(છેલ્લા બે દિવસથી સંસ્કારનગરી વડોદરામાં રસ્તા વચ્ચે દબાણરૂપ એક દરગાહ કૉર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવતા અચાનક કોમી રમખાણ શરૂ થઈ ગયા છે. નિર્દોષ લોકોની જાનહાનિ અને માલસામાન-કામધંધાની પાયમાલી ઉપરાંત કશુંક બીજું પણ આ દાવાનળમાં ભડભડ બળી રહ્યું છે જેના પર કોઈની નજર જ નથી! માણસ-માણસ વચ્ચેના આ તૂટી રહેલા રસ્તા વિશે પેશ છે એક ગઝલ. બાબરીધ્વંસવેળા લખેલી આ ગઝલ આજે પણ લાગે છે કે અપ્રસ્તુત નથી.)
રક્તથી સીંચાઈને બનશે નહીં,
ઈંટ કોઈ પણ અહીં ટકશે નહીં.
લોહીના એક બુંદથી હો કિંમતી
એવો પત્થર વિશ્વમાં મળશે નહીં.
શ્વાસમાં મ્હોર્યો હતો વિશ્વાસ જે,
કોઈ આંખોમાં કદી જડશે નહીં.
બાબરી બાંધો કે મંદિર, વ્યર્થ છે -
કોઈ કોઈને હવે ભજશે નહીં.
રામલલ્લા બોલો કે અલ્લાહ્ કહો,
એ અહીં મળતાં નથી, મળશે નહીં.
આદમીના દિલથી થઈને દિલ લગી
જાય એ રસ્તો હવે બનશે નહીં.
- ડૉ. વિવેક મનહર ટેલર (Dr. Vivek Tailor – Aavo Pathat Vishwva ma malsae nahi . Kavita in Gujarati. Literature and art site)