Archive for August, 2006

લોક સાહિત્ય – કહેવતો

Saturday, August 26th, 2006

(ખાસ અમિત પિસાવાડિયાને આભારી છીએ આ કહેવત મોકલવા બદલ)

– દળ ફરે વાદળ ફરે ,
ફરે નદી ના પુર પણ શુરા બોલ્યા નવ ફરે ,
ભલે પશ્ચિમ ઉગે સૂર.
– ઉતાવળે આંબા ના પાક

          લોક સાહિત્ય (Lok Sahitya – Kahvatoe. Poems in Gujarati. Literature and art site)

સૈફ પાલનપુરી – હવે બોલવું નથી

Thursday, August 24th, 2006

આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી,
રૂપાળું એક નામ, હવે બોલવું નથી.

યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું :
કેવું મળ્યું ઈનામ, હવે બોલવું નથી.

પૂછો ના પ્રીત મોંઘી કે સસ્તી છે દોસ્તો,
ચૂકવી દીધાં છે દામ, હવે બોલવું નથી.

લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઈ ગઈ,
શબ્દો હવે હરામ, હવે બોલવું નથી.

          – સૈફ પાલનપુરી (Saif Palanpuri- Havae Bolavu Nathi. Ghazal in Gujarati. Literature and art site)

મનહર મોદી – થવાનું હોય છે

Tuesday, August 22nd, 2006

એક કે બે પળ થવાનું હોય છે,
ક્યાં પછી ઝળહળ થવાનું હોય છે ?

આંખમાં અકબંધ અજવાળું વસે,
સ્વપ્નને કાજળ થવાનું હોય છે.

શ્વાસ ને ઉચ્છવાસ રણમાં ઓગળે
રેતને મૃગજળ થવાનું હોય છે.

ખૂબ અઘરું હોય છે અંદર જવું
એકલા બળબળ થવાનું હોય છે.

આજ અથવા કાલ એકેએકને
સાવ સૂનું સ્થળ થવાનું હોય છે.

          – મનહર મોદી (Manhar Modi. Thavanu hoi chhe. Ghazal in Gujarati. Literature and art site)

મનહર મોદી – બાંધું છું

Sunday, August 20th, 2006

ઈચ્છાનું તોરણ બાંધું છું,
કાચી કોરી ક્ષણ બાંધું છું.

કામ ચીંધ્યું છે અંધારાએ,
સવારનું ડહાપણ બાંધું છું.

સીધો રસ્તો સાવ ગમે ના
ખાડાઓ બે ત્રણ બાંધું છું.

ઘર ઝઘડો સળિયા વંટોળો
વિચારમાં કંઈ પણ બાંધું છું.

આંખોમાં આંસુ ના ખૂટે
દરિયાની સમજણ બાંધું છું.

          – મનહર મોદી (Manhar Modi. Bandhu chhu. Ghazal in Gujarati. Literature and art site)

જગદીશ જોષી – અરે કોઈ તો

Friday, August 18th, 2006

હું એકાગ્ર ચિત્તે વાંચું છું
સામેની બારીનો રેડિયો
મારા કાનમાં કંઈક ગર્જે છે.
દીવાલ પરનું ઈલેકિટ્ર્ક ઘડિયાળ
વર્તમાન સાથે ઘસાતું ચાલે છે.
ટયુબલાઈટનું સ્ટાર્ટર
તમરાંનું ટોળુ થૈ કણસ્યા કરે છે.
ઉઘાડા પડેલા દરવાજાની ઘંટી
ડચકાં ભરતી ભરતી રણકે છે.
ઘરનો નોકર દૂધવાળા જોડે
અફવાઓની આપ-લે કરે છે.
પડોશણનો અપરિચિત ચહેરો
કુથલીના ડાયલ ફેરવે છે.
રસ્તા પરનો નાહકનો ઝઘડો
બારી વાટે મારા ઘરમાં પ્રવેશે છે.
ઓચિંતો ફયુઝ જતાં, લાઈટ
અંધારું થઈને પથરાઈ જાય છે.
મારો આખો માળો અંધરોધબ…..
નીચલે માળથી વ્યાસ બૂમ પાડે છે :
“કાલીદાસ ! તુકારામ ! અલ્યા નરસિંહ !
કો’ઈ તો
ઈલેકિટ્રશિયને બોલાવો ! ”
બાજુવાળાં મીરાંબેન સ્વસ્થ અવાજે કહે છે :
“અરે ગિરિધર ! સાંભળે છે કે,-
પહેલાં મીણબત્તી તો લાવ……
અને-
મારી ચાલીમાં
મારા માળામાં
મારા ઘરમાં
મારા દેશમાં
મીણબત્તીની શોધાશોધ ચાલે છે……

       – જગદીશ જોષી(Jagdish Joshi – Aare Koi toe. Poems in Gujarati. Literature and art site)

શ્યામ સાધુ – સંબંધ છે

Thursday, August 17th, 2006

માત્ર મળીએ એટલો સંબંધ છે,
દ્વાર ખુલ્લા છે અને ઘર બંધ છે.

કોઈના દર્પણમાં દેખાયા નહીં,
કોણ જાણે ક્યા ઋણાનુબંધ છે !

માંડ એકાદી મળી પળ દેખતી,
આમ તો મારો સમય પણ અંધ છે.

કૈં ન હોવામાં કશું હોવું રહ્યું,
કેટલા વિસ્મય હજી અકબંધ છે !

યાદનો મેં એટલે આદર કર્યો,
પાંખને આકાશથી સંબંધ છે.

          – શ્યામ સાધુ (Shyam Sadhu. Sambandh Chhe. Ghazal in Gujarati. Literature and art site)

હસમુખ પાઠક – ગાંધી

Tuesday, August 15th, 2006

આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતા નથી.

         – હસમુખ પાઠક (Hasmukh Pathak – Gandhi. Vicharo in Gujarati. Literature and art site)

જલન માતરી – ખુદા પણ હશે

Monday, August 14th, 2006

હશે સત્ય પણ, કલ્પના પણ હશે,
ખુદા શબ્દ છે તો, ખુદા પણ હશે.

નરક-સ્વર્ગ જેવી જગા પણ હશે,
સજા પણ હશે ને મજા પણ હશે.

અગર મોક્ષ મળશે જો ત્યાં તો પછી,
સુરા પણ હશે, અપ્સરા પણ હશે.

કયામતમાં ઈન્સાફ થાશે પછી,
હશે ક્રૂરતા પણ, દયા પણ હશે.

મટે કેમ ના રોગ, શોધો ભલા,
જો પીડા હશે તો દવા પણ હશે.

કયામતની રાહ એટલે જોઉં છું,
કે ત્યાં તો ‘જલન’ મારી મા પણ હશે.

          – જલન માતરી (Jalan Matri. Khuda pun Hashae. Ghazal in Gujarati. Literature and art site)

શ્યામ સાધુ – બની ગયો !

Sunday, August 13th, 2006

તારી નજરમાં જ્યારે અનાદર બની ગયો,
મંઝિલ વગરનો જાણે મુસાફર બની ગયો !

ફૂલોનું સ્વપ્ન આંખમાં આંજ્યાના કારણે,
હું પાનખરમાં કેટલો સુંદર બની ગયો ?

ક્યાં જઈ હવે એ સ્મિતની મીઠાશ માણશું ?
હૈયાનો બોજ આંખની ઝરમર બની ગયો !

મુક્તિ મળે છે સાંભળ્યું ચરણોના સ્પર્શથી,
રસ્તે હું એ જ કારણે પથ્થર બની ગયો !

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું ?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો !

          – શ્યામ સાધુ (Shyam Sadhu. Bani Gayo. Ghazal in Gujarati. Literature and art site)

મણિલાલ દેસાઈ – રસ્તો

Saturday, August 12th, 2006

વળાંકે વળાંકે વળી જાય રસ્તો,
અને ઢાળ પરથી ઢળી જાય રસ્તો.

કિનારાના વૃક્ષિથી વૃક્ષાય રસ્તો,
અને પથ્થરોથી તો રસ્તાય રસ્તો.

જતાં આવતાં લોકને પ્રશ્ન પૂછી,
પડી એકલો રોજ પસ્તાય રસ્તો.

અમે તો હતા સાવ અણજાણ જગથી,
ઘરે આવીને સૌ કહી જાય રસ્તો.

પડ્યાં રાનમાં કૈંક વરાઈ પગલાં,
થતું મનમાં : કો દી જડી જાય રસ્તો.

દિવસભર ગબડતો, ગબડતો, ગબડતો,
પડ્યે રાત ઊભો રહી જાય રસ્તો.

પગરખાંમાં એ રાત ઊંઘ્યા કરે છે,
સવારે ઊઠીને સરી જાય રસ્તો.

          – મણિલાલ દેસાઈ(ManiLal Desai. Rastoe. Ghazal in Gujarati. Literature and art site)

લોક સાહિત્ય – કહેવતો

Friday, August 11th, 2006

(ખાસ પ્રેરકભાઈને આભારી છીએ આ કહેવતો મોકલવા બદલ)

– ગાજ્યાં મેઘ વરસે નહી ને ભસ્યાં કુતરાં કરડે નહી.
– આવડે નહી ઘેઁશ ને રાઁધવા બેસે ભેંસ.
– વારા ફરથી વારો અને મારા પછી તારો.
– વઘારેલી ખીચડી દાઢે વાળગી.
– ન બોલવામાં નવ ગુણ.
– બોલે એના બોર વેચાય.
– કાગડો દહીંથરુ લઇ ગયો.
– વિદ્યા વિનય થી શોભે છે.
– સાહસ વિના સિદ્ધિ નથી.
– કુતરુ કાઢતા બિલાડુ પેંઠુ.
– વાંદરા ને સીડી ના અપાય.
– કેડ માં છોકરુ ને ગામ માં ઢિંઢોરો.
– ગામ હોય ત્યાં ઉકરડો હોયજ.
– નામ છે એનો નાશ છે.
– કુવામાં હોય તો હવાડા માં આવે.
– બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા.
– મોર ના ઇંડા ચીતરવા ના પડે.
– જેવો દેશ તેવો વેશ.
– જેવો સંગ તેવો રંગ.
– જેની લાઠી એની ભેંસ.
– જેવું વાવો તેવુ લણો.
– ઝાઝા રસોઇયા રસોઇ બગાડે.
– સો વાત ની એક વાત.
– દુર થી ડુંગરા રળિયામણા.
– મામાનું ઘર કેટલે, દિવો બળે એટલે.
– સોબત કરતા શ્વાનની બે બાજુ નુ દુઃખ,
ખીજ્યું કરડે પીંડીએ રીઝ્યું ચાટે મુખ્.

          લોક સાહિત્ય (Lok Sahitya – Kahvatoe. Poems in Gujarati. Literature and art site)

બાપુભાઇ ગઢવી – તમને

Thursday, August 10th, 2006

(ખાસ અમિત પિસાવાડિયાને આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

તમને સમય નથી અને મારો સમય નથી ,
કોણે કહ્યુ કે આપણી વચ્ચે પ્રણય નથી.

રોકી રહી છે તમને તમારી શરમ અને
મારા સિવાય મારે બીજો કોઇ ભય નથી , તમને …

વિસરી જવુ એ વાત મારા હાથ બાર છે અને
યાદ રાખવુ એ તમારો વિષય નથી … તમને …

હુ ઇંતજાર મા ને તમે હો વિચારમાં
એ તો છે શરૂઆત કૈ આખર પ્રલય નથી…. તમને …

          – બાપુભાઇ ગઢવી (Bapubhai Dadhvi. Tamne. Ghazal in Gujarati. Literature and art site)

વજુ કોટક – પ્રભાતનાં પુષ્પો

Wednesday, August 9th, 2006

મંદિરમાં દાખલ થતાં જ મેં એમને પૂછ્યું : ‘દેવ, કોઇ દિવસ નહિ અને આજે ઉદાસ કેમ? આપ તો પરમ આનંદનો અવતાર છે અને આ દુ:ખ શા માટે? શું કોઇએ આપનું અપમાન કર્યુ? શું આપની પૂજા બરાબર થતી નથી?’

આપે ગંભીર બનીને જવાબ આપ્યો, ‘વત્સ, અહીં જે કોઇ આવે છે તે મારી પૂજા જ કરવા આવે છે, સૌ કોઇ મારે માટે કંઇનું કંઇ લાવે છેપણ અ હું થાકી ગયો છું. ધૂપ, ચંદન, પુષ્પો, અગરબત્તી વગેરે વસ્તુઓથી અહીંનું વાતાવરણ પવિત્ર છે. ચારે બાજુ સુવાસ છે. પણ મને પગે પદવા આવનાર વ્યક્તિઓના હ્રદયમાં મેં કદી પણ સુવાસ જોઇ નથી અને તેથી જ હું મૂંજાઇ ગયો છું. અહીં બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરે છે પણ એ વખતે એમનું ધ્યાન ક્યા શેઠે ઓછી દક્ષિણા આપી એમાં ભટક્તું હોય છે. (Vaju Kotak Gujarati Chitralekha. Vicharo Literature and art site)

લોક સાહિત્ય – ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર !

Tuesday, August 8th, 2006

ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર !
હાલોને જોવા જંઇયે રે, મોરલી વાગી રે રાજાના કુંવર ! ઝૂલણ.

ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર !
પિતણિયાં પલાણ રે, મોરલી વાગી રે રાજાના કુંવર ! ઝૂલણ.

બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર !
દશે આંગળીએ વેઢ રે, મોરલી વાગી રે રાજાના કુંવર ! ઝૂલણ.

માથે મેવાડી મોળિયાં રે રાજાના કુંવર !
ખભે ખંતીલો ખેસ રે, મોરલી વાગી રે રાજાના કુંવર ! ઝૂલણ.

પગે રોઠોડી મોજડી રે, રાજાના કુંવર !
ચાકે મટકતી ચાલ્યા રે, મોરલી વાગી રે રાજાના કુંવર ! ઝૂલણ.

         સાંભળો  (click to listen)
(Zulan morali vaagi re raaja na kuvar. garba raas, lok sahitya in Gujarati. Literature and art site)

સુરેશ દલાલ – નામ

Monday, August 7th, 2006

કંઇ કેટલાં નામનો ઊછળે મારે આંગણ દરિયો :
એમાં એક જ નામ તમારું નાવ થઇને મ્હાલે !

          – સુરેશ દલાલ (Suresh Dalal. Naam. Vicharo, Shayari in Gujarati. Literature and art site)