Month: September 2009

ક્રાન્તિબીજ – પોતાની રીતે જીવવું એ એક સાધના છે

ઘણીવાર હું પોતે જ મને સમજી શકતો નથી. ક્યારેક તો હું પોતેય મારી સામે મોટા એક પ્રશ્નચિહ્ન જેવો લાગું છું. મારી બાબતમાં હું કશું જ જાણતો નથી કોઈ બીજાએ મારા વિશે જે ધારણાઓ કરી છે કે પરિસ્થિતિએ મારી જે ઓળખ ઊભી કરી છે તે શું મારો ખરો પરિચય બની શકે ? સાવ પ્રામાણિક રીતે કહેવું હોય તો મારે સ્વીકારવું જોઈએ કે બીજાઓ મારા વિશે જે માને છે તે પણ હું નથી. એ એમની ધારણા છે. મારા કરતાં એ એમનો પોતાનો પરિચય ગણી શકાય.

કોઇ મને સારો માણસ માને છે. અને હું જાણું છું કે એમની એ માન્યતા પણ એકદમ સાચી નથી. કેમ કે મારી અંદર કેટલુંક એવું પણ છે જે એમના ઘ્યાનમાં આવ્યું ન હોય. જ્યાં સુધી એમની દ્રષ્ટિ જાય ત્યાં સુધી તો પ્રકાશ ફેલાયેલો લાગે પણ જ્યાં એમની નજર નથી પહોંચતી એવા અંધકારભર્યા ખૂણા અને ભંડકિયા પણ મારી અંદર મોજૂદ હોઇ શકે છે. કેટલાકને હું સારો લાગું છું, તે મારી પોતાની સારપના કારણે નહીં પણ એ પોતે જ સારા હોવાથી ‘દ્રષ્ટિ એવી સૃષ્ટિ’ મુજબ, મારામાં સારૂં જોવા માટે જાત સાથે પ્રતિબદ્ધ છે.
Read more

Tags :

દેવકૃષ્ણ પીતાંબર જોશી – એક સાક્ષરને એવી ટેવ

એક સાક્ષરને એવી ટેવ, પુસ્તક એટલા પૂજે દેવ;
અક્ષરે અક્ષરે કરે વિચાર, વાક્યે વ્યાકરણનો વ્યાપાર;
લીટીઓ વાંચે ને લપ કરે, વેણ ચીપી ચીપી ઉચ્ચરે.

જ્ય્હાં ત્ય્હાં કય્હાંનાં કૌતક કરે; નોંધ લઈ ડાયરીઓ ભરે.
કવન કવે તે જ્યાંત્યાં લવે, જેમ ફાવે એમ ગોઠવે,
ગણે માત્રા ને અક્ષરમેળ, કરે પિંગલડિંગલના ખેલ.

સીધું પડે તો સુતર વહે, નહીંતર આડો મારગ લહે,
સુણે સભા ને દોડ્યો જાય, વણબોલાવ્યો ઊભો થાય.
લાંબી જીભે લબરકા કરે, વણસમજ્યો વિવેચન કરે.

સુણે સૌ તો ધૂણે શીશ, નહીંતર મનમાં રાખે રીસ.
પૂછે કોઈ કવિ સારો કોણ? વાતવાતમાં ઘાલે મોણ.
નાનાલાલ? નનૈયો ભણે, નરસિંહરાવને કૈં ના ગણે!

પ્રેમાનંદની કાઢે પોલ, દયારામ ભગતડા બોલ.
નરસિંહને લાઘવનો લોભ, ભોજામાં વિનયનો ક્ષોભ.
તુલસીદાસ? રજ નિજનું નથી, અખાની તો અવળી મતિ.

નર્મદનો તો વ્યસની તોર, દલપત તો ખુશામતખોર!
દુર્બળિયો કૌમુદીકાર, પાઠક ભટ્ટનો શો વિચાર?
મેઘાણી ચારણિયો ચોર, રાયચુરા તો દુહાખોર!

કવિનું બિરદ જાતે બકે, પોતે મોટો પોતા થકે.
સર અવસર સંમેલન ભરે, નિજની શ્લાઘા સૌમાં કરે!
તંત્રીની ખુશામત કરે, લેખ છપાતાં અધ્ધર ફરે.

બે પૈસા બાપાના રહ્યા, તે સઘળા પોસ્ટેજમાં ગયા!
બોલે બૈરી કપરા બોલ, આંકે કાણી કોડી મોલ.
સાક્ષરથી નિરક્ષર ભલા, ધંધો કરી ઢીબે રોટલા!

       – દેવકૃષ્ણ પીતાંબર જોશી(Devkrishna Joshi – Aek Akshar ne aavi tev. Kavita / Poems in Gujarati. Literature and art site)

Tags :

સુધીર પટેલ – વ્હાલ શાથી છે?

Sudhir patel

કોઈ ખાલી અહીં તો કોઈ માલામાલ શાથી છે?
ચમન છે એક તો ફૂલોનાં જુદા હાલ શાથી છે?

બહુ મુશ્કેલ છે આડા પડી ઘા ઝીલવાનું, દોસ્ત!
ઘણી તલવાર સામે સાવ ઓછી ઢાલ શાથી છે?

દીસે છે એટલે બસ જિંદગી બોજા રૂપે કાયમ,
અહીં સૌ આજ ઉઠાવીને ચાલે કાલ શાથી છે?

નહીં સમજાય કારણ જ્યાં સુધી કરશો નહીં જાતે,
કોઈને કોઈનાથી હદ વગરનું વ્હાલ શાથી છે?

નથી સંબંધ એવો નામ જેને દઇ શકો ‘સુધીર’,
છતાં કોઈને કોઈનો સતત બસ ખ્યાલ શાથી છે?

         – સુધીર પટેલ

અન્ય રચનાઓ

 • સુધીર પટેલ – તત્પર થયો
 • સુધીર પટેલ – નમૂના જો
 • સુધીર પટેલ – મને જીવે
 • સુધીર પટેલ – યાત્રી આપશે
 • સુધીર પટેલ – સોનપરીને
 • (Sudhir Patel. Vahal shathi chhe. Ghazal in Gujarati. Literature and art site)

  Tags :

  સંદીપ ભાટિયા – ઘીના દીવાનું અજવાળુ

  કાચનદીને પેલે કાંઠે શબ્દ ઉભો અજવાળા લઈને
  થરથરતા હિમયુગોને છેડે સપનાઓ હુંફાળા લઈને
  કાચનદીને પેલે કાંઠે કોઈ આપણી રાહ જુએ છે
  ચાલ આંખમાં ભીનાશ લઈને
  છાતીમાં ગરમાળા લઈને
  કાચનદીને પેલે કાંઠે નામ ધૂંધળું ચહેરા ઝાંખા
  આ કાંઠે ચૂપચાપ ઉભો છું
  શ્વાસોની જપમાળા લઈને
  કાચનદીને પેલે કાંઠે કોની પહેલી તરસ પહોંચશે
  જલપરીઓની રાણી ઉભી હાથોમાં વરમાળા લઈને
  કાચનદીને પેલે કાંઠે ગણિત બધાંયે સાવ નકામા
  તરી ગયા એ શૂન્ય ઉંચકી ડૂબી ગયા સરવાળા લઈને
  કાચનદીને પેલે કાંઠે પાગલ પંખી માળો બાંધે
  ડાહ્યા લોકો ભેટ આપવા આવે કૂંચીતાળા લઈને

           -સંદીપ ભાટિયા (Sandeep Bhatiya – Ghee na diva nu aajvalu. Kavita in Gujarati. Literature and art site)

  Tags :

  ‘ઊર્મિ સાગર’ – યાદમાં અટવાય છે કારણ વગર

  *

  ભર ઉનાળે
  વરસ્યો મેઘ… કોઈ
  કારણ હશે ?

  *

  કેમ મારું મન અધીરું થાય છે કારણ વગર ?
  લાગે છે, તું યાદમાં અટવાય છે કારણ વગર.

  તું હૃદયમાં એમ ફરકી જાય છે કારણ વગર,
  જેમ નભમાં વીજળી ચમકાય છે કારણ વગર.

  એમ તો, શોધ્યો મળે નહીં ક્યાંય તું આયાસથી,
  ને કદી કણકણમાં તું દેખાય છે કારણ વગર.

  કેટલી કોશિશ કરું- તું યાદ નહીં આવે મને !
  …પણ છતાંયે ધ્યાન લાગી જાય છે કારણ વગર.

  મેં તને પૂર્યો કવનનાં શબ્દમાં મોઘમ, સખા !
  તોયે આવી ટેરવે ટકરાય છે કારણ વગર.

  -’ઊર્મિ’ (જાન્યુ. 2008)

            – ‘ઊર્મિ સાગર’

  અન્ય રચનાઓ

 • ‘ઊર્મિ સાગર ’ – એ મન હતું
 • ‘ઊર્મિ સાગર ’ – ઠોકર સુહાની દે
 • ‘ઊર્મિ સાગર ’ – બોલો પ્રભુ !
 • ‘ઊર્મિ સાગર ’ – ભૂલી શકું તો
 • ‘ઊર્મિ સાગર ’ – મજબૂર છું
 • ‘ઊર્મિ સાગર ’ – લાગણીનું વાંઝિયું ઝાડ
 • ‘ઊર્મિ સાગર ’ – સ્નેહનો આ તાર તૂટ્યો, શું કરું?
 • (‘Urmi Saagar’- yaad ma aatavai chhe karan vagar. Ghazal in Gujarati. Literature and art site)

  Tags :

  કલ્યાણી દેશમુખ – ક્યાં છે કોયલ ?

  ઠંડીના સંકજામાંથી નીકળી હવે
  કોયલની મીઠી તાનની વાટ જોવાઈ રહી છે

  કોયલ ટહુકે તો સમજો કે
  વસંતનુ આગમન થઈ ગયુ છે

  કોયલ અને વસંતનો સબંધ તો
  સદીઓ પહેલાનો છે

  પણ હવે તો નથી સંભળાતો એ મીઠો અવાજ
  ક્યાં ગઈ કોયલ, ખબર નહી તમને ખબર છે ?

  નથી હવે એ ઠંડક આપતો ઝાડનો આશરો
  જ્યાં બેસીને કોયલ ગાઈ શકે

  નથી દેખાતા અહીં કેરીના મોર
  જેને કોયલ માણી શકે

  જાગો હવે તો શહેરના ઘેલા સાથીઓ
  વાવો વૃક્ષ વધુ જેથી
  બાળકો તમારા કુદરતને જાણી શકે

  કરો કેટલી પણ પ્રગતિ પણ
  લીલોતરી રહેશે તો જીવન આપણુ છે

  ખુદને વસાવવા હટાવીશુ જો વૃક્ષોને
  તો કેવી રીતે ટકાવશો આ જીવનને ?

           -કલ્યાણી દેશમુખ (Kalyani Deshmukh – Kya chhe koyal. Kavita in Gujarati. Literature and art site)

  Tags :

  વિનોદ ભટ્ટ – શું હું યુનિવર્સિટીનો દત્તક પુત્ર છું?

  ધણીનો કોઈ ધણી નથી હોતો એ રીતે પરીક્ષા લેનારનોય કોઈ પરીક્ષા લેનાર આ જગત મઘ્યે નથી

  ગાંધીજીના અક્ષરો સારા નહોતા એમ એટલા બધા ખરાબ પણ નહોતા કેમ કે મહાદેવભાઈ દેસાઈ, કાકાસાહેબ કાલેલકર કે કનૈયાલાલ મુનશી જેવાઓ તેમના અક્ષરો ઉકેલી શકતા જયારે અક્ષરોની બાબતમાં સહેજ પણ નમ્ર થયા વગર કહું છું કે હું ગાંધીબાપુ કરતાં એક ડગલું આગળ છું.
  Read more

  Tags :

  હિમાંશુ પટેલ – કુટુંબ

  બાપા હડ્કાયા પછી મારે,બાળક છ્તાં હયાત–
  ચપ્પામાં બા હમેશા કટિંગબોર્ડ પર સમારાય,
  અને શ્વેત ગરણામાં દદડે, અમે બધાં
  જમણવારમાં વિસ્તરીએ, બા પ્રસાદમાં પોતનો
  ઉપભોગ ધરેઃ કેવી રીતે બધું પચી જાય
  થાળીમાં નગ્ન અને નિયત– બેડરુમમાં ચ્હેરા
  આરડે, સંતાયેલા, વાગોળતા કુટુંબ વચ્ચે,
  કચરાઇ અણીયાળા થતા દાંત સાથે, રોજ
  રાત્રે, પુનરાવર્તન.

  ૮-૮-૨૦૦૯

           -હિમાંશુ પટેલ(Himanshu Patel – Kutumb. Kavita in Gujarati. Literature and art site)

  Tags :

  પ્રીતમ લખલાણી – સ્વતંત્રતા દેવીને કવિનો પ્રશ્ન

  પ્રીતમ લખલાણી /Preetam Lakhlani

  હે દેવી,
  ઊછળતા દરિયા વચ્ચે
  ન્યૂયોર્કના બારામાં
  તું સ્વતંત્રતાની પ્રતિમા રૂપે
  સ્થાપિત થઈ ગઈ ,
  તેના બદલે
  હાથમાં મશાલ લઈ
  સતત દોડતી રહી હોત તો
  જે ધરા પર
  તારા કુમકુમ પગલાં પડત ત્યાં
  આજ
  અમેરિકા સમી
  સ્વ્તંત્રતાની આબોહવા હોત.

           – પ્રીતમ લખલાણી

  અન્ય રચનાઓ

 • પ્રીતમ લખલાણી – એકાંત
 • પ્રીતમ લખલાણી – કેળવણી
 • પ્રીતમ લખલાણી – ચાંદની
 • પ્રીતમ લખલાણી – પંખી
 • પ્રીતમ લખલાણી – પગલું
 • પ્રીતમ લખલાણી – પનિહારી
 • (Preetam Lakhlani – Swatantrata Devi ne Kavi no prashn. Kavita / Poems, Vicharo in Gujarati. Literature and art site)

  Tags :

  પ્રીતમ લખલાણી – પ્રેમાળ દેશને

  પ્રીતમ લખલાણી /Preetam Lakhlani

  હે અમેરિકા
  તેં મને
  ત્રણ ટંકનો રોટલો આપ્યો,
  એટલે નહીં
  પરંતુ ભૂખ્યો છું
  એમ કહેવાનો
  સાર્વભૌમ અધિકાર બક્ષ્યો,
  એ કારણે
  હું તને
  મારી જાત કરતાં પણ
  વિશેષ ચાહું છું !

           – પ્રીતમ લખલાણી

  અન્ય રચનાઓ

 • પ્રીતમ લખલાણી – એકાંત
 • પ્રીતમ લખલાણી – કેળવણી
 • પ્રીતમ લખલાણી – ચાંદની
 • પ્રીતમ લખલાણી – પંખી
 • પ્રીતમ લખલાણી – પગલું
 • પ્રીતમ લખલાણી – પનિહારી
 • (Preetam Lakhlani – Premal Desh ne. Kavita / Poems, Vicharo in Gujarati. Literature and art site)

  Tags :