જગદીશ જોષી – અરે કોઈ તો

હું એકાગ્ર ચિત્તે વાંચું છું
સામેની બારીનો રેડિયો
મારા કાનમાં કંઈક ગર્જે છે.
દીવાલ પરનું ઈલેકિટ્ર્ક ઘડિયાળ
વર્તમાન સાથે ઘસાતું ચાલે છે.
ટયુબલાઈટનું સ્ટાર્ટર
તમરાંનું ટોળુ થૈ કણસ્યા કરે છે.
ઉઘાડા પડેલા દરવાજાની ઘંટી
ડચકાં ભરતી ભરતી રણકે છે.
ઘરનો નોકર દૂધવાળા જોડે
અફવાઓની આપ-લે કરે છે.
પડોશણનો અપરિચિત ચહેરો
કુથલીના ડાયલ ફેરવે છે.
રસ્તા પરનો નાહકનો ઝઘડો
બારી વાટે મારા ઘરમાં પ્રવેશે છે.
ઓચિંતો ફયુઝ જતાં, લાઈટ
અંધારું થઈને પથરાઈ જાય છે.
મારો આખો માળો અંધરોધબ…..
નીચલે માળથી વ્યાસ બૂમ પાડે છે :
“કાલીદાસ ! તુકારામ ! અલ્યા નરસિંહ !
કો’ઈ તો
ઈલેકિટ્રશિયને બોલાવો ! ”
બાજુવાળાં મીરાંબેન સ્વસ્થ અવાજે કહે છે :
“અરે ગિરિધર ! સાંભળે છે કે,-
પહેલાં મીણબત્તી તો લાવ……
અને-
મારી ચાલીમાં
મારા માળામાં
મારા ઘરમાં
મારા દેશમાં
મીણબત્તીની શોધાશોધ ચાલે છે……

       – જગદીશ જોષી(Jagdish Joshi – Aare Koi toe. Poems in Gujarati. Literature and art site)

2 Responses to “જગદીશ જોષી – અરે કોઈ તો”

  1. સુરતને બદસૂરત કરી જનાર પૂર અને પૂર પછીની અરાજકતામાં ખોવાઈ જવાના કારણે ઘણા દિવસો પછી આજે બ્લોગ-જગતમાં પગ મૂકું છું તો વર્ષો પછી પોતાના ઘરમાં પ્રવેશતો હોઉં એમ લાગે છે…

  2. સુરેશ જાની says:

    અદ્ ભુત રચના . ફ્લેટના સામાન્ય પાર્શ્વ ફલક પર વેદ વ્યાસ, નરસિંહ , મીરાં, તુકારામ, કાળીદાસ, અને ગિરિધર પણ …. અને અંધારું અને મીણબત્તીની શોધ..

    અને શરૂઆતના ભાગમાં આપેલાં ઘડીયાળ, ટ્યુબલાઇટ, કોલબેલ, એક ચિત્તે વાંચવું આ બધા પ્રતિકો પણ કેટલું બધું કહી જાય છે?

    વાહ ખૂબ ! સામાન્ય જીવનમાં વ્યાપ્ત અંધારું અને અજવાળાની શોધની કેટલી સરસ અભિવ્યક્તિ..

Leave a Reply