Month: July 2008

આદિલ મન્સૂરી – પડે

આદિલ મન્સૂરી / Adil Mansuriસમગ્ર રાત ઉપર જેમ અંધકાર પડે,
ઉઘાડી આંખમાં કોઇનો ઇંતેઝાર પડે.

ખીલું ખીલું થતું મનમાં અને ખીલી ન શકે,
કળીની પાંપણે ઝાકળનો એવો ભાર પડે.

સળગતા સૂર્યના વેરાન રણની વચ્ચોવચ,
તને સ્મરું અને વરસાદ ધોધમાર પડે.

સળંગ ઝીણેરી ઝરમરતી આ કૃપા તારી,
બધું જે હોઇ શકે તેની આરપાર પડે.

ઘણીયે વાર થઇ જાઉં છું હું શૂન્યમનસ્ક,
ઘણીયે વાર અચાનક કોઇ વિચાર પડે.

કહી રહ્યું છે કોઇ કાનમાં પ્રવાસીને,
મુસીબતો તો પડે ને હજાર વાર પડે.

સિતારા થાક્યા છે જાગીને રાતભર આદિલ,
બધાય ઇચ્છે છે કોઇ રીતે સવાર પડે.

         – આદિલ મન્સૂરી

અન્ય રચનાઓ

 • આદિલ મન્સૂરી – મળે ના મળે
 • આદિલ મન્સૂરી – પળ આવી
 • (Adil Mansuri. Pade – Ghazal in Gujarati. Literature and art site)

  Tags :

  સરોજબહેન અડાવતકર – રફતાર છે જિંદગીની

  સ્મશાનભૂમિના સિગ્નલ પાસે,
  ગાડી ઊભી રહેતી પળ બે પળ,
  બે હાથ જોડી નમન કરું ભૂમિને.

         આજે પણ નમન કરતાં
         લાડલી દિકરીએ પૂછ્યું,
         “શા માટે નમન સ્મશાનભૂમિને ?”

  કહ્યું, “આ જ જગ્યાએ આપી વિદાય
  માતા-પિતા અને બેનીને
  સતત યાદ આપે જીવનની ક્ષણભંગુરતા.”

         ઉત્તરમાં લાડલી બોલી,
         “આ તો અલ્પવિરામ છે
         નથી પૂર્ણવિરામ.
         ફરી જન્મ, ફરી મૃત્યુ
        એ તો રફતાર છે જિંદગીની.”

         – સરોજબહેન અડાવતકર

  અન્ય રચનાઓ

 • સરોજબહેન અડાવતકર – જીવન કિતાબનાં પાનાં ફેરવતાં
 • સરોજબહેન અડાવતકર – જીવન સંધ્યા
 • સરોજબહેન અડાવતકર – મા
 • સરોજબહેન અડાવતકર – વર્ષા
 • (SarojBen Adavatkar – Raftar chhe zindagi ni. Kavita / Poems in Gujarati. Literature and art site)

  Tags :

  ભગવતીકુમાર શર્મા – ગમે ત્યારે હું ચાલ્યો જઈશ

  ભગવતીકુમાર શર્મા /BhagvatiKumar Sharmaઉઘાડાં દ્વાર છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ;
  જગતથી મુખ મરોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

  કિનારો હોય કે મઝધાર મારે શો ફરક પડશે ?
  ડુબાડી જાતે હોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

  હું માયામાં ઘણો જકડાયેલો છું, પણ વખત આવ્યે,
  બધા તંતુઓ છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

           – ભગવતીકુમાર શર્મા

  અન્ય રચનાઓ

 • ભગવતીકુમાર શર્મા – આમ
 • ભગવતીકુમાર શર્મા – ઉતારો !
 • ભગવતીકુમાર શર્મા – કિસ્સો
 • ભગવતીકુમાર શર્મા – ગવાઈ જઈશ
 • ભગવતીકુમાર શર્મા – ચઢી છે
 • ભગવતીકુમાર શર્મા – પવન
 • ભગવતીકુમાર શર્મા – બે મંજીરાં
 • (BhagvatiKumar Sharma. Gamae tyare hu chaliyo jaish. Ghazal in Gujarati. Literature and art site)

  Tags :

  પ્રફુલ્લા વોરા – શું હવે ?

  રોજ પેલા બાંકડા પર બેસવાનું શું હવે ?
  ને સમયની આવ-જાને તાકવાનું શું હવે ?

  લંબચોરસ ભીંત, છત કે સાવ ખાલી ઓરડે,
  એકથી બીજા ખૂણે અટકી જવાનું શું હવે ?

  કાલ બુઢ્ઢો ફેરિયો છાપું ધરીને કહી ગયો,
  કે હવે આ જિંદગીને વાંચવાનું શું હવે ?

  મેં આ મારી આંખને અમથી નથી ઠારી દીધી,
  ધારણાને ગોળ ફરતી તાગવાનું શું હવે ?

  કેટલી ચોપાટ માંડી આજ સુધી, ને કહો
  સામટું હાર્યા પછી આ જીતવાનું શું હવે ?

            -પ્રફુલ્લા વોરા(Prafulla Vora – Shu Havae. Ghazal in Gujarati. Literature and art site)

  Tags :

  ડિમ્પલ આનંદપરા – ચહેરો

  અરીસો ફૂટયો
  ચોતરફ વેરાયેલા ટુકડામાં
  મારા હજારો ચહેરા દેખાયા
  પણ
  મારો ચહેરો ખોવાઇ ગયો
  બેબાકળી બની હું મને જ ગોતવા લાગી
  સ્મૃતિપટ પરથી પસાર થયાં
  એક પછી એક ચિત્રો
  હાંસિયામાં ધકેલાતા
  સંબંધોમાં
  ઓગળતો ગયો
  ચહેરો
  ને
  ઓગળતા ચહેરાને
  પકડવાની
  મથામણમાં
  હું મને જ ખોઇ બેઠી.

            – ડિમ્પલ આનંદપરા (Dimple Anandpara. Cheharo . Kavita / Poem in Gujarati. Literature and art site)

  Tags :

  જયા મહેતા – ક્યાં સુધી

  જયા મહેતા / Jaya Mehtaક્યાં સુધી આવ્યા કરશે
  મારી પાછળ
  આ મારાં પગલાં ?

  ક્યાં સુધી ખૂટશે નહીં
  સામે દેખાયા કરતો
  આ રસ્તો ?

  ઘડીયાળના બે કાંટા જો
  ક્ષણ એક થઇ જાય સ્થિર, તો
  હું ખસી જાઉં દૂર
  આ મારો પીછો કરતાં
  પગલાંથી
  નીકળી જાઉં બહાર
  આ રસ્તાના બે છેડાની

  ન પગલાં ન રસ્તો
  પછી તો …

            – જયા મહેતા

  અન્ય રચનાઓ

 • કુસુમાગ્રજ (અનુ. જયા મહેતા) – આખરની કમાઇ
 • જયા મહેતા – એક જળનું ટીપું
 • જયા મહેતા – કવિતા
 • જયા મહેતા – ગાયમાતા
 • જયા મહેતા – શું જુદાં છે ?
 • (Jaya Mehta – Kya sudhi Kavita, Vicharo in Gujarati. Literature and art site)

  Tags :

  અંજુમ ઉઝયાન્વી – માગી

  અજાણા કેફમાં કાલે દુઆ થોડી ઘણી માગી,
  કદી તારું ભવન માગ્યું, કદી તારી ગલી માગી !

  તને તો ઓળખે છે મારી આંખો સાત જ્ન્મોથી,
  મને થોડો પરખવા મેં હંમેશાં આરસી માગી !

  નથી ખાલી જવા દેતો કદી તું કોઇ યાચકને,
  કસોટી તારી કરવા આજ મેં પયગંબરી માગી !

  સફળ ફેરો થયો તારા નગરમાં આજ ફાનસનો,
  અજાણી ભીડમાં કોઇએ તો રોશની માગી !

  કળશ કોના ઉપર ઢળશે સમય સમજી ગયો મનમાં
  તમે આખું ચમન માગ્યું, ફકત મેં ગુલછડી માગી !

  ઘવાયો છે અહં સૂરજનો કેવળ એ જ બીના પર
  રઝળતા આદમીએ ભરબપોરે ચાંદની માગી !

  સદા અર્પણ કરે પનઘટ બધાને પ્યાસનું ઓસડ
  ફકત એ કારણે સાગર કને મારી નદી માગી !

  ઉમળકો જાગશે અંજુમ કદી લીલા થવાનો ત્યાં,
  ઘણું સારું થયું તેં કોઇની તો લાગણી માગી !

           -અંજુમ ઉઝયાન્વી(Anjum Ujyanvi – maagi. Ghazal in Gujarati. Literature and art site)

  Tags :

  ડૉ. મહેશ રાવલ – બ્હાર આવો

  ઓળખીતા ખ્યાલમાંથી બ્હાર આવો!
  સાવ, બરછટ છાલમાંથી બ્હાર આવો!

  એટલું અઘરું નથી – જીતી જવાનું
  છે શરત, કે ઢાલમાંથી બ્હાર આવો!

  એક, બીજું વિશ્વ પણ અસ્તિત્ત્વમાં છે
  કૂપનાં કંકાલમાંથી, બ્હાર આવો!

  છેતરી બહુ જાતને જાતે જ દોસ્તો!
  ગોઠવેલાં વ્હાલમાંથી બ્હાર આવો!

  કાં કહી દો કંઇ નથી, ને કાં બધું છે
  કાં, નપુંસક ખાલમાંથી બ્હાર આવો!

  એકપણ ખિસ્સું નથી હોતું કફનમાં
  જીવ! માલામાલમાંથી બ્હાર આવો!

  શક્ય છે, તમનેય મળશે માર્ગમાં એ
  ઝટ કરો, ગઇ કાલમાંથી બ્હાર આવો!!!

           – ડૉ. મહેશ રાવલ (Dr. Mahesh Rawal – Bahar aavo. Ghazal in Gujarati. Literature and art site)

  Tags :

  વિનોદ ગાંધી – વાણી રે

  પોથી ઉપર પિંડ મૂકો ને ઉપર છાંટો પાણી રે…
  તુલસીની પાંદડીઓમાંથી ટપક્યાં કરશે વાણી રે…
           બાર યુગોથી ઠરી ગયેલી
                    દિશા મંત્ર ગણગણશે રે…
                             હવા આમથી તેમ વીંઝાઇ
                    વસ્તર ઝીણું વણશે રે…
  જીવને એવું સુખ થશે કે એને મંન ઉજાણી રે…
           સમયસમયના દેશેપ્રદેશે
                    પથિક વેરશે વાચા રે…
           કાચે માસે અવતરનારા
  મરશે, ટકશે સાચા રે…
  લેનારા તો લાખ પડ્યા, પરખંદા લેશે નાણી રે…
  તુલસીની પાંદડીઓમાંથી ટપક્યાં કરશે વાણી રે…

            – વિનોદ ગાંધી (Vinod Gandhi- Vaani re. Poems in Gujarati. Literature and art site)

  Tags :

  જાગૃતિ ત્રિવેદી – સખ્ય

  સખ્ય

  સ્નેહની વર્ષા
  નિરંતર ભીંજવે,
  દુકાળ ? એ શું ?

  હાઇકુ વિશે ‘થોડું’

  જાપાનીઝ કાવ્ય પ્રકાર હાઇકુ ઘણાં લાંબાં સમયથી ગુજરાતી સાહિત્યમાં અપનાવાયું છે.

  છતાં ઘણાં ઓછાં લોકો એ લખવાનો પ્રયત્ન કરે છે, અને સાથે સાથે ઘણાં ઓછાં લોકો તેને પૂરેપૂરું માણી શકે છે.

  હાઇકુની સુંદરતા એની લાઘવતામાં છે. (5-7-5 નું અક્ષર બંધારણ – એટલે કે પ્રથમ પંક્તિમાં 5 અક્ષર, દ્વિતીયમાં 7 અને તૃતીયમાં 5 અક્ષર. જોડાક્ષરને એક અક્ષર ગણવામાં આવે છે.)

  ગણેલાં શબ્દોમાં અનેક વિચારો તથા ભાવો વર્ણવવામાં આવે છે. તેથી, જે શબ્દો પસંદ કરવામાં આવે, તે ખૂબ ખૂબ સમજી વિચારીને પસંદ કરવામાં આવતાં હોય છે. એક શબ્દ અથવા શબ્દ-સમૂહની પસંદગી માટે અનેક ભાવો ગોઠવાતાં હોય છે. જો વિરામચિહ્નોનો પ્રયોગ થયો હોય તો તેની પાછળ પણ ભાવની યોગ્ય (પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ) અભિવ્યક્તિ તથા અર્થ હોય છે.

  તેથી, ઓછા શબ્દોમાં લખાયેલા હાઇકુને બરાબર સમજવા માટે તેને ઝડપથી એક વારમાં વાંચવાને બદલે ધીમે-ધીમે વાંચીને તેનો અર્થ સમજવાનો હોય છે, અને શબ્દો દ્વારા જે કહેવાયું છે તે ઉપરાંત જે ભાવોને શબ્દો નથી મળ્યા પરંતુ અધ્યાહાર છે, તે સમજવાના હોય છે. જેને અંગ્રેજીમાં આપણે ‘reading between the lines’ કહીએ છીએ, તેના જેવી પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે.

  આમ, હાઇકુ એ તેના રચયિતા તથા વાચક, બંને માટે પડકારરૂપ છે. અને જો યોગ્ય રીતે લખાય અને સમજાય તો અદ્વિતીય રૂપ છે.

            – જાગૃતિ ત્રિવેદી

  અન્ય રચનાઓ

 • જાગૃતિ ત્રિવેદી – દાયણ
 • જાગૃતિ ત્રિવેદી – શંકર
 • (Jagruti Trivedi – Sakhya. Poems, Haiku in Gujarati. Literature and art site)

  Tags :

  લોક સાહિત્ય – રામ !

  લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો !
  ફૂલ કેરે દડુલિયે સીતાએ વેર વાળ્યાં જો !

  રામ ! તમારે બોલડીએ હું પરઘેર બેસવા જઈશ જો !
  તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઈશ જો !

  રામ ! તમારે બોલડીએ હું પરઘેર દળવા જઈશ જો !
  તમે જશો જો પરઘેર દળવા, હું ઘંટુલો થઈશ જો !

  રામ ! તમારે બોલડીએ હું પરઘેર ખાંડવા જઈશ જો !
  તમે જશો જો પરઘેર ખાંડવા, હું સાંબેલું થઈશ જો !

  રામ ! તમારે બોલડીએ હું જળમાં માછલી થઈશ જો !
  તમે થશો જો જળમાં માછલી, હું જળમોજું થઈશ જો !

  રામ ! તમારે બોલડીએ હું આકાશ વીજળી થઈશ જો !
  તમે થશો જો આકાશ વીજળી, હું મેહુલિયો થઈશ જો !

  રામ ! તમારે બોલડીએ હું બળીને ઢગલી થઈશ જો !
  તમે થશો જો બળીને ઢગલી, હું ભભૂતિયો થઈશ જો !

  (Ram. Lok Sahitya in Gujarati. Literature and art site)

  ભગવતીકુમાર શર્મા – પવન

  ભગવતીકુમાર શર્મા /BhagvatiKumar Sharmaવાંસના વનમાં થઇ વાતો પવન,
  કૃષ્ણ તણી ફૂંક થઇ ગાતો પવન.

           તું મને સ્પર્શી ગઈ એવી રીતે,
           ભ્રમ થયો એવો અરે ! આ તો પવન.

  શ્વાસ તો તૂટી રહ્યાં છે ક્યારનાં,
  ગ્રીષ્મ સાંજે ઠોકરો ખાતો પવન.

           કોઇનાં છૂટી ગયાં છે પ્રાણ શું,
           કેમ આ કંઇ વેળથી વાતો પવન.

           – ભગવતીકુમાર શર્મા

  અન્ય રચનાઓ

 • ભગવતીકુમાર શર્મા – આમ
 • ભગવતીકુમાર શર્મા – ઉતારો !
 • ભગવતીકુમાર શર્મા – કિસ્સો
 • ભગવતીકુમાર શર્મા – ગવાઈ જઈશ
 • ભગવતીકુમાર શર્મા – ચઢી છે
 • ભગવતીકુમાર શર્મા – બે મંજીરાં
 • (BhagvatiKumar Sharma. Pawan. Ghazal in Gujarati. Literature and art site)

  Tags :

  મનીષ પરમાર – વિશેની વાત કર

  ઓગળેલા કણ વિશેની વાત કર,
  વિસ્તરેલા રણ વિશેની વાત કર.

  બાંધવો છે ગાંઠમાં લીલો પવન,
  કૈંક તો કારણ વિશેની વાત કર.

  જોઉં છું નખશિખ તારું બિંબ હું,
  આંસુના તોરણ વિશેની વાત કર.

  શબ્દમાં ચ્હેરો જ કચ્ચરઘાણ છે,
  તૂટતા દર્પણ વિશેની વાત કર.

  નીકળ્યો છું શોધવા તમને મનીષ,
  એ જ લાંબી ક્ષણ વિશેની વાત કર.

           – મનીષ પરમાર

  અન્ય રચનાઓ

 • મનીષ પરમાર – ભાર જેવું લાગતું
 • (Manish parmar. Vishae ni vaat kar- Ghazal in Gujarati. Literature and art site)

  Tags :

  મણિલાલ દેસાઈ – અંધારાની દિવાલ

  અંધારાની દિવાલ પાછળ, લીલાં કુંજર ઝાડ હશે,
  હવા હશે ત્યાં ધીમી ધીમી, અંદર સિંહની ત્રાડ હશે.

  પ્રાણીની કીકીમાં પેઠો સૂરજનો આકાર હશે,
  તારાનો ટમકાર બિચારો આભ મહીં લાચાર હશે.

  બધી દિશાનાં દરવાજાને હશે લટકતું તાળું,
  કૂંચીના કાણામાં ત્યારે હશે ઝબકતું અજવાળું.

  બધું હશે પણ અંધારાનો ખાટો એમાં સ્વાદ હશે,
  ઉગવાનું છે વ્હેલું એવું સૂરજને પણ યાદ હશે.

           – મણિલાલ દેસાઈ

  અન્ય રચનાઓ

 • મણિલાલ દેસાઈ – ઈશ્વર
 • મણિલાલ દેસાઈ – પલ
 • મણિલાલ દેસાઈ – રસ્તો
 • (Manilal Desai. Andhara ni diwal. Kavita in Gujarati. Literature and art site)

  Tags :

  અનામી -કવિ

  (ખાસ નીતા કોટેચાને આભારી છીએ આ મોકલવા બદલ)

  કવિ એક ઢોંગી માણસ છે તે પોતાના અભિનયમાં એટલો પાવરધો છે કે તે પોતાની વેદનાને પણ બનાવટનાં વાઘાં પહેરાવે છે અને એ વેદનામાંથી વાસ્તવિક પીડા અનુભવે છે.

            – અનામી (Aanami – Kavi. Vicharo in Gujarati. Literature and art site)

  Tags :