Month: May 2008

જગદીશ ત્રિવેદી – જનતાથી મોટો કોઇ જજ નથી

જે લોકો સારું સાહિત્ય લખી શકતા નથી તથા સુંદર મૌલિક લખાણને વાંચીને વધાવી શકતા નથી તે લોકો વિવેચક બનીને સરળ ભાષામાં સર્જાયેલી સાહિત્યકૃતિનું અઘરામાં અઘરા શબ્દો વડે મૂલ્યાંકન કરી શકતા હોય છે.

મને કોઇ નિણાર્યક કે વિવેચક સાથે વાંધો નથી પણ આ વાત એટલા માટે લખું છું, કારણ કે થોડા દિવસો પહેલાં હું એક ગુજરાતી ટી.વી. ચેનલની નવોદિત હાસ્ય કલાકરો માટેની સ્પાર્ધામાં નિણાર્યક તરીકે જઇ આવ્યો છું અને હાસ્યના ક્ષેત્રમાં હું પોતે નવોદિત હોવા છતાં જૂનોદિત હોવાનો સફળતાથી ડોળ કરીને સુખરૂપ ઘરે પહોંચી ગયો છું.
Read more

Tags :

બકુલ ત્રિપાઠી – એક હતો રેઇનકોટ

એક હતો રેઇનકોટ
ને આપણે બે !
પછી એક ટીપું પછી સહેજ ઝરમર
પછી મન મૂકી
વરસી પડ્યો મેહ.

તું જ ઓઢને !
‘તારે જ ઓઢવો પડશે’ એવો
હુકમ કીધો આ જહાંપનાહે ને
બદતમીજીની હદ આવી ગઇ.
‘હું નહીં તમે જ ઓઢો’ એવી
હઠ લીધી તે નૂરજહાંએ.

હું નહીં હું નહીં કરતાં આપણે
કેટલું નાહ્યાં ! કેટલું નાહ્યાં !
યાદ છે તને ?

સારું થયું ને ? કે…..
બે હતાં આપણે
ને રેઇનકોટ એક !

       – બકુલ ત્રિપાઠી(Bakul Tripathi. Ek Hato raincoat. Kavita in Gujarati. Literature and art site)

Tags :

બાલમુકુંદ દવે – ગાવું

છીછરા નીરમાં હોય શું ના’વું ?
તરવા તો મઝધારે જાવું,
ઑર ગાણામાં હોય શું ગાવું ?
ગીત ગાવું તો પ્રીતનું ગાવું !

         – બાલમુકુન્દ દવે (Balmukund Dave – Gavu. Vicharo, Shayari in Gujarati. Literature and art site)

Tags :

અનામી – સમય નથી

          – અનામી (Aanami – Samay nathi. Kavita / Poems in Gujarati. Literature and art site)

Tags :

સલીમ વાડીયા – મિતવા

શબ્દનું આ તો ગગન છે, મિતવા,
અર્થના દરિયા ગહન છે, મિતવા.

કંઇક વરસોનું મનન છે, મિતવા,
એ પછીનું આ કથન છે, મિતવા.

યાદ તું આવે છે હરપલ-હરઘડી,
હોઠ પર તારી લગન છે, મિતવા.

કૃષ્ણની કૃપા થકી બદલાઇ ગયું,
આ સુદામાનું સદન છે, મિતવા.

શબ્દને ક્યારેય નહિ ત્યાગી શકું,
એ જ આંખોનું રતન છે, મિતવા.

આમ તો છે,આ ગઝલ ગાલિબની,
એક મીરાંનું ભજન છે, મિતવા.

એક તું, ને એક આ મારી ગઝલ,
કોણ અહીં મારું સ્વજન છે, મિતવા.

          -સલીમ વાડીયા(Salim Wadiya. Mitawa. Ghazal in Gujarati. Literature and art site)

સુધા ભટ્ટ – ચિંતા

ભરબપોરે
તાડના ઝાડ હેઠે
બેઠેલાનું શું ?

         – સુધા ભટ્ટ (Sudha Bhatt. Chinta. Haiku, Vicharo in Gujarati. Literature and art site)

કલ્પના મોહન બારોટ – જોજે

બધા રંગ પહેલાં તું જાગીને જોજે,
પછી એ બધા યે તું ત્યાગીને જોજે …

જડી જાય એક જ જો રંગ આત્માનો,
તો બાકીના બીજા ફગાવીને જોજે …

અહીં મોહ-માયાના રંગો છે ઘેરા,
તું સમજણથી આછા બનાવીને જોજે …

પછી પામશે તું નવલ રંગ-છોળો,
કે ભગવો ભભક્તો તું માગીને જોજે …

તું પહોંચીશ બ્રહ્માંડની પાર પળમાં,
જરા આંખ મીંચી ને જાગીને જોજે …

કે રંગોભર્યા રાગ આલાપતો ના,
નિરાકારનો રાગ રાગીને જોજે …

તને લાગશે શુષ્ક રંગો ધનુના,
બધા રંગ-રાગો તું ત્યાગીને જોજે …

       -કલ્પના મોહન બારોટ(Kalpana Mohan Barot – Joje. Kavita / Poems in Gujarati. Literature and art site)

કેશવલાલ હરગોવિંદદાસ શેઠ – અમથાં

નિર્જન વનવગડે અલી વાદળી !
જળ શાં ઢોળવાં અમથાં?
રણે રગદોળવાં અમથાં?
એવા હૈયાસૂનાં સમીપ વીતક શાં બોલવાં અમથાં?
હ્રદય શીદ ખોલવાં અમથાં ?

          – કેશવલાલ હરગોવિંદદાસ શેઠ (Keshavlal Hargovinddas Seth – Amtha. Vicharo, Shayari in Gujarati. Literature and art site)

Tags :

રાજેન્દ્ર શુકલ – ફૂલ

જોઇ અટૂલી મ્હેંક સમય પૂછતો ફરે –
“ફોર્યાં અહીં જે ફૂલ તે ક્યારે ખરી ગયાં?”

         – રાજેન્દ્ર શુકલ (Rajendra Shukla. Phool. Vicharo. Literature and art site)

Tags :

હિતેન આનંદપરા – બસનું ભાડું

ચાર રૂપિયા બસનું ભાડું
રોજ સાલું ક્યાંથી કાઢું ?

જોઉ છું આકાશ સામે
તો તરત જુએ છે આડું

ભીંત પણ થાકી ગઇ છે
કેટલા મુક્કા પછાડું ?

ટ્રેનમાં એવો ચઢું છું
હોંઉ જાણે ધાડપાડુ

ટેરવાં બરછટ થયાં છે
કઇ રીતે સ્પર્શો ઊગાડું?

રોજ પડછાયાઓ પહેરું
રોજ પડછાયાઓ ફાડું

મારા જેવા કોઇકને હું
આયનામાંથી ભગાડું

          – હિતેન આનંદપરા (Hiten Anandpara. Bus nu Bhadu . Kavita / Poem in Gujarati. Literature and art site)

Tags :

ડૉ. માલા કાપડિયા – હૃદય

તારા હૃદય પર બરફની પરત તો નથી ?
હું સ્પર્શ કરવા જાઊં ને ફિસલી જવાય.

         – ડૉ. માલા કાપડિયા (Dr. Mala Kapadia – Hriday . Vicharo, Shayari in Gujarati. Literature and art site)

Tags :

મુકેશ જોષી – બા

બા એકલાં જીવે
બા સાવ એકલાં જીવે
એકલતાનાં વર્ષો એને ટીપે ટીપે પીવે ….. બા સાવ એકલાં જીવે

બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું
રસગુલ્લાની ચાસણી જેવું વ્હાલ નીતરતું વ્હેતું
દોડાદોડી પકડા-પકાડી સહુ પકડાઇ જાતાં
ભાઇ-ભગિની ભેળાં બેસી સુખનો હિંચકો ખાતા
સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે
ઊડવાનું બળ આપી પાછી ઊડવાનું શિખડાવે
સુખનો સૂરજ છાનો માનો જલતો બાના દીવે ….. બા સાવ એકલાં જીવે

કાળ કુહાડી ફરી કપાયાં વેકેશનનાં ઝાડ
કોઇ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ
સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતાં
બાના જીવતરની છત પરથી ઘણાં પોપડાં ખરતાં
સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે
બાએ સહુનાં સપનાં તેડયાં :કોણ બાને તેડે
ફાટેલા સાળુડા સાથે કૈંક નિ:સાસા સીવે ….. બા સાવ એકલાં જીવે

કમ સે કમ કો’ટપાલ આવે તાકે આંખો રોજ
નીંચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ
દાદાજીના ફોટા સામે કંઇક સવાલો પૂછે
ફ્રેમ થયેલા દાદા એની આંખો ક્યાંથી લૂછે
શબરીજીને ફળી ગયાં એ બોર અને એ નામ
બાનાં આસુ બોર બોર પણ ના ફરકે એ રામ
જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે ….. બા સાવ એકલાં જીવે

         – મુકેશ જોષી(Mukesh Joshi – Ba. Kaivta in Gujarati. Literature and art site)

Tags :

ડૉ. નીલેશ રાણા – આમ જુઓ તો વાણી

મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.
આભથી જુઓ બરફ પડે છે ને પળમાં વહેતું પાણી.

      જળની કુંડળી પરપોટામાં
            શાને જાય સમાઇ ?
      પથ્થરમાંથી ઝરણું ક્યાંથી
            પ્રકટે એ જ નવાઇ ?

નદી,સરોવર,સમદર જળની જૂજવી હોય કહાણી
મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.

      રેતી પર એક નામ લખું
            રે પવન ભૂંસતો જાય
      જળમાં તારું નામ લખું તો
            તરંગમાં લહેરાય

રહસ્ય પછી આ જિંદગી જોને બેઠી ઘૂંઘટ તાણી
મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.

       – ડૉ. નીલેશ રાણા (Dr. Nilesh Rana – Aam jovo toe vaani. Kavita/ Poems in Gujarati. Literature and art site)

Tags :

વત્સલ રસેન્દુ વોરા – સંબંધોનું જતન

(ખાસ વત્સલ રસેન્દુ વોરાને આભારી છીએ આ લેખ અભિપ્રાયમાં મોકલવા બદલ)

કદાચ આ લેખ તમને લાગશે કે સંબંધ વિશે અમે સૌ જાણીએ છીએ પણ ખરેખર આપણે સૌ સંબંધોનાં જતન માટે પાંગળા અને ઇર્ષ્યાબખોર છીએ.

આપણે માનીએ છીએ કે સંબંધ બાંધવો એટલે કે, એક માત્ર ખાડો ખોદીને તેમાં કોઇ વૃક્ષ કે ફૂલ / ફળનું બીજ રોપવું એટલી જ ક્રિયા છે. આપણે બીજને રોપ્યાખ પછી પણ ઝાડ કે વૃક્ષ એમને એમ દરેક વાતાવરણની વચ્ચેો અડીખમ ઉભું રહેશે અને પોતાનો વિકાસ કે પોતાનો ઉછેરનો રસ્તોડ જાતે શોધી લેશે. આ બધી જ આપણી ભ્રામક માન્યચતાઓ અને ખૂબ જ મોટી ભૂલો પણ છે જે ભૂલોને આપણે કયારેય પણ સુધારી શકતાં નથી.

બે માણસો વચ્ચે ના સંબંધો એટલે બે ધબકારા વચ્ચેયનું ક્ષણિક અંતર છે જે ચૂકી જવાય તો આખું આયખું આપણે ગુમાવી દઇએ છીએ તેમ આપણે નાની અમથી ભૂલથી, ગેરસમજથી, અપેક્ષા રાખવાથી કે અન્યી કોઇ કારણથી આપણાં સંબંધોમાં ‘‘કલોટ‘‘ અનાયાસે જ ઉભાં કરી દઇએ છીએ. સંબંધો વિશેની આપણી સૌની માન્યંતા એટલે આપણને સૌન નજીકનો દૃષ્ટિ ભ્રમ થઇ જવો કે એમ કહો તો ચાલે કે આપણી નજીકની દૃષ્ટિી ટૂંકી અથવા તો ખામીયુકત થઇ ગઇ છે. કારણ કે, જે સંબંધ બાંધવામાં તમે જેટલી તત્પરતા દેખાડો છો તેનાથી પા-ભાગની માવજત ગણો કે જતન ગણો તે આપણે કરી શકતાં નથી.

સંબંધોની ઓળખાણ કયારેય રૂપિયા નથી, કયારેય મિલકત નથી, કયારેય કોઇ મોંઘીદાટ વસ્તુડ નથી કે જેનાથી તમે સંબંધોને મજબૂત બનાવી શકો. સંબંધ એટલે તો કોઇપણ જાતની અપેક્ષા, માગણી, આગ્રહ સિવાયનો ‘‘વન-વે‘‘ છે જેમાં તમારે સંબંધોના સંજોગોરૂપી રસ્તામ ઉપર સતત પસાર થતાં રહેવાનું છે કારણ કે, આજે તમે જે સંજોગોમાંથી પસાર થતાં હોવ ત્યાેરે તમને આ સંબંધોનો રસ્તોબ જ સાચો માર્ગ કે રાહ દેખાડે છે પછી ભલે તે ‘‘વન-વે‘‘ હોય. નિ-સ્વા‍ર્થ સંબંધોના રસ્તાપ ઉપર કયારેય કોઇ લાલ, લીલી કે પીળી બત્તી નથી હોતી કે તે સંબંધોના રસ્તામની ઉપર કયારેય અપેક્ષા કે માગણીના ઝીબ્રા ક્રોસિંગ પણ નથી હોતાં. તેથી જ આવા સંબંધોના રસ્તા ઉપર માણસ પોતાના સંબંધો, કોઇપણ જાતના પૂર્વાગ્રહ વિના હેમખેમ આવન-જાવન કરી શકે છે.

સંબંધોમાં પણ દરેક માણસની એક મર્યાદા હોય છે. પછી તે શારીરિક હોય કે માનસિક હોય. શારીરિક અને માનસિક મર્યાદા હોવાથી કોઇપણ સંબંધોમાં લેશમાત્ર ઘટાડો નથી આવતો પરંતુ જો તમારી બૌદ્ધિક મર્યાદા તમારા સંબંધોની સામે આવશે તો તમારી વિચારસરણી જ તમારા સંબંધો માટે દુશ્મન બની જવાની છે. સંબંધો માટે જો વિચારવું જ હોય તો તેને હૃદયથી જ વિચારવું રહયું. જતું કરવાની ભાવના, વિશાળ મન, પરસ્પર સહકારની ભાવના અને એકબીજાની મર્યાદા જાણતા હોવા છતાં પોતાનું શ્રેષ્ઠેતમ આપવાની લાગણી જેવાં ‘‘કુદરતી ખાતરો‘‘ જો તમારી પાસે હશે તો તમે તમારા સંબંધોના વૃક્ષનું જતન સારામાં સારી રીતે કરી શકશો.

         – વત્સલ રસેન્દુ વોરા સેકટર-૭/બી, ગાંધીનગર(Vatsal Vora. Sambandho nu jatan. Vicharo in Gujarati. Literature and art site)

હિમાંશુ પ્રેમ – કૃષ્ણ

કૃષ્ણ કાલિન નાગને નાથીને જેવા નીકળ્યા
જળ જમુનાના અચાનક એ પછી કાળાં થયાં,
અંતનો અવરોધ થઇ અવકાશ અહીં પ્રસર્યો સકળ
શૂન્યમાંથી સામટા એથી જ સરવાળા થયા.

       – હિમાંશુ પ્રેમ (Himanshu Prem – Krushna. Kavita in Gujarati. Literature and art site)