Month: February 2007

ડૉ. વિવેક મનહર ટેલર – રોજ

દિલમાં હું દર્દનાં શું વિસામો કરૂં છું રોજ?
આંસું ને આહ પર હું ગુજારો કરૂં છું રોજ

તસ્વીર, પત્ર, યાદ-મિટાવી દીધું બધું,
લોહીમાં તો વહન શું દિ� આખો કરૂં છું રોજ?

અટ્ક્યું છે દિલ કશેક, તું વિશ્વાસ કર, મરણ !
હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ.

મારી ગઝલમાં મારા જીવનના ન અર્થ શોધ,
દુનિયામાં છું હું, દુનિયાની વાતો કરૂં છું રોજ.

સચ્ચાઈ દોસ્તોની નથી જાણવી કશી,
એથી તો હું બધાથી કિનારો કરું છું રોજ.

શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.

         – ડૉ. વિવેક મનહર ટેલર (Dr. Vivek Tailor – Roj . Ghazal in Gujarati. Literature and art site)

Tags :

નીલમ દોશી – મંગલ ત્રિકોણ

શુભમ અને શચી જ્યારે સાથે જીવવા-મરવા ના ખ્વાબ જોતા હતાં ત્યારે જ સમય જાણે તેમની પર હસતો હતો.આવું તો કેટકેટલું સમયે જોઇ નાખ્યું હતું,,સાંભળી લીધુ હતું ને તે પછી ના દ્રશ્યો પણ તેણે ક્યાં ઓછા જોયા હતાં?ભલભલા પ્રેમ ના રંગ ફિક્કા પડતા સમયે જોયા હતા.પોતે બધાથી અલગ છે એવા દાવા ઉપર તો હવે તેને દયા આવતી હતી.

શુભમ અને શચી જાણે..’’ made for each other ‘’,બને ના મિત્રો પણ એવું માનતા હતાં ને સ્વીકારતા હતાં. કેવા સુંદર દિવસો હતા!!સમય કેવી ઝડપથી ભાગતો હતો કે ઉડતો હતો.પ્રેમી ઓના સમય ને આમે ય હમેશા પાંખ હોય જ છે ને?વધુ માં વધુ સમય સાથે કેમ રહી શકાય એ જ પ્લાનીંગ બંને કર્યા કરતા. અને ચોરીછૂપી થી મળવાનો જે આનંદ,,જે મસ્તી,,જે ખુમારી હોય છે એ કદાચ officially મળવા માં નહી મળતો હોય!!માતાપિતા ના વિરોધ નો સામનો કરી…નિયમો નો ભંગ કરી ને મળવા માં યૌવન ને જે ઉત્સાહ,જે આનંદ આવે છે ..એ તો અનુભવે જ સમજી શકાય.
Read more

Tags :

કરસનદાસ માણેક – જીવન અંજલિ થાજો

(રાગ – ભૈરવી, તાલ – કેરવા)

જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો !
ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો;
દીન-દુ:ખિયાના આંસુ લો’તો અંતર કદી ન ધરાજો ! મારું જીવન …
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો;
ઝેર જગતનાં જીરવી જીરવી અમ્રુઅત ઉરનાં પાજો ! મારું જીવન …
વણથાક્યાં ચરણો મારાં નિત તારી સમીપે ધાજો:
હૈયાના પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો ! મારું જીવન …
વમળોની વચ્ચે નૈયા મુજ હાલકલોલક થાજો:
શ્રદ્રા કેરો દીપક મારો ના કદીયે ઓલવાજો ! મારું જીવન …

         – કરસનદાસ માણેક (Karsandas Manek -Jeevan Anjali Thajoe. Bhajan-Aarti in Gujarati. Literature and art site)

Tags :

‘ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા – જતાં પૂર્વે

જતાં પહેલાં મળી લેવું છે ફરી સૌને એકવાર,
એકવાર ફરી મળી લેવું છે જૈ સામેથી ધરાર,
એકવાર કડકડતી ઠંડી રાતમહીં અંધારી
ધડધડ મેં કીધ બંધ બારણું, ધડાક વાસી બારી;
અંદર લઇ લેવાં છે સૌને, રહી ગયાં જે બ્હાર, જતાં …
તે તે ઘર સામેથી જઇને બોલવું છે બોલાવી.
ખોલી મૂકવું છે હૈયું મુજ, એમનું યે ખોલાવી;
ક્ષમા કૈંકની માગવી છે ને, માગવો છે આભાર, જતાં …
વણચાહ્યાંને એકવાર ફરી ગણીગણી લેવાં ચાહી,
સાથ રહ્યાંને હાથથી ખેંચી લેવા બાથની માંહી.
ઓછા પ્રેમનો હું અપરાધી, હાય રે કેવું આળ, જતાં …
વિદાયપળ ઢૂકડી, તો બ મણો ડૂમો કિય અબોલ,
વિદાય સૌને હે પાસેના ભૂગોળ ! દૂર ખગોળ !
વેગળું જતું તે થતું વધુ વ્હાલું, સાદ કરું “હે યાર !” જતાં …

          – ‘ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા(‘Ushnas’ Natwarlal KuberBhai Pandya. Jata Purve. Kavita in Gujarati. Literature and art site)

Tags :

હિતેન આનંદપરા – દશાઓ એમ સુધરતી નથી ઈશ્વર બદલવાથી

દશાઓ એમ સુધરતી નથી ઈશ્વર બદલવાથી
સવાલો ક્યાં કદી બદલાય છે ઉત્તર બદલવાથી.

નથી નિષ્ઠા વિશે શંકા પરંતુ રીત ખોટી છે
નહીં પામી શકે તું ફૂલને અત્તર બદલવાથી.

જરૂરી છે એ લય ને તાલ છે, જે લોહીમાં મળશે
નથી કંઇ ફાયદો ઓ નર્તકી, ઝાંઝર બદલવાથી.

મને મારા વીતેલા ચંદ દિવસો ભેટમાં આપો
થયો છું ખૂબ એકલવાયો જૂનું ઘર બદલવાથી.

નહીં આવી શકે તારા ઘરે, તું જીદ છોડી દે
સંબંધો એમ બંધાતા નથી અવસર બદલવાથી.

ત્વચા બીજા કોઇની આપણે ઓઢી ન હો જાણે
અજુગતું એમ કંઇ લાગ્યા કરે ચાદર બદલવાથી.

          – હિતેન આનંદપરા (Hiten Anandpara. Dasao aem sudharti nathi ishvar badalvathi. Ghazal in Gujarati. Literature and art site)

Tags :

રાજેન્દ્ર શુક્લ – પગલાં કુંકુમઝરતાં

(બારેય ગુજરાતી મહિનાઓને સમાવી લેતી સરસ ગઝલ)

દૂર દૂર પરહરતાં, સાજન !
વરસો આમ જ સરતાં, સાજન !

કારતકના કોડીલા દિવસો –
ઊગી આથમી ખરતા, સાજન !

માગશરના માઝમ મ્હોલોમાં
નેવાં ઝરમર ઝરતાં, સાજન !

પોષ શિશિરની રજાઈ ઓઢી
અમે એક થરથરતા, સાજન !

માઘ વધાવ્યા પંચમ સ્વર તો
કાન વિશે કરકરતા, સાજન !

છાકભર્યા ફાગણના દહાડા –
હોશ અમારા હરતા, સાજન !

ચૈત્ર ચાંદની, લ્હાય બળે છે,
તમે જ ચંદન ધરતા, સાજન !

એ વૈશાખી ગોરજવેળા,
ફરી ફરીને સ્મરતા, સાજન !

જેઠ મહિને વટપૂજન વ્રત,
લોક જાગરણ કરતા, સાજન !

આષાઢી અંધારે મનમાં
વીજ સમાં તરવરતાં, સાજન !

શ્રાવણનાં સરવરની પાળે,
હવે એકલા ફરતા, સાજન !

ભાદરવો ભરપૂર વહે છે,
કાગ નિસાસા ભરતા, સાજન !

આસોનાં આંગણ સંભારે
પગલાં કુંકુમઝરતાં, સાજન !

         – રાજેન્દ્ર શુકલ (Rajendra Shukla. Pagala Kumkum Jartaa. Ghazal. Gujarati Literature and art site)

Tags :

અવિનાશ વ્યાસ – ચરર ચરર

ચકડોળ / roller coaster

ચરર ચરર મારું ચકડોળ ચાલે,
ચાકડૂચું ચીંચીં ચાકડૂચું ચીંચીં તાલે,
આજે રોકડા ને ઉધાર કાલે. ચરર ચરર ૦

ઓ લાલ ફેંટાવાળા ! ઓ સોમાભાઇના સાળા !
ઓ કરસનકાકા કાળા ! ઓ ભૂરી બંડીવાળા !
મારું ચકડોળ કાલે, ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં. ચરર ચરર ૦

અધ્ધર પધ્ધર, હવામાં સધ્ધર, એનો હીંચકો હાલે,
નાનાં મોટાં, સારાં ખોટાં, બેસી અંદર મ્હાલે;
અરે બે પૈસામાં બબલો જોને આસમાનમાં ભાળે.
ચાકડૂચું ચીંચીં તાલે. ચરર ચરર ૦

ચકડોળ ચઢે, ઊંચે નીચે, જીવતર એવું ચડતું પડતું,
ઘડીમાં ઉપર… ઘડીમાં નીચે… ભાગ્ય એવું સૌનું ફરતું;
દુ:ખ ભૂલીને સુખથી ઝૂલો નસીબની ઘટમાળે,
ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં ચાલે,
આજે રોકડા ને ઉધાર કાલે ચરર. ચરર ચરર ૦

          – અવિનાશ વ્યાસ (Avinash Vyas. Chakdol. Lok Sahitya, Bal geet, Kavita in Gujarati. Literature and art site)

Tags :