Month: January 2008

‘ઊર્મિ સાગર’ – બોલો પ્રભુ !

(ખાસ ‘ઊર્મિ સાગર ’ના આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

લ્યુકેમિયાથી અકાળે મૃત્યુ પામેલી અને મારા અંતરને સ્પર્શી ગયેલી બે વર્ષની એક અજાણી નાનકડી બાળકી ‘નિરાલી’ નો પ્રભુને સવાલ…

બોલો પ્રભુ !

તારા મંદિરની હતી, નાનકડી-શી જ્યોત હું,
શું કર્યો અપરાધ મેં કે મારે બુઝાવું પડ્યું?

તારા આંગણની હતી, નાજુક-શી કોમળ કળી,
ડાળથી મુજ નાથ મારે કેમ અલગ થાવું પડ્યું?

તારા નભમાં હું હતી, નિર્ભય વિહરતી પંખીણી,
હે પ્રભુ! બોલો પ્રભુ! શીદને મુને જાવું પડ્યું?

નિરાલીનાં પ્રશ્નનો પ્રભુએ આપેલો ઉત્તર…

શાશ્વત પરમ સંબંધ

હે સુકોમળ-શી કળી, ના તેં કર્યા કોઈ પાપ છે,
આવિયા’તા સંગ તારી, ગત જનમનાં કર્મ છે.

હું જગતનો નાથ છું પણ મારું ક્યાં કોઈ છે ચલણ?
હું યે આવું છું ધરા પર, પણ વિધિનું જોર છે.

હું કરું જો પાપ તો મારે જ ભોગવવા રહ્યા,
ને કરું જો પુણ્ય હું, જલસા કરું એ નિશંક છે.

હા, હતી મુજ અંશ તું ને હું જ તારામાં હતો,
આજ લાગે છો લઘુ પણ… હા, સફળ તુજ જન્મ છે.

તારી સ્મૃતિઓ જ બનશે પ્રેરણા કાલે પ્રચંડ,
આજ કકળે

          – ‘ઊર્મિ સાગર’ (‘Urmi Saagar’- Bolo Prabhu. Kavita / poem in Gujarati. Literature and art site)

Tags :

‘સુલેખા’ સાધના દવે – વિડંબણા

હું રે શોધું મારું પોતાનું ઘર, કયાં છે આ જગતમાં મારું પોતાનું ઘર ા

પ્રેમથી મહેકાવ્યું મેં આંગણું, પણ આ તો મારા પિતાનું ઘર ાા

પગલાં પનોતાં પાડયાં મેં સેવા કરી દીપાવ્યું મેં સાસરિયાનું ઘર ા

પતિ કહે મુજને, સુખશાંતિથી અજવાળ્યું તેં મારું આ ઘર ાા

જીવનની ફૂલવારીમાં બાળકોથી મહેકાવ્યું મેં મારા નાથનું ઘર ા

સીંચીને મોટાં કર્યા, પુત્ર કહે મા સંભાળજે તું આ મારું ઘર ાા

પિતા કહે મારું ઘર, પતિ કહે મારું ઘર, પુત્ર કહે આ મારું ઘર ા

હું તો ગઈ રે મૂંઝાઈ, આ રે સંસારમાં કયાં છે ભલા મારું ઘર? ાા

ચોપાસે ફેરવું નજર દૂર-દૂર સુધી ન જડે મુજને મારું ઘર ા

ચાર ભીંતો ચણી બનાવ્યું, શું ભીંતો થકી બની ગયું મારું ઘર? ાા

સ્ત્રીની વિડંબણા તો જુઓ શેને કહે કે આ મારું છે ઘર ા

પિતા, પતિ, પુત્ર સહુના ઘરમાં એ તો શોધે બસ પોતાનું ઘર ાાા

         – ‘સુલેખા’ સાધના દવે (‘Sulekha’ Sadhana Dave – Vidanbana. Kaivta in Gujarati. Literature and art site)

Tags :

સંધ્યા ભટ્ટ – મોસમો બદલાય છે

એકધારા કામથી અકળાય છે,
એટલે આ મોસમો બદલાય છે.

કેવું સુંદર છળ રચે છે સૂર્ય પણ,
સૌની સામે રોજ ડૂબી જાય છે !

કોણ કહે, પાષાણને ભાષા નથી ?
પથ્થરોમાંથી તો મૂર્તિ થાય છે !

જયારે કોઇ પંખીનો માળો તૂટે,
વૃક્ષ પક્ષ સાથે જ ત્યાં વીંધાય છે.

વન અને વનવાસીને જૉયા પછી,
દેહ ને આત્મા વિશે સમજાય છે.

         – સંધ્યા ભટ્ટ(Sandhya Bhatt – Mausamo badalai chhe. Kavita / Poems in Gujarati. Literature and art site)

Tags :

પ્રીતમ લખલાણી – પંખી

પહેલી જાન્યુઆરીની
વહેલી સવારે
“Happy New Year ” ના
ટહુકાને
છૂટો મૂકી
પંખી
આભમાં ઊડી ગયું !
‘ને પછી
વૃક્ષ આખું વર્ષ
આભ નીરખતું
ડાળેથી
ફૂલપાન
વરસાવતું રહ્યું.

         – પ્રીતમ લખલાણી (Preetam Lakhlani – Pankhi. Kavita / Poems in Gujarati. Literature and art site)

Tags :

ઝવેરચંદ મેઘાણી – તલવારનો વારસદાર

ઝવેરચંદ મેઘાણી / Zaverchand Meghani

ભેટે ઝૂલે છે તલવાર
વીરાજી કેરી ભેટે ઝૂલે રે.
ભીંતે ઝૂએ છે તલવાર
બાપુજી કેરી ભીંતે ઝૂલે રે.
મારા બાપુને, બે’ન બે બે કુંવરિયા
બે વચ્ચે પાડયા છે ભાગ:
હાં રે બે’ની બે વચ્ચે પાડ્યા છે ભાગ
વીરાજી કેરી ભેટે ઝુલે રે.
મોટે માગી છે મો’લ મે’લાતો વાડીઓ
નાને માંગી છે તલવાર – વીરાજી.
મોટો મા’લે છે મો’લ મેડીની સાયબી
નાનો ખેલે છે શિકાર – વીરાજી.
મોટો ચડિયો છે કાંઈ હાથી-અંબાડીએ
નાનેરો ઘોડો અસવાર – વીરાજી.
મોટો કાઢે છે રોજ કાવા કસૂંબલા
નાનેરો ઘૂમે ઘમસાણ – વીરાજી
મોટો પોઢે છે લાલ રંગીલે ઢોલિયે
નાનો ડુંગરડાની ધાર – વીરાજી
મોટો મઢાવે વેઢે વીંટીને હારલા
નાનો સજાવે તલવાર – વીરાજી.
મોટાને સોહે હીર-જરિયાની આંગડી
નાનાને ગેંડાની ઢાલ – વીરજી
મોટો સંતાય સુણી શત્રુના રીડિયા
નાનેરો દ્યે છે પડકાર – વીરાજી
મોટો ભાગ્યો છે સેન શત્રુનાં ભાળતા
નાનેરો ઝીંકે છે ઘાવ – વીરાજી.
મોટે રે માડી, તારી કૂખો લજાવી
નાને ઉજાળ્યા અવતાર – વીરજી.
મોટાનાં મોત ચાર ડાઘુડે જાણિયાં
નાનાની ખાંભી પૂજાય – વીરાજી.
ભેટે ઝૂલે છે તલવાર
વીરાજી કેરી ભેટે ઝૂલે રે
ભીંતે ઝૂલે છે તલવાર
બાપુજી કેરી ભીંતે ઝૂલે રે.

          – ઝવેરચંદ મેઘાણી (Zaverchand Meghani – Talwaar no varasdar. Kavita / Poems in Gujarati. Literature and art site)

Tags :