૨૮ મે ૨૦૦૬ માં શરૂ થયેલું “ગુજરાતી સારસ્વત પરિચય” એક વર્ષ ક્યાં પૂરું કર્યુ ખ્યાલ ન આવ્યો.
- ફાધર વાલેસથી જે યાત્રા પ્રારંભી
- અને જાણે નરસિંહરાવ દિવેટીયાએ મંગળ મંદિર ખોલ્યા.
- ત્યાં તો દલપતરામે ઋતુઓનું વર્ણન કર્યુ.
- ‘ગની’ દહીંવાલાએ નિષ્ફળ નિષ્ફળ રમતા શીખવ્યું.
- અમૃત ‘ઘાયલ’ એ શાનદાર જીવ્યા નો દાખલો આપ્યો.
- દૂધમાં સાકરની જેમ ઉમાશંકર જોશીએ પરિચય આપ્યો.
- મરીઝએ ધીમા પ્રવાસનું ભાન કરાવ્યું.
- ‘શૂન્ય’ પાલનપુરીએ મંદિરમાં દેવોના દર્શન આપ્યા.
- ધૂમકેતુ “મરિયમ ન મળી, કાગળે ન મળ્યો.” ના દુ:ખદ સંદેશા લાવ્યા
– ગુજરાતનો નાથ કનૈયાલાલ મુન્શી પાસેથી મળી આવ્યા.
- ઝવેરચંદ મેઘાણીએ લગાડ્યો કસુંબીનો રંગ.
- સરસ્વતીચન્દ્ર આપી ગોવર્ધનરામ ત્રિપાઠીએ ધન્ય કર્યા.
- રમણલાલ દેસાઈએ દેખાડ્યું, કેમ આકાશમાં ઉડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની ગયું!
- ખબરદારએ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! દાખવ્યું.
- બોટાદકર, સાચે જ જનનીની જોડ જગે નહીં જડે રે, લોલ!
- છ અક્ષરનું નામ પણ રમેશ પારેખ ઘણું કહી ગયા.
- બાલાશંકર કંથારીયા એ જીવન મંત્ર આપ્યું – ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે. ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણે લેજે .”
- રાવજી પટેલએ મારી આંખે કંકુના સૂરજ આથમ્યાથી હ્રદય કંપાવી દીધુ
- ઈન્દુલાલ ગાંધીએ આંધળી માનો પત્ર પ્હોચાડયો.
- અખો તમે મૂરખ બન્તાં બચાવ્યા. “એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ.”
- સુંદરજી બેટાઈએ પ્રોત્સાહન આપ્યું “જાવું જરૂર છે. બંદર છો દૂર છે.”
- રાજેન્દ્ર શુકલના પ્રશ્નનો નથી જવાબ હજી – કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
- નરસિંહ મહેતા સાથે વૈષ્ણવજન થયા અને પીડ પરાઈ જાણી.
- હેમન્ત દેસાઇને મનગમતું ગમયું -
“બૂટ બાટા સિવાયના, કઠોળ ચણાદાળ સિવાયનાં,
શાક રીંગણ સિવાયનાં અને કપડાં ખાદી સિવાયનાં
કોઇ પણ મને ગમે.”
- માણસમાં રાખ્યા જયંત પાઠકએ ”રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે.
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે,”
- બાલમુકુન્દ દવે એ સમજાવી દીધું સાનમાં
- કૃષ્ણલાલ શ્રીધરાણી સાચી પૂજા શીખવી. ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય; ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય; ન નૈવેદ્ય તારું આ ! પૂજારી પાછો જા !
- “પાન લીલું જોયું ને હરીન્દ્ર દવે યાદ આવ્યાં. ”
- પ્રીતમનો હરીનો મારગ શૂરાનો છે.
- મકરન્દ દવેનો ગુલાલ તો કદી ગુંજે નહીં ભરાઇ ” ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીયે,ગમતાંનો કરીએ ગુલાલ.”
- ચંદ્રકાન્ત બક્ષીનું આ વાક્ય બહુ મોડુ વાચ્યું “ખરાબ આદતોને નાની ઉંમરથી શરૂ કરવી જોઈએ કે જેથી મધ્યવયમાં છોડી શકાય !”
- સુરેશ દલાલ, તમે વાતો કરો તો થોડું સારું લાગે
- “હું તો બસ ફરવા આવ્યો છું!” નિરંજન ભગત સાથે ફરવાની મજા આવી.
- ” ‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું? નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી.”
- જયંતિ દલાલનું સચોટ વાક્ય ”સૌથી ભયંકર વસ્તુ એ છે કે, આજે આપણને કશું ભયંકર લાગતું જ નથી. “
- કુન્દનિકા કાપડિયા સાથે સાત પગલાં આકાશમાં ભરયા.
- “ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? કહશો રાજેન્દ્ર શાહ
- ખરેખર શયદા, “તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, હું કહું છું જિંદગી ધોવાય છે.
- પિનાકિન ઠાકોર સાથે પોકારું, “હે ભુવન ભુવનના સ્વામી,”
- કલાપી તમને શું કહુ, જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
- કુમારપાળ દેસાઇ એ દર્દ અને દયાનો ભેદ દાખવ્યો. ‘મારી આંખોમાં દર્દ છે, દયાની ભીખ નથી.’
- “યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે.” ખરું કહ્યું નર્મદે
- શ્યામ સાધુજી ” બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી.
ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં.”
- કરસનદાસ માણેક, તમારું જીવન અંજલિ થયું
- મનોજ ખંડેરિયા તમે કહેશો કેમ આમ બને કે પકડું કલમને, ને હાથ આખેઆખો બળ છે?
- ‘સૈફ’ પાલનપુરી તમે તો છો ગઝલ સમ્રાટના શિષ્ય મને બનવું તમારી શિષ્ય
- નાથાલાલ દવે, ” કામ કરે ઇ જીતે રે માલમ ! કામ કરે ઇ જીતે. “
- દિનકર જોશી સાહેબ, ‘ પ્રકાશના કાંઇ પડછાયા હોય ?
“જુદી જિંદગી છે મિજાજે – મિજાજે, સરોદજી!
- ઘણીવાર વિચારું જગદીશ જોષીજી “ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં પણ આખા આ આયખાનું શું?
- “માથું અરીસામાં જ રહ્યું.
ને બહાર નીકળી પડી હું, સંસ્કૃતિરાણી દેસાઇ તમે કદાચ મળી જશો.
- તમારી વાત સાવ સાચી હિમાંશી શેલતજી , “જીવીએ પહેલાં પછી લખાય તો ઠીક છે, ન લખાય તો વસવસો નથી”
- “હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.” તારક મહેતા સાહેબનું રામબાણ અકસીર છે.
- ચન્દ્રકાન્ત શેઠ “કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં.” અને લોકો સુધી પ્હોચાડે છે બ્લોગ દ્વારા.
- અશોક દવે, તમારે તો ” લખવાના કારણે બપોરનાય ઉજાગરા થાય છે.”
ગુજરાતના સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે રસપ્રદ માહિતી આપવા બદલ સંચાલકો : સુરેશભાઈ જાની, જુગલકીશોર વ્યાસ, હરીશ દવે, અમિત પિસાવાડિયા, જયશ્રી ભક્તા, ઊર્મિસાગરનો ખુબ આભાર.