Archive for April, 2008

રશીદ મીર – સીધું કિરણ

Tuesday, April 29th, 2008

સીધું કિરણ પડ્યું અને અળગો બની ગયો,
પડછાયો જોતજોતામાં તડકો બની ગયો.
પીપળ પછી તે ઊગી ગયું બારોબાર ‘મીર’
ઘર જેવું ઘર પછી તો વગડો બની ગયો.

         – રશીદ મીર(Rashid Mir. Sidhu kiran. Shayari, Vicharo in Gujarati. Literature and art site)

નૂર પોરબંદરી – મારા ઘરમાં

Monday, April 28th, 2008

હું મારા ઘરમાં રહીને ખુદ મને મળી ન શકું,
ખુદા કોઇને કદી એમ લા-પતા ન કરે !

         – નૂર પોરબંદરી (Noor Porbandari- Mara Ghar ma. Vicharo in Gujarati. Literature and art site)

હરીન્દ્ર દવે – ઉખાણું

Wednesday, April 16th, 2008

         દૂધે ધોઇ ચાંદની
                  ચાંદનીએ ધોઇ રાત,
એવામાં જો મળે તો,
વ્હાલમ, માંડું રે એક વાત.

અડધું પિંજર હેમ મઢ્યું ને અડધું રૂપે સ્હોય,
એમાં બે અલબેલાં પંખી અલગ રહીને રોય.
         વાત સમજ તો વ્હાલમ
         ચાંદ-સૂરજની દઉં સોગાત.

વનવગડે એક વાટ ને વાટે ઊગ્યાં રાન ગુલાબ,
વણચૂંટ્યે વીણી લેવાની મળી છે અમને છાબ.
         ભેદ સમજ તો તને વસાવું
         કીકીમાં રળિયાત.

મગથી ઝીણાં મરી, ઓ વ્હાલમ, સૌથી ઝીણી રાઇ,
એથી નાજુક ચીજ, નરી આંખે જે ના દેખાઇ;
         દાખવ તો ઓ પિયુ !
         તને દઉં હૈયાની ઠકરાત.

          -હરીન્દ્ર દવે (Harindra Dave – Ukhanu. Kavita, Poems in Gujarati. Literature and art site)

નરસિંહ મહેતા – ઘડપણ કેણે મોકલ્યું

Tuesday, April 15th, 2008

ઘડપણ કેણે મોકલ્યું, જાણ્યું જોબન રહે સૌ કાળ. ઘડપણ ટેક.

ઊમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ,
ગોળી તો ગંગા થઇ રે, અંગે ઊજળા થયા છે કેશ. ઘડપણ.

નહોતું જોઇતું ને શીદ આવિયું રે, નહોતી જોઇ તારી વાટ,
ઘરમાંથી હળવા થયા રે, એની ખૂણે ઢળાવોને ખાટ. ઘડપણ.

નાનપણે ભાવે લાડવા રે, ઘડપને ભાવે શેવ,
રોજ ને રોજ જોઇએ રાબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ. ઘડપણ.

પ્રાત:કાળે પ્રાણ માહરા રે, અન્ન વિના અકળાય,
ઘરના કહે મરતો નથી રે, તને બેસી રહેતાં શું થાય ? ઘડપણ.

દીકરા તો જૂજવા થયા રે, વહુઓ દે છે ગાળ,
દીકરીઓને જમાઇ લઇ ગયા રે, હવે ઘડપણના શા રે હાલ. ઘડપણ.

નવ નાડો જૂજવી પડી ને આવી પહોંચ્યો છે કાળ,
બૈરાંછોકરાં ફટફટ કરે રે, નાનાં બાળક દે છે ગાળ. ઘડપણ.

અંતકાળે વળી આવિયા રે, દીકરા પધાર્યા દ્વાર,
પાંસળીએથી વાંસળી રે, પછી છોડીને આપી બા’ર. ઘડપણ.

એવું સાંભળી પ્રભુ ભજો રે, સાંભરજો જગનાથ,
પરઉપકાર કીધે પામશે રે, ગુણ ગાય નરસૈંયો દાસ. ઘડપણ.

      -નરસિંહ મહેતા (Narsi Mehta – Dhadapan kone mokaliyu. Kavita /Poems, Lok Sahitya, in Gujarati. Literature and art site)

અનિલા જોશી – સૈયર, શું કરીએ?

Monday, April 14th, 2008

કોયલ ટહુકે સવારના, ને સાંજે કનડે યાદ
સૈયર, શું કરીએ?

આંખોમાં છે ફાગણિયો, ને પાંપણમાં વરસાદ
સૈયર, શું કરીએ?

ઉંઘમાં જાગે ઉજાગરો, ને સમણાંની સોગાત
સૈયર, શું કરીએ?

મૂગામંતર હોઠ તો મારા, ને હૈયું પાડે સાદ
સૈયર, શું કરીએ?

પિયર લાગે પારકું, કે સાસરિયાંનો સ્વાદ
સૈયર, શું કરીએ?

પગમાં હીરનો દોર વીંટાયો, ને ઝરણાનો કલનાદ
સૈયર, શું કરીએ?

તનમાં તરણેતરનો મેળો, ને મનમાં છે મરજાદ
સૈયર, શું કરીએ?

       – અનિલા જોશી(Anila Joshi – Saiyar shu kariyae. Kavita / Poems in Gujarati. Literature and art site)

મુખ્તાર સૈયદ – માણવાને

Wednesday, April 9th, 2008

માણવાને એક તો ક્ષણ જોઈએ,
ને પછી એમાંય બે જ્ણ જોઈએ.

         – મુખ્તાર સૈયદ (Mukhatar Saiyaad – Manava ne. Vicharo / Shayari in Gujarati. Literature and art site)

જલન માતરી – મૃત્યુ મારું પોતાનું હતું

Tuesday, April 8th, 2008

એટલા માટે રુદન મારું ઘણું છાનું હતું,
અશ્રુઓ સાધન તરસ મારી છીપાવવાનું હતું.

એના હાથે માનવી રહેંસાઈ ટળવળતો રહ્યો,
આ જગત એવું અધૂરું એક કતલખાનું હતું.

મારે વહેવાના સમય પર હું તો છલકાઈ ગયો,
લક્ષ સાગરમાં ભળી ઊંડાણ જોવાનું હતું.

હું જ નીરખતો હતો એ વાત હું ભૂલી ગયો,
મારા મનથી પાપ મારાં કોણ જોવાનું હતું?

એટલે તો મેં નજર પણ ના કરી એ દ્રશ્ય પર,
કે ગગનથી તારલા વિણ કોણ ખરવાનું હતું !

અર્થ એનો એ નથી હું પણ ‘જલન’ તરસ્યા કરું,
ઝાંઝવાંઓને તો જીવનભર તરસવાનું હતું.

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર
ઓ ‘જલન’, જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.

          – જલન માતરી (Jalan Matri. Mrutyu maru potanu hatu. Ghazal in Gujarati. Literature and art site)

સરોજબહેન અડાવતકર – જીવન સંધ્યા

Monday, April 7th, 2008

એક સાંજે દીઠી જીર્ણ – માંદલી
       પથારીમાં પડેલી કાયા.
જોઇ ઝાંખી ઝાંખી ધૂંધળી બે આંખો.
ચકળવકળ શોધી રહી હતી કંઇક,
અધર મથી રહ્યા હતા કહેવા કંઇક,
    ઊંડો …ઊંડો અસ્પષ્ટ અવાજ
       ન સમજાય કશું.
કાન નજીક કરતા કંઇક એવું સમજાયું
“અરે! ઇશ્વરે રમવા તો મોકલી દીધા જગતમાં,
પરંતુ ભૂલી ગયો પાછા બોલાવતા,
આ ઘડપણ કેવું? ધાર્યું નહોતું આવું,
વિજ્ઞાને લંબાવી દોર જિંદગીની
કાયાના વિખાયેલા બંધને કોણ સમારશે?
જોતી નહોતી દોર લાંબી …
    અરે હવે ઇશ્વરને યાદ કોણ આપશે?”

       – સરોજબહેન અડાવતકર (SarojBen Adavatkar – Jeevan Sandhya. Kavita / Poems in Gujarati. Literature and art site)

રવીન્દ્રનાથ ટાગોર (અનુ. શ્રી ભાનુશંકર વ્યાસ) – બીજું હું કાંઇ ન માંગું

Sunday, April 6th, 2008

આપને તારા અંતરનો એક તાર, બીજું હું કાંઇ ન માંગું,
સુણજે આટલો આર્ત તણો પોકાર, બીજું હું કાંઇ ન માંગું…

તુંબડું મારું પડ્યું નકામું, કોઇ જુએ નહીં એના સામું (2)
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર, પછી મારી ધૂન જગાવું
સુણજે આટલો આર્ત તણો પોકાર, બીજું હું કાંઇ ન માંગું …

એકતારો મારો ગૂંજશે મીઠું, દેખશે વિશ્વ રહ્યું જે અદીઠું (2)
ગીતની રેલાશે એક અખંડિત ધાર, તેમાં થઇ મસ્ત હું રાચું
સુણજે આટલો આર્ત તણો પોકાર, બીજું હું કાંઇ ન માંગું …

          – રવીન્દ્રનાથ ટાગોર (અનુ. શ્રી ભાનુશંકર વ્યાસ)(Ravindranath Tagore (Translation Shri Bhanushankar Vyas – Biju kai n mangu. Bhajan – Aarti in Gujarati. Literature and art site)

રવિ ઉપાધ્યાય – મંઝિલ

Saturday, April 5th, 2008

મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,
છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.

         – શ્રી રવિ ઉપાધ્યાય(Ravi Upadhyaya – Mrutyu pachhi. Vicharo / Shayari in Gujarati. Literature and art site)

ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ) – મૃત્યુ પછી

Saturday, April 5th, 2008

સન્માન કેવું પામશો, મૃત્યુ પછી ‘ગની’ ,
જોવા તમાશો કદી, ગુજરી જવું પડે

         – ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ) (Gani Dahiwala – Mrutyu pachhi. Vicharo / Shayari in Gujarati. Literature and art site)

ન્હાનાલાલ કવિ – અસત્યો માંહેથી

Wednesday, April 2nd, 2008

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.

સૌ અદભુતોમાં તુજ સ્વરૂપ અદભુત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશી ને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો.

પ્રભો તું આદિ છે શુચિ પુરુષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોનો અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે.

પિતા છે એકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકુળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જ સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે.

વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.

અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.

પિતા! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ! મહાસાગર ભણી.

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, તુજ ચરણમાં નાથજી! ધરું.

         – ન્હાનાલાલ કવિ (Nanhalal Kavi -Aasatyo maahethi. Bhajan-Aarti in Gujarati. Literature and art site)

તારક મહેતા – ભ્રષ્ટાચાર કથા

Tuesday, April 1st, 2008

તારક મહેતા / Tarak Mehta

બોમ્બબ્લાસ્ટના મુખ્ય આરોપીની માફક વરસાદ હજી લાપતા છે. ઉનાળાએ એની ગેરહાજરીમાં પોતાના કરતબ ચાલુ રાખ્યા છે. બગીચાનાં ઘટાદાર વૃક્ષોમાં ઉકળાટને કારણે અસંતુષ્ટ રાજકારણીઓની માફક કૂદાકૂદ કરી નિર્દોષ પક્ષીઓને પજવે છે.

આ બધી લીલાઓથી ટેવાઈ ગયેલા મારા જેવા સિનિયર સિટિઝનો બગાસાં ખાતાં ખાતાં પરસેવો લૂછે છે અને માણેકચોકમાં શાક લેવા નીકળી પડયા હોય તેમ બાંકડા ઉપર ડાફરિયાં મારતા અને વખતોવખત અમારાં વસ્ત્રોમાં ઘૂસી ઉપદ્રવ કરતા મંકોડાઓને ઝાટકીને અમે ટાઇમપાસ કરીએ છીએ. આ મોસમી કંટાળો દૂર કરવા, અમે વાતો પણ કરીએ છીએ.
(more…)