Archive for November, 2007

મનોજ ખંડેરિયા – વરસોનાં વરસ લાગે

Thursday, November 15th, 2007

મનોજ ખંડેરિય / Manoj Khanderiya
ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કમળ-તંતુ સમા આ મૌનનેતું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

આ સપનું તો બરફનો સ્તંભ છે,હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

         – મનોજ ખંડેરિયા (Manoj Khanderiya. Varso na varas laage – Ghazal in Gujarati. Literature and art site)

હનિફ સાહિલ – અહીં પણ અને ત્યાં પણ

Wednesday, November 14th, 2007

ધેરાયલી મધરાત, અહીં પણ અને ત્યાં પણ
આ કારમું એકાંત, અહીં પણ અને ત્યાં પણ

સરખી ઉભયની લાગણી, સરખો ઉભયનો પ્રેમ
છે દર્દ આત્મસાત, અહીં પણ અને ત્યાં પણ

હું છું અગર વ્યાકુળ તો એ પણ છે બેકરાર
આંખોથી અશ્રુપાત, અહીં પણ અને ત્યાં પણ

આ કાળરાત વીતશે, પૂરો થશે વિયોગ
થાશે ફરી પ્રભાત, અહીં પણ અને ત્યાં પણ

સંયોગવશ થવું પડ્યું એ મોડ પર અલગ
જીવનની રીતભાત, અહીં પણ અને ત્યાં પણ

હું પણ વિસારૂં, તુંય વિસારીને આંખ લૂછ
શાનો આ વલોપાત, અહીં પણ અને ત્યાં પણ

હું કોણ ને તું કોણ રમત છે આ જીવનની
બન્ને તરફ છે માત, અહીં પણ અને ત્યાં પણ

આ દર્દ, આ વ્યથા, આ અજંપો ને આ સ્મરણ
કેવી મળી સોગાત, અહીં પણ અને ત્યાં પણ

કેવો સફરનો અંત હતો શું લખું હનીફ
સરખો જ છે વૃતાંત, અહીં પણ અને ત્યાં પણ

         – હનિફ સાહિલ (Hanif Sahil. Aahi pun ane tya pun. Ghazals in Gujarati. Literature and art site)

પ્રિયકાંત મણિયાર – ખીલા

Tuesday, November 13th, 2007

મેદની વીખરાય ;
ને આ વૃદ્ધ જેની કાય
તે લોહાર આવી કાષ્ઠના એ ક્રૂસ પાસે
(જે થકી નીતરી રહ્યું રે રક્ત એવું – શુદ્ધ જાણે સૂર્યનું
ને લોચને વિલસે વળી તો ચંદ્રનું માધુર્ય શું !)
જઇ જુએ શું એક શ્વાસે :
મેં મકાનો બાંધવાને જે ઘડ્યા
રે તે ખીલા તો અહીં જડ્યા !

         – પ્રિયકાંત મણિયાર (Priyakant Maniyar – Khilaa. Poems in Gujarati. Literature and art site)

અમૃત ઘાયલ – હું ય પાયો છું

Monday, November 12th, 2007

અમૃત ઘાયલ / Amrut Ghayal
કેમ ભૂલી ગયા? દટાયો છું,
આ ઇમારતનો હું ય પાયો છું.

હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું ?
અડધોપડધો જ ઓળખાયો છું.

વિસ્તર્યા પણ બધેય છાયો છે !
હું અજબ રીતથી ઘવાયો છું !

આમ તો એક બિંદુ છું કિન્તુ
સપ્ત સિંધુથી સંકળાયો છું !

સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો,
ચન્દ્રની જેમ ચોડવાયો છું !

વઢ નથી વિપ્ર,આ જનોઇનો,
આમ હું આડેધડ કપાયો છું.

રામ જાણે શું કામ હું જ મને,
સર્પની જેમ વીંટળાયો છું !

         -અમૃત ‘ઘાયલ’ (Amrut Ghayal – Hu y paayo chhu. Ghazal in Gujarati. Literature and art site)

પ્રૉફેસર (ડૉક્ટર) દૌલતભાઇ દેસાઇ – ‘સ્નેહ’ એટલે

Thursday, November 8th, 2007

દરિયે બેઠાં અમે માત્ર
શરીરે ઉદતી શીકર ઝીલતાં રહ્યાં
ને ક્ષિતિજમાં સમંદરમાં
ડૂબતો સૂર્ય જોતાં રહ્યાં
હાથ માં હાથ મૂકી પાણીમાં
છબછબિયાં કરતાં રહ્યાં
ને પછી એમ જ કારમાં
બેસી ઘરે આવ્યાં !
બધાં પૂછે : “બહુ વાતો કરીને કાંઇ !”
હું કેવી રીતે કહું કે
અમે વિના બોલ્યે
લાખો વાતો કરી હતી (!?)
અમે ક્ષિતિજમાં વિસ્તર્યાં હતાં
ને મૌનમાં ફોર્યાં હતાં ! (?)

       – પ્રૉફેસર (ડૉક્ટર) દૌલતભાઇ દેસાઇ (Prof. Dr. DaulatBhai Desai – ‘Sneh’ aaetalae. Kavita / Poems in Gujarati. Literature and art site)

કુસુમાગ્રજ (અનુ. જયા મહેતા) – આખરની કમાઇ

Tuesday, November 6th, 2007

(ખાસ જાગૃતિબહેનના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

મધરાત વિત્યા પછી, શહેરનાં પાંચ પૂતળાં
એક ચોતરા પર બેઠાં, અને આંસુ સારવા લાગ્યાં.
જ્યોતિબા બોલ્યા, છેવટે હું થયો ફક્ત માળીનો,
શિવાજીરાવ બોલ્યા, હું ફક્ત મરાઠાનો.
આંબેડકર બોલ્યા, હું ફક્ત બૌદ્ધોનો,
ટિળક ઉદ્ગાર્યા, હું તો ફક્ત
ચિત્તપાવન બ્રાહ્મણોનો.
ગાંધીએ ગળાનો ડૂમો, સંભાળી લીધો
અને તે બોલ્યા, તો ય તમે નસીબદાર
એક એક જાતજમાત તો, તમારી પાછળ છે
મારી પાછળ તો, ફક્ત સરકારી કચેરીની દિવાલો.

          – કુસુમાગ્રજ (અનુ. જયા મહેતા) (Kusuma Graj (Translation Jaya Mehta- Aakhari Kamai. Kavita in Gujarati. Literature and art site)

પ્રવીણ ગઢવી – ગાંધી

Monday, November 5th, 2007

(ખાસ જાગૃતિબહેનના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

આમ તો માણસને, માણસ તરીકે જોવો સહેલો છે:
જેમ બાળક બાળકને જુએ છે
પણ
માણસ માણસ નથી રહ્યો.
એ બની ગયો છે, હિંદુ યા મુસલમાન,
સવર્ણ કે શૂદ્ર, માલિક કે મજૂર, તામિલ કે તેલુગુ,
ભારતીય કે પાકિસ્તાની, પંજાબી કે કાશ્મીરી.

આમ તો માણસને માણસ તરીકે જોવો સહેલો છે,
પણ માણસ માનવો અઘરો છે.
બુદ્ધ-કબીરે જે કહ્યું તે માનવું સહેલું છે
પણ અમલમાં લાવવું અઘરું છે,

ગાંધીને જીવાડવો અઘરો છે,
પણ મારવો તો સાવ સહેલો.

       -પ્રવીણ ગઢવી (Pravin Gadvi- Gandhi. Kavita / Poems in Gujarati. Literature and art site)