયાં લખવા “વફા”,
મોહક ઈશારો એમનો જો થાયતો કાગળ લખું.

         – મોહમ્મદ અલી ભૈડુ “વફા”(Mohammad Ali Bhaidu “Vafa” – Kagal Lakhu. Ghazals in Gujarati. Literature and art site)

ડૉ. વિવેક મનહર ટેલર – કુંવારી નદીની તરસ

Thursday, February 23rd, 2006

તું સાગર છે.
તારા માટેનો મારો પ્રેમ
એટલે કુંવારી નદીની તરસ.
રેતીના સાગર સાથેના મારા સંવનનમાં
મુખપ્રદેશના મદોન્મત્ત ચુંબનનો અનંગવેગ નથી
ને અલિપ્ત છું જહાજોના આલિંગનથી…
હું તો ખડકને ઊગેલું
ને રેતીમાં ચૂર થયેલું સ્વપ્ન…
પાણીમાં જ વિસ્તરેલું
પણ પાણીથી જ દૂર રહેલું ક્રંદન…
મારી પૂર સમી ઉત્કંઠાઓને જન્મવાનું વરદાન નથી
ને ચંદ્ર દ્વારા પાગલ ભરતી-ઓટના પ્રદાન નથી.
કોઈ સહસ્ત્રબાહુ ખેલ છોડે
યા ભગીરથ તપ આદરે
કે અગત્સ્ય કોગળો કરે
તો-
-તો સાગર, નદી, નદી, સાગર…
તું સાગર છે…
…પણ રેતીના કિલ્લામાં ધરબાઈ ગયેલા ખજાના સમી
મારી ઈચ્છાઓને ક્યાં ફળી છે ?!

(જુલાઈ-92)         – ડૉ. વિવેક મનહર ટેલર (Dr. Vivek Tailor – Kuwari Naadi Ni Taras . Kavita in Gujarati. Literature and art site)

ડૉ. માલા કાપડિયા – તારા માટે

Tuesday, February 21st, 2006


થોડાક દિવસ
સંગોપી રાખવી છે મારે
મને પોતાને
તારા વિરહના કોશેટામાં
તને મળ્યા પછી
વસંતપંચમી જેવી આ આંખો
ટહુક્યા જ કરે છે.
મારે એમાં આંજવું છે
આષાઢનું આકાશ !
કિલકિલતા હોઠને
મૌનના દોરાથી થોડા ટાંકા મારવા છે
આંગળીઓને ટેરવે ખીલેલી
તારી ચૂમીઓને
મારા એકાંતમાં રોપવી છે.
સાચું કહું,
મને પોતાને જ લાગ્યો છે મારો થાક.
મારી એકલતાનો
તારી એકલતાથી ભાગાકાર કર્યા પછી
ક્યાં રહ્યું છે કશુંયે શેષ ?
એટલે જ
આ થોડાક દિવસમાં
મારે કરવો છે મારો કાયાકલ્પ
તારા વિરહથી
મારા નિ:શેષને માંજીને
પ્રગટાવવો છે નવો સૂર્ય:
તારા માટે

         – ડૉ. માલા કાપડિયા (Dr. Mala Kapadia – Tara maatae. Kavita in Gujarati. Literature and art site)

અઝીઝ કાદરી – શહેરમાં

Sunday, February 19th, 2006

(ખાસ જાગૃતિબહેનના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

અવનવા દૃશ્યો હવે જોવા મળે છે શહેરમાં,
સૂની સૂની શેરીઓ ભડકે બળે છે શહેરમાં.

કાળજાં કંપે છે હૈયાં ટળવળે છે શહેરમાં,
લોકો ઘરમાંથી હવે ક્યાં નીકળે છે શહેરમાં ?

આશ્વાસન આપવાનો કોની પાસે છે સમય ?
ઠોકરો ખાનારને ક્યાં કળ વળે છે શહેરમાં ?

નૂર આંખોમાં નથી ને હાસ્ય હોઠો પર નથી,
હર્ષ ને ઉલ્લાસ ક્યાં જોવા મળે છે શહેરમાં ?

માનવીના મનમાં એની એક પણ રેખા નથી,
શાંતિની યોજના તો કાગળે છે શહેરમાં.

છોડ માથાકૂટ સીધો ઘેર ચાલ્યો જા “અઝીઝ”,
વાત તારી કોણ આજે સાંભળે છે શહેરમાં ?

          અઝીઝ કાદરી (Ashis Kadari. Shahar ma Poems in Gujarati. Literature and art site)

લોક સાહિત્ય – કહેવતો

Friday, February 17th, 2006

(ખાસ જાગૃતિબહેનના આભારી છીએ આ કહેવતો મોકલવા બદલ)

 • થાઈ એવાં થઈએ, તો ગામ વચ્ચે રહીએ.
 • થાય તો કરવું, નહીં તો બેસી રહેવું.
 • થાકશે, ત્યારે પાકશે.
 • વાર્યાં ના વરે, હાર્યાં વરે.
 • થોડું બોલે તે થાંભલો કોરે.
 • થોડું સો મીઠું.
 • થોડું રાંધ, મને પીરસ, ને ભૂખી રહે તો મારા સમ.
 • થોડું ખાવું ને મોટાની સાથે રહેવું.
 • થોડે નફે બમણો વકરો.
 • થોડું બોલે તો જીતી જાય, ને બહુ બોલે તે ગોદા ખાય.
 • થોડે બોલે થોડું ખાય.
 • થોડે થોડે ઠીક જ થાય.
 • પોથાં તે થોથાં, અને ડાચાં તે સાચાં.
 • અંતે ધર્મો જય, પાપો ક્ષય.
 • ગૉળ અંધારે ખાધો તોય ગળ્યો અને અજવાળે ખાધો તોય ગળ્યો.
 • અન્ન તેનું પૂણ્ય અને રાંધનારીને ધૂમાડો.
 •           લોક સાહિત્ય (Lok Sahitya – Kahvatoe. Poems in Gujarati. Literature and art site)

  સુરેશ દલાલ – સારું લાગે

  Wednesday, February 15th, 2006

  (ખાસ ડૉ. વિવેક ટેલરના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

  તમે વાતો કરો તો થોડું સારું લાગે,
  આ દૂરનું આકાશ મને મારું લાગે.
  વૃક્ષો ને પંખી બે વાતો કરે છે
           ત્યારે ખીલે છે લીલેરો રંગ;
  ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે
           ફૂલોની સૂતી સુગંધ.
  તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે,
  તમે વાતો કરો તો થોડું સારું લાગે,
  રોમાંચે રોમાંચે દીવા બળે
           અને આયખું તો તુલસીનો ક્યારો;
  તારી તે વાણીમાં વ્હેતો હું મૂકું છું
           કાંઠે બાંધેલો જનમારો.
  એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે
  તમે વાતો કરો તો થોડું સારું લાગે.

            -સુરેશ દલાલ (Suresh Dalal- Saru Laagae. Poems in Gujarati. Literature and art site)

  દલપત પઢિયાર – પુણ્ય સ્મરણ

  Monday, February 13th, 2006

  (ખાસ જાગૃતિબહેનના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

  અમને કોની રે સગાયું આજ સાંભરે ?
  ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે….
                    કોની રે સગાયું આજ સાંભરે ?

  કોઇ પાળ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવો,
  આઘે લ્હેર્યુંને આંબી કોણ ઊઘડે……
                    કોની રે સગાયું આજ સાંભરે ?

  આજે ખોંખારા ઊગે રે સૂની શેરીએ,
  ચલમ-તણખા ઊડે રે જૂની ધૂણીએ,
  અમને દાદા દેખાય પેલી ડેલીએ…..
                    કોની રે સગાયું આજ સાંભરે ?

  માડી વાતું રે વાવે આ ઉજ્જ્ડ ઓટલે,
  ખરતાં હાલરડાં ઝૂરે રે અદ્ધર ટોડલે,
  ઊંચે મોભને મારગ કોણ ઊતરે…..
                    કોની રે સગાયું આજ સાંભરે ?

  કોઇ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો,
  આછા ઓરડિયા લીંપાવો ઝીણી ખાજલિયું પડાવો;
  આજે પરસાળ્યું ઢાળી સૌને પીંખીએ….
                    અમને સાચી રે સગાયું પાછી સાંભરે.

           – દલપત પઢિયાર(Dalpat Padhiyar Punya Shamranae. Poems in Gujarati. Literature and art site)

  મોહમ્મદઅલી ભૈડુ “વફા” – અટકળ

  Sunday, February 12th, 2006

  આમ કરો ના ખોટી અટક્ળ
  કોણ કહે છે જીવન ઝાકળ.

  એ તો છે સંદેશ ખુદાનો
  એથી આવ્યા લાખ પયંબર.

  જા લખી લે કર્મોની ગઝલો
  જીવન એ તો કોરું કાગળ.

  રુહ રુહથી સોહે ધરતી
  બુંદ બુંદથી મહેકે સાગર.

  હિલ્લારા ખાતો છે દરિયો
  ચલ ભરી લે પ્રેમની ગાગર.

  કળિયો ચહેકે પુષ્પો મહેકે
  તું ઝંખે આવળ બાવળ.

  ”સુરત” તો રગ રગમાં રમતુ
  ચોકથી ભાગળ આંખનુ કાજળ

  ચાલ “વફા” તાપી તટ જઇએ
  પાછા ભરીયે રંગનો પાલવ.

           – મોહમ્મદ અલી ભૈડુ “વફા”(Mohammad Ali Bhaidu “Vafa” – Aatkal. Ghazals in Gujarati. Literature and art site)

  લોક સાહિત્ય – ભમરો

  Saturday, February 11th, 2006  ભમરાને ફરવાની લાલચ, રખડે દિન આખો એ;
  સાંજ પડે પણ ઘેર ન હોય, ભટકભટક કરતો એ.

  વનમાં એક તળાવ મજાનું, સુંદર કમળ ખીલ્યાં’તાં,
  એક ફૂલે જઇ ભમરો બેઠો, મધ લાગ્યો ચૂસવા ત્યાં.

  સાંજ પડી અંધારું જામ્યું, ભમરો ગુલ જમવામાં,
  ધીમે ધીમે ફૂલ બિડાયું, લોભી કેદ પડ્યો ત્યાં.

  પાંખ સમારી પગ ખંખેરી, કરી છેવટ તૈયારી,
  ઊડતાં શિર ભટક્યું નવ સૂઝી બહાર જવાની બારી.

  અકળાયો, ગભરાયો, લાગ્યો પોક મૂકીને રડવા,
  કોણ બહાર સૂણે ઉજ્જડમાં, કે દોડે છોડાવવા.

  છેવટ ધીર ધરીને બેઠો, “રાત પૂરી થઇ જાશે,
  રવિ ઊગશે, ખીલશે, ફૂલ પાછું, મુજથી ઝટ નીકળાશે.”

  એમ વિચાર કરે ભમરો ત્યાં, હાથીનું ઝુંડ આવ્યું,
  કમળવેલ જડમૂળથી તોડી, આવ્યું તેવું ચાલ્યું.

           – લોક સાહિત્ય(Lok Sahitya – Bhamro. Bal geet, Poems in Gujarati. Literature and art site)

  મકરન્દ દવે – લા-પરવા !

  Thursday, February 9th, 2006


  કો’ક દિન ઇદ અને કો’ક દિન રોજા,
  ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.

  કાંઇ અફસોસ નહીં, કાંઇ નહીં ફિકર,
  કોઇ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર.
  આવે ને જાય એના વેઠવા શા બોજા ?
  કો’ક દિન ઇદ અને કો’ક દિન રોજા.

  માન મળે, મળે ધન-ધાન, મળે સત્તા,
  પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા.
  વાહ ભાખે કોઇ રૂડી આંખે વેષ ભાળી,
  આહ નાકે કોઇ ભૂંડી મોંઢે મેશ ઢાળી.
  રામ મારો રૂદે હસે, રંગ નહીં દૂજા:
  કો’ક દિન ઇદ અને કો’ક દિન રોજા.

  હાલ્યા કરે દુનિયાની વણઝાર ગાંડી,
  કોણ બેઠું રહે એની સામે મીટ માંડી ?
  દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા,
  આપણા તો થિર બળે આતમાના દીવા.
  લાંબી લાંબી લેખણે ત્યાં નોંધાવી શી યાદી !
  બેય કોરે આપી જવી મુબારકબાદી :
  ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીનાં મોજાં,
  આવો તમે ઇદ, અને આવો તમે રોજા !

           – મકરંદ દવે (Makrand Dave – La- Parvah. Poems in Gujarati. Literature and art site)

  રાજેન્દ્ર શાહ – તને જોઇ જોઇ

  Tuesday, February 7th, 2006

  (ખાસ જાગૃતિબહેનના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

  તને જોઇ જોઇ તો ય તું અજાણી,
  (જાણે) બીજને ઝરૂખડે ઝૂકી’તી પૂર્ણિમા
           ઝાઝેરો ઘૂમટો તાણી.

  વ્યોમ ને વસુંધરાની કન્યા કોડામણી,
  તું તો છે સંધ્યાની શોભા સોહામણી,
  લોચને ભરાય તો ય દૂર દૂર ધામની;
  વાયુની લ્હેર સમી અંગને અડી છતાં ય
           બાહુને બંધ ના સમાણી.

  પોઢેલો મૃગ મારા મનનો મરુવને,
  જલની ઝંકોર તારી જગવી ગૈ એહને;
  સીમ સીમ રમતી તું, ના’વતી જરી કને;
  સાબરનાં નીતરેલ નીર તું ભલે હો, આજ
           મારે તો ઝાંઝવાનાં પાણી !

           – રાજેન્દ્ર શાહ (Rajendra Shah Tane joi joi. Poems in Gujarati. Literature and art site)

  નિરંજન ભગત – ઘડીક સંગ

  Sunday, February 5th, 2006

  કાળની કેડીએ ઘડીક સંગ
  રે ભાઈ, આપણો ઘડીક સંગ;

  આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ !

  ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
  વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા,
  તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
  હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ !

  પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
  કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી,
  એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી !
  ક્યાંય ના માય રે આટલો આજ તો ઉરને થાય ઉમંગ !

           – નિરંજન ભગત (Niranjan Bhagat – Ghadik Saang. Poems in Gujarati. Literature and art site)