Month: December 2006

મુકેશ જોષી – સુખની પાઈપલાઈન કાણી

મારા ફ્લેટમાં આવે છે ભેજ
કેમે ના સમજાતું અંદર દિવાલમાં
         કે મારી આંખમાં આ લીકેજ… મારા ફ્લેટમાં.

એક પછી એક એના ઊખડે છે પોપડા
હિંમત હારી બેઠી ભીંત
                  ધ્રાસકા સમેત બધી જોયા કરે છે
પહેલાં કઈ પડવાની ઈંટ
         સૂરજ નથી ને મારે ઓચિંતું જોઈએ છે
         ક્યાંયથીય એક મૂઠી તેજ… મારા ફ્લેટમાં.

ફ્લેટમાં દરિયો ઘુસાડ્યો આ કોણે
                  કોણે માંગ્યું’તું આમ પાણી
સાંજ પડે દિવસો પણ ડૂસકાં થઈ જાય
         સુખની આ પાઈપલાઈન કાણી
આવા ને આવા તું બાંધે છે ફ્લેટ
         એમાં તારી ખરડાય છે ઇમેજ… મારા ફ્લેટમાં.

         – મુકેશ જોશી

(સૌજન્ય : વિવેક)(Mukesh Joshi -Sukh ni pipeline kani. Ghazals in Gujarati. Literature and art site)

Tags :

ઉમાશંકર જોશી – જો

કાન જો આંખ હોય તો શબ્દ એને પ્રકાશ લાગે.

         – ઉમાશંકર જોશી (Umashankar Joshi. Jo. Vicharo in Gujarati. Literature and art site)

Tags :

ભગવતીકુમાર શર્મા – કિસ્સો

ભગવતીકુમાર શર્મા /BhagvatiKumar Sharmaમારા નિષ્ફળ બચાવનો કિસ્સો,
પીઠ પાછળના ઘાવનો કિસ્સો.

મારા ઘેરા લગાવનો કિસ્સો;
તારા આછા ઝુકાવનો કિસ્સો.

આમ તો બીજું શું છે આ હોવું ?
શ્વાસની આવજાવનો કિસ્સો.

જઈ ડૂબ્યો કાવ્યની સરિતામાં
મારી કાગળની નાવનો કિસ્સો.

કાંઠે બેસી તરસ નિરૂપે છે
એક સુક્કા તળાવનો કિસ્સો.

         – ભગવતીકુમાર શર્મા

(સૌજન્ય : વિવેક)(BhagvatiKumar Sharma. Kisso. Ghazal in Gujarati. Literature and art site)

Tags :

શોભિત દેસાઇ – અહમ ઓગાળવા આવ્યાં

કિરણ આવ્યાં તો અંધારાં કરમ ઓગાળવા આવ્યાં,
આ ઝાકળ શાને પોતાના જનમ ઓગાળવા આવ્યાં !

કહી દીઘું ખરેખર સ્પર્શને: આજે ઝૂકીશું નહિ,
છુઇમુઇનાં પર્ણો જો, શરમ ઓગાળવા આવ્યાં.

હતી એક જ શરત આખી સફરની, સાહજીક બનવું,
સમજ જે આ લઇ આવ્યા ભરમ ઓગાળવા આવ્યાં.

અમારે દેવ-દેવી, દોરા-ધાગા, સુખ ને દુ:ખ છે પ્રેમ,
ખરાં દર્શન કરી દૈર-ઓ-હરમ ઓગાળવા આવ્યાં.

અધિકૃત હો ભલે, તો પણ પ્રશસ્તિઓ ગમે છે ક્યાં ?
તમારી પાસે આવ્યા તો અહમ ઓગાળવા આવ્યાં.

       – શોભિત દેસાઇ(Shobhit Desai – Aaham Oogalvaa aaviya. Ghazals in Gujarati. Literature and art site)

Tags :

પ્રીતિ સેનગુપ્તા – કોઇ મને અટકાવી દે તો ?

તરવાના થાકનો
મછલીને
વિચાર જ ક્યાંથી હોય ?
પંખીને તે વળી
ઊડવાનો કંટાળો ?
મને તો એ જ ડર છે
કે પૂછયા વગર,
વિચાર્યા વગર,
શ્વાસ લેવાનો ભાર લાગતો હશે
એમ માનીને
કોઇ
મને અટકાવી દે તો ?

          – પ્રીતિ સેનગુપ્તા (Priti Sengupta – Koi mane atkavi de toe. Kavita in Gujarati. Literature and art site)

Tags :

પ્રભુ પહાડપુરી – વૃક્ષકાવ્ય


હા,
એને પણ
પોતાનો સાથ છોડી
ઊડી જતા પક્ષીને નિહાળી
દુ:ખ થયું હશે !
કિંતુ
પક્ષીના માળાને
વેરવિખેર કરી નાખવાનો વિચાર
વૃક્ષને ક્યારેય આવ્યો નથી.
કદાચ
તેથી જ
સૂર્યાસ્ત પહેલાં કિલ્લોલ કરતાં
વૃક્ષ ભણી પાછાં ફરે છે
પંખીઓ.

          – પ્રભુ પહાડપુરી (Prabhu Pahadpuri. Vruksh Kavya. Kavita in Gujarati. Literature and art site)

Tags :

નયના જાની – અનહદ અપાર વરસે

આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે,
હું કેટલુંક ઝીલું, અનહદ અપાર વરસે !

ના શ્રાવણી અષાઢી વરસાદના દિવસમાં,
એ તો અકળ અમસ્તું બસ વારવાર વરસે !

ભીંજાઉં, ન્હાઉં, ડૂભું, આઘે તણાઉં એવું,
આ નેહના ગગનનો સઘળો ય સાર વરસે !

હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે,
કૈં ના કહું તો આવી આવી ધરાર વરસે .

છલકી જવાય એવું કે છોળ થઇ જવાતું,
ઘેઘૂર ને ઘુઘવતો એવો ખુમાર વરસે.

          – નયના જાની (Nayana Jani. Anhad Apaar Varse. Kavita in Gujarati. Literature and art site)

Tags :

જલન માતરી – પ્રથમથી જ રિવાજ છે.

સુખ જેવું જગમાં કંઇ નથી જો છે તો આ જ છે,
સુખએ અમારા દુ:ખનો ગુલાબી મિજાજ છે.

હું જો અનુકરણ ન કરું તો કરું યે શું ?
અહીંયા મરી જવાનો પ્રથમથી જ રિવાજ છે.

અસ્તિત્વ તારું આસ્થાનું નામ છે ખુદા,
એ વહેમ છે તો વહેમનો તો ક્યાં ઇલાજ છે?

દુનિયાના લોક હાથ પગ ના મૂકવા દિયે,
ને તું કહે સમસ્ત જગત મારે કાજ છે.

ઊઠ-બેસ વિણ, અજાન વિણ, પળમાં પતી જશે,
મસ્જિદમાં આખ આ ‘જલન’ની ન અમાઝ છે.

          – જલન માતરી (Jalan Matri. Khuda pun Hashae. Kavita in Gujarati. Literature and art site)

Tags :

‘ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા – ધન્ય ભાગ્ય

બાઇ રે, તારાં ભાગ્ય મહા બળવાન;
અમ્રતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે કહાન ! – બાઇ રે ૦
ઊંચે વ્યોમભવન ખેલંદો ઊતર્યો તારે નેસ,
ગોરસ મિષે પ્રેમપિયાસી યાચત બાળે વેશ,
ધણી થૈ બેસે તોય શું કહીએ; આતો માગે દાણ. – બાઇ રે ૦

કંઇક બીજી જો મહિયારીની કોઇ ન ફોડે ગોળી,
રાત દી પી પી પોત, ગોરસ બગડ્યાં દેતી ઢોળી,
આપણું પીધું તુચ્છ, હરિનું ચાખ્યું બુંદ મહાન. – બાઇ રે ૦

ગગરી ફોડી ભવ ફેડ્યો ને મહીમાં પ્રીત લૂંટાઇ,
કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈ ન બચાવવું બાઇ !
બચિયું એટલું એળે, અહીં તો લૂંટવ્યું એટલી લ્હાણ ! – બાઇ રે ૦

          – ‘ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા(‘Ushnas’ Natwarlal KuberBhai Pandya. Dhanya Bhagya. Kavita in Gujarati. Literature and art site)

Tags :

પ્રજારામ રાવળ – વરસાદ

આ ઝરમર ઝર વરસાદ,
વળી વળીને વરસે જાણે મધુર કોઇની યાદ !

         – પ્રજારામ રાવળ(Prajaram Raval. Varsaad. Shayari, Vicharo in Gujarati. Literature and art site)

Tags :

નરસિંહરાવ દિવેટિયા – પ્રેમળ જ્યોતિ તારો દાખવી

પ્રેમળ જ્યોતિ તારો દાખવી,
મુજ જીવનપંથ ઉજાળ.

દૂર પડ્યો નિજ ધામથી હું ને
ઘેરે ઘન અંધકાર,
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં,
નિજ શિશુને સંભાળ,
મુજ જીવનપંથ ઉજાળ. …. પ્રેમળ જ્યોતિ.

ડગમગતો પગ રાખ તું સ્થિર ને
દૂર નજર છો ન જાય,
દૂર માર્ગ જોવાને લોભ લગીર ના,
એક ડગલું બસ થાય …. પ્રેમળ જ્યોતિ.

આજ લગી રહ્યો ગર્વમાં હું ને,
માગી મદદ ન લગાર,
આપ બળે માર્ગ જોઇને ચાલવા
હામ ધરી મૂઢ બાળ,
હવે માગું તુજ આધાર …. પ્રેમળ જ્યોતિ.

ભભકભર્યાં ચિન્હોથી લોભાયો ને,
ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષ ને લોપ સ્મરણથી,
સ્ખલન થયાં જે સર્વ,
મારે આજ થકી નવું પર્વ …. પ્રેમળ જ્યોતિ.

તારા પ્રભાવે નિભાવ્યો પ્રભુ મને
આજ લગી પ્રેમભેર,
નિશ્વે મને તું સ્થિર પગલેથી
ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમળ જ્યોતિની સેર …. પ્રેમળ જ્યોતિ.

કર્દમભૂમિ કળણ ભરેલી
ને ગિરિવર કેરી કરાડ,
ધસધસતા જળ કેરા પ્રવાહો
સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશો નિજ દ્રાર …. પ્રેમળ જ્યોતિ.

          – નરસિંહરાવ દિવેટિયા (Narsinhrao Divethia. Premal Jyoti. Bhajan aarti, prabhatiya, lok sahitya in Gujarati. Literature and art site)

Tags :

નરસિંહરાવ દિવેટિયા – મંગલ મંદિર ખોલો

મંગલ મંદિર ખોલો, દયામય !
મંગલ મંદિર ખોલો,

જીવનવન અતિ વેગે વટાવ્યું
દ્વાર ઊભો શિશુ ભોળો ;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લો, લો, દયામય !

નામ મધુર તમ રટ્યો નિરંતર
શિશુસહ પ્રેમે બોલો ;
દિવ્ય તૃષાતુર આવ્યો બાલક,
પ્રેમ – અમીરસ ઢોળો, દયામય !

મંગલ મંદિર ખોલો !

          – નરસિંહરાવ દિવેટિયા
         સાંભળો (click to listen)(Narsinhrao Divethia. Mangal Mandir Kholo Bhajan aarti, prabhatiya, lok sahitya in Gujarati. Literature and art site)

Tags :