Archive for April, 2006

સુલતાન લોખંડવાલા – સુંદર

Sunday, April 30th, 2006

છે સપનું તમારું તમારાથી સુંદર
અને મૌન પાછું ઇશારાથી સુંદર

તમે કેમ મલકો છો તસવીર જોઇ
હતું કોણ એમાં અમારાથી સુંદર

અમે નાવ છૂટી મૂકી સાવ એથી
કે મઝધાર લાગે કિનારાથી સુંદર

અમે શીશ મૂકી રહ્યા જે ખભા પર
મળી હૂંફ ત્યાંથી સહારાથી સુંદર

તમે ધડકનોમાં વસાવ્યા અમોને
હતું મન તમારું ઉતારાથી સુંદર

          – સુલતાન લોખંડવાલા (Sultan Lokhandwala. Sundar. Poems in Gujarati. Literature and art site)

‘પ્રણય’ જામનગરી – કેમ ?

Friday, April 28th, 2006

હું નથી – એ વાતને અપનાવવા દેતા નથી
કેમ મારી લાશને દફનાવવા દેતા નથી ?

કેમ મારા મનને ભ્રમની જાળમાં રાખો સતત,
કેમ સાચી વાતને સમજાવવા દેતા નથી ?

નાના-નાના માણસોના મન બહુ પ્રેમાળ છે,
મોટા-મોટા માણસો, પણ ફાવવા દેતા નથી.

સોળ આની પાક ઊતરે, શક નથી એમાં મને,
કેમ લોકો પ્રેમને અહીં વાવવા દેતા નથી ?

એક તો પોતે જ આઘા થઈ ગયા મુજથી ‘પ્રણય’,
કોઈને મારી નજીક પણ આવવા દેતા નથી.

          – ‘પ્રણય’ જામનગરી(‘Pranai’ Jamanagri – Kem?. Poems in Gujarati. Literature and art site)

‘પ્રેમોર્મિ’ રમેશ પટેલ – હું તને ચાહી શકું છું

Wednesday, April 26th, 2006

તું મને ચાહે ન ચાહે, હું તને ચાહી શકું છું.
પાંખ વીણ હું એ સપનમાં આનંદથી ઊડી શકું છું.

તું મને સમજે ન સમજે, હું તને સમજી શકું છું
કો પર્ણસૂકા વ્રુક્ષમાં યે, હું નઝારો માણી શકું છું.

તું મને તવ તત્વ માને ન માને,હું તને માને શકું છું.
આત્માના એકત્વમાંયે હું તને પામી શકું છું.

તું કદી બોલે ન બોલે, હું સહજ બોલી શકું છું.
કો ઝરણાનાં નીર જેમે, હું અમર ગુંજી શકું છું.

તું મન દેખે ન દેખે, હું બધે દેખી શકું છું.
આ અગમ અંધાર ને પેલે પણે ભાળી શકું છું.

તું મને કર યાદ ના પણ હું તને સમરી શકું છું.
હું એ બધા ભૂતકાળને ભેદી તને શોધી શકું છું.

          – રમેશ પટેલ (પ્રેમોર્મિ) (Ramesh Patel (Premorni) – Hu tane chhahi shaku chhu. Poems in Gujarati. Literature and art site)

શબાબ કાયમી – રકઝક વગર

Monday, April 24th, 2006

એક પુસ્તક ખોલવું છે રકઝક વગર;
એક પાનું વાંચવું છે રકઝક વગર.

આંખ આડે હાથ રાખો ઝાડની તો –
એક પાન તોડવું છે રકઝક વગર.

છું ભલે હું લાકડાની એક પૂતળી,
મનભરીને નાચવું છે રકઝક વગર.

ફૂટવાનો હોય છે આનંદ અઢળક,
બેસુમાર ફૂટવું છે રકઝક વગર.

ક્યાં સુધી પડકારની હું રાહ જોઉં?
મોકળાશે ઝઘડવું છે રકઝક વગર.

ફૂલ થઇ રેતાળ આ રણની વચોવચ,
ખુશમિજાજે ખીલવું છે રકઝક વગર.

         
– શબાબ કાયમી(Shabab Kayami – Rakjak vagar.. Ghazal in Gujarati. Literature and art site)

ચંદ્રકાન્ત દત્તાણી – અમને અભાવજો

Sunday, April 23rd, 2006

કાળઝાળ એકાન્તે ખોબલે અમારી
યાદ પીજો ને તરસું છીપાવજો;
કોરાં આકાશથી ખરતાં પીછાંને જોઇ
રોમરોમ અમને અભાવજો.

          – ચંદ્રકાન્ત દત્તાણી (Chandrakant Datani – Aamnae abhaavjoe. Vicharo, Shayari in Gujarati. Literature and art site)

મનોજ ખંડેરિયા – મારો અભાવ

Thursday, April 20th, 2006

મનોજ ખંડેરિય / Manoj Khanderiya(ખાસ મોહ્મ્મદ અલી ભૈડુ”વફા”ના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

લાલાશ આખા ઘરની હવામા ભરી જઈશ.
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઈશ

ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા,
આપી મહેક પતંગિયાને હું ખરી જઈશ

આખુંય વન મહેક્તું રહેશે પછી સદા,
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઈશ

હુંતો પીંછુ કાળના પંખીની પાંખનુ,
સ્પર્શુઁ છું આજે આભને કાલે ખરી જઈશ.

મારો અભાવ મોરની માફક ટહુકશે,
ઘેરાશે વાદળો ને હું સાંભરી જઈશ

         – મનોજ ખંડેરિયા (અચાનક-49)(Manoj Khanderiya – Maro Abhav. Kavita in Gujarati. Literature and art site)

ઈન્દુકુમાર ત્રિવેદી – ફફડાટ

Wednesday, April 19th, 2006

(ખાસ ડૉ. વૈશાલી વિવેક ટેલરના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

ઘરે
રજાના દિવસે બપોરે
થયું મને
કૈં ઠીકઠાક ગોઠવું,
ત્યાં છાજલીમાં ચીજને ખસેડતાં
અજાણતાં શેજ અડી જતામાં
ઇંડું દડ્યું નીડથી ભોંય, ફૂટ્યૂં :
હૈયે થયો ત્યાં ફફડાટ પંખીનો.

         – ઈન્દુકુમાર ત્રિવેદી (Indukumar Trivedi – Fafadat. Kavita in Gujarati. Literature and art site)

નંદીની નરેન્દ્ર પારેખ – હાશ, હું તો બચી

Saturday, April 15th, 2006

આજ અચાનક જીવનનું સરવૈયુ કાઢી બેઠી
શું મળ્યું? શું ખોયું? એ જાણવા બેઠી.
આ વેપારી હૈયુ જઇને બેઠું ભૂતકાણની ભેખડમાં
યાદ આવી એ બાપુની ઑફીસ
ટેબલની ઘંટી વગાડતી ત્યારે વિચારતી
હું પણ આવી ઘંટીઓ વગાડીશ,
અને આવશે દોડીને લોકો હાથ તળેના
સવાર પડીને બનાવીશ કામનું ‘લીસ્ટ’
કામ કરીને પછી આપીશ સ્ટાફને ફીસ્ટ
ખીલી ઉઠશે ઑફીસની રોનક કળાથી સોળ
અને મારી મેનેજરની ખૂરશી ફરશે ગોળ ગોળ

ત્યાંતો જીવનમા અતિ મુલ્યવાન પગલા ભરવા
ગયા જન્મના જમા ઉધારની પુરાંત પૂરી કરવા
મેં તો પહેરી લાલ જરીની કિનારવાળી
માખણ જેવી મુલાયમ શ્વેત રેશમી સાડી
ક્યાં યે આવીને પહોંચી હું કોઇક્ની લાડી

સંસારચક્ર શરૂ થયું રહી ન કોઇ ખામી
અહિંથી પામી તહીંથી પામી
વડિલોનો પ્રેમ પામી, સાસરીયાનો સ્નેહ પામી,
સરવૈયુ તો એવુ નીકળ્યું કે
જે મળ્યું તે ઘણું હતું
જે ખોયું તે શું હતું?
“મેડમ,મેડમ”, સાંભળવા લેવા દુનિયાના ઉછીના દુ:ખ
“House Wife” બનીને ભોગવવું પરમ સુખ !

         – નંદીની નરેન્દ્ર પારેખ (Nandini Narendra Parekh – Haash hu toe bachi. Poems in Gujarati. Literature and art site)

‘ઇર્શાદ’ ચિનુ મોદી – તો ?

Thursday, April 13th, 2006

ચિનુ મોદી 'ઇર્શાદ'/ Chinnu Modi(ખાસ ડૉ. વૈશાલી વિવેક ટેલરના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

શ્વાસમાં છલકાય છાની ગંધ તો ?
ને બધે ચર્ચાય આ સંબંધ તો ?

કંઠથી છટક્યો ટહુકો મોરનો
ડાળ પરથી જો મળે અકબંધ તો ?

આંખમાંથી આંસુઓ લૂછો નહીં
તૂટશે પે….લો ઋણાનુબંધ તો ?

લાગણીભીના અવાજો ક્યાં ગયા ?
પૂછશે મારા વિશેનો અંધ તો ?

હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને
કોક દરવાજો કરી દે બંધ તો ?

         – ચિનુ મોદી “ઇર્શાદ” (Chinnu Modi- Toe. Kavita in Gujarati. Literature and art site)

ઇન્દુલાલ ગાંધી – પ્રભુજીને પડદામાં રાખ મા

Monday, April 10th, 2006

પ્રભુજીને પડદામાં રાખ મા
         પૂજારી, તારા –
                  આતમને ઓઝલમાં રાખ મા.

વાયુ વીંજાશે ને દીવડો હોલાશે એવી
                  ભીતિ વંટોળિયાની ભાખ મા,
આડે ઊભો તારો દેહ અડીખમ
                  ભળી જાશે એ તો ખાખમાં
         પૂજારી, તારા –
                  આતમને ઓઝલમાં રાખ મા.

ઊડી ઊડીને આવ્યાં પંખી હિમાળેથી,
                  થાક ભરેલો એની પાંખમાં
સાત સમંદર પાર કર્યા તોયે
                  નથી રે ગુમાન એની આંખમાં
         પૂજારી, તારા –
                  આતમને ઓઝલમાં રાખ મા.

આંખનાં રતન તારા છોને હોલાય
                  છોને હીરા લૂંટાય તારા લાખના
હૈયાનો હીરો તારો નહિ રે લૂંટાય કોઇથી
                  ખોટા હીરાને ખેંચી રાખ મા
         પૂજારી, તારા –
                  આતમને ઓઝલમાં રાખ મા.

         – ઇન્દુલાલ ગાંધી(Indulal Gandhi – Prabhuji ne pad-da ma raakh ma . Poems in Gujarati. Literature and art site)

ડૉ. મુકુલ ચોક્સી – મુક્તકો

Sunday, April 9th, 2006

(ખાસ ડૉ. વૈશાલી વિવેક ટેલરના આભારી છીએ આ મુક્તકો મોકલવા બદલ)

કિસ્સો કેવો સરસ મજાનો છે,
બેઉં વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને;
મુજને આનંદ ઊંચે ગયાનો છે.

ભૂલી જવાય એવું સ્વજન થઈને રહી ગયો,
બનવા ગયો હવા ને પવન થઈને રહી ગયો
કોઈને માટે કેવી સરળતાથી તું ‘મુકુલ’
ત્રીજો પુરુષ એકવચન થઈને રહી ગયો.

જેને ખાલીપો લાગે છે પળભર
તેઓ ગમતું કશુંક અડી લે છે
જે ભયાનક રીતે અટૂલા છે
તે તો ટોળામાં પણ રડી લે છે.

ધારો કે અમથું અમથું કશું પણ ન ધારીએ
ધારો કે જે બન્યું હતું તે પણ વિચારીએ
પણ તમને જો ઉદાસ હવેલીની બારીએ
ઊભેલાં જોઈએ તો બીજું શું વિચારીએ ?

         
– ડૉ. મુકુલ ચોકસી(Dr. Mukul Choksi – Nathi.. Ghazal in Gujarati. Literature and art site)

કૃષ્ણ દવે – વહીવટ

Saturday, April 8th, 2006

(ખાસ ડૉ. વૈશાલી વિવેક ટેલરના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

સૂરજની ફાઇલમાં અંધારું વાંચીને તમને કાં લાગે નવાઇ ?
આ તો ઘુવડનો વહીવટ છે ભાઇ!

કોયલના ટહુકાના ટેન્ડરનું પૂછો છો ? એ લટકે અધ્ધર આ ડાળે,
‘કા-કા’ કરીને જે આપે સપોર્ટ એવા કાગડાની વાત કોણ ટાળે ?
જાવ જઇ સમજાવો સુરીલા કંઠને કે મૂંગા રહેવામાં મલાઇ.
આ તો ઘુવડનો વહીવટ છે ભાઇ!

પાડી પાડીને તમે પાડો છો બૂમ, પણ તમ્મારું સાંભળે છે કોણ ?
દુર્યોધન દુ:શાસન હપ્તે મળે છે ગિફ્ટમાં મળે છે પાછા ઢ્રોણ !
ઊધઇની સામે કાંઇ લાકડાની તલવારે લડવાની હોઇ ના લડાઇ.
આ તો ઘુવડનો વહીવટ છે ભાઇ!

રેશનની લાઇનમાં ઊભેલી કીડી ક્યે ટીપું કેરોસીન તો આપો,
પેટ તો બળે છે હવે પંડ્યનેય બાળવું છે લ્યો આ દીવાસળી , ને ચાંપો.
ઇ બહાને તો ઇ બહાને આ અજવાળા સંગાથે થોડીક તો થાશે સગાઇ.
આ તો ઘુવડનો વહીવટ છે ભાઇ!

         – કૃષ્ણ દવે (Krushna Dave – Vahivaat. Poems in Gujarati. Literature and art site)

ભગવતીકુમાર શર્મા – ચઢી છે

Thursday, April 6th, 2006

ભગવતીકુમાર શર્મા /BhagvatiKumar Sharma(ખાસ ડૉ. વૈશાલી વિવેક ટેલરના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.

મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે.

તમે નામ મારું લખ્યું’તું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.

જરા ગણગણી લૌં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.

         – ભગવતીકુમાર શર્મા(BhagvatiKumar Sharma. Poems in Gujarati. Literature and art site)

બુલાખીરામ – વિનાશકાળે વિપરીત બુધ્ધિ

Tuesday, April 4th, 2006

સીતા સમાણી સતી કોણ શાણી,
પતિ પ્રતિજ્ઞાય સદા પ્રમાણી;
કુરંગ હણવા મતિ ભ્રષ્ટ કીધી,
વિનાશકાળે વિપરીત બુધ્ધિ.        ૧

કેવા હતા કૌરવ કાળજ્ઞાની!
કુસંપમાં પાછી કરી ન પાની;
કપૈ મુઆ દ્વેષ સહિત ક્રોધી,
વિનાશકાળે વિપરીત બુધ્ધિ.        ૨

નિપુણતા ન્યાય વિષે ધરાવી,
નળે સુકીર્તિ જગમાં જમાવી;
ગુમાવી ગાદી ધ્રુતને વળૂંધી,
વિનાશકાળે વિપરીત બુધ્ધિ.        ૩

યદુપુરી યાદવ યાદ આણો,
સુરા વિષે જીવ ભલો ભરાણો;
મૂઆ મૂલી સર્વ શરીર શુધ્દિ,
વિનાશકાળે વિપરીત બુધ્ધિ.        ૪

રૂડો હતો રાવણ શાસ્ત્રોવેત્તા,
નવે ગ્રહો નિકટમાં રહેતા;
હરી સીતા કષ્ટ લહ્યું કુબુધ્ધિ
વિનાશકાળે વિપરીત બુધ્ધિ.       ૫

       – બુલાખીરામ (Bulaakhiram – Vinash Kaal ae Viparit Bhudhi. Poems in Gujarati. Literature and art site)

ડૉ. વિવેક મનહર ટેલર – મને આ સફર મળે

Monday, April 3rd, 2006

જ્યાં દિલ ને થાય હાશ, એવું કાશ! ઘર મળે,
શું થાય જો આ શોધ નો છેડો કબર મળે ?!

વિકસી ને દુનિયા કેટલી આગળ વધી, જુઓ!
માણસ મળે તો આંખ માં જીવન વગર મળે.

સચ્ચાઈ ના ચલણ વડે વીતે શું જીંદગી?
જૂઠ્ઠાં ને આજે જે મળે, સઘળું પ્રવર મળે.

તારી ખુદાઈ તો જ હું માનીશ, ઓ ખુદા!
જે પણ મળે મને એ બરાબર અગર મળે.

છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંક થી તારી ખબર મળે.

શબ્દો ના રસ્તે ચાલી ને મળતો રહું તને,
ઈચ્છું છું હર જનમ માં મને આ સફર મળે.

         – ડૉ. વિવેક મનહર ટેલર (Dr. Vivek Tailor – Mane aa safar malae . Kavita in Gujarati. Literature and art site)