Month: March 2007

ધીરુ મોદી – અક્ષત

ઘાયલ થઇને સૈનિક સૂતો છે,
એને વિસ્મય થાય છે :
– આસપાસ ગાઢ ફેલાયેલી આ બાવળિયાની ઝાડીમાંથી
વહી આવતો
પેલી પારનો કોયલનો ટહુકો
જરાય ઉઝરડા વગર
ને જરીકે લોહીલુહાણ થયા વગર
આ બાજુ
શી રીતે આવ્યા કરતો હશે ?

          – ધીરુ મોદી (Dhiru Modi. Aakshat. Kavita in Gujarati. Literature and art site)

Tags :

રમેશ પુરોહિત – મૌન (ભાગ – ૪ )

(ભાગ – ૪ ) (ભાગ – ૩ , ભાગ – ૨ , ભાગ – ૧ )

ભલેને મૌન હો પણ હોઠ જો મલકાઇ જાયે છે તો સમજાવ્યા વિના અમને બધું સમજાઇ જાયે છે.

આપણે બોલતી વખતે બે વાર વિચાર કરીએ છીએ પણ મૌનમાં કોઇ સાવચેતી રાખવી નથી પડતી. ક્યારેક આપણે બોલીએ પણ આખી વાતની ખબર ન હોય અને ફકત એક બે પ્રસંગો કે ઘટનાઓ જાણતા હોઇએ તો મૂંઝવણમાં મુકાવું પડે, પરંતુ મૌનમાં આવી મુશ્કેલી નથી એટલે મરીઝ કહે છે કે :

હો મૌન જરૂરી તો પછી બન્ને બરાબર
થોડાક પ્રસંગ યાદ હો, યા આખી કથા યાદ

મૌનની શક્તિ ગજબની હોય છે. હોઠ સ્હેજ મલકાઇ જાય તો મૈનની મહેફિલમાં કોઇના પ્રમનો રાજ્યાભિષેક થાય છે : જયંત શેઠનો શેર આ વાત કરે છે

ભલેને મૌન હો પણ હોઠ જો મલકાઇઅ જાયે છે
તો સજાવ્યા વિના અમને બધું સમજાઇ જાયે છે

         – રમેશ પુરોહિત(Ramesh Purohit- Maun. Vicharo in Gujarati. Literature and art site)

Tags : ,

રાજેન્દ્ર શાહ – બપોર

વરસી રહી બપોર અગન અગન,
કયાંય દિગન્તે જઇને સૂતો પવન.
         ખરેલ તરુપર્ણે વને
                  છાંય ન કહીં,
         ઊતર્યા ભૂરાં વસન, ભૂમિ
                  રણશી રહી;
ખાલી જ ખાલી સઘળું, ખાલી ગગન.
                  વિહંગનું મૂંગું
                  કૂજન કરતું ગળું,
         થાય રે મારાં અંગ સકલ
                  બળું બળું:
નવ જાણું કેમ જીરવાશે આ દહન
સાંજ તો જાણે હજીય તે કંઇ
                  કેટલી સુદૂર …
         ઓસરતું ઝંખાય રે, મારા
                  પ્રાણનુંય નૂર;
છાનોય આવી અડકે હવે પવન,
શોચતી રહી ઉરને ઊંડે ગહન.

          – રાજેન્દ્ર શાહ(Rajendra Shah. Bapor. Kavita in Gujarati. Literature and art site)

Tags :

સ્પર્શ દેસાઇ – ૧૬ વરસની ષોડશી !

શ્રાવણી વરસાદ જેવી ષોડશી !
કો’ક ભૂલી યાદ જેવી ષોડશી.

જો અચાનક એક પળ ફોરી હતી,
રેશમી ઉન્માદ જેવી ષોડશી.

શબ્દમાં પડઘાય ગૈ એ ભૂલથી,
મૌનનાં સંવાદ જેવી ષોડશી.

પાંખમાં આકાશ લૈને એ ઉડી,
એકલી, આઝાદ જેવી ષોડશી.

એ સધનતા પામતી ગૈ, થૈ ગઝલ,
શે’ર માં ઇરશાદ જેવી ષોડશી.

પામવી એને કદી સંભવ નથી,
લાખમાં એકાદ જેવી ષોડશી.

જંગલોમાં ભમી થૈને હરણ,
એક કે સૈયાદ જેવી ષોડશી.

એક ઇપ્સા છે વિવિધ એ રુપમાં,
વાદ ને અપવાદ જેવી ષોડશી.

છોદ એ લજામણી જાણે હતો,
સ્પર્શમાં મરજાદ જેવી ષોડશી

          – સ્પર્શ દેસાઇ (Sparsh Desai – Sole varas ni shodshi. Ghazal in Gujarati. Literature and art site)

Tags :

રમેશ પુરોહિત – મૌન (ભાગ – ૩ )

(ભાગ – ૩ ) (ભાગ – ૨ , ભાગ – ૧ )

ભલેને મૌન હો પણ હોઠ જો મલકાઇ જાયે છે તો સમજાવ્યા વિના અમને બધું સમજાઇ જાયે છે.

મૌન ક્યારેક અર્થપૂર્ણ હોય છે તો ક્યારેક અનર્થ પણ સરજે છે. ક્યારે ભ્રમ ઊભા કરે છે અને ભ્રમિત પણ કરી શકે છે. પ્રેમની વાતમાં મૌનનું મહત્ત્વ શૂન્યભાઇ વગર આવી સરસ રીતે કોણ બીજું સમજાવી શકે ? શૂન્યનો શેર છે :

પ્રેમ ઇર્ષાથી પર કયાંય હોતો નથી
શબ્દથી વાત કેરું વતેસર થશે
હોઠ સીવીને ચુપચાપ જોતા રહો
મૌન પેદા કરે છે ભરમ કેટલા

માણસ મૂંગો બેઠો હોય ત્યારે પણ મન તો હજારો વિચારોમાં આળોટતું રહે છે એટલે રાજેન્દ્ર શુક્લે કહ્યું છે કદાચ ઓગળે તો એ મૌનથી જ ઓગળે. શબ્દનું તો કોઇ ગજું નથી કે મનને વશમાં રાખી શકે :

ઓગળે તો મૌનથી એ ઓગળે ઝળહળ થેતું,
શબ્દનું એની કનૈ કૈં ક્યાં ઊપજતું હોય છે !

         – રમેશ પુરોહિત(Ramesh Purohit- Maun. Vicharo in Gujarati. Literature and art site)

Tags :

રમેશ પારેખ – ધર્મ સંભાળીએ

આપણે આપણો ધર્મ સંભાળીએ
સૂર્યને ન્યાળીએ ઘાવ પંપાળીએ
ઢાળીએ રાતનું ઢીમ ઘરમાં અને
જીવને ઝાટકી વાસીદું વાળીએ
શ્વાસ કરતબ કરે, જાય પાછો ફરે
જોઈએ ખેલ તાળી દઈ તાળીએ
વિશ્વમાં પેસીએ, ટેસથી બેસીએ
ટેસથી આંખને ટાંગીએ ગાળીએ
મૂછને તાવ દઈ આપણી નાવ લઈ
રાહ દરિયાવની દેખીએ જાળીએ

          – રમેશ પારેખ (Ramesh Parekh – Dharma Sambhaliyae. Ghazal in Gujarati. Literature and art site)

Tags :

કૃષ્ણ દવે – હા અથવા ના…

‘હા અથવા ના’ માં જ જીવે છે ,
એ ક્યાં એનામાં જ જીવે છે ?

હતો , હશે ને છે ની વચ્ચે
કેવળ અફવામાં જ જીવે છે.

સાદ પડે કે હાજર તુર્ત જ
જોયું ? પડઘામાં જ જીવે છે.

કાંઠા સાથે માથા ફોડે-
એતો મોજામાં જ જીવે છે,.

પડછાયો પણ ના અડવા દે,
એવા તડકામાં જ જીવે છે,.

હોવાનો છે આ હોબાળો,
ને એ હોવામાં જ જીવે છે.

         – કૃષ્ણ દવે (Krushna Dave – Ha aathva na. Ghazal in Gujarati. Literature and art site)

Tags :

નરસિંહરાવ દિવેટિયા – સહસ્રલિંગ તળાવ પરથી દેખાવ

(રોળા વૃત)

અહીંયા સહસ્રલિંગ તળાવ વિશાળ હૂતું,
અહીંયા પાટણ જૂનું અહીં આ લાંબું સૂતું;
અહીંયા રાણીવાવ તણાં આ હાડ પડેલાં;
મોટા આ અહીં બુરજ મળ્યા માટીના ભેળા.
એમ દઇ દઇ નામ કરવી રહી વાતો હાવાં,
પાટણપુરી પુરાણ ! હાલ તુજ હાલ જ આવાં !
ગુજરાતનો પૂત રહી ઊભો આ સ્થળમાં,
કોણ એહવો જેહ નયન ભીંજ્યાં નહિ જળમાં ?
જળ નિર્મળ લઇ વહે કુમારી સરિતા પેલી,
નાસે પાસે ધસે લાડતી લાજે ઘેલી;
ઇશ્વર કરુણા ખરે ! વહી આ નદી સ્વરૂપે,
સ્મિત કરી પ્રીતિ ભરે ભરે આલિંગન તુંયે.
તુંયે પાટણ ! દયા ધરતીને એ સૂચવતી,
ભલે કાળની ગતિ મનુજ કૃતિને બૂઝવતી;
તૂજ પ્રેમસરિતા પૂર વહ્યું જાશે અણખૂટ્યું,
છો ધન વિભવ લૂંટાય ઝરણ મુજ જાય ન લૂંટ્યું,
તોડી પર્વતશુંગ મનુજ મદભરિયો મા’લે,
જાણે નિજક્રુતિ અમર ગળે કાળ જ તે કાળે;
ને મુજ તનડું ઘડ્યું કોમળ પાણીપોચું,
તે તો તેમનું તેમ રહે યુગ અનંત પોંચું.

          – નરસિંહરાવ દિવેટિયા (Narsinhrao Divethia. Sarhasaling talav parthe dekhaav Kavita, lok sahitya in Gujarati. Literature and art site)

Tags :

‘મિસ્કીન’ રાજેશ વ્યાસ – જી

તું વગર ક્યાંથી ધબકતી જિંદગી દેખાય જી,
જળ વગરના પટને કઇ રીતે નદી કહેવાય જી.

વૃક્ષ-ફૂલો – પંખીઓ અથવા કશું પણ આંખને,
પત્રમાં ત્હારા હો અક્ષર એમ કૈં વંચાય જી.

કોઇના વિના કશું અટકી નથી જાતું મગર,
એકબીજાથી બનેલું આ જગત સમજાય જી.

જે કઇ બનતું અનુગામી નસીબનું હોય છે,
શ્વાસ કપરા કળમાં ચાબૂક થઇ વીંઝાય છે.

નમ્રતા- નિર્બળતા- સાક્ષીભાવ તું કૈં પણ કહે,
સાંભળી લઉં છું બધાનું, ક્યાં કશું બોલાય જી.

આ ઘડો કેવો અજબ ? મિસ્કીન ભીતર નામનો,
જેટલો હું થાઉં ખાલી એટલો છલકાય જી.

         – ‘મિસ્કીન’ રાજેશ વ્યાસ (‘Miskin’ Rajesh Vyas. Jee. Ghazal in Gujarati. Literature and art site)

Tags :

રમેશ પુરોહિત – મૌન (ભાગ – ૨ )

(ભાગ – ૨ ) (ભાગ – ૧ )

ભલેને મૌન હો પણ હોઠ જો મલકાઇ જાયે છે તો સમજાવ્યા વિના અમને બધું સમજાઇ જાયે છે.

એક ન સમજાય એવી ઘૂટન, લોહીમાં ટોળે વળતી તડપન, રોમરોમમાંથી નીતરતી અવાચક શબ્દની ચિનગારીઓ, હૈયાંના તારેતારને ધ્રુજાવી દેતી એકલતા અને મનગમતી સાંજે આવી પડતી અણગમતી વિરહરજની એને તેના અભિશાપને આશીર્વાદમાં ફેરવી નાખે એવા શાંત મૌનની ક્ષણો જો નીપજે તો મૌન સાર્થક બને છે. શબ્દને મૌનમાં થીજાવી દેવાની વાત છે. પ્રફુલ્લ પંડયાનો ચોટદાર શેર:

થીજી ગયો’તો શબ્દ પછીથી જે મૌનમાં
ધારીને શબ્દદેહ ફરી ઓગળ્યો નહીં

શબ્દોથી વછૂટેલું મૌન આંખોથી વ્યક્ત થઇ શકે છે એટલે આદિલ શિખર અને તળેટીની સીમાઓ દોરે છે:

તમે શબ્દોથી જેને દૂર રાખ્યું
હવે આંખોથી છલકાઇ રહ્યું છે
તમે જેને શિખરનું મૌન સમજ્યા
તળેટીમાં તે પડઘાઇ રહ્યું છે.

         – રમેશ પુરોહિત(Ramesh Purohit- Maun. Vicharo in Gujarati. Literature and art site)

Tags :

ગણપતરામ – ન જાણી રે

અમ્રત મળ્યું પણ અમર થયો નહિં,
પીવાની જુક્તિ ન જાણી રે;
કાં તો ઘટમાં ગયું ના એના,
કાં પીવામાં આવ્યું પાણી.

         – ગણપતરામ(Ganpatram. n jani re. Vicharo in Gujarati. Literature and art site)

Tags :

ભગવતીકુમાર શર્મા – ગવાઈ જઈશ

ભગવતીકુમાર શર્મા /BhagvatiKumar Sharmaતમે પ્રસારી લીધો હાથ તો અપાઈ જઈશ,
વચન બનીશ તો નાછૂટકે પળાઈ જઈશ.

હરેક છત્રીમાં વાદળ શો અંધરાઈ જઈશ,
હરેક ચશ્માંને વીંધીને ઝરમરાઈ જઈશ.

આ છાંયડાના કસુંબાઓ ઘટઘટાવી લ્યો !
નગરનું વૃક્ષ છું, કોઈ પણ ક્ષણે વઢાઈ જઈશ.

નથી હું સૂર કે રૂંધી શકો તમે મુજને,
હું બૂમ છું ને કોઈ કંઠથી પડાઈ જઈશ.

હવે તો વેલને ફૂલોનો બોજ લાગે છે,
હું મારા શ્વાસની દીવાલથી દબાઈ જઈશ.

કોઈ તો સ્પર્શો ટકોરાના આગિયાથી મને,
કે જિર્ણ દ્વારની સાંકળ છું હું, કટાઈ જઈશ.

પછી ભૂંસાઈ જશે મારી સર્વ અંગતતા,
ગઝલરૂપે હું રચાયો છું તો ગવાઈ જઈશ.

         – ભગવતીકુમાર શર્મા

(સૌજન્ય : વિવેક)(BhagvatiKumar Sharma. Gavai Jaish. Ghazal in Gujarati. Literature and art site)

Tags :

રમેશ પુરોહિત – મૌન (ભાગ – ૧ )

(ભાગ – ૧ )

ભલેને મૌન હો પણ હોઠ જો મલકાઇ જાયે છે તો સમજાવ્યા વિના અમને બધું સમજાઇ જાયે છે.

વાતચીતમાં, વાચવામાં, વિચાર વ્યક્ત કરવામાં, વિવેચનમાં અને સર્જનમાં શબ્દોની જરૂર પડે છે. મૌનમાં શબ્દોની જરૂર નથી પડતી. વિચાર અશબ્દ થઇ જાય, મન તેના મનોતંત્રને ઢબૂરી દે અને વાચા નિ:શબ્દ બને અને અંતરમાં કશુંક અવ્યક્ત બને તો મૌનનો અર્થ સરે. મૌન જેવું અર્થપૂર્ણ કશુંય નથી. સંસ્ક્રુતમાં કહેવાયું છે કે “મૌનમ સવાર્થ સાધ્નમ”. જેની સીમા ન હોય એવા નાદબ્રહ્મનો સૂર મળે તો શબ્દોની સંગત છોડવાનું હરીન્દ્ર દવે એ એટલે જ કહ્યું હશે.

શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ
મને આપો એક અનહદનો સૂર
એક વાર ઓરેથી સંભળાવો,
દૂર દૂર વાગે છે ક્યારના નૂપુર

મૌન વાચાળ હોય છે, મૌન માર્મિક અને મારકણું હોય છે. મૌન સાધીને ચૂપ બેસી રહેનારાઓ અને મૌનની સાધના કરનારાઓ વચ્ચે ફરક છે. બે પ્રિયજનો વચ્ચે કયારેક મૌનની દીવાલ હોય છે તો ક્યારેક મૂંગી સંમતિ હોય છે. મૌનનો ભાર લાગે કે મૌન મીંઢું બને ત્યારે હરીન્દ્ર દવેના આબે શેર યાદ જરૂર આવે:

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી
મારા ઉદાસ દિલમાં વળે છે ફરી કરાર
પાછું તમારા મૌનમાં સાંત્વન ભળ્યું હશે

         – રમેશ પુરોહિત(Ramesh Purohit- Maun. Vicharo in Gujarati. Literature and art site)

Tags : ,

મનોજ ખંડેરિયા – મુઠઠીમાં

હોળી / holi
મનોજ ખંડેરિય / Manoj Khanderiya
સતત ભટકું – પૂછું ને શોધું છું ઘર જેનું વરસોથી
લખેલું એનું ઠેકાણું છે મારી બંધ મુઠઠીમાં –
હું ઘેરૈયો છું, રસ્તો રોકી આડો રંગ લઇ ઊભો,
ગુલાલે ગૂંજતું ગાણું છે મારી બંધ મુઠઠીમાં.

         – મનોજ ખંડેરિયા (Manoj Khanderiya. Muthi Ma- Vicharo in Gujarati. Literature and art site)

Tags :