Month: August 2007

ગૌરાંગ ઠાકર – લાવને તારી આંખમા

લાવને તારી આંખમાં મારી આંખ મૂકીને જોઉં,
એમ કરીને આજ હું તારા શમણાં જાણી લઉં.

એમ તને કે સુખની બારી આભના જેવડી ખૂલે,
ઝાડને બદલે ટહુકા તારે ટોડલે આવી ઝુલે.
વાયરાને હું વાત કરૂં ને ઘટતું કરવા કહું…
લાવને તારી આંખમાં…

યાદના ટોળાં આંખમાં તારી કરતાં રાતની પાળી,
આવતો સાયબો શમણે ત્યાં તો પાંપણ પાડતી તાળી.
ચાલને મારા ભાગની નીંદર તુજને આપી દઉં
લાવને તારી આંખમાં…

       – ગૌરાંગ ઠાકર (Gaurang Thakar- lav ne tari aankhama . Kavita / Poems in Gujarati. Literature and art site)

Tags :

લતા હિરાણી – હું એટલે

સાવ કોરો કાગળ જોઇએ મારે
ને એમાં મારું સ્થાન, મારી દિશા
હું જ નક્કી કરું
લીટી દોરી આપે કોઇ મારા રસ્તાની
એ વાત મને મૂળે જ અસ્વીકાર્ય
મારા શબ્દોને કોઇ કહે એમ ખસવાનું
એટલું ઊતરવાનું કે એટલું જ ચડવાનું
મને મંજૂર નથી
એક પણ અક્ષર સીધી લીટી જેવો નથી
માનવી પણ જુઓ ને!
એક એક અક્ષર નોખો
એક એક માનવી નોખો
પર્વત, શિખર, નદી, ઝરણાં, તરણાં
ઇશ્વરે એને કયાંય લીટીઓથી બાંધ્યા નથી
હું એટલે મારામાં વહેતું ઝરણું
મારામાં ઊગતું તરણું
ને એમાંથી પ્રગટતા શબ્દો …

       – લતા હિરાણી (lata Hirani- Hu Aetalae. Kavita / Poems in Gujarati. Literature and art site)

Tags :

‘કાન્ત’ મણિશંકર રત્નજી ભટ્ટ – ઉદગાર

'કાન્ત' મણિશંકર રત્નજી ભટ્ટ  / 'Kant' Manishankar Ratanji Bhatt

વસ્યો હૈયે તારે :
રહ્યો એ આધારે :
પ્રિયે, તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો !
નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો !
નહિ તદપિ ઉદ્વેગ મુજને :
નયન નિરખે માત્ર તુજને :
હરે દ્રષ્ટિ, વ્હાલી ! સદાય મૃદુ તારી જ રુજને
સદા રહેશે એવી :
સુધા વર્ષા જેવી :
કૃતિ માનું, દેવી ! ક્ષણ સકલને જીવન તણી:
પ્રમત્તાવસ્થામાં નઝર પણ નાખું જગ ભણી !

         – ‘કાન્ત’ મણિશંકર રત્નજી ભટ્ટ (‘Kant’ Manishankar Ratanji Bhatt – Uudgar. Poems in Gujarati. Literature and art site)

Tags :

હિતેન આનંદપરા – સંબંધ છે, પળમાંયે તૂટે

કેટલું યે સાચવો તોય આ તો
સંબંધ છે, પળમાં યે તૂટે

વર્ષોથી લાડમાં ઊછરેલા શ્વાસ
કદી એકદમ અણધાર્યા ખૂટે

સીંચીને લાગણીની વેલને ઉછેરો
ને વેલ કેવી વીંટળાતી જાય

આછેરી ઘરમાં એ બાકી રહે
ને ઝાઝેરી ફંટાતી જાય.

ડાળીને અંધારા ફૂટે
સંબંધ છે પળમાં યે તૂટે

અળગા થવાનું કાંઇ સહેલું નથી
ને સાથે ટહુકાઓ રૂંધાય.

નાનકડા ઘર મહીં ધીરે ધીરે પછી
દીવાલો બંધાતી જાય

આ મૂંઝારો માણસને લૂંટે
સંબંધ છે, પળમાં યે તૂટે.

          – હિતેન આનંદપરા (Hiten Anandpara. Sambandh chhe, paal maa yae toote . Kavita / Poem in Gujarati. Literature and art site)

Tags :

કૃષ્ણલાલ શ્રીધરાણી – મુક્તપ્રાણ

કૃષ્ણલાલ શ્રીધરાણી / Krishnalal Shridharani

મુક્તપ્રાણ ! મુક્તપ્રાણ ! બંદીવાન હું નહિ :
મુક્તધ્યાન ! જંજીરો ન બાંધવા ધરા મહીં.
બાંધજો દીવાલ પર્વતો સમી ઊંચી ઊંચી :
તારલા હસે – વદે, નભે : હસંત આંખડી.

મુક્તપ્રાણ ! મુક્તપ્રાણ ! એકલો કદી નહિ :
માંડવો રચી લિયો અનંત આભ છાવરી;
આભ એથી એ વિશાળ અંતરે રહ્યું હસી :
સૂર્ય, ચંદ્ર – પ્રાણ, ઊર્મિ – તારલા રહ્યા લસી.

એકલો નથી ભલે ન હોય પ્રમીઓ સખા :
અનંત હું અબંધ પ્રાણ ! સાથી આત્મ સર્વદા !

         -કૃષ્ણલાલ શ્રીધરાણી(Krishnalal Shridharani. MuktPran. Kavita. Prabhatiya. Gujarati Literature and art site)

Tags :

પિનાકિન ઠાકોર – મને ઝાંઝરિયું

પિનાકિન ઠાકોર  /Pinakin Thakor

મને ઝાંઝરિયું ઘડાવો રે , ઝાંઝરિયું .

રૂપાનો રઢિયાળો ઘાટ ,
સોના કેરી સુંદર ભાત ,
રંગરંગી રતન જદાવો રે. મને ૦

કેડે નાનકડી શી ગાગર ,
મેલું જે ઘડુલો માથા પર,
ઇંઢોણીને મોતીએ મઢાવો રે. મને ૦

લટકમટક હું ચાલું,
ને અલકમલકમાં મ્હાલું,
મને પરીઓની પાંખ પર ચઢાવો રે. મને ૦

       – પિનાકિન ઠાકોર(Pinakin Thakor. mane janjariyu. Kavita in Gujarati. Literature and art site)

Tags :

આસાવરી કાકડે (અનુ. નલિની માડગાંવકર) – મૃત્યુ

પગલે પગલે
હારોહાર હોય છે તું
પડછાયાની જેમ
ક્ષણે ક્ષણે
પ્રતીતિ કરાવે છે તું
શ્વાસની જેમ
તોય,
વારંવાર નિતનવી રીતે ડરાવે છે
ભર બપોરની ભૂખની જેમ !

          – આસાવરી કાકડે (અનુ. નલિની માડગાંવકર)(Aasavari Kakdae (Translation Nalini Mandgavkar – Mrutyu. Kavita in Gujarati. Literature and art site)

Tags :

સુરેશ દલાલ – કૃપાથી તારી

કૃપાથી તારી મા, સરવર સમું આભ ઉઘડે
અને પંખીઓના કમળ ટહુકાઓ વિલસતા ;
વિશાળા આકાશી તટ પર કશું વૃક્ષ વિકસે !
અહો ! પર્ણે પર્ણે તપ સ્મિતભર્યો છંદ છલકે !
અજાણ્યું ના લાગે અહીં અવ મને કાંઇ કશુંયે ;
હવામાં હૂંફાળા અદીક કરનો સ્પર્શ ગ્રહતો.

કૃપાથી તારી, મા પથ મળી ગયો, નીરવ ગતિ
ચલાવ્યો ચાલું છું ; શિર પર નથી ભાર વહતો !
તમે તો પાસે છો : નસનસમહીં નામ રટણા ;
અનિદ્રા – નિદ્રામાં મધુર પ્રગટે કૈંક શમણાં
વસ્યાં છો આવીને ક્ષણક્ષણ મહીં શાશ્વત થઇ;
તમે આ મંદિરે ઝળહળ થતાં જ્યોતિ – કુસુમ !
તમે મારી વાચા, હૃદયદલની અ અરત તમે ;
તમારા સાન્નિધ્યે જગ સકલનો થાક વિરમે !

          – સુરેશ દલાલ (Suresh Dalal. – Krupa thi tari. Kaivta in Gujarati. Literature and art site)

Tags :

હસમ વૈધ – જેણે મારી નથી ફિકર રાખી

જેણે મારી નથી ફિકર રાખી,
એની પર મેં સદા નજર રાખી.

આવતી કાલ શું ભલું કરશે,
આજની જૉ નથી ખબર રાખી.

એજ કરશે શરાબની તારીફ,
પ્યાલી જેણે પીધા વગર રાખી.

એનાં દુ:ખો અનંત રહેવાનાં,
જેણે સુખમાં નથી સબર રાખી.

ઉન્નતિ ચૂમશે કદમ એના,
જેણે દ્રષ્ટિ સદા ઉપર રાખી.

નાવ જીવનની કયાં લઈ જશે,
જેણે હેતુ વગર સફર રાખી.

જિંદગીએ ખુદાને શોધે છે,
પાયમાલીથી જેણે પર રાખી.

આ ઉતાવળ શી આટલી `મોમિન’
મોત પહેલાં તેં કયાં કબર રાખી.

          – હસમ વૈધ (Hasam Vaidh. jenae mari nathi fikar rakhia. Ghazal in Gujarati. Literature and art site)

Tags :

‘ફક્ત’ તરુન – શબ્દોને દફનાવું

ભ્રમર એક કમળમાં,
વિચારના વમળમાં.

ઊભો છે દર્પણ સમીપે,
તારી જાતને તુ છળમાં.

યુગોનો હિસાબ પત્યો,
એક જ ક્ષણમાં, પળમાં.

અવઢવ ના ઘટી તમારી,
અમે રહી ગયા અટકળમાં.

દૂધ થૈ ગયું ને‍ –
અન્તે જળ ગયું જળમાં.

હું ડેલીની આરપાર છું,
મૌન ટકોરાં સાંકળમાં.

એકાદ ફૂલનું નામ લો ફકત,
શખ્દોને દફનાવું છું કાગળમાં.

          – ‘ફક્ત’ તરુન (Fakat, Tarun. Shabdo dafanavanu. Ghazal in Gujarati. Literature and art site)

Tags :

જયન્ત પાઠક – પહાડ અને નદી વિશે

જયન્ત પાઠક / Jayant Pathak

ઉપરથી ભીંજાયો અને ભીતરથી પીગળ્યો
પથ્થરનો પ્હાડ એમ નદી થઇને નીકળ્યો

તરવું ને તણાવુંના હવે ભેદ કયાં રહ્યાં:
ખુદ વ્હેણમાં જ વ્હેણ થઈ આપુડો ભળ્યો !

રેતીમાં રમો કે રમો જલના તરંગમાં
બે તટ વચાળ છો હજી, દરિયો નથી મળ્યો

મળશે જ એ તને જરૂર- શી રીતે કહું?
કયારેક નદીનેય સમુંદર નથી મળ્યો

તપમાં ખડો રહું કે વહું એની શોધમાં‍
ઉભેલ એક પ્હાડ વિમાસે બળ્યોઝળ્યો

મારી તરસ પીને નદી છલકાઈ છલોછલ
કોઈ વિરહનો શાપ યે આવો નથી ફળ્યો!

          – જયન્ત પાઠક (Jayant Pathak. Pahad ane nadi vishae. Kavita / Poems in Gujarati. Literature and art site)

Tags :

રવીન્દ્રનાથ ટાગોર (અનુ. નલિની માડગાંવકર) – શરદ

શરદ તારી શુભ્ર અરુણ અંજલિ
દિશદિશાએ મુદ્રિત મધુઅંગુલિ … શરદ

શરદ તારા ઝાકળધોયા કુંતલે
વનભૂમિને મારગ લોટયાં અંચલે
આજ પ્રભાતે હૈયું રહ્યું થનગની … શરદ

માનેલ જડયાં સુંદર તવ કંકણે
ઝબક ઝબક થાતાં શ્યામલ આંગણે
કુંજ છાઇ ગીતરવના ગુંજને … શરદ

ઓઢણી ઊડે નૃત્યતાલે સંગીતે
શિવલી વનનું હૈયું ડોલે સંચરી … શરદ

          – રવીન્દ્રનાથ ટાગોર (અનુ. નલિની માડગાંવકર)(Ravindranath Tagore (Translation Nalini Mandgavkar – Sharad. Kavita in Gujarati. Literature and art site)

Tags :

રાજેન્દ્ર શાહ – આનંદો રે આજ આનંદ આનંદ

આનંદો રે આજ આનંદ આનંદ
ઝીણી રે જ્યોતથી ઘોર તિમિરના
તૂટિયા વજજરબંધ
પાતાળ ફોડીને પામી રહ્યું પેલું
ઝરણ મોકળો માર્ગ,
આધંળાં લોચન તે ય લહી રહ્યાં
રંગીન ફાગ – સોહાગ;
આજ રૂંધાયલી વાણી અરે ખૂબ
ગાઇ રહી છે અભંગ,
સાંભળેલી નવ માની કો’દી
એવી લહાય રે વાત,
આવડા શા એક ઘરમાં ઊછળે
સાતેય સાગર સાથ;
આજ તો લીધી છે પાંખ, પંગુ પણ
પામતો ઉન્નત શૃંગ.

         – રાજેન્દ્ર શાહ (Rajendra Shah. Anando re aaj anand anand. Kavita. Literature and art site)

Tags :

યૉસેફ મૅક્વાન – પડછાયો

વાડ કૂદીને તડકો આયો :
હળવે ઝાકળ ઝૂલતાં તૃણે સળવળી છલકાયો !
વાડ કૂદીને તડકો આયો.

પળમાં હવા જળમાં ભળી ઉરની જાણે પ્રીત,
આંખને ખૂણે ખૂણે ઝળક્યું ચાંદની સમું સ્મિત !
મનમાં કેવી ક્ષણ ઊગી ગઇ
ચકલી આખું આભ ચૂગી ગઇ !

જોઉં છું હું તો જોઇ રહું છું એકલો એકલવાયો,
હળવે ઝાકળ ઝૂલતાં તૃણે સળવળે પડછાયો !
વાડ કૂદી જ્યાં તડકો આયો !

          – યૉસેફ મૅક્વાન(yusuf makvan. Padchayo. Kavita in Gujarati. Literature and art site)

Tags :

‘ફક્ત’ તરુન – એક ટૂકડો ચાંદનો

ચાલ જિંદગી આપણે સમાધાન કરી લઈએ,
થોડો થોડો એકબીજા પર અહેસાન કરી લઈએ.

રહે યાદ એવું કૈં દરમિયાન કરી લઈએ,
ભૂલોનું એક અલગ જ જહાન કરી લઈએ.

હું ક્યાં કહું છું કે હું મને બરાબર ઓળખું છું,
પણ સામે છો તો ચાલો પહેચાન કરી લઈએ.

એક ટૂકડો ચાંદનો, બે સિતારા એક હું એક તું,
ધરાના અમુક હિસ્સાને આસમાન કરી લઈએ.

આંધળો ય છે, ગુંગો ય છે, બહેરો ય છે, છતાં,
દુઆ માંગી ખુદાને થોડો પરેશાન કરી લઈએ.

બુદ્ધિને લાગણી સાથે લેવા દેવા છે કે નહી,
ફક્ત થોડી અંધ-શ્રદ્ધાને વિજ્ઞાન કરી લઈએ.

          – ‘ફક્ત’ તરુન (Fakta, Tarun. Ek tukado chand no. Ghazal in Gujarati. Literature and art site)

Tags :