Category: ભજન-આરતી (bhajan-aarti)

ભજન-આરતી (bhajan-aarti)

વેણીભાઇ પુરોહિત – હરિકીર્તનની હેલી

હરિકીર્તનની હેલી રે મનવા!
હરિકીર્તનની હેલી
ધ્યાનભજનની અરસપરસમાં જાગી તાલાવેલી
ધામધૂમ નર્તન-અર્ચનની સતત ધૂન મચેલી:
રે મનવા!
હરિકીર્તનની હેલી
મારા જીવનના ઉપવનમાં વિધવિધ પુષ્પિત વેલી
મારે મન તો હરિ છે ચંપો, હરિનું નામ ચમેલી:
રે મનવા!
હરિકીર્તનની હેલી
નયણાંમાંથી અગણિત ધારા નભમાં જઈ વરસેલી
કેવી અકલ અલૌકિક લીલા! કોઈએ નથી ઉકેલી:
રે મનવા!
હરિકીર્તનની હેલી

          -વેણીભાઇ પુરોહિત (Vanibhai Purohit – Hari kirtan ni heli. Bhajan/Arti in Gujarati. Literature and art site)

Tags :

નરસિંહ મહેતા – આજ રે કાનુડે


આજ રે કાનુડે વ્હાલે અમ શું અંતર કીધાં રે,
રાધિકાનો હાર હરિએ રૂકમિણીને દીધો રે …… આજ રે કાનુડે.

શેરીએ શેરીએ સાદ પડાવી, ઘેર ઘેર હું તો જોતી રે
રૂકમિણીની ડોકે મેં તો ઓળખ્યા મારા મોતી રે ….. આજ રે કાનુડે.

રાધાજી અતિ ક્રોધે ભરાણાં નયણે નીર ન માય રે,
આપોને હરિ હાર જ મારો નહીં તો જીવડૉ જાશે રે ….. આજ રે કાનુડે.

થાળ ભરી શગ મોતી મંગાવ્યા, અણ વીંધ્યા પરોવ્યા રે,
નરસૈંયાના નાથ હરિએ, રૂઠ્યા રાધાજી મનાવ્યાં રે.
રૂઠયા રાધાજી મનાવ્યા ….

      -નરસિંહ મહેતા (Narsi Mehta – aaj re kanudae. Kavita /Poems, Lok Sahitya, in Gujarati. Literature and art site)

Tags :

અવિનાશ વ્યાસ – રામ તમે સીતાજીની તોલે ન આવોરામ રામ રામ …

દયાના સાગર થઇ ને, કૃપા રે નિધાન થઇ ને
છોને ભગવાન કહેવડાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદનથી છો પૂજાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

કાચા રે કાનના તમે, ક્યાંના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી
તમારો પડછાયો થઇ ને
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી

પતિ થઇ ને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફૂલાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજીએ રાવણને હરાવ્યો
દૈત્યોના વચ્ચમાં નિરાધાર નારી તો યે
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો

મરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ
અમથો વિજયનો લૂટ્યો લ્હાવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

          – અવિનાશ વ્યાસ

અન્ય રચનાઓ

 • અવિનાશ વ્યાસ – ચરર ચરર
 • અવિનાશ વ્યાસ – છુક છુક ગાડી
 • અવિનાશ વ્યાસ – તાલીઓના તાલે ગોરી
 • અવિનાશ વ્યાસ – માડી તારું કંકુ ખર્યુ
 • અવિનાશ વ્યાસ – રાખનાં રમકડાં
 • (Avinash Vyas. mara ram tame Lok Sahitya, bhajan-aarti in Gujarati. Literature and art site)

  Tags :

  પ્રીતમ – હરિનો મારગ

  હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
  પરથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને

  સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
  સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને

  મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
  તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને

  પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
  માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને

  માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
  મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને

  રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને;
  પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને

            – પ્રીતમ
  (Pritam – Hari no marag. Lok Sahitya, Prabhatiya, Poems in Gujarati. Literature and art site)

  Tags :

  રવીન્દ્રનાથ ટાગોર (અનુ. શ્રી ભાનુશંકર વ્યાસ) – બીજું હું કાંઇ ન માંગું

  આપને તારા અંતરનો એક તાર, બીજું હું કાંઇ ન માંગું,
  સુણજે આટલો આર્ત તણો પોકાર, બીજું હું કાંઇ ન માંગું…

  તુંબડું મારું પડ્યું નકામું, કોઇ જુએ નહીં એના સામું (2)
  બાંધીશ તારા અંતરનો ત્યાં તાર, પછી મારી ધૂન જગાવું
  સુણજે આટલો આર્ત તણો પોકાર, બીજું હું કાંઇ ન માંગું …

  એકતારો મારો ગૂંજશે મીઠું, દેખશે વિશ્વ રહ્યું જે અદીઠું (2)
  ગીતની રેલાશે એક અખંડિત ધાર, તેમાં થઇ મસ્ત હું રાચું
  સુણજે આટલો આર્ત તણો પોકાર, બીજું હું કાંઇ ન માંગું …

            – રવીન્દ્રનાથ ટાગોર (અનુ. શ્રી ભાનુશંકર વ્યાસ)(Ravindranath Tagore (Translation Shri Bhanushankar Vyas – Biju kai n mangu. Bhajan – Aarti in Gujarati. Literature and art site)

  ન્હાનાલાલ કવિ – અસત્યો માંહેથી

  પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
  પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
  પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
  નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.

  સૌ અદભુતોમાં તુજ સ્વરૂપ અદભુત નીરખું,
  મહા જ્યોતિ જેવું નયન શશી ને સૂર્ય સરખું,
  દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
  પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો.

  પ્રભો તું આદિ છે શુચિ પુરુષ પુરાણ તું જ છે,
  તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
  અમારા ધર્મોનો અહર્નિશ ગોપાલ તું જ છે,
  અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે.

  પિતા છે એકાકિ જડ સકળને ચેતન તણો,
  ગુરૂ છે મોટો છે જનકુળ તણો પૂજ્ય તું ઘણો,
  ત્રણે લોકે દેવા નથી તું જ સમો અન્ય ન થશે,
  વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે.

  વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
  તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
  નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
  નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.

  અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા,
  ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા;
  મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ! લઈ જા,
  તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.

  પિતા! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
  અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
  વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
  દયાના પુણ્યોના, તુજ પ્રભુ! મહાસાગર ભણી.

  થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
  કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
  સ્વભાવે બુદ્ધિથી, શુભ અશુભ જે કાંઈક કરું,
  ક્ષમાદષ્ટે જોજો, તુજ ચરણમાં નાથજી! ધરું.

           – ન્હાનાલાલ કવિ (Nanhalal Kavi -Aasatyo maahethi. Bhajan-Aarti in Gujarati. Literature and art site)

  Tags :

  દાસી જીવણ (જીવણ સાહેબ) – મોરલો મરતલોકમાં આવ્યો

  મોર, તું તો આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો;
  મોરલો મરતલોકમાં આવ્યો

  લાલ ને પીળો મોરલો અજબ રંગીલો,
  વર થકી આવે વેલો;
  સતી રે સુહાગણ સુંદરી રે,
  સૂતો તારો શે’ર જગાયો રે;
  મોરલો મરતલોકમાં આવ્યો- મોર, તું તો..

  ઇંગલા ને પીંગલા મેરી અરજુ કરે છે રે;
  હજી રે નાથજી કેમ ના’વ્યો;
  કાં તો શામળીયે છેતર્યો ને કાં તો
  ઘર રે ધંધામાં ઘેરાયો રે;
  મોરલો મરતલોકમાં આવ્યો.- મોર, તું તો..

           – દાસી જીવણ (જીવણ સાહેબ) (Dasi Jeevan (Jeevan Saheb)- Moralo Maratlok ma aaviyo. Bhajan-Aarti in Gujarati. Literature and art site)

  Tags :

  નરસિંહ મહેતા – આજની ઘડી રળિયામણી

  હો…. મારે આજની ઘડી રે રળિયામણી,
  હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે.

  હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
  મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે.

  હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા,
  મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે.

  હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ,
  મારા વાલાજીના ચરણ પખાળિયે રે… મારે.

  હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ
  માંહે ચમકતો દીવડો મેલાવિયે રે… મારે.

  હા જી રે તન, મન, ધન, ઓવારિયે,
  મારા વાલાજીની આરતી ઉતારીએ રે… મારે.

  જી રે રસ વધ્યો છે અતિ મીઠડો,
  મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે….મારે.

            – નરસિંહ મહેતા (Narsinh Mehta – Aaj ni Ghadi Raliyamali. Poems in Gujarati. Literature and art site)

  Tags :

  શ્રી હનુમાન જયંતી (અને ચૈત્રી પૂનમ)

  દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા |
  પુરતો મારુતિર્યસ્ય તં વંદે રઘુનંદનમ ॥

  મનોજવં મારુતતુલ્યવેગં
  જિતેન્દ્રિયં બુધ્ધિમતાં વરિષ્ઠમ |
  વાતા ત્મજં વાનરયૂથમુખ્યં
  શ્રીરામદૂતં શરણં પ્રપઘે ॥

  ૐ શ્રી હનુમાન ચાલીસા
  (Hanuman Shloks. Aarti in Gujarati. Literature and art site)

  કરસનદાસ માણેક – જીવન અંજલિ થાજો

  (રાગ – ભૈરવી, તાલ – કેરવા)

  જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો !
  ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો;
  દીન-દુ:ખિયાના આંસુ લો’તો અંતર કદી ન ધરાજો ! મારું જીવન …
  સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો;
  ઝેર જગતનાં જીરવી જીરવી અમ્રુઅત ઉરનાં પાજો ! મારું જીવન …
  વણથાક્યાં ચરણો મારાં નિત તારી સમીપે ધાજો:
  હૈયાના પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો ! મારું જીવન …
  વમળોની વચ્ચે નૈયા મુજ હાલકલોલક થાજો:
  શ્રદ્રા કેરો દીપક મારો ના કદીયે ઓલવાજો ! મારું જીવન …

           – કરસનદાસ માણેક (Karsandas Manek -Jeevan Anjali Thajoe. Bhajan-Aarti in Gujarati. Literature and art site)

  Tags :

  નરસિંહરાવ દિવેટિયા – પ્રેમળ જ્યોતિ તારો દાખવી

  પ્રેમળ જ્યોતિ તારો દાખવી,
  મુજ જીવનપંથ ઉજાળ.

  દૂર પડ્યો નિજ ધામથી હું ને
  ઘેરે ઘન અંધકાર,
  માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં,
  નિજ શિશુને સંભાળ,
  મુજ જીવનપંથ ઉજાળ. …. પ્રેમળ જ્યોતિ.

  ડગમગતો પગ રાખ તું સ્થિર ને
  દૂર નજર છો ન જાય,
  દૂર માર્ગ જોવાને લોભ લગીર ના,
  એક ડગલું બસ થાય …. પ્રેમળ જ્યોતિ.

  આજ લગી રહ્યો ગર્વમાં હું ને,
  માગી મદદ ન લગાર,
  આપ બળે માર્ગ જોઇને ચાલવા
  હામ ધરી મૂઢ બાળ,
  હવે માગું તુજ આધાર …. પ્રેમળ જ્યોતિ.

  ભભકભર્યાં ચિન્હોથી લોભાયો ને,
  ભય છતાં ધર્યો ગર્વ,
  વીત્યાં વર્ષ ને લોપ સ્મરણથી,
  સ્ખલન થયાં જે સર્વ,
  મારે આજ થકી નવું પર્વ …. પ્રેમળ જ્યોતિ.

  તારા પ્રભાવે નિભાવ્યો પ્રભુ મને
  આજ લગી પ્રેમભેર,
  નિશ્વે મને તું સ્થિર પગલેથી
  ચલવી પહોંચાડશે ઘેર,
  દાખવી પ્રેમળ જ્યોતિની સેર …. પ્રેમળ જ્યોતિ.

  કર્દમભૂમિ કળણ ભરેલી
  ને ગિરિવર કેરી કરાડ,
  ધસધસતા જળ કેરા પ્રવાહો
  સર્વ વટાવી કૃપાળ,
  મને પહોંચાડશો નિજ દ્રાર …. પ્રેમળ જ્યોતિ.

            – નરસિંહરાવ દિવેટિયા (Narsinhrao Divethia. Premal Jyoti. Bhajan aarti, prabhatiya, lok sahitya in Gujarati. Literature and art site)

  Tags :

  નરસિંહરાવ દિવેટિયા – મંગલ મંદિર ખોલો

  મંગલ મંદિર ખોલો, દયામય !
  મંગલ મંદિર ખોલો,

  જીવનવન અતિ વેગે વટાવ્યું
  દ્વાર ઊભો શિશુ ભોળો ;
  તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
  શિશુને ઉરમાં લો, લો, દયામય !

  નામ મધુર તમ રટ્યો નિરંતર
  શિશુસહ પ્રેમે બોલો ;
  દિવ્ય તૃષાતુર આવ્યો બાલક,
  પ્રેમ – અમીરસ ઢોળો, દયામય !

  મંગલ મંદિર ખોલો !

            – નરસિંહરાવ દિવેટિયા
           સાંભળો (click to listen)(Narsinhrao Divethia. Mangal Mandir Kholo Bhajan aarti, prabhatiya, lok sahitya in Gujarati. Literature and art site)

  Tags :

  ૐ જય લક્ષ્મી માતા

  (via અમીઝરણું )લક્ષ્મી માતા / Lakshmi Mata

  ૐ જય લક્ષ્મી માતા, મૈયા જય લક્ષ્મી માતા,
  તુમ કો નિસદિન સેવત, હર વિષ્ણુ ધાતા. ૐ…

  ઉમા, રમા, બ્રહ્માણી, તુમ હી જગ-માતા,
  સૂર્ય-ચન્દ્રમા ધ્યાવત, નારદ ઋષિ ગાતા. ૐ…

  દુર્ગારૂપ નિરંજની, સુખ-સમ્પતિ દાતા,
  જો કોઇ તુમ કો ધ્યાવત, રિદ્ધિ સિદ્ધિ ધન પાતા. ૐ…

  તુમ પાતાલ નિવાસિની, તુમ હી શુભદાતા,
  કર્મ પ્રભાવ પ્રકાશિની, ભાવનિધિકી દાતા. ૐ…

  જિસ ઘર તુમ રહતી, તહં સબ સદ્દગુણ આતા,
  સબ સંભવ હો જાતા, મન નહિ ઘબરાતા. ૐ…

  તુમ બિન યજ્ઞ ન હોતે, વસ્ત્ર ન હો પાતા,
  ખાન-પાન કા વૈભવ, સબ તુમસે આતા. ૐ…

  શુભ-ગુણ મંદિર સુંદર, ક્ષીરોવધિ જાતા,
  રત્ન ચતુર્દશ તુમ બિન, કોઇ નહિ પાતા. ૐ…

  મહાલક્ષ્મીજી કી આરતી, જો કોઇ નર ગાતા,
  ઉર આનંદ સમાતા, પાપ ઊતર જાતા. ૐ.

           સાંભળો (click to listen)(Lakshmi Mata Aarti. In Gujarati. Literature and art site)

  આરતી – શ્રી અંબામાની આરતી

                             Goddess Ambe

  Mataji's Aarti

  સાંભળો (click to listen in male voice)

  સાંભળો (click to listen in female voice)

  (Jai Adhyay Shakti Mataji Ambe Aarti. Bhajans Aartis in Gujarati. Literature and art site)

  ભજન

  (ખાસ દિપ્તીબહેનના આભારી છીએ આ ભજન મોકલવા બદલ)

  મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
  મારુ મનડું છે ગોકુલ વનરાવન મારા તનના આંગિણયાંમાં તુલસીના વન
  હે મારા પ્રાણ જીવન….

  મારા આતમના આંગણે શ્રીમહાપ્રભુજી
  મારી આંખો વશે ગિરધારી રે ધણી મારુ તન મન ગયું છે જેને વારી રે વારી
  હે મારા શ્યામ મોરારિ…..
  મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

  હું તો નિત્ય વિઠ્ઠલ વર ની સેવા રે કરું
  હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું મેં તો ચિતડું શ્રીનાથજી ને ચરણે ધર્યું
  જીવન સફળ કર્યું …..
  મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

  હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
  નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા મે તો વલ્લભ પ્રભુજી ના કીધાં છે દર્શન
  મારું મોહી લીધું મન…..
  મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

  મેં તો ભક્તિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
  મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
  મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો મેં તો લાલાની લાલી કેરો નંગ રે માંગ્યો
  હીરલો હાથ લાગ્યો…..
  મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

  મારી અંત સમય કેરી સુણો રે અરજી
  લે જો શ્રીજીબાવા શરણોમાં દયા રે કરી મને તેડાં રે યમ કેરાં કદી ન આવે
  મારો નાથ તેડાવે…..
  મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

  ( Bhajan aarti, prabhatiya, lok sahitya in Gujarati. Literature and art site)