કોયલ ટહુકે સવારના, ને સાંજે કનડે યાદ
સૈયર, શું કરીએ?
આંખોમાં છે ફાગણિયો, ને પાંપણમાં વરસાદ
સૈયર, શું કરીએ?
ઉંઘમાં જાગે ઉજાગરો, ને સમણાંની સોગાત
સૈયર, શું કરીએ?
મૂગામંતર હોઠ તો મારા, ને હૈયું પાડે સાદ
સૈયર, શું કરીએ?
પિયર લાગે પારકું, કે સાસરિયાંનો સ્વાદ
સૈયર, શું કરીએ?
પગમાં હીરનો દોર વીંટાયો, ને ઝરણાનો કલનાદ
સૈયર, શું કરીએ?
તનમાં તરણેતરનો મેળો, ને મનમાં છે મરજાદ
સૈયર, શું કરીએ?
– અનિલા જોશી(Anila Joshi – Saiyar shu kariyae. Kavita / Poems in Gujarati. Literature and art site)
પગમાં હીરનો દોર વીંટાયો
ને ઝરણાંનો કલનાદ
સૈયર, શું કરિયેં ?
તનમાં તરણેતરનો મેળો
ને મનમાં છે મરજાદ
સૈયર, શું કરિયેં ?
સરસ અભિવ્યક્તી- લય અને ભાવમય લોકગીત!
…યાદ આવ્યું
સૈયર, તારા કિયા છુંદણે, મોહ્યો તારો છેલ, કહેને?
સૈયર, તારા કિયા ફૂલની લૂમીઝૂમી વેલ, કહેને?
કિયા વરતમાં પાંચ આંગળે કિયો પીપળો પૂજ્યો સૈયર?
મન ભરીને મોહે એવો કિયો ટુચકો સૂઝ્યો સૈયર?
સૈયર, તું તે કિયા મલકની છલક છલકતી હેલ, કહેને?
કૂવાને કાંઠે કઈ ઘડીયે રહી ગઈ વાત અધૂરી?
સૈયર, તારા ઉજાગરાની કિયા તારલે સાખું પૂરી?
સૈયર, તું તે કઈ સુવાસે મહેકે રેલમછેલ, કહેને?