Month: July 2006

લોક સાહિત્ય – કહેવતો

(ખાસ કામયોગીના આભારી છીએ આ કહેવતો મોકલવા બદલ)

-આવડે નહિઁ ઘેઁશ (ખીચડી) ને રાઁધવા બેસ
-ડાહી સાસરે જાય નહિઁ ને ગાઁડી ને શિખામણ આપે
-ઠોઠ નિશાળા ને વત્તરણાઁ ઝાઝાઁ
-તારુઁ મારુઁ સહિયારુઁ ને મારુઁ મારાઁ બાપનુઁ
-હઁગીને આહડવા બેસવુઁ
-હાલ હાલ હલ્લુની માશી (હાલતો થા)
-ગાજ્યાઁ વરસાદ વરસે નહિઁ ને ભસ્યાઁ કુતરાઁ કરડે નહિઁ
-ઘી ઢોળાયુઁ તો ખીચડી માઁ
-પેટ કરાવે વેઁઠ
-દીધે પે દયા ભલી
-ઘરના છોકરાઁ ઘઁટી ચાટે
-ઘર બાળીને તીરથ ન કરાય
-ગામના મહેલ જોઈને આપણાઁ ઝુપડાઁ તોડી ન નખા

          લોક સાહિત્ય (Lok Sahitya – Kahvatoe. Poems in Gujarati. Literature and art site)

રાજેન્દ્ર શુક્લ – તું કોણ છે?

(ખાસ પંચમ શુકલને આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

નિત તરંગિત થાઉં ને તું માં શમું તું કોણ છે?
સર્વ ક્ષણને જન્મ હું તુજને ગમું, તું કોણ છે?

પૂર્ણ રૂપે હું પ્રગટ થાઉં, પ્રકાશું પૂર્ણ થઇ,
તવ ક્ષિતિજ પર પૂર્ણ રૂપે આથમું, તું કોણ છે?

કોક વેળા અન્ય રૂપે અન્ય ગ્રહમાં તું શ્વસે,
હું મને તારા સ્મરણમાં નિર્ગમું, તું કોણ છે?

અનવરત આનંદિની ઓ તટ રહિત મંદાકિની,
રમ્યલીલા તું રમે તે હું રમું, તું કોણ છે?

કોણ છે તું વિશ્વરૂપા, તું અકળપથ ચારિણી,
તારી ઇચ્છાથી સતત ભમતો ભમું, તું કોણ છે?

         – રાજેન્દ્ર શુકલ (Rajendra Shukla Tu Kone Chhe. Kavita. Literature and art site)

Tags :

અનિલ જોશી – ઘેટાં ખોવાઇ ગયાં ઊનમાં

અનિલ જોશી /Anil Joshi(ખાસ અમિત પિસાવાડિયાને આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

ખોળો વાળીને સીમ ફેંદી વળી ને
      હવે ફળિયે બેઠી છું મારી ધૂનમાં,
કે મારાં ઘેટાં ખોવાઇ ગયાં ઊનમાં.

રણની રેતીમાં જો મોતી ખોવાય તો
      રણને હું આંક લઇ ચાળું
ઊનના ઢગલામાં કાનટોપી દેખાય, પણ
      ઘેટાંને ક્યાંય નહીં ભાળું.
નેજવું કરીને આખો વગડો જોયો ને
      હવે ડેલીએ બેઠી છું મારી ધૂનમાં,
કે મારાં ઘેટાં ખોવાઇ ગયાં ઊનમાં.

ઊનના દોરાની એક કેડી પકડીને
      હું ધેટાં ગૂંથવા બેઠી
ઘેટાંને બદલે હું હાથમોજું લૈયાવી
      કેટલીયે ગૂંચ મેં તો વેઠી.
ઊનના દડાની હૂંફ આઘી હડસેલી
      હવે તડકે બેઠી છું મારી ધૂનમાં,
કે મારાં ઘેટાં ખોવાઇ ગયાં ઊનમાં.

ઊનને મેં ઘેંટાની ચામડી માની, પણ
      ઘેંટાને ઊન થકી છેટુ
મારું કોઇ ઠેકાણું રહ્યું નથી ક્યાંય
      મારા ધાબળાનું સરનામું ઘેટું
કાળો તે કામળો ઓઢીને શેરીએ ફરવા
      નીકળી છું મારી ધૂનમાં,
કે મારાં ઘેટાં ખોવાઇ ગયાં ઊનમાં.

       – અનિલ જોશી(Anil Joshi – Dhaeta Khovai Gaya Uun Ma. Poems in Gujarati. Literature and art site)

Tags :

મનસુખલાલ ઝવેરી – જીવન

માનવીનાં રે જીવન !
ઘડી અષાઢ ને ઘડીક ફાગણ,
એક સનાતન શ્રાવણ!

          – મનસુખલાલ ઝવેરી (ManshuklalaJaveri. Jeevan. Vicharo, Shayari in Gujarati. Literature and art site)

Tags :

ડૉ. મુકુલ ચોકસી – એમ કોઇ બહાર રહીને આપણી ભીતર રહે

એમ કોઇ બહાર રહીને આપણી ભીતર રહે,
જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે.

જળ લખું તો ‘જ’ ને ‘ળ’ વચ્ચે ભલે અંતર રહે,
જળ થકી મળતા અનુભવનું તો એક જ સ્તર રહે.

એમ આ સૌંદર્ય કોઇ પણ રીતે હાજર રહે,
પર્ણ ડાળે ના રહે તો કર્ણમાં મર્મર રહે.

આમ અંદર બ્હાર એકાકાર થઇ જાશે પછી,
શો ફરક કે કોઇ મારી બ્હાર કે ભીતર રહે.

         – ડૉ. મુકુલ ચોકસી (Dr. Mukul Choksi – Aem koi bahaar rahi ne aapani bhitar rahe. Ghazals in Gujarati. Literature and art site)

Tags :

ડૉ. રઇશ મનીયાર – જા

જીવવાનો છે એ જ રસ્તો, જા!
હો તરસતો છતાં વરસતો જા.

મોટો થઇ આખરે તું શું કરશે?
નાનો થઇ એના દિલમાં વસતો જા.

ભીંસ ઓછી કરી લે જીવનની,
મધ્યમાંથી ધીમેથી ખસતો જા.

હાથ લાંબા કરી ન જા કાયમ !
કોઇ વેળા તો ત્યાં અમસ્તો જા !

છૂટતા શ્વાસને શું જકડે છે ?
છે જવાનો અહીં શિરસ્તો, જા !

         – ડૉ. રઇશ મનીયાર(Dr. Raeesh Maniar – Ja. Ghazals in Gujarati. Literature and art site)

Tags :

અનિલ જોશી – અમે બરફના પંખી

અનિલ જોશી /Anil Joshi
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લૂમાં તરતો ઘોર ઊનાળો
અમે ઉઘાડે ડિલે,
ઓગળતી કાયાના ટીપાં
કમળપાંદડી ઝીલે,

ખરતા પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યા !
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લીલા-સૂકા જંગલ વચ્ચે
કાબરચીતરા રહીએ,
નભમાં ઊડતાં સાંજ પડે તો
સોનલવરણાં થઈએ,

રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

       – અનિલ જોશી(Anil Joshi – Aame Baraf na Pankhi. Poems in Gujarati. Literature and art site)

Tags :

રાવજી પટેલ – પંખી

કદી આંખમાંથી ઊડી જાય પંખી
કદી આંખ વચ્ચે પડી ન્હાય પંખી.

અટારી નીચે વ્રુક્ષ ઊગ્યું’તું મનમાં
વિચારો થઇ આજ અટવાય પંખી.

કરી પાંખ પહોળી ઉભય ગાલ ઉપર
તમારા ચહેરાનું મલકાય પંખી.

નર્યા ફૂલ વચ્ચે રહી રહીને થાકયું.
હવે શબ્દ થઇને આ અંકાય પંખી.

પણે ડાળ આંબાની ટહુક્યા કરે છે,
પણે રાત અ આખી શું વેરાય પંખી.

હજી જીવું છું એનું કારણ છે એક
હજી શ્વાસમાં એક સંતાય પંખી.

         – રાવજી પટેલ (Ravji Patel – Pankhi. Ghazals in Gujarati. Literature and art site)

Tags :

વેણીભાઇ પુરોહિત – દશા

દશા પર દાઝનારા ને દશા પર દૂઝનારાઓ,
નથી હોતા ખુમારીથી જીવનમાં ઝૂઝનારાઓ.

દિશા જાણ્યા વિનાના છે દશાથી ધ્રૂજનારાઓ !
કહી દો એમને કે, હે દશાના પૂજનારાઓ !

દશા તો છે સડક જેવી, સડક ચાલી નથી શકતી,
સડકને ખૂંદનારાને સડક ઝાલી નથી શકતી .

          -વેણીભાઇ પુરોહિત (Vanibhai Purohit – Dashaa. Ghazal in Gujarati. Literature and art site)

Tags :

‘ઇર્શાદ’ ચિનુ મોદી – આપણા સંબંધ

ચિનુ મોદી 'ઇર્શાદ'/ Chinnu Modiઆપણા સંબંધના ઇતિહાસનો આ સાર છે
પાણીની સમજણ નથી ને વ્હાણનો આકાર છે.

આ વખત પણ પીઠ પર બેસી ગયો પાછો પવન
આપણો તો આ વખત પણ વ્હાણનો અવતાર છે.

છિદ્રવાળા વ્હાણમાંથી શું વજન ઓછું કરું ?
જીવવાની વૃત્તિનો સહુથી વધારે ભાર છે.

પાણીની પૂરી પરખ ને ઝાંઝવાં તરવાં પડે
કેમ સમજાવું તને, કે, વ્હાણ છે, લાચાર છે.

ડૂબતા ‘ઇર્શાદ’ની ચારે તરફ આજેય તે
એક શું, પાણી ભરેલાં વ્હાણ, અપરંપાર છે.

         – ચિનુ મોદી “ઇર્શાદ”(Chinnu Modi- Aapna sambandh . Ghazal in Gujarati. Literature and art site)

Tags :

સૈફ પાલનપુરી – પાનખરનો ક્રમ

(ખાસ “ઊર્મિ સાગર”ને આભારી છીએ આ ગઝલ અભિપ્રાયમાં મોકલવા બદલ)

કદી વસ્તીભર્યું લાગ્યું કદી વેરાન વન જેવું,
જવાનીમાં જીવન પર થઇ શક્યું ક્યાં કંઇ મનન જેવું.

સૂરજ ઊગ્યો છે લાવો થોડી શબનમ હું ય વરસાવું,
તમારી યાદ રૂપે છે હ્રદયમાં કંઇ સુમન જેવું.

કોઇ જો સહેજ છેડે છે તો એ શરમાઇ જાય છે,
તમે દિલમાં વસ્યાં તો થઇ ગયું દિલ પણ દુલ્હન જેવું.

તમે રીસાતે ના તો પાનખરનો ક્ર્મ ન જળવાતે,
અમારી ભૂલ કે દિલને સજાવ્યું’તું ચમન જેવું.

હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઇના આગમન જેવું.

          – સૈફ પાલનપુરી (Saif Palanpuri- Paankhar no Kram. Vicharo, Shayari in Gujarati. Literature and art site)

Tags :

સૈફ પાલનપુરી – પાનખરનો ક્રમ

હવે તો ‘સૈફ’, ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે:
ઘડીભર તો મને લાગે કોઇના આગમન જેવું !

          – સૈફ પાલનપુરી (Saif Palanpuri- Paankhar no Kram. Vicharo, Shayari in Gujarati. Literature and art site)

Tags :

લોક સાહિત્ય – હાથી

હાથી / Haathi

હાથીભાઇ તો
જાડા
લાગે મોટા
પાડા
આગળ ઝૂલે
લાંબી સૂંઢ…
પાછળ લટકે
ટૂંકી પૂંછ …

         – લોક સાહિત્ય(Lok Sahitya – Ame ramakda. Bal geet, Poems in Gujarati. Literature and art site)

મનોજ ખંડેરિયા – કોઈ સમયના વચગાળામા

મનોજ ખંડેરિય / Manoj Khanderiya

કોઈ સમયના વચગાળામાં
શબ્દો જન્મ્યા પરવાળામાં

બરફ ક્ષણોનો પીગળ્યો ક્યારે
પાણી છલક્યાં ગરનાળામાં

ઉત્તર રૂપે આવ્યો છું હું
તેજ-તિમિરના સરવાળામાં

ક્ષિતિજ વિશે હું ઘરમાં શું કહું ?
આવો બા’રા અજવાળામાં

અંતે સોનલ સપનાં ટહુક્યાં
ફૂલો બેઠાં ગરમાળામાં

         – મનોજ ખંડેરિયા (Manoj Khanderiya. Koi samai na vach gala ma – Ghazal in Gujarati. Literature and art site)

Tags :

મરીઝ – પ્રવાસ છે

લાગે છે તેથી ભાર ને ધીમો પ્રવાસ છે,
ઓ જિંદગાની તારા હજારો લિબાસ છે.

બે ચાર શ્વાસ લેવાના ત્યાં શું પસંદગી?
અમને તો જે જગતની હવા હો એ રાસ છે.

આવો નહીં નજીક મગર દૂર તો રહો,
મૃગજળને પી શકું છું હવે એવી પ્યાસ છે.

જો જો તમે એ જ થવાનું ફરી ફરી,
હમણાં ભલે કહું છું આ આખર પ્રયાસ છે.

સિદ્ધિ મળી જ્યાં એક ત્યાં લાખો દિશાઓ ખૂલી,
કોને ખબર કે મારો ક્યાં સુધી વિકાસ છે!

આવો તમે કે મારા નયનને જીવન મળે,
દર્શન તમારા એ જ તો આંખોના શ્વાસ છે.

લાગે છે તે વખત મને એકાંતની કદર
જ્યારે હું જોઉં છું કે બધા આસપાસ છે.

એ તો મળી ગયાં હવે સાચવવાં જોઇએ,
મંઝિલ છે હાથમાં છતાં ચાલુ પ્રવાસ છે.

થઇને હતાશ જોયું જો ઉપર અમે ‘મરીઝ’,
ત્યારે ખબર પડી કે ગગન પણ ઉદાસ છે.

         – મરીઝ (Mariz. APravas chhe. Kavita in Gujarati. Literature and art site)

Tags :