જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી,ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત !
ઉત્તર દક્ષિણ પૂર્વ કે, પશ્ચિમ જ્યાં ગુર્જરના વાસ;
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં,સૂર્ય તણો જ પ્રકાશ.

જેની ઉષા હસે હેલાતી,તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
ગુર્જર વાણી,ગુર્જર લહાણી,ગુર્જર શાણી રીત;
જંગલમાં પણ મંગલ કરતી,ગુર્જર ઉઘમ પ્રીત.
જેને ઉર ગુજરાત હલાતી,તેને સુરવન તુલ્ય મિરાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ;
ખંડ ખંડ જૈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ.
ગુર્જર ભરતી ઊછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર મ આત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
અણકીધાં કરવાના કોડે,અધૂરાં પૂરાં થાય;
સ્નેહ,શૌર્ય ને સત્ય તણા ઉર,વૈભવ રાસ રચાય.
જય જય જન્મ સફળ ગુજરાતી,જય જય ધન્ય અદલ ગુજરાત !
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
– ‘અદલ’ અરદેશર ફ.ખબરદાર (‘adal’ Ardeshar f. khabardar – sadakaal Gujarat. Kavita / Poems, Lok Sahitya in Gujarati. Literature and art site)