Archive for February, 2008

પૂર્વી ઓઝા – આ વિચારો ક્યાં કદી પકડાય છે

Friday, February 29th, 2008

આ વિચારો ક્યાં કદી પકડાય છે
માત્ર એ કાગળ ઉપર અટવાય છે.

છત ભલે કાણી તને લાગ્યા કરે,
આભ જેવું એમાંથી દેખાય છે.

જે જગ્યાએ બાંધું માળો રોજ હું,
એ જે ડાળી હર પળે વેડાય છે.

બંધ આંખે હું તને જોઇ શકું,
આયનામાં કેમ તું ખોવાય છે?

પાંદડાને એ ખબર ક્યાંથી પડે?
આ વિરહનું વૃક્ષ ઘરડું થાય છે.

         – પૂર્વી ઓઝા(Purvi Oza. aa vicha kya kadi pakadai chhe. Ghazal in Gujarati. Literature and art site)

નીરવ વ્યાસ – ભલા માણસ

Thursday, February 28th, 2008

બધાની પોતપોતાની જ આદત છે, ભલા માણસ;
રડે છે એય કે જેના શિરે છત છે, ભલા માણસ.

ખબર એવીય છે કે તાજને માથે છે કંઇક જોખમ,
અમારું ઝૂંપડું પણ ક્યાં સલામત છે? ભલા માણસ.

હજારો દાવેદારી છે તમારી થોડી મિલકતમાં;
અમારે નામ શબ્દોની રિયાસત છે, ભલા માણસ.

જુબાની નહિ, પુરાવા નહિ, અમારા કંઇ ખુલાસા નહિ;
તમારી તો અજબની આ અદાલત છે, ભલા માણસ.

કહી દો છો ઉઘાડેછોગ ‘નીરવ’ જે વિચારો છો,
ઘણા લોકોની એવી પણ શિકાયત છે, ભલા માણસ.

         – નીરવ વ્યાસ (Nirav Vyas. Bhaala Manas. Ghazal in Gujarati. Literature and art site)

શૂન્ય પાલનપુરી – ગઝલ

Tuesday, February 26th, 2008

“હું ગઝલો લખતો નથી – ગઝલો મારાથી લખાય છે. કદી પ્રરણા થાય તો એક જ બેઠકે ગઝલ રચાઇ જાય છે. કદી માત્ર છૂટા શેર જ રચાઇ છે. જ્યારે જ્યારે કોઇ એવો પ્રસંગ બને કે જોવા મળે જેનાથી મારું હૈયું હચમચી ઊઠે કે દ્રવી ઊઠે અથવા આનંદવિભોર થઇ જાય ત્યારે મારી અનુભૂતિ કોઇ ને કોઇ શેર સ્વરૂપે પ્રગટે છે. આવા શેરો હું તુરત નોંધી લઉં છું. અમુક ગાળા પછી એ શેરો પર ફરી નજર નાખું છું. આ ‘નજરે સાની’ વેળા પ્રાસાનુપ્રાસ પ્રમાણે નિકટ હોય એવા શેરોનું વર્ગીકરણ કરી એક ગઝલમાં પરોવી લઉં છું. આવી ગઝલોને પૂરી થતાં ઘણી વાર વર્ષો લાગે છે.”

         – શૂન્ય પાલનપુરી (Shunya Palanpuri- Ghazal. Vicharo in Gujarati. Literature and art site)

હરીશ મીનાશ્રુ – આપું છું

Monday, February 25th, 2008

દર્દ આપી દમામ આપું છું
હું હકીમોને હામ આપું છું.

જીભને તારું નામ આપું છું
માત્ર તકિયાકલામ આપું છું.

નગર હું લામુકામ આપું છું
ને તને ઇંન્તઝામ આપું છું.

જાણે જમશેદનો પિયાલો હો
એ રીતે રિક્ત જામ આપું છું.

એક હથિયાર શૂન્યનું ઘડવા
શ્બ્દનાં હાડચામ આપું છું.

ઇસ્મેઆઝમને જીલ્બ્બેક કહી
આજ મક્તાનું ધામ આપું છું.

         – હરીશ મીનાશ્રુ (Harish Minashru. Aapu chhu. Ghazal in Gujarati. Literature and art site)

ભગવતીકુમાર શર્મા – ઉતારો !

Sunday, February 24th, 2008

ભગવતીકુમાર શર્મા /BhagvatiKumar Sharmaઅભરાઇ-ચઢ્યા ધૂંધળા દર્પણને ઉતારો !
બિમ્બોમાં મઢેલા મારા વળગણને ઉતારો !

અવસર ગયો વીતી, હવે સૂનકાર છવાયો;
બાંધ્યું જે હતું દ્ધારે તે તોરણને ઉતારો !

મારામાંથી ફૂટી રહ્યા પડછાયા ફટોફટ;
કચડે છે મને મારા એ ભારણને ઉતારો !

થનગનતો કનકવો તો કપાઇ ગયો વહેલો;
ઝૂરે છે અગાશીમાં એ બચપણને ઉતારો !

સૌરભની પ્રતિસ્પર્ધામાં એ વૃક્ષે ચઢી છે;
ચૂંટી જે રહી ફૂલ એ માલણને ઉતારો !

         – ભગવતીકુમાર શર્મા (BhagvatiKumar Sharma. Utaro. Ghazal in Gujarati. Literature and art site)

‘મિસ્કીન’ રાજેશ વ્યાસ – મળ્યું

Saturday, February 23rd, 2008

એય કહેવાયું નહીં થોડું મળ્યું,
કટકે કટકે એમ કૈં મોડું મળ્યું.

સુખ મળે જે કાંઇ હોમાઇ જતું,
મન ગજાની બ્હારનું થોડું મળ્યું.

થઇ ગયું જે વ્હેણ છીછરું આંખમાં,
કાળજે ધસમસતું માથોડું મળ્યું.

રાહ જોતા હોય છે તકની ફકત,
સૌ ઝનૂની હાથમાં રોડું મળ્યું.

આગ નકરી આગના ભીતર ચરૂ,
બ્હારથી આ શ્હેર ટાઢોડું મળ્યું.

         – ‘મિસ્કીન’ રાજેશ વ્યાસ (‘Miskin’ Rajesh Vyas. Maalyu. Ghazal in Gujarati. Literature and art site)

મનહર દિલદાર – મળતાં

Friday, February 22nd, 2008

સરકી ગયેલ જલ સમાં પાછાં વળ્યાં નહીં !
મળતાં મળી ગયાં પછી કો’ દી’ મળ્યાં નહીં !

         – મનહર દિલદાર(Manahar Dildar. Maalata. Shayari, Vicharo in Gujarati. Literature and art site)

ડૉ. હર્ષદેવ માધવ – શબ્દથી દૂર વાચા ફળી હોય છે

Thursday, February 21st, 2008

શબ્દથી દૂર વાચા ફળી હોય છે
માંહ્ય સુરતા જ સામી મળી હોય છે.

કોડિયામા બળે છે તિમિર ઘી બની
જ્યોત આઠે પ્રહર પ્રજ્વળી હોય છે.

કાળ ભંડાર ખાલી કરી નીકળ્યા
ક્ષણ મહારત્નથી ઝળહળી હોય છે.

‘દૂર’ને શોધીએ, ‘પાસ’ આવી મળે
એમ શ્રદ્ધા જ કોને ફળી હોય છે.

‘જાણ’નો આ મલક આપણો સાંપડે
સરહદો આપણી આંગળી હોય છે.

         – ડૉ. હર્ષદેવ માધવ(Dr. Harshdev Madhav – Shabd shodhi ae paas aave malae. Ghazals in Gujarati. Literature and art site)

કાશ્મિરા પરમાર – લીલી લાગણી

Thursday, February 14th, 2008

લીલી લાગણી તારી ને ભૂરી મારી,
એક કૂંપળ મારી ને આખી ડાળ તારી,

એક મુઠ્ઠી ધૂળ મારી ને આખી વાડી તારી,
એક પાંખડી તારી ને સુગંધ એની મારી,

એક ઝાકળ તારી ને આખી સરિતા મારી,
એક સાંજ મારી ને એક સવાર તારી,

પૂનમની રાત તારી ને અમાસની મારી,
લીલી છાંયડી મારી ને એક વાદળી તારી,

તારી મારી ને મારી તારી – નહીં,
એ સઘળી ઘટનાઓ આપણી!

          -કાશ્મિરા પરમાર (Kashmira Parmar – Lili Lagani. Ghazal in Gujarati. Literature and art site)

દુર્ગેશ ઉપાઘ્યાય – દરિયાનો ઘુઘવાટ

Monday, February 4th, 2008

આજે તો આ દરિયાને ઉઠાવી જ જાવો છે!
હું એને લઇને આવું છું તારી પાસે,
અને તને આ દરિયો આપી દઇશ
ફરી એકવાર હું
ખાલીખમ્મ થઇ જઇશ..
પછી મારી ભીતર હશે,
નિરવ શાંતિ..
દરિયાનું મૌન…
અને તારામાં હશે, એનો ઘુઘવાટ…!!

       – દુર્ગેશ ઉપાઘ્યાય (Durgesh Upadhay- Dariya no ghughavat. Kavita / Poems in Gujarati. Literature and art site)

નરસિંહ મહેતા – જળકમળ છાડી જાને

Friday, February 1st, 2008

જળકમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે…

કહે રે બાળક તું મારગ ભુલ્યો, કે તારા વેરીએ વળાવીઓ
નિશ્ચલ તારો કાળ ખુટ્યો, અહીંયા તે શીદ આવીઓ…

નથી નાગણ હું મારગ ભુલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ,
મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શીશ હું હારીઓ…

રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો…

મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનેલો
જગાડ તારા નાગને મારૂં નામ કૃષ્ણ કાનુડો…

લાખ સવાનો મારો હાર આપું, આપું તુજને દોરીઓ,
એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ…

શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ…

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો…

બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો…

નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહું દુઃખ આપશે,
મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે…

બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને…

થાળ ભરીને નાગણી સર્વે મોતીડે, શ્રીકૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો…

      -નરસિંહ મહેતા (Narsi Mehta – Jalkamal chaandi jane. Kavita /Poems, Lok Sahitya, Bal geet in Gujarati. Literature and art site)