(ગીત)
કાંઇ ઝીણું ઝીણું ફરકે,
ઊંડાણોના ગર્ભો છલછલ સ્વાતિ જલ શા છલકે.
હું મારામાં અરૂપ થઇને
આવી તમને મળું,
હર એક પળને અનુભૂત થઇ
મધુર સમણાં શું છળું,
વાસંતી ફરફર ઓઢીને મદન બેઠો પલકે,
કાંઇ ઝીણું ઝીણું ફરકે.
ઝીણું દુકૂલ ધરી દેહ પર
અત્તર શું,શું છરકે ?
અંગ – અલસમાં મધુ કેફ થઇ
લીલી સાપણ સરકે,
આશ્લેષે તો પ્હાડ પીગળે, ઝમતી ક્ષણની હલકે,
કાંઇ ઝીણું ઝીણું ફરકે.
તેજ – તિમિરનાં પૂર ચડયાં ને
ઘૂવડ થઇ ‘ગ્યું અંધ,
અસ્ત થતા અજવાળે ફેલી
અંધારાની ગંધ,
સમણાનું સુખ આંખ ઉઘાડે, અલોપ થઇને મલકે,
કાંઇ ઝીણું ઝીણું ફરકે.
ગામ ગોંદરે વડલો ઊભો
લીલી છાંયને ઢાળી,
ઊંચી ડાળે બેસી કોયલ
ગાતી કંઠ ઉલાળી,
વગડો આખો ફરી સીમમાં, ભીની આંખને તલકે,
કાંઇ ઝીણું ઝીણું ફરકે.
- ‘માસૂમ’ ડાહ્યાભાઇ પટેલ (‘Masoom’ Dahyabhai Patel. Kai Jinu jinu farke. Kavita / poems in Gujarati. Literature and art site)