Month: February 2012

અનામી – વાહ જનાબ, વાહ જનાબ

આખી જીન્દગી હું વારંવાર એક પાપ કરતો રહ્યો,
ધૂળ મારા પર હતી ને હું અરીસો સાફ કરતો રહ્યો.

કેવી અજીબ વાત બની ગઈ જીવનમાં મારી સાથે,
ભૂલ મારી હતીને એ દોસ્ત હું તને માફ કરતો રહ્યો.

ન્યાય દેવાવાળો મારી ઉપર બેઠો છે એ ભૂલીને,
હું ન્યાયાલય ખોલીને બધાનો ઇન્સાફ કરતો રહ્યો.

જે મારી વિરુદ્ધ હતા એમને મનાવવાના પ્રયત્નોમાં,
જે મારી સાથે હતા એમને મારી ખિલાફ કરતો રહ્યો.

ખુદ મારા વિષે તો રતીભારનુય જાણતો નહોતો,
ને ખુદાના અસ્તિત્વ વિષે વાદવિવાદ કરતો રહ્યો.

જીવન આખું કેવળ હવામાં કિલ્લાઓજ બાંધ્યા,
ને જે આંખ સામે હતું એ બધું બરબાદ કરતો રહ્યો.

ખુદ મનેજ સમજવામાં હું જબરી થાપ ખાઈ ગયો,
ત્યાગના બહાને વરસોના વરસો પ્રમાદ કરતો રહ્યો.

વર્તમાનમાં શું થઇ રહ્યું છે એનું ધ્યાન ના રહ્યું,
ભવિષ્યમાં શું થશે એ વિષે બહુ સંતાપ કરતો રહ્યો.

બીજાઓને પણ કૈક કહેવું છે એ સમજ્યા વગર,
ખુદની સાથેજ આખુ જીવન વાર્તાલાપ કરતો રહ્યો.

મારી કવિતાઓ ખુદ મનેજ કહી સંભળાવીને,
હું ખુશ થઈને વાહ જનાબ, વાહ જનાબ કરતો રહ્યો.

         – અનામી (Aanami – Gujarati. Kavita / Poems in Gujarati. Literature and art site)

Tags :

ગુલામ મોહમ્મદ શેખ – હું

ઊંઘને ઓંલવીને જો થાય તો તાપણું કરું.
આખી દુનિયાની આંખો ઠરી જાય,
આકાશના જીવ કબર પરનાં નિશાનો જેવા જીવે,
આવી ધૂળ પર.
જાતને ખંજવાળતો પવન ઘસાતો જાય,
બધાં − બધાં ય રૂપ.
કાદવના અદ્દભુત છંદમાં એક રૂપ થઈ જાય.
હું ઘાસમાં મસ્તકોની છાપ પાડતો ફરું.
ફિરસ્તાઅોના ભેજામાં.
ભેદી મધપૂડા જામે,
આસમાની ફૂલનાં પીળાં ટપકાં
જીવડા કોચી ને ખાય,
માછલાં મીઠા પાણીમાં
ચત્તી છાતીએ અાપઘાત કરે,
રણનાં ઊંટ સમુદ્રનાં પાણી પી જાય,
કડવા લીમડાના કરવતી પાંદડે.
હું કમાતો ફરું.

         – ગુલામ મોહમ્મદ શેખ(Gulam Mohommad Shaikh – Hu. Kavita in Gujarati. Literature and art site)

Tags :