Archive for the ‘લોક સાહિત્ય (lok sahitya)’ Category

કોઈ ગોતી દેજો રે

Friday, June 4th, 2010

લોકગીત

કોઈ ગોતી દેજો રે, કોઈ ગોતી દેજો રે;
મ્હારા કા’ન કુંવરિયાની ઝૂલડી,
મ્હારા શ્યામ સુંદરિયાની ઝૂલડી.
સાવ રે સોના કેરી ઝૂલડી, માંહી રૂપા કેરા ધાગા;
અવર લોકને ઓપે નહિ, મ્હારા કા’નકુંવરજીના વાધા રે !
— મ્હારા.
શેરીએ શેરીએ સાદ પડાવું ને ધર ધર હાલુ છું જોતી;
એ રે ઝૂલડીમા કાંઈ નથી બીજું, એને છેડે કળાયલ મોતી રે !;
— મ્હારા.
માતા જ્શોદાજી મહી વલોવે ને કા’નો વળગ્યો કોટે,
એ રે ઝૂલડીને કારણિયે, મ્હારો લાડકવાયો લોટે રે,
— મ્હારા.

દલપતરામ – વાંઢાની પત્નીઝંખના

Monday, October 5th, 2009

જન્મકુંડળી લઈ જોશીને,પ્રશ્ન પૂછવા જાઉ;
જોશી જૂઠી અવધો કહે પણ, હું હઈએ હરખાઉ, ૧

મશ્કરીમાં પણ જો કોઈ મારી, કરે વિવાની વાત;
હું તો સાચેસાચી માનું, થાઉ રૂદે રળિયાત, ૨

અરે પ્રભુ તેં અગણિત નારી અવની પર ઉપજાવી;
પણ મુજ અરથે એક જ ઘડતાં, આળસ તુજને આવી, ૩

ઢેઢ ચમાર ગમાર ઘણા પણ, પરણેલા ઘરબારી;
એ કરતાં પણ અભાગીયો હું, નહિ મારે ઘેર નારી, ૪

રોજ રસોઈ કરીને પીરસે, મુખે બોલતી મીઠું;
મેં તો જન્મ ધરી એવું સુખ, સ્વપ્નમાં નહિ દીઠું, ૫

મુખના મરકલડાં કરિ કરિને, જુએ પતિના સામુ;
દેખી મારૂં દિલ દાઝે ને, પસ્તાવો બહુ પામું, ૬

વરકન્યા ચોરીમાં બેઠાં, એક બીજાને જમાડે;
અરે પ્રભુ એવું સુખ ઉત્તમ, દેખીશ હું કે દહાડે, ૭

ચૌટેથી ચિતમાં હરખાતો, ચાલ્યો ચાલ્યો આવે;
બાળક કાલું કાલું બોલી, બાપા કહિ બોલાવે, ૮

પુત્ર પુત્રીને પરણાવે, વ્રત ઉદ્યાપન વેળા;
હોમ કરે જોડે બેસીને, ભાળે જન થઈ ભેળા, ૯

અરે એવા પુરુષોએ મોટાં, પુણ્ય કર્યા હશે કેવા;
મેં શાં મોટાં પાપ કર્યા હશે, મળ્યા નહી સુખ એવાં, ૧૦

મૂરખ જેવાનાં મંદિરમાં, નિરખી બે બે નારી;
અરે વિધાત્રી અભાગણી, આતે શી બુધ્ધિ તારી, ૧૧

અહો મિત્ર મારા સંકટની, શી કહું વાતો ઝાઝી;
વિશ્વ વિષે પુરુષોના વૈભવ, દેખી મરૂ છું દાઝી. ૧૨

          – દલપતરામ (Dalpatram – Vandha ni patni jankhana. Kavita, Lok Sahitya in Gujarati. Literature and art site)

દલપતરામ – અરે, રુડો માનવ દેહ આવ્યો

Monday, July 20th, 2009

અરે રુડો માનવ દેહ આવ્યો, બહુ પ્રતાપી પ્રભુએ બનાવ્યો.
તમે વિચારો હિત જો તમારુ, કરો કરો કાંઈક કામ સારું. ૧

ન કાઢશો કાળ કદી નકામો, પરોપકારી શુભ નામ પામો,
ઠગાઈથી નામ ઠરે નઠારું, કરો કરો કાંઈક કામ સારુ. ૨

સુકીર્તિનો સ્વાદ સદૈવ ચાખો, આ લોકમાં નામ અખંડ રાખો,
તો વાગશે નિર્ભયનું નગારુ, કરો કરો કાંઈક કામ સારુ. ૩

હેતે કરો પુણ્ય પવિત્ર હાથે, હાથે કર્યુ તે જ સદૈવ સાથે ;
બીજુ નહી એક મળે બુઝારું, કરો કરો કંઈક કામ સારુ, ૪

જરે કરી ઉન્મદતા ન આણો, જરે કરીન નહિ શ્રેષ્ઠ જાણો;
જરે કરીને ન રમો જુગારુ, કરો કરો કાંઈક કામ સારુ. ૫

આયુષ્યમાંથી પળ ઓછી થાય, મહામુલી તે નહિ મેળવાય;
જરૂર આ જીવન છે જનારુ, કરો કરો કાંઈક કામ સારુ. ૬

મહીપતીઓ પણ રાજ્ય મેલી, ખપી ગયા ભૂ પર ખેલ ખેલી;
વિશેષ શુ વર્ણન હું વધારું, કરો કરો કાંઈક કામ સારુ. ૭

નથી નથી નિશ્વલ દ્રવ્ય દેહ, નથી નથી નિશ્વલ નરિનેહ;
અંતે થશે તે સઘળુ6 અકારુ, કરો કરો કાંઈક કામ સારુ.

મનુષ્યકાયા નથી મોજ માટે, ઘડી નથી તે પશુપક્ષી ઘાટે;
અખંડ સ્વર્ગે સુખ આપનારુ, કરો કરો કાંઈક કામ સારુ.

          – દલપતરામ (Dalpatram – Rudo Manv deh. Kavita, Lok Sahitya in Gujarati. Literature and art site)

દલપતરામ – એક શરણાઈવાળો

Saturday, June 20th, 2009

એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગ રાગણી વગાડવામાં વખણાયો છે;

એકને જ જ જાચું એવી ટેક છેક રાખી, એક
શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે;

કહે દલપત પછી બોલ્યો કંજૂસ શેઠ
ગાયક ન લાયક તુ ફોકટ ફૂલાણો છે:

પોલું છે તે બોલ્યુ તેમાં કરી તેશી કારીગરી,
સાંબેલુ બજાવે તો હું જાણુ, કે તુ શાણો છે.

          – દલપતરામ (Dalpatram – Ek Shernaiwalo. Kavita, Lok Sahitya in Gujarati. Literature and art site)

‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – સ્મૃતિ

Saturday, April 25th, 2009

દિન એક ગયો, પછી લાખ ગયા,
શિરમાં પળિયાં પણ આવી ચૂક્યા !
ઉરનું જળવુંય શમી જ જશે,
પણ તે ચટકું ફરી ક્યાં મળશે ? ૧

દિનરાત સદાય જળ્યાં કરવું !
સહતાં સહતાં પણ કેમ સહુ ?
સહશું રડશું, જળશું, મરશું,
સહુ માલિકને રુચતું કરશુ ! ૨

કંઈ બાકી રહ્યું ? હરિ ! યાચી લઉં !
ન સુકાવ ભલે જલ નેત્ર તણું,
પણ તે દિલને વિસરાવીશ ના,
સ્મૃતિ તે રહી તો દુ:ખ લાખ ભલાં ! ૩

      - ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (Kalapi – Shruti. Kavita / Poems, Lok Shaitya in Gujarati. Literature and art site)

દલપતરામ – અંધેરી નગરી

Wednesday, April 22nd, 2009


પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
કદી સારી બૂરી ન વેચે વિવેકે.

ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
લીધી સુખડી હાટથી આપી આટો,
ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.”

ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી,
સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
હશે ચોરને શાહનો ન્યાય એકે,
નહી હોય શિક્ષા ગુનાની વિવેકે.

ન એ વસ્તીમાં એક વાસો વસીજે,
ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.”
કહે શિષ્ય, “ખાવા પીવા ખૂબ આંહી,
તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.”

ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,
“નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.”
ન માની કશી વાત તે શિષ્ય જયારે,
ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.

રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,
બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;
પછીથી થયા તેહના હાલ કેવા,
કહું છું હવે હું સુણો સદ્ય તેવા.

તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;
તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.
માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;
શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.

“એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;
રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.”
વણિક કહે, “કડિયા તણો એમાં વાંક અપાર;
ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.”

કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;
ચૂકે ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.
ગારો કરનાર કહે, “પાણી થયું વિશેષ;
એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ”

પુરપતી કહે પખલીને, “જો તું શૂળીએ જાય,
આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.”
“મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;
પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.”

મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;
શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.
ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;
એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.

ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ;
શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.”
જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ

શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;
ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.
જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન,
આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.”

ચેલો બોલ્યો, “હું ચઢું” ને ગુરુ કહે, “હું આપ;”
અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.”
ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.

          – દલપતરામ (Dalpatram – Andheri Nagari ne gandu raja. Kavita, Baal geet, Lok Sahitya in Gujarati. Literature and art site)

અનામી – મા-બાપને ભૂલશો નહીં

Saturday, August 9th, 2008

ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં,
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહીં.

દેવો પૂજ્યાં પૃથ્વી તણાં, ત્યારે દીઠું તમ મુખડું,
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહીં.

કાઢી મુખેથી કોળિયો, મોંમાં દઇ મોટાં કર્યાં,
અમૃત તણા દેનાર સામે ઝેર ઉગળશો નહીં.

લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરાં કર્યાં,
એ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહીં.

લાખો કમાતાં હો ભલે, મા-બાપ જેમાં ના ઠર્યાં,
એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં.

ભીને સૂઇ પોતે અને, સૂકે સુવાડ્યા આપને,
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહીં.

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર,
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહીં.

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો,
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં.

ધન ખરચતાં મળશે બધું, માતાપિતા મળશે નહીં,
સંતાન સૌ એના ચરણની, કદી ચાહના ભૂલશો નહીં.

          – અનામી (Aanami – Ma Baap ne bhulasho nahi. Poems, Lok Sahitya in Gujarati. Literature and art site)

લોક સાહિત્ય – રામ !

Saturday, July 19th, 2008

લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો !
ફૂલ કેરે દડુલિયે સીતાએ વેર વાળ્યાં જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર બેસવા જઈશ જો !
તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર દળવા જઈશ જો !
તમે જશો જો પરઘેર દળવા, હું ઘંટુલો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર ખાંડવા જઈશ જો !
તમે જશો જો પરઘેર ખાંડવા, હું સાંબેલું થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું જળમાં માછલી થઈશ જો !
તમે થશો જો જળમાં માછલી, હું જળમોજું થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું આકાશ વીજળી થઈશ જો !
તમે થશો જો આકાશ વીજળી, હું મેહુલિયો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું બળીને ઢગલી થઈશ જો !
તમે થશો જો બળીને ઢગલી, હું ભભૂતિયો થઈશ જો !

(Ram. Lok Sahitya in Gujarati. Literature and art site)

નરસિંહ મહેતા – ઘડપણ કેણે મોકલ્યું

Tuesday, April 15th, 2008

ઘડપણ કેણે મોકલ્યું, જાણ્યું જોબન રહે સૌ કાળ. ઘડપણ ટેક.

ઊમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ,
ગોળી તો ગંગા થઇ રે, અંગે ઊજળા થયા છે કેશ. ઘડપણ.

નહોતું જોઇતું ને શીદ આવિયું રે, નહોતી જોઇ તારી વાટ,
ઘરમાંથી હળવા થયા રે, એની ખૂણે ઢળાવોને ખાટ. ઘડપણ.

નાનપણે ભાવે લાડવા રે, ઘડપને ભાવે શેવ,
રોજ ને રોજ જોઇએ રાબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ. ઘડપણ.

પ્રાત:કાળે પ્રાણ માહરા રે, અન્ન વિના અકળાય,
ઘરના કહે મરતો નથી રે, તને બેસી રહેતાં શું થાય ? ઘડપણ.

દીકરા તો જૂજવા થયા રે, વહુઓ દે છે ગાળ,
દીકરીઓને જમાઇ લઇ ગયા રે, હવે ઘડપણના શા રે હાલ. ઘડપણ.

નવ નાડો જૂજવી પડી ને આવી પહોંચ્યો છે કાળ,
બૈરાંછોકરાં ફટફટ કરે રે, નાનાં બાળક દે છે ગાળ. ઘડપણ.

અંતકાળે વળી આવિયા રે, દીકરા પધાર્યા દ્વાર,
પાંસળીએથી વાંસળી રે, પછી છોડીને આપી બા’ર. ઘડપણ.

એવું સાંભળી પ્રભુ ભજો રે, સાંભરજો જગનાથ,
પરઉપકાર કીધે પામશે રે, ગુણ ગાય નરસૈંયો દાસ. ઘડપણ.

      -નરસિંહ મહેતા (Narsi Mehta – Dhadapan kone mokaliyu. Kavita /Poems, Lok Sahitya, in Gujarati. Literature and art site)

મીરાં બાઇ – રામ-રતન ધન પાયો

Sunday, March 2nd, 2008

પાયોજી મેને રામ-રતન ધન પાયો

વસ્તુ અમોલીક દી મેરે સતગુરૂ,
કિરપા કર અપનાયો … પાયોજી મેને

જનમ જનમકી પુંજી પાઇ,
જગમેં સભી ખોવાયો … પાયોજી મેને

ખરચૈ ન ખુટે, વાકો ન લૂટે,
દિન દિન બઢત સવાયો … પાયોજી મેને

સતકી નાવ, ખેવટિયા સતગુરૂ,
ભવ-સાગર તર આયો … પાયોજી મેને

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
હરખ હરખ જસ ગાયો … પાયોજી મેને

          – મીરાં બાઇ (Mira Bai, Meera Bai, Meerabai, Mirabai – Ram ratan dhan paayo. Kavita / Poems, Lok sahitya in Gujarati. Literature and art site)

નરસિંહ મહેતા – જળકમળ છાડી જાને

Friday, February 1st, 2008

જળકમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે…

કહે રે બાળક તું મારગ ભુલ્યો, કે તારા વેરીએ વળાવીઓ
નિશ્ચલ તારો કાળ ખુટ્યો, અહીંયા તે શીદ આવીઓ…

નથી નાગણ હું મારગ ભુલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ,
મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શીશ હું હારીઓ…

રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો…

મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનેલો
જગાડ તારા નાગને મારૂં નામ કૃષ્ણ કાનુડો…

લાખ સવાનો મારો હાર આપું, આપું તુજને દોરીઓ,
એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ…

શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ…

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો…

બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો…

નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહું દુઃખ આપશે,
મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે…

બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને…

થાળ ભરીને નાગણી સર્વે મોતીડે, શ્રીકૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો…

      -નરસિંહ મહેતા (Narsi Mehta – Jalkamal chaandi jane. Kavita /Poems, Lok Sahitya, Bal geet in Gujarati. Literature and art site)

ઝવેરચંદ મેઘાણી – તલવારનો વારસદાર

Tuesday, January 1st, 2008

ઝવેરચંદ મેઘાણી / Zaverchand Meghani

ભેટે ઝૂલે છે તલવાર
વીરાજી કેરી ભેટે ઝૂલે રે.
ભીંતે ઝૂએ છે તલવાર
બાપુજી કેરી ભીંતે ઝૂલે રે.
મારા બાપુને, બે’ન બે બે કુંવરિયા
બે વચ્ચે પાડયા છે ભાગ:
હાં રે બે’ની બે વચ્ચે પાડ્યા છે ભાગ
વીરાજી કેરી ભેટે ઝુલે રે.
મોટે માગી છે મો’લ મે’લાતો વાડીઓ
નાને માંગી છે તલવાર – વીરાજી.
મોટો મા’લે છે મો’લ મેડીની સાયબી
નાનો ખેલે છે શિકાર – વીરાજી.
મોટો ચડિયો છે કાંઈ હાથી-અંબાડીએ
નાનેરો ઘોડો અસવાર – વીરાજી.
મોટો કાઢે છે રોજ કાવા કસૂંબલા
નાનેરો ઘૂમે ઘમસાણ – વીરાજી
મોટો પોઢે છે લાલ રંગીલે ઢોલિયે
નાનો ડુંગરડાની ધાર – વીરાજી
મોટો મઢાવે વેઢે વીંટીને હારલા
નાનો સજાવે તલવાર – વીરાજી.
મોટાને સોહે હીર-જરિયાની આંગડી
નાનાને ગેંડાની ઢાલ – વીરજી
મોટો સંતાય સુણી શત્રુના રીડિયા
નાનેરો દ્યે છે પડકાર – વીરાજી
મોટો ભાગ્યો છે સેન શત્રુનાં ભાળતા
નાનેરો ઝીંકે છે ઘાવ – વીરાજી.
મોટે રે માડી, તારી કૂખો લજાવી
નાને ઉજાળ્યા અવતાર – વીરજી.
મોટાનાં મોત ચાર ડાઘુડે જાણિયાં
નાનાની ખાંભી પૂજાય – વીરાજી.
ભેટે ઝૂલે છે તલવાર
વીરાજી કેરી ભેટે ઝૂલે રે
ભીંતે ઝૂલે છે તલવાર
બાપુજી કેરી ભીંતે ઝૂલે રે.

          – ઝવેરચંદ મેઘાણી (Zaverchand Meghani – Talwaar no varasdar. Kavita / Poems in Gujarati. Literature and art site)

નરસિંહ મહેતા – આજની ઘડી રળિયામણી

Tuesday, September 25th, 2007

હો…. મારે આજની ઘડી રે રળિયામણી,
હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે.

હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે.

હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા,
મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે.

હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ,
મારા વાલાજીના ચરણ પખાળિયે રે… મારે.

હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ
માંહે ચમકતો દીવડો મેલાવિયે રે… મારે.

હા જી રે તન, મન, ધન, ઓવારિયે,
મારા વાલાજીની આરતી ઉતારીએ રે… મારે.

જી રે રસ વધ્યો છે અતિ મીઠડો,
મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે….મારે.

          – નરસિંહ મહેતા (Narsinh Mehta – Aaj ni Ghadi Raliyamali. Poems in Gujarati. Literature and art site)

લોક સાહિત્ય – દેવના દીધેલ

Tuesday, May 8th, 2007

લોક સાહિત્ય – દેવના દીધેલ

          સાંભળો (click to listen)

‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – પશ્ચાતાપ

Saturday, April 28th, 2007

તે હૈયાની ઉપર નબળા હસ્તથી ઘા કર્યો ‘તો !
તેમાં લોહી નિરખી વહતું ક્રૂર હું તો હસ્યો ‘તો !

એ ના રોયું, તડફડ થયું કાંઇ ના કષ્ટથી એ !
મેં જાણ્યું કે જખમ સહવો સ્હેલ સ્હેનારને છે !

કિન્તુ નિદ્રા મુજ નયનમાં ત્યારથી કાં ન આવી ?
રોતું મ્હારૂં હ્રદય ગિરિ શા ભાર નીચે દબાઇ !
રે રે ! તે ઘા અધિક મુજને મૃત્યુથી કાંઇ લાગ્યો,
એ અંગારો મુજ જિગરના મૂળને ખાઇ જાતો !

કેવો પાટો મલમ લઇને બાંધવા હું ગયો ‘તો!
તે જોઇને જખમી નયને ધોધ કેવો વહ્યો ‘તો !
એ અશ્રુ, એ જખમ, મુખ એ, નેત્ર એ, અંગ એ એ
બોલી ઉઠયાં પરવશ થયાં હોય સૌ જેમ હેતે : -

“વ્હાલા ! વ્હાલા ! નવ કરીશ રે ! કાંઇ મ્હારી દવા તું !
“ઘા સ્હેનારૂં નવ સહી શકે દર્દ ત્હારી દવાનું !
“ઘા દે બીજો ! અગર મરજી હોય તેવું કરી લે !
“ત્હારૂં તેનો જરૂર જ, સખે ! પૂર્ણ માલીક તું છે. ”

ત્યારે કેવાં હ્રદય ધડક્યાં સાથસાથે દબાઇ !
વ્યાધિ તેની, મુજ જિગરની પૂર્ણ કેવી ભૂલાઇ !
ઘા રૂઝાયો, સમય બહુ એ ક્રૂર ઘાને થયો છે,
ત્હોયે તેનું સ્મરણ કરતાં નેત્ર ભીનાં વહે છે !

હા ! પસ્તાવો – વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,
પાપી તેમાં ડુબકી દઇને પુણ્યશાળી બને છે;

ઓહો ! કેવું સ્મરણ મધુરૂં પાપનું એ ધરે છે !
માફી પામ્યું કુદરત કને એમ માની ગળે છે.

રાજ્યોથી કે જુલમ વતી કે દંડથી ના બને જે
તે પસ્તાવો સહજ વહતાં કાર્ય સાધી શકે છે !
હું પસ્તાયો, પ્રભુ ! પ્રણયીએ માફી આપી મને છે,
હું પસ્તાયો, મુજ હ્રદયની પૂર્ણ માફી મળી છે.

      - ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (Kalapi – pashchaataap. Kavita / Poems in Gujarati. Literature and art site)