ભરબપ્પોરે કાંઈ અચાનક માવઠું મુશળધાર આવીને તડકાછાંયા ભીંજવી ગયું .
ઊંબરે વાછટ આવતાં રેલો થઈને ચાલી રજ, ને નેવાં ક્યાંય સુધી કલબલતાં રહ્યાં,
નળિયામાંથી જળની સાથે આભચૂયું તે, ઓરડે મારે કેટલા સૂરજ તરતા રહ્યાં,
તડકાથી તરબોળ ભીનીછમ વાસની પવનપાતળી જાજમ ફળિયે મારે પાથરી ગયુંo
ભરબપ્પોરે કાંઈ અચાનક માવઠું મુશળધાર આવીને તડકાછાંયા ભીંજવી ગયું .
વરસી મારી આંખમાં એની સોનહિમાળુ ઝાંય, ને સામે બળતાં ખાલી ખેતરાં ઠર્યાં,
લીંબડો સૂકો ખખડે તોયે, ઘરને મોભે આટલાં બધાં કેમ લીલાંછમ પાંદડાં ખર્યાં,
આંખ મળીને ઊઘડી ત્યાં તો, વાદળાંમાં ઘનઘોર ગ્હેકીને વન આખુંયે વરસી ગયુંo
ભરબપ્પોરે કાંઈ અચાનક માવઠું મુશળધાર આવીને તડકાછાંયા ભીંજવી ગયું .
– રમેશ પારેખ (Ramesh Parekh – Tadka chhaya bhinjavi gayu. Kavita in Gujarati. Literature and art site)