Archive for October, 2006

હિમાંશુ ભટ્ટ – આખરી તું દાવ જીતી જાય તો !

Monday, October 30th, 2006

(ખાસ ગૌતમ એમ. ઢોલરિયાને આભારી છીએ આ ગઝલ મોકલવા બદલ)

એક બસ સમજણ જો આવી જાય તો ?
જે મળ્યું તેમાં જો ફાવી જાય તો ?

મોક્ષની વાતો બધા કરતા રહે,
તું ધરા પર સ્વર્ગ પામી જાય તો ?

કેમ છે ભીંતો અને સરહદ બધે ?
ચોતરફ વિશ્વાસ વ્યાપી જાય તો ?

આમ તો એ શું હતું ? શબ્દો હતા..
પણ જરા, જો ક્યાંક વાગી જાય તો ?

જેમનાથી જિંદગી દોડ્યા કર્યું,
એ હતું શું ? યાદ આવી જાય તો ?

જે નથી ભૂલ્યો, નથી કરતો હવે,
વાતમાં એ વાત આવી જાય તો ?

પ્રેમ જ્યાં સાચો હશે, બાંધે નહીં,
લાગણી જો નામ પામી જાય તો ?

પાછલી વાતો બધા ભૂલી જશે,
આખરી તું દાવ જીતી જાય તો !

       – હિમાંશુ ભટ્ટ (Himanshu Bhatt – Aakharae tu dav jiti jai toe. Ghazals in Gujarati. Literature and art site)

જગદીશ જોષી – ઊઠી જતાં ના આવડયું.

Saturday, October 28th, 2006


હું અધૂરી પ્યાલીને પંપાળતો બેસી રહ્યો
આ ભરી મ્હેફિલ : મને ઊઠી જતાં ના આવડયું.

લ્યો, સુરાલય પણ કરી છે બંધ દરવાજા હવે
ના નશો, ના ભાન છે : ઊઠી જતાં ના આવડયું.

આ તરંગો, વાયરો, આંધી, વમળ, વર્ષા, પ્રલય :
સાગર સમાવી નાવને ઊઠી જતાં ના આવડયું.

રાત ને વગડો : કસુંબો ઘૂંટતા’તા પાળિયા
રંગ દઇને એમને, ઊઠી જતાં ના આવડયું.

ગેલમાં આવીને ભીની ફૂંક મારી, એ છતાં
દીપને અમળાઇને ઊઠી જતાં ના આવડયું.

પ્રેમની શરમિંદગીની વાત ચર્ચાઇ ચૂકી
ગૈ સભા ઊઠી, ને લે, ઊઠી જતાં ના આવડયું.

       – જગદીશ જોષી (૧૭-૬-૧૯૭૪)(Jagdish Joshi – Uthi jata na aavadiyu. Ghazal in Gujarati. Literature and art site)

રવીન્દ્રનાથ ઠાકુર (ગીતાંજલિ) અનુવાદક નગીનદાસ પારેખ – પ્રેમ

Friday, October 27th, 2006

પ્રેમ તણે હાથે પકડાવા બેઠી છું અહીં હોંસે,
મોડું ઘણું થયું છે, હું છું દોષી અનેક દોષે.

      વિધિ – વિધાન – બંધન લઇ કરમાં
      આવે ધરવા, છટકું પળમાં,
તેની જે કંઇ સજા હશે તે ખમવી મન સંતોષે,
પ્રેમ તણે હાથે પકડાવા બેઠી છું અહીં હોંસે.
લોકો મારી નિંદા કરતા, નિંદા કાયમ ખોટી કહું ?
એ સૌ નિંદા શિરે ચઢાવી, હું સૌની નીચે રહું.

      દિન વીત્યો, વીતી ગઇ વેળા,
      વિખરાયા હાટો ને મેળા,
આવ્યા’તા બોલાવા તેઓ ફરિયા પાછા રોષે.
પ્રેમ તણે હાથે પકડાવા બેઠી છું અહીં હોંસે.

       – રવીન્દ્રનાથ ઠાકુર (ગીતાંજલિ) અનુવાદક નગીનદાસ પારેખ (Ravindranath Tagore Translated by Nagindas Parekh (Gitanjali). Prem. Kavita in Gujarati. Literature and art site)

સિતાંશુ યશશ્ચંદ્ર – ભાષા

Thursday, October 26th, 2006

માણસ ! માણસ ! બોલ,
ફ્રરીને ગુજરાતી ભાષા બોલ,
ફરી ફરીને ગુજરાતી ભાષા બોલ,
બોલ માણસ, માણસની ભાષા બોલ.

       – સિતાંશુ યશશ્ચંદ્ર (Sitanshu Yashshravandra. Bhasha. Kavita in Gujarati. Literature and art site)

ડૉ. રઇશ મનીયાર – દૂરદૂર

Tuesday, October 24th, 2006

દૅશ્યોથી દૂરદૂર અવાજોથી દૂરદૂર,
ચાલો નીકળીએ આજે સમાજોથી દૂરદૂર.

દિલમાં પ્રથમ ઉતારીએ એક દર્દ કાયમી,
વસીએ પછીથી ક્યાંક ઇલાજોથી દૂરદૂર.

એક ચંદ્ર ઝાંખોપાંખો નિહાળી લીધો છે મેં,
લોહી નીતરતા સૂર્યથી, સાંજોથી દૂરદૂર.

દરિયાનું માપ કાઢવા નીકળી પડી ‘રઇશ’,
નાનકડી એક નાવ જહાજોથી દૂરદૂર.

         – ડૉ. રઇશ મનીયાર(Dr. Raeesh Maniar – DoorDoor. Ghazals in Gujarati. Literature and art site)

અવિનાશ વ્યાસ – છુક છુક ગાડી

Monday, October 23rd, 2006

ગાડી / Train

પાટા ઉપર ગાડી
દોડે દોટો કાઢી,
વાંકીચૂકી ઊભી આડી,
છુક છુક છુક છુક.

જંગલ આવે, ઝાડી આવે,
નદી ઝરણાંનાં નીર કુદાવે;
કાળી કાળી ચીસો પાડી,
મોટા ડુંગર ફાડી –
વાંકીચૂકી ઊભી આડી,
છુક છુક છુક છુક.

મુંબઇ આવેમ, વડોદરું
સુરત આવે, ગોધરું;
મમ્માજી મુંબઇ આવે,
પપ્પાજી ટપાલ લાવે;
પાટા ઉપર ગાડી …

          – અવિનાશ વ્યાસ (Avinash Vyas. Paata upar gadi Lok Sahitya, Bal geet in Gujarati. Literature and art site)

ૐ જય લક્ષ્મી માતા

Saturday, October 21st, 2006

(via અમીઝરણું )લક્ષ્મી માતા / Lakshmi Mata

ૐ જય લક્ષ્મી માતા, મૈયા જય લક્ષ્મી માતા,
તુમ કો નિસદિન સેવત, હર વિષ્ણુ ધાતા. ૐ…

ઉમા, રમા, બ્રહ્માણી, તુમ હી જગ-માતા,
સૂર્ય-ચન્દ્રમા ધ્યાવત, નારદ ઋષિ ગાતા. ૐ…

દુર્ગારૂપ નિરંજની, સુખ-સમ્પતિ દાતા,
જો કોઇ તુમ કો ધ્યાવત, રિદ્ધિ સિદ્ધિ ધન પાતા. ૐ…

તુમ પાતાલ નિવાસિની, તુમ હી શુભદાતા,
કર્મ પ્રભાવ પ્રકાશિની, ભાવનિધિકી દાતા. ૐ…

જિસ ઘર તુમ રહતી, તહં સબ સદ્દગુણ આતા,
સબ સંભવ હો જાતા, મન નહિ ઘબરાતા. ૐ…

તુમ બિન યજ્ઞ ન હોતે, વસ્ત્ર ન હો પાતા,
ખાન-પાન કા વૈભવ, સબ તુમસે આતા. ૐ…

શુભ-ગુણ મંદિર સુંદર, ક્ષીરોવધિ જાતા,
રત્ન ચતુર્દશ તુમ બિન, કોઇ નહિ પાતા. ૐ…

મહાલક્ષ્મીજી કી આરતી, જો કોઇ નર ગાતા,
ઉર આનંદ સમાતા, પાપ ઊતર જાતા. ૐ.

         સાંભળો (click to listen)(Lakshmi Mata Aarti. In Gujarati. Literature and art site)

ફૂલચંદભાઇ શાહ – લડવૈયા, શૂરા જાગજો રે

Saturday, October 21st, 2006

ડંકો વાગ્યો લડવૈયા, શૂરા જાગજો રે .
શૂરા જાગજો રે, કાયર ભાગજો રે. – ડંકો વાગ્યો o

માથું મેલો, સાચવવા, સામી ટેકને રે,
સામી ટેકને રે (૨) – માથું મેલો o

તોડી પાડો સરકારી જુલમી કાયદા રે,
જુલમી કાયદા રે (૨) – તોડી પાડો o

ભારતમુક્તિને કાજે કાયા હોમજો રે,
કાયા હોમજો રે (૨) – ભારત o

ડંકો વાગ્યો ભરતની બહેનો જાગજો રે,
બહેનો જાગજો રે, વિદેશી ત્યાગજો રે. – ડંકો વાગ્યો o

         – ફૂલચંદભાઇ શાહ(PhoolchandBhai Shah. Ladvaiya shura jagjo re. Poems in Gujarati. Literature and art site)

લોક સાહિત્ય -દીવાળી

Friday, October 20th, 2006

દીવાળી / Diwali

દીવાળીના દિવસોમાં,
ઘર ઘર દીવા થાય.
ફટાકડા ફટ ફટ ફૂટે,
બાળક મન હરખાય .

(Diwali na diwaso ma. Lok Sahitya, Bal geeto in Gujarati. Literature and art site)

‘બેફામ’ બરકત વીરાણી – આ પાર

Friday, October 20th, 2006

આ પાર તરી આવ્યો છું, તો
સાગરને કહી દઉં ભેદ હવે :
તોફાન મહીં જે ડૂબી ગયો –
એ મારો તારણહાર હતો !

         – ‘બેફામ’ બરકત વીરાણી (‘Baefam’ Barkaat Virani. Zindagi. Shayari, Vicharo in Gujarati. Literature and art site)

કરસનદાસ માણેક – સમજાતું નથી

Thursday, October 19th, 2006

(ખાસ ડૉ. વિવેક ટેલર્ ને આભારી છીએ આ કવિતા અભિપ્રાયમાં મોકલવા બદલ)

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !

ટળવળે તરસ્યાં, ત્યહાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે !

ઘરહીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર :
ને ગગનચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે !

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના :
લાખ ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે !

કામધેનુને મળે ના એક સૂકું તણખલું,
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !

છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે !

         – કરસનદાસ માણેક (Karsandas Manek – Samjatu Nathi. Vicharo in Gujarati. Literature and art site)

અંકિત ત્રિવેદી – શોધ

Wednesday, October 18th, 2006

તું મને ન શોધ ક્યાંય આસપાસમાં
હું તને મળી શકું તારા જ શ્વાસમાં.

          -અંકિત ત્રિવેદી(Ankit Trivedi – Shodh. Vicharo in Gujarati. Literature and art site)

જયંત વ્યાસનું અવસાન

Tuesday, October 17th, 2006

Jayant Vyas

ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસ – વાજાં

Monday, October 16th, 2006

વાગે વરઘોડાનાં વાજાં ચાલો જોવાને જઇએ !
સૂરીલી શરણાઇ બોલે જાણે કોયલ કૂકે,
ઢબક ધ્રિબાંગ ઢબક ધ્રિબાંગ ઢોલ જુઓ ઢૂબકે ! … ચાલો.
પડઘમ ને રમઢોલ સાથે કડકડ કડકડ ધોમ,
મીઠા મીઠા પાવા એના પી પી પી પી પોમ ! … ચાલો.
નગારચીની નોબત ગગડે કડાંગ ધિનકીટ ધા,
સૂર ઊંચા સંભળાયે એની પિપૂડીના તીખા … ચાલો.

          – ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસ (Tribhuvanbhai Vyas- Vaaja Poems in Gujarati. Literature and art site)

‘નારાજ’ ચંદ્રેશ મકવાણા – આપણે તો નિભાવવાની છે

Sunday, October 15th, 2006

છોડ, તારે જ ઓઢવાની છે,
રાત ભાગીને ક્યાં જવાની છે.

આગને દોષ ના લગારે દો
મૂળમાં ભૂલ આ હવાની છે.

લાખ રસ્તા વિચારવા પડશે,
એક બાબત છુપાવવાની છે.

એમણે તો ફરજ કહી નાખી,
આપણે તો નિભાવવાની છે.

          – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’ (Chandresh Makwana. Aapne toe nibhavani Chhe. Ghazals in Gujarati. Literature and art site)