Archive for October, 2008

ભૂમિ એસ. ભટ્ટ – બે ઘડી

Wednesday, October 29th, 2008

નયનથી જો મળે નયન બે ઘડી,
દિલમાં કોઈના ઉતરાય છે.

આંખો જો હોય કોઈની દર્પણ સમી,
અંતરના બધાં ભેદ કળાય છે.

અંશ મળે જો આ નયનમાં પ્રેમ તણો,
કંઈક સરિતાના વ્હેણ રચાય છે.

જાત હશે જો એ કોઈ પરમ તણી,
વાત દરિયાની કરી છલકાય છે.

પામી જો એ સરિતા પંથ સાગર ભણી,
જોજો તો ખરા કેવી મલકાય છે.

          – ભૂમિ એસ. ભટ્ટ (Bhumi S. Bhatt – Bae Ghadi. Ghazal in Gujarati. Literature and art site)

જગદીશ ત્રિવેદી – કયાં મોદી? કયાં મમતા?

Monday, October 27th, 2008

(via દિવ્ય ભાસ્કર)
માણસ નામનું પ્રાણી બીજા સજીવ કરતાં ઘણી બાબતોમાં અલગ પડે છે. દાખલા તરીકે માણસ અને હાથી વચ્ચે ઘણાં તફાવત છે. જેમાં એક તફાવત એવો છે કે હાથીને મહાવતના અંકુશનો ડર હોય છે અને માણસ હંમેશાં નિરંકુશ હોય છે. માણસ અને રીંછ વચ્ચે એક તફાવત ઉડીને આંખે વળગે એવો એ છે કે માણસની હજામત થાય છે જયારે જંગલમાં હેર કટિંગ સલૂન તથા બ્યૂટીપાર્લરનાં અભાવે રીંછ અનિલ કપૂર જેવા થઇને રહી જાય છે. માણસ અને ઘોડા વચ્ચે એક તફાવત એવો છે કે ઘોડા દોડે ત્યારે પુષ્કળ માણસો ઠેકડાં મારવા નવરાં થઇ જાય છે અને જો માણસો દોડે તો જોવા માટે એક પણ ઘોડો ફરકતો નથી. માણસ અને નાગ વચ્ચે એક તફાવત એવો છે કે નાગ પહેલાં ભાગે છે અને નાછૂટકે જ કરડે છે, જયારે માણસ પહેલાં તો કરડવા મથે છે અને નાછૂટકે જ ભાગે છે.

માણસ અને સજીવ અમાણસ વચ્ચે જુદા-જુદા તફાવત છે પણ એક કોમન તફાવત એવો છે કે માણસ હસી શકે છે જયારે બીજો એક પણ જીવ હસી શકતો નથી. આથી જો કોઇ ગધેડો હસવા માંડે તો માનવું એ માણસ થવા જઇ રહ્યો છે અને જો કોઇ માણસ કયારેય ન હસે તો એ શું થવા જઇ રહ્યો છે એ ફેંસલો વાચક ઉપર છોડું છું.
(more…)

આદિલ મન્સૂરી – નદી મળશે

Saturday, October 25th, 2008

આદિલ મન્સૂરી / Adil Mansuri
તમે જો નીકળો રણથી તો ઝાકળની નદી મળશે
બધી સદીઓ ઉલેચાશે પછી પળની નદી મળશે

તિમિરની ભેખડો ચારે તરફથી જ્યાં ધસી આવે
તમે જો હાથ લંબાવો તો ઝળહળની નદી મળશે

સતત તરસે સૂકાઈને બધું નિષ્પ્રાણ થઈ જાશે
નિરાશાના અતલ ઊંડાણે વાદળની નદી મળશે

પ્રપંચોના બધા શઢ ને હલેસાં કામ નહીં આવે
મરણના રૂપમાં જ્યારે મહાછળની નદી મળશે

તમે મુક્તિનો જેને ધોધ સમજી ઝંપલાવો છો
સપાટી નીચે તમને ત્યાં જ સાંકળની નદી મળશે

તમારા લોહીની શાહી જ સૂકાઈ જશે આદિલ
પછી તો ઘેર બેઠા તમને કાગળની નદી મળશે

         – આદિલ મન્સૂરી

અન્ય રચનાઓ

 • આદિલ મન્સૂરી – પડે
 • આદિલ મન્સૂરી – પળ આવી
 • આદિલ મન્સૂરી – મળે ના મળે
 • (Adil Mansuri. Nadi malsae – Ghazal in Gujarati. Literature and art site)

  ‘ઊર્મિ સાગર’ – સ્નેહનો આ તાર તૂટ્યો, શું કરું?

  Wednesday, October 22nd, 2008

  (ખાસ ‘ઊર્મિ સાગર ’ના આભારી છીએ આ ગઝલ મોકલવા બદલ)

  (સળંગ… એકસૂત્રી… મુશલસલ)

  આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?
  સ્નેહનો આ તાર તૂટ્યો, શું કરું?

  એ હતો ડાળે બટકણી ઊર્મિની,
  એષણાના ભારે ઝુક્યો, શું કરું?

  અંતરે ભોંકાયો મારા મીતનાં,
  એક કાંટા સમ હું ખૂંચ્યો, શું કરું?

  લાગતો’તો જે અતૂટ ને જન્મોનો,
  તાર આ જન્મે એ તૂટ્યો, શું કરું?

  ઉર-વૈભવ દઇને કીધો માલદાર,
  પણ પછી એણે જ લૂટ્યો, શું કરું?

            – ‘ઊર્મિ સાગર’ (‘Urmi Saagar’- Sneh no aa taar tutiyo shu karu. Ghazal in Gujarati. Literature and art site)

  આશા પુરોહીત – તું ગઇ

  Sunday, October 12th, 2008

  તું ગઇ, ને, એટલે વરસાદ પણ ગયો,
  જૉ પલળવાનો હવે ઉન્માદ પણ ગયો.

  ચોતરફ એકાંતનો એવો છે દબદબો,
  વીજળી-વાદળ ને જળનો નાદ પણ ગયો.

  કંઠમાં આઘાતનો ડૂમો હજીયે છે,
  લે, તને સંબોધવાનો સાદ પણ ગયો.

  એકલા આ મૌનમાં જીવીને શું કરૂં ?
  તું નથી, ને, એટલે સંવાદ પણ ગયો.

  હું તને શોઘ્યા કરૂં, ને, તું મળી નહીં,
  આપણા મેળાપનો અપવાદ પણ ગયો.

            – આશા પુરોહીત (Asha Purohit. Tu Gai. Ghazals in Gujarati. Literature and art site)

  પિંકી – કોરાધાકોર સપના

  Monday, October 6th, 2008

  (ખાસ પિંકી ના આભારી છીએ આ ગઝલ મોકલવા બદલ)

  એકલતાની ભીડે ટોળું શોધે,
  તારી યાદોના બસ પડઘા જ મળે.

  ઝીલી આખો દરિયો આંખો વરસે,
  કોરાધાકોર વળી સપના તરસે.

  છું કેક્ટસ ન વસંત ન પાનખર નડે,
  વરસે જો ઝાકળના બિંદુ જ અડે.

  ચાહું બસ કે મંઝિલ હમસફર બને,
  સફર કદી તો થોડી આસાન બને.

  ન કલમ કે શાહી ન શબ્દો કે છંદો,
  ગઝલ લખે દિલ આંસુ કાગળ સારે.

            – પિંકી (Pinki- Kora Dhakor sapna. Ghazal in Gujarati. Literature and art site)

  તારક મહેતા – મેડમને દેશનો ઇતિહાસ કોણ ભણાવે?

  Saturday, October 4th, 2008

  તારક મહેતા / Tarak Mehta

  હું બદરી-કેદારની જાત્રાએથી પાછો આવ્યો. ત્યાં સુધીમાં ‘બાલુભાઇ વાડીભાઇ સ્મૃતિ ઉધાન’ ઉર્ફે બાવાના બગીચામાં રોજ સાંજે હવાફેર કરવા જવાની ટેવ છૂટી ગઇ હતી. હિમાલયમાં દસ દિવસમાં પૂરતો હવાફેર થઇ ગયો હતો અને અહીં ચૂંટણીઓની તારીખો જાહેર થઇ ગઇ પછી રાજકારણનો વાઇરસ ફેલાયો હતો. તેમાં ગુજરાતનાં રમખાણો ઉપર એક ટીવી ચેનલે તહેલકા કર્યું. ગોધરા સ્ટેશને ટ્રેન સળગાવવા ભાજપવાળાએ કેરોસીનની પરબ ખોલી હતી અને છેક નરોડા સુધી કોમવાદી કેરોસીનના રેલા આવ્યા હતા એવું પુરવાર કરવાનો પ્રયત્ન થયો હતો.

  થોડા દિવસ પહેલાં સોનિયાજી ગુજરાતીઓને સમજાવતાં હતાં, ગુજરાતનાં રમખાણો અને નંદીગ્રામનાં તોફાનો સરકાર પ્રેરિત હતાં. સેકયુલર સોનિયાજીએ એકવીસમી સદીની મહાન શોધ કરી છે, કે કોમી રમખાણો નરેન્દ્ર મોદીની મૌલિક શોધ છે. મેડમને દેશનો ઇતિહાસ કોણ ભણાવે? એમના ચમચાઓ તો એવો જ ઇતિહાસ ઠસાવે કે આ દેશમાં જે કંઇ સર્વશ્રેષ્ઠ છે તે ઇંદિરાજી અને રાજીવજીના પ્રતાપે છે અને એમનાં અધૂરાં મહાન કાર્યોપરિપૂર્ણ કરવા રાહુલબાબા નિર્માયા છે.
  (more…)

  રતિલાલ ‘અનિલ’ – પ્રેમમાં ઔદાર્ય

  Wednesday, October 1st, 2008

  સત્ય પણ ક્યારેક કડવું જોઇએ,
  જાતની સાથે ઝઘડવું જોઇએ !

  બ્હારના સમરાંગણોની વાત શી ?
  ભીતરે કે લમણે લડવું જોઇએ !

  એ રહ્યો ઇશ્વર, ખપે એને અરૂપ;
  માનવી છું, મારે ઘડવું જોઇએ !

  આમ આવ્યા ને ફક્ત ચાલ્યા જવું,
  રાહ છે તો કૈંક નડવું જોઇએ !

  આ વિશેષણના વળી શણગાર શા ?
  રૂપ છે નીતર્યુ તે અડવું જોઇએ !

  કૈંક તો અસ્તિત્વનું એંધાણ હો !
  ખાલીપાએ પણ ખખડવું જોઇએ !

  પ્રેમમાં ઔંદાર્ય તો હોવું ઘટે!
  આળ જેવું કૈંક ચડવું જોઇએ !

  સૂર્યની ક્યારેક તો ઝાંખી હશે,
  ભીના ભીના રહી શું સડવું જોઇએ ?

  ધૂળધોયાનું મળ્યું જીવન `અનિલ`,
  એય તક છે, કૈંક જડવું જોઇએ !

            – રતિલાલ ‘અનિલ’ (‘Ratilal ‘Anil’ . Jivan Prem ma audariya. Ghazal in Gujarati. Literature and art site)