Month: April 2009

‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – સ્મૃતિ

દિન એક ગયો, પછી લાખ ગયા,
શિરમાં પળિયાં પણ આવી ચૂક્યા !
ઉરનું જળવુંય શમી જ જશે,
પણ તે ચટકું ફરી ક્યાં મળશે ? ૧

દિનરાત સદાય જળ્યાં કરવું !
સહતાં સહતાં પણ કેમ સહુ ?
સહશું રડશું, જળશું, મરશું,
સહુ માલિકને રુચતું કરશુ ! ૨

કંઈ બાકી રહ્યું ? હરિ ! યાચી લઉં !
ન સુકાવ ભલે જલ નેત્ર તણું,
પણ તે દિલને વિસરાવીશ ના,
સ્મૃતિ તે રહી તો દુ:ખ લાખ ભલાં ! ૩

      – ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (Kalapi – Shruti. Kavita / Poems, Lok Shaitya in Gujarati. Literature and art site)

Tags :

દલપતરામ – અંધેરી નગરી


પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
કદી સારી બૂરી ન વેચે વિવેકે.

ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
લીધી સુખડી હાટથી આપી આટો,
ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.”

ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી,
સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
હશે ચોરને શાહનો ન્યાય એકે,
નહી હોય શિક્ષા ગુનાની વિવેકે.

ન એ વસ્તીમાં એક વાસો વસીજે,
ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.”
કહે શિષ્ય, “ખાવા પીવા ખૂબ આંહી,
તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.”

ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,
“નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.”
ન માની કશી વાત તે શિષ્ય જયારે,
ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.

રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,
બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;
પછીથી થયા તેહના હાલ કેવા,
કહું છું હવે હું સુણો સદ્ય તેવા.

તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;
તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.
માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;
શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.

“એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;
રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.”
વણિક કહે, “કડિયા તણો એમાં વાંક અપાર;
ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.”

કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;
ચૂકે ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.
ગારો કરનાર કહે, “પાણી થયું વિશેષ;
એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ”

પુરપતી કહે પખલીને, “જો તું શૂળીએ જાય,
આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.”
“મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;
પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.”

મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;
શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.
ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;
એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.

ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ;
શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.”
જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ

શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;
ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.
જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન,
આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.”

ચેલો બોલ્યો, “હું ચઢું” ને ગુરુ કહે, “હું આપ;”
અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.”
ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.

જહાં ભણેલ ન ભૂપતિ, નીપજે એવો ન્યાય;
દેશસુધારાની તહાં, આશા શી રખાય ?

          – દલપતરામ (Dalpatram – Andheri Nagari ne gandu raja. Kavita, Baal geet, Lok Sahitya in Gujarati. Literature and art site)

Tags :

સપના મરચંટ – ભ્રમ

પૂજા ધીરે પગ લે પોતાનાં બંગલામાં દાખલ થઈ. પર્સને પથારીમાં ફેંકી,પોતાની જાતને પણ પથારીમાં ફેંકી દીધી. આંખ બંધ કરી ક્યાંય સુધી ઊંડો શ્વાસ લેતી રહી.બન્ને આંખોમાંથી આંસુંની ધાર વહી રહી હતી.

કેવી રીતે એનો ભ્રમ તૂટી ગયો. વર્ષો સુધી દિલમાં જે તસવીર લયને ફરતી હતી તે છીન્નભીન્ન થઈ ગઈ. કેટલાં સમયથી દિલ ના ઉંડાણમા છુપાવી રાખી,સેહલાવી,યાદોનાં આંસુંથી ભીંજવી,પ્રેમથી સિંચી એ તસવીર છીન્નભીન્ન થઈ ગઈ. એની યાદ વગર ન કોઈ સવાર પડી અને એની યાદ વગર ન કોઈ સાંજ પડી. પૂજા એ ભ્રમ સાથે જીવી રહી હતી કે જેટલો હું એને પ્રેમ કરૂ છું,એટલો જ એ મને કરતો હશે. મારી યાદોમાં તડપતો હશે.મારી યાદોમાં આંસું વહાવતો હશે.એક જ પળમાં બધું બરબાદ થઈ ગયું

આગળ વાંચો …

Tags :

સુધીર પટેલ – નમૂના જો

Sudhir patel

અમારા દર્દનાં થોડા નમૂના જો,
નવાં લાગે, ભલે એ હોય જૂનાં જો!

ઉપરથી લાગશે એ બહુ શીતળ-શીતળ,
વહે ભીતર પ્રવાહો કૈંક ઊનાં જો!

નથી એનેય એક રહેવા દીધા લોકે,
હજારો નામ ને રૂપો પ્રભુનાં જો!

કોઈ ચોરી ગયું ટહુકા બધાં ‘સુધીર’,
થઈ ગ્યાં પંખીઓ સૌ સૂના સૂના જો!

હશે પણ કેટલી વ્હાલી સજા ‘સુધીર’?
કરે છે જીવવાના રોજ ગુના જો!

         – સુધીર પટેલ

અન્ય રચનાઓ

 • સુધીર પટેલ – તત્પર થયો
 • સુધીર પટેલ – મને જીવે
 • સુધીર પટેલ – યાત્રી આપશે
 • સુધીર પટેલ – સોનપરીને
 • (Sudhir Patel. Namuna jo. Ghazal in Gujarati. Literature and art site)

  Tags :

  નીતા કોટેચા – જોયા

  ઊકળતાં આંસુ મેં જોયાં..
  અને ઠંડા નિસાસા મેં જોયા..
  જરા જરા સી વાત પર માણસને મે તૂટતા જોયા..
  હવે ક્યાં રહી છે એ સહનશક્તિની વાતો ..
  હવે તો વાતે વાતે માણસને મેં વેચાતા અને ખરીદાતા પણ જોયા..
  કરીશું ક્યારે પોતાના આત્માનો ઉદ્ધાર??
  અહીંયા તો ક્ષણે ક્ષણે મે આત્માને કચડાતા જોયા….
  હવે ભરોસો કરવો કોનો ..
  અહીંયા તો ભગવાનને પણ હવે રીસાતા જોયા..

           -નીતા કોટેચા (Neeta Kotecha – Joya. Kavita in Gujarati. Literature and art site)

  Tags :