માણસ જેવો માણસ ક્ષણમાં
ધુમાડો થઈ જાય એ કંઈ જેવીતેવી વાત નથી.
ઘરઘર રમતાં પળમાં કોઈ
પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવીતેવી વાત નથી.
વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ.
કાચનદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
તારીખિયાને કોઈ પાને સૂરજ
અટકી જાય એ કંઈ જેવીતેવી વાત નથી.
હથેળીઓની વરચે એના ગુંજયા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.
ઘડી પહેલાં જે ઘર કહેવાતું
દીવાલો કહેવાય એ કંઈ જેવીતેવી વાત નથી.
સૂરજનો અજવાશ ગોખમાં દીવો થઈને થરકે.
સ્તબ્ધ ભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
પાંપણ ઉપર દર્પણ જેમ જ
ઘટનાઓ તરડાય એ કંઈ જેવીતેવી વાત નથી.
-સંદીપ ભાટિયા (Sandeep Bhatiya – Manas jevo manas. Kavita in Gujarati. Literature and art site)
