Month: June 2007

મનોજ ખંડેરિયા – પીછું

મનોજ ખંડેરિય / Manoj Khanderiya

ગગન સાથ લઇ ઊતરે એ ફરકતું
વિહગ-પાંખથી જે ખરી જાય પીછું
ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં
ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીછું
હજી એમાં કલશોર ગૂંજે વિહગનો
સૂનું આંગણું આ ભરી જાય પીછું
હ્રદયમાં વસ્યાં પંખીઓ બ્હાર આવે
કદી આંખમાં જો તરી જાય પીછું
ગગનના અકળ શૂન્યમાં જઇ ડૂબે, જે
વિહગને ખર્યું સાંભરી જાય પીંછું.

         – મનોજ ખંડેરિયા (Manoj Khanderiya. Pichhu – Ghazal in Gujarati. Literature and art site)

Tags :

અંકિત ત્રિવેદી – તને કહેવું હતું

ખાસ લાગ્યું એ તને કહેવું હતું.
ભીની છત ને કોરું કટ નેવું હતું.

ઊડવા માટે જ જે બેઠું હતું – ;
આપણો સંબંધ પારેવું હતું.

જિંદગી આખી ચૂકવવાનું થશે,
શ્વાસનું માથા પર દેવું હતું.

કાનમાં ફૂલોના ભમરો જે કહે;
તથ્ય મારી વાતનું એવું હતું.

એ જ વાતે સ્વપ્ન મૂંઝાતું રહ્યું,
આંખથી છટકી જવા જેવું હતું.

          -અંકિત ત્રિવેદી(Ankit Trivedi – Tane kehvu hatu. Ghazals in Gujarati. Literature and art site)

Tags :

ચંદ્રકાંત શાહ – કાગળનું કોરાપણું

ચંદ્રકાંત શાહ / Chandrakant (or Chandu) Shah

કાગળનું કોરાપણું
મળવાનું સ્થળ આપણું.

કાગળ પર અક્ષરનું જંગલ
હરતાંફરતાં કાનોમાતર નડે,

પડે કોરા કાગળ પર તણખા તડતડ
જ્યારે જ્યારે શરીર શબ્દને અડે,

કાગળ વચ્ચે ગાઢ સ્પર્શનો ભડકો
એટલે શબ્દો માટે તાપણું,

કાગળ સુધી જાવા ઉત્સુક – આંખોનું રસ્તાપણું.

હતો આ કાગળ પહેલાં
તાજોમાજો પીળો સૂરજ, ડૂચો બ્લૂ આકાશ
હું જાંબલિયું પતંગિયું, તું લીલું કૂણું ઘાસ.

સફેદ કોરા કાગળ ઉપર મળવું રંગબિરંગી
વચ્ચે શોભે શ્બ્દોનું કાળાપણું

કાગળ પર મળવા વિશે નહિ બીજું કંઇ લખવાપણું.

          – ચંદ્રકાંત શાહ(Chandrakant (or Chandu) Shah. Kagal nu Korapanu. Kavita in Gujarati. Literature and art site)

Tags :

મનોહર ત્રિવેદી – તું તારી રીતે જા

કોઇ જાતું હળવે હળવે કોઇ ઘાએ ઘા
     તું તારી રીતે જા
તને ગમે તો આ પાર જાજે, અથવા પેલે પાર
     તું તારી રીતે જા

બંધ ઓરડા કદી ન ઝીલે કો શ્રાવણની હેલી
ઊલટ થાય તો ખોલી દે તું તારા ઘરની ડેલી
દોટ મૂકજે બજાર વચ્ચે દેહ ઉઘાડો મેલી
     ને ફરીફરીને ન્હા

હોય અજાણ્યાં કે જાણીતાં : છતાંય મલકે હોઠ
રોજ ધુળેટી ઊજવીએ માગી નજરુંની ગોઠ
હળ્યાંમળ્યાં તો ઘેર ઊતરશે અવસરની કૈં પોઠ
     રે ઉતાવળો કાં થા ?

કોઇ બાળકે ફૂલ ચીતરતાં મ્હોરી ઊઠી ભીંત
પતંગિયાને કોણ શીખવે છે ઊડવાની રીત ?
કોયલને ક્યાં કહ્યું હતું કે ગા ફાગણનું ગીત ?
     તું મન ફાવે તે ગા
     તું તારી રીતે જા

          – મનોહર ત્રિવેદી(Manohar Trivedi. Tu tari ritae ja. Kavita / Poems in Gujarati. Literature and art site)

Tags :

ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ) – બોજ

… ઘણું ભારણ છે જીવનમાં છતાં એક બોજ એવો છે,
ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે…

         – ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ) (Gani Dahiwala – Booj. Vicharo / Shayari in Gujarati. Literature and art site)

Tags :

લોક સાહિત્ય – મારી વેણીમાં ચાર ચાર ફૂલ

મારી વેણીમાં ચાર ચાર ફૂલ,
અંબોડલે સોહે, સોહામણી ઝૂલ

પહેલું ફૂલ,
જાણે મારા સસરાજી શોભતા
જાણે પેલું મોગરાંનું ફૂલ
એની સુવાસે મ્હેકે ઘર ઘરનો ઓરડો
ગંભીરને સૌમાં અતુલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ…

બીજું ફૂલ,
જાણે મારા સાસુજી આકરા
જાણે પેલું સૂર્યુમુખી ફૂલ
સૂરજ ઉગતાની સાથે માંડતુ એ મ્હેકવા
સાંજ સુધી કાઢતું એ ભૂલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ…

ત્રીજું ફૂલ
જાણે મારી નણંદ પેલી નાનકી
જાણે પેલું ચંપાનું ફૂલ
જ્યારે જુઓ ત્યારે ખીલ્યું ને ફાલ્યું
મસ્તીમાં રહેતું મશગૂલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ…

ચોથું ફૂલ
જાણે મારા હૈયાના હારનું
જાણે પેલું રાતરાણી ફૂલ
દિવસેના બોલે એ મોટાના માનમાં
રાતડીએ બોલે બૂલબૂલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ…

          સાંભળો (click to listen)(Mari Vani na char char phool. Lok Sahitya, Garba-Raas in Gujarati. Literature and art site)

જયન્ત પાઠક – જૂના પત્રોનો નાશ કરતાં

જયન્ત પાઠક / Jayant Pathakપત્રો જૂના અણમૂલ ખજાનો ગણી સાચવેલા,
પાને પાને ઊકલતી કશી લાગણીની ઘડીઓ !
વર્ણે વર્ણે વિભવ ઉર ને ચિત્તના ઠાલવેલા,
નાનાંમોટાં સુખદુ:ખ તણી સુપ્ત જેમાં ઘડીઓ.

કેવાં કેવાં વચન પ્રણયાનંદનાં ને વ્યથાનાં :
આખાં હૈયાં પરબીડિયું થઇ કાળ ને સ્થાન કેરાં,
વીંધીને અંતર અહીં સુધી લાવતા લોકછાનાં
ઊનાં આંસુ તણું લવણ ને લાસ્ય આનંદપ્રેર્યા !

હૈયે ચાંપી બહુ વખત જેનો કર્યો પાઠ પ્રીતે ;
‘રે સંબંધો મરણ પછીયે ના છૂટે કોઇ રીતે’
એવાં એવાં વચન વદતાં કાળની ઠેકડીઓ
કીધી, આજે ખબર પડી કે આખરે એ જ જીત્યો !

જૂના પત્રો અહીંતહીં ચીરા ઊડતા જોઇ રહેતો
થોડું કંપે કર, હ્રદય થોડું દ્રવે
     થોડું … થોડું જ એ તો !

          – જયન્ત પાઠક (Jayant Pathak. Juna patro no naash karta. Kavita / Poems in Gujarati. Literature and art site)

Tags :

‘ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા – તને ઘડતાં, હું જ ઊઘડયો

(શિખરિણી)

શક્યો ક્યારે પૂરેપૂરો નિરખી હું તને સંમુખ ? કહે ;
ક્વચિત અર્ધીપર્ધી અલપઝલપે ઝાંખી કરી, તે ;
વધુ તો કલ્પી છે મનહિમન, જે જલ્પ કરી મેં
ગિરા કાલીઘેલી મહીં લીધ, વિમુખ હે !
તને વાણી પ્હોંચી પૂરણ ન શકે, ના મન શકે ;
તથાપિ-ગંડુનીધૂન-શબદનું ટાંકણું તીણું
કરી કંડારી છે, નકશી કરી છે, કોતરી ઝીણું ;
રહ્યો સંમાર્જી હું જીવનભર સ્થાપત્ય-ફલકે ;

હવે આયુષ્યાંતે પૃથુ કરી પથારો શબદનો
તને સંબોધેલાં સકલ ગીતનો, છંદ લયનો;
ચહેરો તારો ત્યાં અપરૂપ ઢૂંઢું નિર્વિષયનો ;
અને પામું છું તો ખુદ મુજ, અને તે દરદનો !
તું તો ક્યાંથી આવે શબદ મહીં હે શબ્દ-અતીતે ?
ઊઠયો ચ્હેરો તે તો નવાઈ ખુદ મારો જ !
      તુજ ભણી ગવાયાં મુજ ગીતે !

          – ‘ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા(‘Ushnas’ Natwarlal KuberBhai Pandya. Tane Ghadata hu j ughadiyo. Kavita in Gujarati. Literature and art site)

Tags :

ચંદ્રેશ ઠાકોર – કારણ

તારાથી વિખૂટો પડું છું ત્યારે
હું
આંખ બંધ કરું,
તું આંખ સામે તાદ્રશ્ય થાય
અને, એમ
તારો વિયોગ સહ્ય બને.

મૃત્યુના આગમન સમયે
હું આંખ મીંચીશ, તો
બસ,
માત્ર એ એક જ કારણે !

          – ચંદ્રેશ ઠાકોર(Chandresh Thakore – Karan. Kavita in Gujarati. Literature and art site)

Tags :

મનીષ પરમાર – ભાર જેવું લાગતું

તું મળે ના તો બધે અંધાર જેવું લાગતું
શ્વાસ લેતાં આ હવામાં ભાર જેવું લાગતું

એટલે વાતાવરણ ધુમ્મસભર્યુ ચારે તરફ –
આંખ અંદર ધૂંધળા આકાર જેવું લાગતું

જાય છે પગલાં ભૂંસાતા ગામમાં સોંપો પડ્યો
સીમને પાદર સૂના વિસ્તાર જેવું લાગતું

ફૂલ પાસે હું જઇ અટકી પડયો છું એકદમ,
ક્યાંક તારી મ્હેકના આધાર જેવું લાગતું

આંખના ખૂણે નદીઓ વાળવી પાછી મનીષ
વિસ્તરીને આંસુ અનરાધાર જેવું લાગતું.

         – મનીષ પરમાર (Manish parmar. Bhar jevu laagtu- Ghazal in Gujarati. Literature and art site)

Tags :

‘પથિક’ દિનકર પરમાર – તેં

ગુપ્ત રાખ્યું પત્રમાં તુજ નામ તેં
ને મને અટકળમાં રાખ્યો આમ તેં

એક ટીપું શાહીનું ઢોળ્યું અને
કેટલા અક્ષર કર્યા બદનામ તેં

જિંદગી આખીય રાખ્યો દોડતો
ને દિધા રસ્તા બધા સૂમસામ તેં

એક કરતા બે ભલા માની ‘પથિક’
નામ સાથે આપ્યું આ ઉપનામ તેં

         – ‘પથિક’ દિનકર પરમાર (‘Pathik’ Dinkar Parmar. Tae – Ghazal in Gujarati. Literature and art site)

Tags :

વિજય સેવક – થાક્યો નથી વિજય

લાંબી સફર ભલે છતાં થાક્યો નથી વિજય
અણજાણ ભોમથી કદી હાર્યો નથી વિજય

ખોલ્યાં છે બારણાં બધાં યે આવવા – જવા
સંબંધનો ય આગળો વાસ્યો નથી વિજય

અંધાર ઓગળ્યા પછી અજવાળું થૈ જશે
આકાશના ઉધાડને ખોળ્યો નથી વિજય

અણસાર આવતો નથી સાન્નિધ્યનો મને
મારી નિકટ છતાં તને ભાળ્યો નથી વિજય !

         – વિજય સેવક(Vijay Sevak. Thaakyo nathi Vijay – Ghazal in Gujarati. Literature and art site)

Tags :

લાભશંકર ઠાકર – આઇ ડોન્ટ નો, સર

નાટકમાં પડદો પડે કે ચડે
તે મારા અને તારા હાથની વાત છે.
દીવો પેટાવ
કે જીવતા પતંગિયાને બાળ
તે તારા હાથની વાત છે.
પણ એ તો બાળે.
દીવાની વાટને બાળે
અને લાકડાની હાટને બાળે.
કિચુડ કિચુડ ઊંઘતી ખાટને બાળે.
બાળવું એની ભાષા.
મંચ પરના તારા ભાવોદ્રેકની ભાષા
એ સાંભળે છે?

       – લાભશંકર ઠાકર (Labhshanker Thakar – I don’t know, sir. Kavita / Poems in Gujarati. Literature and art site)

Tags :

સુરેશ દલાલ – જીવન

નહીં નહીં તોયે વહી ગયાં કેટલાંયે વર્ષ…
થોડીક પીડા, થોડીક યાતના: પણ અંતે તો અઢળક હર્ષ.
પ્હાડ પર જોયો, જાણ્યો સૂર્યોદય
અને સમુદ્રના સાન્નિધ્યમાં માણ્યો ચંદ્રોદય.

જીવન થોડુંક અસ્તવ્યસ્ત રહ્યું એનો પણ આનંદ.
વૃક્ષની ડાળે ડાળે ફૂલ અને પાંદ અને પંખીઓનો છંદ.
રાતને સમયે કદી કદી ગટગટાવ્યા ચાંદનીના જામ.
કામ, કામ, કામની વચ્ચે ઐયાશી, આરામ.

ક્યારેક મન મંદિર જેવું તો ક્યારેક મયખાનું.
જીવવા માટે કારણ અને મરવાનું નહીં બ્હાનું :
સલામતીની દીવાલ વચ્ચે ખુલ્લી રહે બારી.
બારણાંઓ ઉઘાડ-બંધ થયા કરે : હવા અલગારી.
હરખ અને શોકની પાર વિશ્વ એક જોઇ રહું.
ફૂલની સુગંધ અને તારાઓના તેજ સાથે મનોમન મોહી રહું.

          – સુરેશ દલાલ (Suresh Dalal. – Jeevan. Kaivta in Gujarati. Literature and art site)

Tags :

નીતિન વડગામા – મુક્ત થઇ શક્તાં નથી

માન કે અપમાનમાંથી મુક્ત થઇ શક્તાં નથી.
સાંકડા ચોગાનમાંથી મુક્ત થઇ શક્તાં નથી .

આપણા સૌમાં રહેલ કૌરવો ને પાંડવો,
યુધ્ધના મેદાનમાંથી મુક્ત થઇ શક્તાં નથી.

આમ, હસવાનો બધો દાવોય પોકળ હોય છે,
ભીતરી તોફાનમાંથી મુક્ત થઇ શક્તાં નથી.

કાટ લાગે છે બધી તલવારને વર્ષો થયાં,
ને છતાંયે મ્યાનમાંથી મુક્ત થઇ શક્તાં નથી.

છાંયડો ઘેઘૂર ઊગ્યો સ્હેજ પણ જોતાં નથી –
ને ખરેલાં પાનમાંથી મુક્ત થઇ શક્તાં નથી.

ડૂસકું કાને નથી પડતું અહીં ક્યારેય ને –
આ ધરમ ને ધ્યાનમાંથી મુક્ત થઇ શક્તાં નથી.

          – નીતિન વડગામા(Nitin Vadgama – Mukt thai shakta nathi. Ghazal in Gujarati. Literature and art site)

Tags :