દીપક ત્રિવેદી – મનમાં જ હોય છે !

જટિલ કે સરલ મનમાં જ હોય છે !
ચલિત કે અચલ મનમાં જ હોય છે !

એનું સ્વરૂપ શું? જેનું નથી સ્વરૂપ –
સઘન કે તરલ મનમાં જ હોય છે !

વાંચી શકાય તો એ ખબર પડે-
શુષ્ક કે સજલ મનમાં જ હોય છે !

સરખું જ હોય છે ત્વચાનું આવરણ
શણ કે મલમલ મનમાં જ હોય છે !

યુગોથી એ ધખે ; ચાલે નદી થઇ;
સલિલ કે અનલ મનમાં જ હોય છે !

ચિત્રમાં બધા જ; રંગ મેં પૂર્યા ;
હરિત કે ધવલ મનમાં જ હોય છે !

ફકીરને તો શું, પામવું કહો?
મુકામ કે મજલ મનમાં જ હોય છે !

તર્કબદ્ધ હો બધું : દ્રશ્યદ્રશ્યમાં-
પૃથક કે સકલ મનમાં જ હોય છે !

          – દીપક ત્રિવેદી

અન્ય રચનાઓ

 • દીપક ત્રિવેદી – શું થવાનું ?
 • (‘Deepak Trivedi – Maan ma hoi chhe. Ghazal in Gujarati. Literature and art site)

  Tags :

  2 thoughts on “દીપક ત્રિવેદી – મનમાં જ હોય છે !”

  1. સાચી વાત છે, બધું મનમાં જ હોય છે.
   યુગોથી એ ધખે ; ચાલે નદી થઇ;
   સલિલ કે અનલ મનમાં જ હોય છે !

  2. એનું સ્વરૂપ શું? જેનું નથી સ્વરૂપ –
   સઘન કે તરલ મનમાં જ હોય છે !

   વાંચી શકાય તો એ ખબર પડે-
   શુષ્ક કે સજલ મનમાં જ હોય છે !

   આને રોકવું હોય તો કોઈકે બળવત્તર વિભાવના માણસના મનમાં સ્થાપિત કરવી જ જોઈએ. આવું બળ પૂર્વજન્મ કે પૂનર્જન્મની કલ્પના પૂરું પાડે છે

  Comments are closed.

  અન્ય રચનાઓ...
  દીપક ત્રિવેદી – શું થવાનું ?