ભગુભાઇ ભીમડા – બની શકાય તો

બની શકાય તો કોઇકનો સહારો બનીએ.
કોઇકના જીવનનો તારણહારો બનીએ …

જીવન તો એક વિશાળ વટવૃક્ષ જેવું છે.
કોઇક નિર્દોષ પંખીડાંનો માળો બનીએ …

ઉનાળાના તાપમાં શીતળતા પણ દોહયલી
કોઇક વટેમાર્ગુનો ભલો આશરો બનીએ …

મંઝિલ કે ધ્યેય દરેક જીવનમાં હોય છે
કોઇક જીવન સાથીનો સથવારો બનીએ …

દિલથી દિલ મળે એ તો પ્રેમીઓની રીત છે
કોઇક પ્રેમાળ દિલનો દિલદારો બનીએ …

શ્રવણ જેવા તો આપણે ન કહેવાય પણ
કોઇક આંધળા મા-બાપનો સહારો બનીએ …

સંસારના પથ પર પથિકો અટવાય છે
કોઇક રસ્તો ભૂલેલાનો ઇશારો બનીએ …

જીવન નાવ તો મધદરિયે અટવાય છે
કોઇકના માટે સાગરનો કિનારો બનીએ …

          – ભગુભાઇ ભીમડા (ભરૂચ) (Bhaghubhai Bhimda (Baruch). Bani Shakai Toe. Kavita, Bal geet in Gujarati. Literature and art site)

Tags :
અન્ય રચનાઓ...