Month: September 2007

અશરફ ડબાવાલા – આવજે

આ ગઝલ ને ગેબની જાદુગરીમાં આવજે
શબ્દના પ્રાગટ્યની દીપાવલીમાં આવજે

તું ભલે હો વિશ્વવ્યાપક ને બહુભાષી છતાં ;
મારી પાસે ગુર્જરી બારખડીમાં આવજે

થાક જો લાગે કદી અખબારના પાના ઉપર ;
સાવ અંગત કોઇની નામાવલીમાં આવજે

એક પળ એવી વિરલ આપીશ તને કે તું તરત ;
પુણ્યની છોડી તમા પયંગબરીમાં આવજે

જે તને ગમતા હો એવા વેશ તું લેજે બધે ;
પણ ફકત અશરફરૂપે એની ગલીમાં આવજે

          – અશરફ ડબાવાલા (Ashraf Dabaawalla- Aavaje Ghazals in Gujarati. Literature and art site)

Tags :

જયા મહેતા – ગાયમાતા

જયા મહેતા / Jaya Mehta

લાલચટ્ટાક કંકુના ચાંદલા પર
ચોખા ચોડાયા કપાળમાં
લીલુંછમ્મ ઘાસ નિરાયું
ધન્ય ધન્ય ગાયમાતા
શેઢકડાં દૂધ આપ્યાં
સવારસાંજ વર્ષોનાં વર્ષો
ગાય હવે બેઠી છે
પાંજરાપોળમાં
સુક્કુંભઠ્ઠ ખડ વાગોળતી.

          – જયા મહેતા(Jaya Mehta – GaayMaata. Kavita in Gujarati. Literature and art site)

Tags :

સુરેશ દલાલ – જીવી શકાય ?

રાતના અંધકારમાં
સિંહની યાળ જેવી
ચિતાની જવાળાઓથી
દેહ થઇ જાય છે ભસ્મીભૂત.
અને આપણે પાછા ફરીએ છીએ
ચૂપચાપ.

સ્મૃતિથી જીવવાની
ટેવ પાડવી પડશે હવે,

બાકી, બીજી તો કઇ રીતે
જીવી શકાય ?

          – સુરેશ દલાલ (Suresh Dalal. – Jivi Shakai. Kaivta in Gujarati. Literature and art site)

Tags :

હનીફ મહેરી – રુદનમાં વાસ્તવિકતા છે ને હસવામાં અભિનય છે

રુદન કોઇને ગમતું નથી છતાં રુદન પણ ખુશીની જેમ કયારેક કયારેક આવે છે ચોક્કસ. જીવનમાં હસીને જે મળતું નથી તે આંખથી ટપકતાં આંસુથી મળી જાય છે. મનને હળવું કરવા રુદનથી વધુ બીજો કોઇ હાથવગો ઉપાય નથી. હસતાં હસતાં પણ આંખો છલકી પડે છે.

જિંદગીનું ગણિત કેટલીક બાબતોમાં કિઠન બની જાય ત્યારે આંસુનો સરવાળો દર્દની બાદબાકી માટે સરળ માર્ગ સાબિત થાય છે. જીવનની સફરમાં રુદનના પ્રસંગો દરેક માટે બોજારૂપ હોતા નથી. ઘણી વાર રુદન, મન અને જીવનનો માર્ગ મોકળો કરવા નિમિત્ત પણ બને છે.

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે

રુદનમાં વાસ્તવિકતા છે, ને હસવામાં અભિનય છે

સૈફ પાલનપુરીએ જિંદગીનો પરિચય એ રીતે આપ્યો છે કે માણસ રુદનના સમયે વાસ્તવિક હોય છે, ને હસતી વખતે તે મોટા ભાગે અભિનય કરતો હોય છે. ઘણી વ્યકિતઓ આંસુને છુપાવવા પણ અટ્ટહાસ્ય કરી નાખતી હોય છે. આંખથી ટપકતાં આંસુમાં જ સાચી કહાણી ધબકતી હોય છે. હાસ્યમાં કહાણીનો કે જીવનનો મર્મ પકડાતો નથી. રુદનમાં વાસ્તવિકતા હોવાથી જિંદગીનો સાચો પરિચય અહીં સરળતાથી મળે છે.

હસતી હતી સદાય કળી, એય આજકાલ

ઝાકળની જેમ રોઇ પડે છે જરાકમાં

અમૃત ઘાયલે કળીના પમરાટને હસવા સાથે સરખામણી કરી છે. મોંસૂઝણુ પહેલાં ફૂલો પર ઝાકળ હોય તેમ હસતી કળી જાણે રડી પડતી હોય તેવું લાગે. જીવનમાં પણ હરહંમેશ સ્મિત ફેલાવતો ચહેરો કયારે ભીની આંખે રડી પડે તે ન કહેવાય. ઝાકળની જેમ આંસુનું પણ અલ્પ જીવન છે પણ જયારે બે આંખો છલકે છે ત્યારે ટપકતાં આંસુ અમાપ હોય છે. આંસુની કોઇ ગણતરી હોતી નથી. તેનો કોઇ ઝાકળની જેમ સવાર પહેલાંનો સમય પણ હોતો નથી. મન ભરાઇ આવે ત્યારે આંખ ભીની થાય છે.

જીવનનું ગણિત શૂન્ય ઉપર થૈ ગયું પૂરું,

હું થોડું હસ્યો થોડું રડયો થૈ ગયું સરભર

શેખાદમ આબુવાલાએ સરળ ભાષામાં જીવનનું ગણિત સમજાવ્યું છે. જયાં ખુશી અને ગમ સરભર થૈ જાય ત્યાં જીવન પૂરું થયું સમજી લેવું. આ સરભર થયેલું જીવન શૂન્ય પણ હોઇ શકે. દરેકની જિંદગીમાં ખુશીના અને રુદનના પ્રસંગો ચલચિત્રની જેમ બદલતા હોય છે. ખુશીના પ્રસંગોએ પણ આંખો છલકી પડે, પણ રુદનના સમયે તો હાસ્યને હંમેશાં બહારવટો જ ભોગવવો પડે.

હું રડું છું દિવસથી રાત સુધી એમને જાણ હોય તો સારું

મનહર મોદીએ જુદી વાત કરી છે. જેના માટે દિવસથી રાત સુધી આંસુ છલકાવો તેની એમને જાણ છે ખરી? એ વાત અલગ છે કે રડતાં રહો ને કોઇ આશ્વાસન પણ નહીં મળે. ઘણી વાર જેના માટે દર્દથી આંખો ભીની થઇ હોય, તેને તો આપણી ખબર પણ નહીં હોય. રુદનમાં કોઇનો સાથ મળતો નથી. હાસ્યમાં સંગાથ મળે, પણ રુદન તો એકલાએ જ સહેવું પડે. રુદનથી મન હળવું થાય છે પણ એ ખુમારી ગુમાવીને થવું ન જોઇએ.આંસુઓ છલકે ત્યારે પણ આંખોમાં ખુમારી અકબંધ હોવી જૉઇએ.

Tags :

અખો – સમજણ વિના રે સુખ નહીં જંતને રે

સમજણ વિના રે સુખ નહીં જંતને રે;
વસ્તુગતિ કેમ કરી ઓળખય ?
આપમાં વસે છે આપનો આતમા રે,
તેણે કાંઈ જીવપણું નવ જાય. સમજણ..

રવિ રવિ કરતાં રે રજની નહીં મટે રે,
અંધારું તો ઊગ્યા પૂંઠે જાય;
રુદે કવિ ઊગે રે નિજ ગુરુજ્ઞાનનો રે,
થનાર હોય તે સહેજે થાય.. સમજણ..

જળ જળ કરતાં રે તૃષ્ણા નવ ટળે રે,
ભોજન કહેતાં ન ભાંગે ભૂખ;
પ્રેમરસ પીતા રે તૃષ્ણા તુરત ટળે રે,
એમ મહાજ્ઞાનીઓ બોલે છે મુખ.. સમજણ..

પારસમણિ વિના રે જે પથરા મળે રે,
તેણે કાંઈ કાંચન લોહ ન થાય;
સમજણ વિના રે જે સાધન કરે રે,
તેણે કાંઈ જીવપણું નવ જાય. સમજણ..

દશ મણ અગ્નિ રે લખિયે કાગળે રે,
એને લઈ રૂમાં જો અલપાય;
એની અગ્નિથી રે રૂ નથી દાઝતું રે,
રતી એક સાચે પ્રલય જ થાય. સમજણ..

જીવપણું માટે રે અનહદ ચિંતવ્યે રે,
એ તો વાણીરહિત છે રે વિચાર;
જે જે નર સમજ્યા રે તે તો ત્યાં સમ્યા રે,
કહે અખો ઊતર્યા પેલે પાર. સમજણ..

         અખો – છપ્પા (Akho – samjan vina re sukh nahi jatanae re. Poems in Gujarati. Literature and art site)

Tags :

નરસિંહ મહેતા – આજની ઘડી રળિયામણી

હો…. મારે આજની ઘડી રે રળિયામણી,
હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે.

હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે.

હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા,
મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે.

હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ,
મારા વાલાજીના ચરણ પખાળિયે રે… મારે.

હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ
માંહે ચમકતો દીવડો મેલાવિયે રે… મારે.

હા જી રે તન, મન, ધન, ઓવારિયે,
મારા વાલાજીની આરતી ઉતારીએ રે… મારે.

જી રે રસ વધ્યો છે અતિ મીઠડો,
મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે….મારે.

          – નરસિંહ મહેતા (Narsinh Mehta – Aaj ni Ghadi Raliyamali. Poems in Gujarati. Literature and art site)

Tags :

રાજ ભાસ્કર – પ્રધાન થઇ ગયાં

રાવણનાં હતાં લક્ષણો ને રામ થઇ ગયાં,
દાનવ બધા આ યુગ મહિં ભગવાન થઇ ગયાં.

મારી ગલીનાં નામચી શાણા હતાં કાલે,
આજે સવારે એ બધા પ્રધાન થઇ ગયાં.

સુનામી અને ભૂકંપમાં તો કંઇજ ના થયું,
ખુરશી જરાં હલી અને બેભાન થઇ ગયાં.

કહો હવે કોના પર હું ભરોસો મૂકું દોસ્‍ત,
રક્ષકો જ ખુદ અહીં ભક્ષકો થઇ ગયાં.

મારી કવિતા આજ ક્યાંય છપાતી નથી ને,
‘મોદી’ રચિત કાવ્યોનાં સન્માન થઇ ગયાં.

          – રાજ ભાસ્કર (Raj Bhaskar. Pradhan thai gaya. Kavita in Gujarati. Literature and art site)

Tags :

માધુરી ટોપીવાળા – આઝાદી?

આતંકવાદી વિદેશી તાકતોથી
આત્મઘાતી બોમ્બ વિસ્ફોટોથી
નથી મળી આઝાદી નાગરિકોને

ભ્રષ્ટનેતાઓનાં ભ્રષ્ટાચારથી
અધિકારીઓનાં ખિસ્સા ભરવાથી
નથી મળી આઝાદી જનતાને

અબળાને દમનનો ભોગ બનવાથી
ભૃણહત્યા કરવાની લાચારીથી
નથી મળી આઝાદી નારીને

ભૂલકાંઓને શ્રમદાન કરવાથી
શ્રમદાન આપી અશિક્ષિત રહેવાથી
નથી મળી આઝાદી ભાવિને

યુવાનોને બેરોજગારીથી ઝઝૂમવાથી
ડિગ્રી લઈ દર-દર ભટકવાથી
નથી મળી આઝાદી યુવાનોને

          – માધુરી ટોપીવાળા(Madhuri Topiwala. Aazadi? Kavita in Gujarati. Literature and art site)

Tags :

નયન દેસાઈ – આ રઝળતા શહેરમાં

સાંજના બિસ્માર રસ્તા પર ખખડધજ ડાબલા,
આ રઝળતા શહેરમાં ઓળા વસે છે કેટલા ?

સ્તબ્ધતા ટોળેવળી મારી કલમની ટાંક પર,
રિકત કાગળ પર ચિતરાવતા મઝાના મોરલા.

દૂર સૂરજ હોય એવુ લાગવું ને ક્ષણ પછી,
હાથ દાબી દે કોઈ બે આંખ ઉપર લાગલા.

થાય છે કે હું સૂકીભઠ વાવનું એકાંત છું,
કોણ પ્રગટાવે દીવો ને કોણ પૂજે નાગલા.

હોથમાં મરું જ ધડ લઈ સામો પડછાયો મળે,
હું દરૂખેથી અતીતના જૉઉ જન્મો પાછલા.

         – નયન દેસાઈ(Nayan Desai. Aa Razalta sahaer ma. Ghazals in Gujarati. Literature and art site)

Tags :

સુલભા દેવપુરકર – સીતાને

ઊડતી ઊડતી
વાત સાંભળી છે કે
ભગવાન રામ પુન: અવતાર લેવાના છે.
ત્યારે,
અમે આપના સ્વાગતની પણ
પૂરી તૈયારી રાખી છે.
વલ્કલની એક સારા માઇલી જોડ
બાજુ પર રાખી મૂકી છે
નગરપાલિકાએ ખાસ લક્ષ દઇ
અશોકવાટિકા સાફસૂફ કરાવી છે
દરિયા કિનારે એક ચિતા સજાવી રાખી છે.
વાલ્મીકિ સતત જાગતા રહે છે કે
રખે ક્યાંય અરણ્યમાં રડતી ગર્ભવતી
સીતાનું રુદન સંભળાય
અને,
આમ તો અનેક સ્ત્રીઓની કાકલૂદીઓ
ઠુકરાવતી આવી હોવા છતાં
આપને – સ્પેશ્યલ કેસ તરીકે
ધરતીએ માર્ગ આપવા તૈયારી દાખવી છે.

         – સુલભા દેવપુરકર(Sulabha Devpurkar. Sitane. Kavita / Poems in Gujarati. Literature and art site)

Tags :

અબ્દુલ ગફાર કાઝી – સ્મિત – આસું

(૧)
સામે સ્મિતનું
ફાનસ સળગી રહ્યું છે
ને
હું અંધારું ઓઢીને –
પડયો છું.
આંસુની ઝૂંપડીમાં …

(૨)
સ્મિતની તલવાર
ફરતી રહી.
આંસુના
મસ્તક વચ્ચે …

       – અબ્દુલ ગફાર કાઝી(Abdul Gafar Kaji. smeet – aasu. Kavita / Poems in Gujarati. Literature and art site)

Tags :

‘ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા – તારે લીધે જ

(વસંતતિલકા – સૉનેટ)

તારે લીધે જ, તવ પ્રીત વડે જ હે પ્રિય !
આ અક્ષરો અઢી જ માત્ર થકી શકયો જઇ
ભાષાતણા જટિલ ઉચ્છલ સંકુલો મહીં !
તેનીય પાર લયની રવમાં અતીન્દ્રિય !

જન્માંતરોની લખ સીમ મને લઘુ પડી
તારે લીધે જ ; પરિપૂરણ પામવા તને
મેં શાશ્વતીની કરી માગણી ભાગ્યશ્રી કને ;
કાલાવધિ, કૃષ્ણકાળકથા મને નડી,

તારે લીધે જ પૃથિવી ખીણ આ હરીભરી,
તુંથી ઝરાચરણની રનકંત ઘૂઘરી,
તારે લીધે જ કુસુમોખચી ફુલ્લ વલ્લરી ,
તારે લીધે જ ગઇ ભૂમી ભુમાશી વિસ્તરી !

તારે લીધે જ સમજ્યો કંઇ હું વસંતને,
તારી પ્રીતે જ પ્રિય ! હું અડક્યો અનંતને !

          – ‘ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા(‘Ushnas’ Natwarlal KuberBhai Pandya. tare Lidhae J . Kavita in Gujarati. Literature and art site)

Tags :

ડૉ. રઇશ મનીયાર – શમણું ભલે

શમણું ભલે ને નભમા વિહરવાનું હોય છે
આંધી બનેલ ધૂળને ઠરવાનું હોય છે

હો પુષ્પ કે મનુષ્ય બસ અવધિનો છે ફરક
ખરતાં પહેલા સ્હેજ નિખરવાનું હોય છે

કયારેક હાથપગને પછાડો એ વ્યર્થ હો
કયારેક બસ પ્રવાહમાં તરવાનું હોય છે

ચઢતા ચઢી જવાય છે ઊંચાઇઓ ઉપર
ભૂલી જવાય છે કે ઊતરવાનું હોય છે

જીવનમાં યાદ રાખવા જેવું ઘણું હશે
એથી વધુ ઘણુંય વીસરવાનું હોય છે

સાગર અફાટ સામે નથી હોતો હરવખત
કયારેક અશ્રુબિંદુમાં તરવાનું હોય છે

જીવી જવાય કાવ્યને કેવી રીતે ? કહું ?
છે શર્ત, પંકિતપંકિતએ મરવાનું હોય છે

         – ડૉ. રઇશ મનીયાર(Dr. Raeesh Maniar – Shamanu bhalae. Ghazals in Gujarati. Literature and art site)

Tags :

રેખા સરવૈયા – સ્મૃતિશેષ મા …

(૧)
મુદત સુધી જેમની પાસે
ફુરસદ નહોતી –
માની વાત સાંભળવાની
એ લોકો આજે કલાકો સુધી
બેઠા રહ્યા માતાની ચિતા પાસે !

(૨)
રાંધણિયામાં ચૂલો ફૂંકવામાં
ઊગેલા અને આથમેલાં
કંઇ કેટલાય સૂરજ
ઢળતી ઉમરે સ્થિર થઇ ગયા
માતાની આંખના મોતિયામાં !

         – રેખા સરવૈયા(Rekha Sarvaiya. Ma. Vicharo / Kavita in Gujarati. Literature and art site)

Tags :

ધનસુખલાલ પારેખ – દિકરો

દિકરો એટલો ડાહ્યો કે
દર વર્ષે દિવાળીમાં
માબાપને પગે લાગવા
ઘરડાઘરમાં જાય.

         – ધનસુખલાલ પારેખ (dhansukhlal Parekh – Dikaro. Vicharo in Gujarati. Literature and art site)

Tags :