પાસપોર્ટમાં સ્પષ્ટ લખેલું તો પણ એણે પૂછ્યું નામ,
વિધવા થયેલા ફોઇ ફરીથી યાદ આવ્યાં મેં કર્યાં પ્રણામ.
માંડ હજુ ઉત્તર વાળું એ પહેલાં એણે પૂછ્યું ગામ
શૈશવની શેરીમાં પાછો ધક્કો માર્યો એણે આમ.
જન્મતિથિ, તારીખ, વાર કે ચોઘડિયાનું કંઇ ના સૂઝયું,
સારું છે કે શું કરવા જન્મ્યો છું એણે ના પૂછ્યું.
મેં શ્રદ્ધાથી જોયું, એણે શંકા જેવો ભાલો કાઢયો,
ટાઇપ કરેલો ભૂતકાળ મેં ત્યાં ને ત્યાં એને દેખાડયો
લોહી વચાળે સઘળી ઇચ્છા ટાઢ સમી થરથરતી દેખી,
કાતર જેવી નજરું એણે ઉપરથી સણસણતી ફેંકી
ક્યાંથી આવ્યા? ક્યાં જવાના? અને કેટલા દહાડા રહેશો?
ઉપનિષદ પણ એ જ પૂછે છે એનો ઉત્તર તમેય દેશો?
તીખા તીખા પ્રશ્નોથી શું માણસને ઓળખવા માંગો!
જેને પૂછો એ માણસ તો પોતાનીથી ખાસ્સો આઘો
વિઝનથી વિઝાની વચ્ચે શ્વેત – શ્યામ રંગી કાયદા,
પંખીને પુછાય કદી કે ઊડવાના છે ક્યા ફાયદા.
ભરદોરે જે સ્વપ્ન ચગાવ્યું એક ઝાટકે એણે કાપ્યું,
ઝળઝળિયાંએ જાતે આવી આંખોને આશ્વાસન આપ્યું.
પાછાં વળતાં ફરી કોઇએ બૂમો પાડી મારા નામે,
હવે નથી અટવાવું મારે ચાલ્યો હું સાચા સરનામે.
- મુકેશ જોષી(Mukesh Joshi – Visa. Kaivta in Gujarati. Literature and art site)