Archive for August, 2010

હેમંત પુણેકર – નોંધ લેવાશે

Monday, August 30th, 2010

મેં ભીતર સૂર્ય ભાળ્યો છે જગતને પણ એ દેખાશે
અગન અંદરની જ્વાળા થઈને ચારેકોર ફેલાશે
મને ના નોંધનારાઓ, હવે બસ એટલું નોંધો
મને ના નોંધવા માટે તમારી નોંધ લેવાશે

         – હેમંત પુણેકર

અન્ય રચનાઓ

 • હેમંત પુણેકર – કાબૂ રહ્યો છે ક્યાં…
 • (Hemant Punekar. Nondh levashae. Vicharo in Gujarati. Literature and art site)

  ડૉ. વિવેક મનહર ટેલર – મારી જ જાત ફૂલો પર

  Wednesday, August 25th, 2010

  ડૉ. વિવેક મનહર ટેલર / Dr. Vivek Tailor
  રડી રડીને વિખેરાઈ રાત ફૂલો પર,
  આ ઓસ છે કે છે મારી જ જાત ફૂલો પર.

  તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું:
  તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર.

  પવનને કાન મરોડીને કોઈ સમજાવો,
  ન ખુલ્લેઆમ કરે પક્ષપાત ફૂલો પર.

  બચી ગયો છે શું એથી હસી રહ્યો છે તું ?
  તૂટ્યો જો હોત તો આવું હસાત ફૂલો પર ?

  ભલા ! નડ્યા નથી શું કંટકો કદીય તને ?
  ફરી ફરીને તું લાવે છે વાત ફૂલો પર….

  સમયસર આવી ચડી બાગમાં તું, સારું થયું;
  નકર તો શુંનું શું આજે લખાત ફૂલો પર !

           – ડૉ. વિવેક મનહર ટેલર

  અન્ય રચનાઓ

 • ડૉ. વિવેક મનહર ટેલર – એવો પત્થર વિશ્વમાં મળશે નહીં
 • ડૉ. વિવેક મનહર ટેલર – છૂટ છે તને
 • ડૉ. વિવેક મનહર ટેલર – કુંવારી નદીની તરસ
 • ડૉ. વિવેક મનહર ટેલર – ગઝલ
 • ડૉ. વિવેક મનહર ટેલર – મને આ સફર મળે
 • ડૉ. વિવેક મનહર ટેલર – મળતી રહે
 • ડૉ. વિવેક મનહર ટેલર – રોજ
 • ડૉ. વિવેક મનહર ટેલર – જમુનાનાં જળ
 • ડૉ. વિવેક મનહર ટેલર – નહિ રૂઠું
 • ડૉ. વિવેક મનહર ટેલર – શબ્દ
 • (Dr. Vivek Tailor – Mari jaat j phoolo par. Ghazal in Gujarati. Literature and art site)

  ‘સહજ’ વિવેક કાણે – ધીરે ધીરે

  Friday, August 20th, 2010

  જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે,
  આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે.

  મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે,
  જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે.

  થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
  એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે.

  શું છે વ્યક્તિત્વ, શું ઓળખ છે નવાગંતુકની,
  ખૂલતું જાય છે પદચાપમાં ધીરે ધીરે.

  નામ લેશો નહીં મારું કે તમારું ને ‘સહજ’,
  એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે.

           – ‘સહજ’ વિવેક કાણે

  અન્ય રચનાઓ

 • ‘સહજ’ વિવેક કાણે – એકાંતનું પ્રાબલ્ય
 • (‘Sahaj’ Vivek Kane -Ekant nu Prabaly. Ghazals in Gujarati. Literature and art site)

  અદમ ટંકારવી – ગુર્જરી

  Sunday, August 15th, 2010

  આદમ ટંકારવી / Adam Tankarvi
  વેમ્બ્લીમાં લડખડે છે ગુર્જરી,
  જીન્સ પહેરીને ફરે છે ગુર્જરી.

  લેસ્ટરમાં સ્હેજ ઉંચા સાદથી,
  શોપમાં રકઝક કરે છે ગુર્જરી.

  બ્લેકબર્નમાં ખુબ હાંફી જાય છે,
  બર્ફ પર લપસી પડે છે ગુર્જરી.

  ક્યાંક વિન્ટર થઈને થીજી જાય છે,
  ક્યાંક ઓટમ થઈ ખરે છે ગુર્જરી.

  કોક એને પણ વટાવી ખાય છે,
  પાંચ પેનીમાં મળે છે ગુર્જરી.

  બોલ્ટનમાં જાણે બોમ્બે મીક્સ છે,
  ત્યાં પડીકામાં મળે છે ગુર્જરી.

  હાળું ઐં હુરતનાં જેવું ની મળે,
  બેટલીમાં ગાળ દે છે ગુર્જરી.

  સાંધાવાળો સાડલો પહેરી ફરે,
  કયાં હવે દીઠી ગમે છે ગુર્જરી.

  આર્થરાઈટીસથી હવે પીડાય છે,
  લાકડી લઈને ફરે છે ગુર્જરી.

  લોક બર્ગર ખાય છે ગુજરાતમાં,
  ને ઈંગ્લેન્ડમાં ભજીયા તળે છે ગુર્જરી.

  વાસી-કુસી થઈ ગઈ બારાખડી,
  ફ્રિજમાં એ સાચવે છે ગુર્જરી.

  સાંજ પડતા એને પીયર સાંભરે,
  ખુણે બેસીને રડે છે ગુર્જરી.

  જીવ પેઠે સાચવે એને ‘અદમ’
  ને ‘અદમ’ને સાચવે છે ગુર્જરી.

           – અદમ ટંકારવી

  અન્ય રચનાઓ

 • અદમ ટંકારવી – આખર
 • અદમ ટંકારવી – ખયાલ ન કર
 • અદમ ટંકારવી – ગુર્જરી
 • (Adam Tankarvi . Gurjari . Ghazal. Gujarati Literature and art site)

  જવાહર બક્ષી – એક અણસારનો પડદો છે

  Tuesday, August 10th, 2010

  Jawahar Bakshi
  એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે
  રોજ બત્તીનો સમય છે અને અંધારું છે.

  ભૂખરાં વાદળો સાથે કરો તારા-મૈત્રી
  ક્યાં કોઇ ખાસ પ્રતીક્ષામાં ભીંજાવાનું છે

  ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે
  ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે

  કોઇ પછડાટ નહીં, વ્હાણ નહીં, ફીણ નહીં
  સંગે-મરમરની લહેરોમાં તણાવાનું છે

  આ નગરમાં તો સંબંધોના ધૂમાડા જ ખપે
  અહીંયાં ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે.

           -સાંભળો (click to listen)

            – જવાહર બક્ષી

  અન્ય રચનાઓ

 • જવાહર બક્ષી – ન કર
 • જવાહર બક્ષી – ફરી ન છૂટવાનું બળ
 • (Jawahar Bakshi – Ek aansar no padado chhe. Ghazal in Gujarati. Literature and art site)

  દીપક ત્રિવેદી – મનમાં જ હોય છે !

  Thursday, August 5th, 2010

  જટિલ કે સરલ મનમાં જ હોય છે !
  ચલિત કે અચલ મનમાં જ હોય છે !

  એનું સ્વરૂપ શું? જેનું નથી સ્વરૂપ –
  સઘન કે તરલ મનમાં જ હોય છે !

  વાંચી શકાય તો એ ખબર પડે-
  શુષ્ક કે સજલ મનમાં જ હોય છે !

  સરખું જ હોય છે ત્વચાનું આવરણ
  શણ કે મલમલ મનમાં જ હોય છે !

  યુગોથી એ ધખે ; ચાલે નદી થઇ;
  સલિલ કે અનલ મનમાં જ હોય છે !

  ચિત્રમાં બધા જ; રંગ મેં પૂર્યા ;
  હરિત કે ધવલ મનમાં જ હોય છે !

  ફકીરને તો શું, પામવું કહો?
  મુકામ કે મજલ મનમાં જ હોય છે !

  તર્કબદ્ધ હો બધું : દ્રશ્યદ્રશ્યમાં-
  પૃથક કે સકલ મનમાં જ હોય છે !

            – દીપક ત્રિવેદી

  અન્ય રચનાઓ

 • દીપક ત્રિવેદી – શું થવાનું ?
 • (‘Deepak Trivedi – Maan ma hoi chhe. Ghazal in Gujarati. Literature and art site)

  ‘અનામી’ રણજિત પટેલ – એ દિવસો!

  Sunday, August 1st, 2010

  હવે એ દિવસો પાછા નહીં આવે !
  વહી ગયેલું ગંગાનું જલ ગંગોત્રી પાછું લાવે?

  હવે એ દિવસો પાછા નહીં આવે !
  કાળચક્ર સનાતન ફરતું, ભાવિને ફેરવતું!
  સંવિદ્-માં સ્મૃતિઓને સંચે, સુખદુઃ ખ ઉર ભેળવતું!
  શાંત-ક્ષણોમાં સ્વપ્નો ઝબકે, સાંપ્રતને સણકાવે!
  હવે એ દિવસો પાછા નહીં આવે !

  ભવ્ય ભાવિનો સુરમો આંજી યૌવન તો અંગડાતું!
  નભના તારક ગજવે ભરવા હૈયું થનગન થાતું;
  આંબે ક્ષિતિજને શું નૈયા! નભનો વૈભવ પામે?
  હવે એ દિવસો પાછા નહીં આવે !

  દૃષ્ટિ વિહોણી દોડ આપણી, વિણ મંઝિલની ક્લાન્તિ!
  મતિ વિહોણી ગતિની અગતિ, સ્વપ્ન-જીવન-ભ્રાન્તિ;
  જલ પર અક્ષર પાડે નિયતિ, વેદના-માધુરી ભાવે;
  હવે એ દિવસો પાછા નહીં આવે !

  વહી ગયેલું ગંગાનું જલ ગંગોત્રી પાછું લાવે?
  હવે એ દિવસો પાછા નહીં આવે !

            – ‘અનામી’ રણજિત પટેલ
  (‘Aanami’ Ranjit Patel – Aae Diwaso! Kavita in Gujarati. Literature and art site)