‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – પશ્ચાતાપ

તે હૈયાની ઉપર નબળા હસ્તથી ઘા કર્યો ‘તો !
તેમાં લોહી નિરખી વહતું ક્રૂર હું તો હસ્યો ‘તો !

એ ના રોયું, તડફડ થયું કાંઇ ના કષ્ટથી એ !
મેં જાણ્યું કે જખમ સહવો સ્હેલ સ્હેનારને છે !

કિન્તુ નિદ્રા મુજ નયનમાં ત્યારથી કાં ન આવી ?
રોતું મ્હારૂં હ્રદય ગિરિ શા ભાર નીચે દબાઇ !
રે રે ! તે ઘા અધિક મુજને મૃત્યુથી કાંઇ લાગ્યો,
એ અંગારો મુજ જિગરના મૂળને ખાઇ જાતો !

કેવો પાટો મલમ લઇને બાંધવા હું ગયો ‘તો!
તે જોઇને જખમી નયને ધોધ કેવો વહ્યો ‘તો !
એ અશ્રુ, એ જખમ, મુખ એ, નેત્ર એ, અંગ એ એ
બોલી ઉઠયાં પરવશ થયાં હોય સૌ જેમ હેતે : -

“વ્હાલા ! વ્હાલા ! નવ કરીશ રે ! કાંઇ મ્હારી દવા તું !
“ઘા સ્હેનારૂં નવ સહી શકે દર્દ ત્હારી દવાનું !
“ઘા દે બીજો ! અગર મરજી હોય તેવું કરી લે !
“ત્હારૂં તેનો જરૂર જ, સખે ! પૂર્ણ માલીક તું છે. ”

ત્યારે કેવાં હ્રદય ધડક્યાં સાથસાથે દબાઇ !
વ્યાધિ તેની, મુજ જિગરની પૂર્ણ કેવી ભૂલાઇ !
ઘા રૂઝાયો, સમય બહુ એ ક્રૂર ઘાને થયો છે,
ત્હોયે તેનું સ્મરણ કરતાં નેત્ર ભીનાં વહે છે !

હા ! પસ્તાવો – વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,
પાપી તેમાં ડુબકી દઇને પુણ્યશાળી બને છે;

ઓહો ! કેવું સ્મરણ મધુરૂં પાપનું એ ધરે છે !
માફી પામ્યું કુદરત કને એમ માની ગળે છે.

રાજ્યોથી કે જુલમ વતી કે દંડથી ના બને જે
તે પસ્તાવો સહજ વહતાં કાર્ય સાધી શકે છે !
હું પસ્તાયો, પ્રભુ ! પ્રણયીએ માફી આપી મને છે,
હું પસ્તાયો, મુજ હ્રદયની પૂર્ણ માફી મળી છે.

      - ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (Kalapi – pashchaataap. Kavita / Poems in Gujarati. Literature and art site)

5 Responses to “‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – પશ્ચાતાપ”

  1. આભાર. મિત્ર ! સમયના સમંદરના તળિયેથી મોંઘેરું રત્ન શોધી લાવવા બદલ…

  2. સુરેશ જાની says:

    આવી કવિતાઓ વાંચીએ ત્યારે લાગે કે આપણા પરંપરાગત છંદોમાં કેટલું માધુર્ય છે. માનવતાથી મહોરતા આ ભાવોની અભીવ્યક્તી આવા કાવ્યોને ચીરંજીવી બનાવી દે છે. જો મારી ભુલ ન થતી હોય તો આ ‘મંદાક્રાંતા’ છંદમાં લખાયું છે.
    ભૌતીક સુખોની દોડમાં વ્યસ્ત આપણે સૌ આ સંવેદનશીલતા પરખતા થઇએ.

  3. UrmiSaagar says:

    Thanks SV for posting this poem…
    I was looking for this for a long time.
    Only these two lines were in my memory- “હા, પસ્તાવો…”

  4. કામયોગી says:

    અતિ સુંદર |

  5. Pankaj says:

    Beautiful… SV.
    It brought back a lot of old memories. Never got to read the entire collection called “Kalaapi No Kekaarav”. Spent several days on MG Road in Amdaavad looking for this book. Can any one tell me where to find it? email me at pankajm@cox.net.
    Regards!

Leave a Reply