Category: ગરબા – રાસ (garba-raas)

ગરબા – રાસ (garba-raas)

નરસિંહ મહેતા – આજ રે કાનુડે


આજ રે કાનુડે વ્હાલે અમ શું અંતર કીધાં રે,
રાધિકાનો હાર હરિએ રૂકમિણીને દીધો રે …… આજ રે કાનુડે.

શેરીએ શેરીએ સાદ પડાવી, ઘેર ઘેર હું તો જોતી રે
રૂકમિણીની ડોકે મેં તો ઓળખ્યા મારા મોતી રે ….. આજ રે કાનુડે.

રાધાજી અતિ ક્રોધે ભરાણાં નયણે નીર ન માય રે,
આપોને હરિ હાર જ મારો નહીં તો જીવડૉ જાશે રે ….. આજ રે કાનુડે.

થાળ ભરી શગ મોતી મંગાવ્યા, અણ વીંધ્યા પરોવ્યા રે,
નરસૈંયાના નાથ હરિએ, રૂઠ્યા રાધાજી મનાવ્યાં રે.
રૂઠયા રાધાજી મનાવ્યા ….

      -નરસિંહ મહેતા (Narsi Mehta – aaj re kanudae. Kavita /Poems, Lok Sahitya, in Gujarati. Literature and art site)

Tags :

કોઈ ગોતી દેજો રે

લોકગીત

કોઈ ગોતી દેજો રે, કોઈ ગોતી દેજો રે;
મ્હારા કા’ન કુંવરિયાની ઝૂલડી,
મ્હારા શ્યામ સુંદરિયાની ઝૂલડી.
સાવ રે સોના કેરી ઝૂલડી, માંહી રૂપા કેરા ધાગા;
અવર લોકને ઓપે નહિ, મ્હારા કા’નકુંવરજીના વાધા રે !
— મ્હારા.
શેરીએ શેરીએ સાદ પડાવું ને ધર ધર હાલુ છું જોતી;
એ રે ઝૂલડીમા કાંઈ નથી બીજું, એને છેડે કળાયલ મોતી રે !;
— મ્હારા.
માતા જ્શોદાજી મહી વલોવે ને કા’નો વળગ્યો કોટે,
એ રે ઝૂલડીને કારણિયે, મ્હારો લાડકવાયો લોટે રે,
— મ્હારા.

લોક સાહિત્ય – મારી વેણીમાં ચાર ચાર ફૂલ

મારી વેણીમાં ચાર ચાર ફૂલ,
અંબોડલે સોહે, સોહામણી ઝૂલ

પહેલું ફૂલ,
જાણે મારા સસરાજી શોભતા
જાણે પેલું મોગરાંનું ફૂલ
એની સુવાસે મ્હેકે ઘર ઘરનો ઓરડો
ગંભીરને સૌમાં અતુલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ…

બીજું ફૂલ,
જાણે મારા સાસુજી આકરા
જાણે પેલું સૂર્યુમુખી ફૂલ
સૂરજ ઉગતાની સાથે માંડતુ એ મ્હેકવા
સાંજ સુધી કાઢતું એ ભૂલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ…

ત્રીજું ફૂલ
જાણે મારી નણંદ પેલી નાનકી
જાણે પેલું ચંપાનું ફૂલ
જ્યારે જુઓ ત્યારે ખીલ્યું ને ફાલ્યું
મસ્તીમાં રહેતું મશગૂલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ…

ચોથું ફૂલ
જાણે મારા હૈયાના હારનું
જાણે પેલું રાતરાણી ફૂલ
દિવસેના બોલે એ મોટાના માનમાં
રાતડીએ બોલે બૂલબૂલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ…

          સાંભળો (click to listen)(Mari Vani na char char phool. Lok Sahitya, Garba-Raas in Gujarati. Literature and art site)

મસ્તાન – અંબા માનાં ઊંચા મંદિર નીચા મો’લ

અંબા માનાં ઊંચા મંદિર નીચા મો’લ,
ઝરૂખડે દીવા બળે રે લોલ…

અંબા માના ગોખ ગબ્બર અણમોલ કે,
શિખરે શોભા ઘણી રે લોલ … અંબા માના …

આવી આવી નવરાત્રીની રાત કે,
બાળકો રાસ રમે રે લોલ … અંબા માના …

અંબે મા ગરબે રમવા આવો કે,
બાળ તારાં વીનવે રે લોલ … અંબા માના …

અંબે માને શોભે છે શણગાર કે,
પગલે કંકુ ઝરે રે લોલ … અંબા માના …

રાંદલમા રાસે રમવા આવો કે,
મુખડે ફૂલડાં ઝરે રે લોલ … અંબા માના …

બહુચર ગરબે રમવા આવો કે,
આંખથી અમી ઝરે રે લોલ … અંબા માના …

મા તારું દીવ્ય અનુપમ તેજ તે
જોઈ મારી આંખ ઠરે રે લોલ … અંબા માના …

ગરબો તારો બાળ ગવરાવે કે,
‘મસ્તાન’ તારા પાયે પડે રે લોલ … અંબા માના …

         -મસ્તાન (Mastan. Amba ma na Ucha Mandir nicha mol. Lok Sahitya, Garba-Raas in Gujarati. Literature and art site)

Tags :

લોક સાહિત્ય – ઢોલીડા ઢોલ તું વગાડ

ઢોલીડા ઢોલ તું વગાડ, ગરબો હેલે ચઢયો રે
સૂતેલા માનવી જગાડ, ગરબો હેલે ચઢયો રે ….

દેજો રંગતાળી ને વાગે છે તાળી.
ગરબે છંટાયા ગુલાલ … ગરબો હેલે ચઢયો રે ….

ગરબો ગાજે છે પેલા ગબ્બરના ગોખમાં
ડુંગરમાં બોલે છે મોર … ગરબો હેલે ચઢયો રે ….
ગરબો જોવાને તમે એકવાર આવજો
સરખી સાકેલીઓની સાથ … ગરબો હેલે ચઢયો રે ….

ચારે બેનો રમે ચાચર ચોકમાં
રત્ન તળાવડીની પાળ … ગરબો હેલે ચઢયો રે ….
ઢોલીડા ઢોલ તું વગાડ, ગરબો હેલે ચઢયો રે

(Dholida Dhole Tu Vagad. Lok Sahitya, Garba-Raas in Gujarati. Literature and art site)

લોક સાહિત્ય – વાત બહાર જાય નહીં

વાત બહાર જાય નહીં (૨)
આતો તમે રહ્યા ઘરના બીજા, કોઇઅને કહેવાય નહીં
નામ હોય સુનયના, આંખ એની બાડી,
         ડાહ્યાભાઇઅનો દીકરો, વાત કરે ગાંડી.

કાણાને કાણો કહી, કદી બોલાવાય નહિં… આતો તમે રહ્યા ઘરના
જૂઠી આ દુનિયાની વાત બધી જૂઠી,
         વાત કરે લાખોની, ખાલી હોય મૂઠી.

જૂઠાને જૂઠો કહી, કદી વગોવાય નહિ… આતો તમે રહ્યા ઘરના
નીવડે કપૂત તોય શેઠિયાનો સુત શાણો,
         ઉપરથી ફૂલ જેવો અંદરથી મોટો પાણો
સમજુઓં સમજાય છતાં બોલ્યું બોલાય નહિ … આતો તમે રહ્યા ઘરના

         – ફિલ્મ: રમતા રામ (Vaat Bahar Jai Nahi. Lok Sahitya, Garba-Raas in Gujarati. Literature and art site)

લોક સાહિત્ય – સાથીયા પુરાવો દ્વારે

(via ટહુકો an excellent site)

સાથીયા પુરાવો દ્વારે, દિવાડા પ્રગટાવો રાજ…
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..

વાંઝિયાનો મેણો ટાળી રમવા રાજકુમાર દે માં, ખોળાનો ખુંદનાર દે
કુંવારી કન્યાને માડી મનગમતો ભરથાર દે માં, પ્રિતમજીનો પ્યાર દે

નિર્ધનને ધનધાન આપે, રાખે માડી સૌની લાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..

કુમકુમ પગલા ભરશે માડી સાતે પેઢી તરશે
આદ્યશક્તિ માં પાવાવાળી પીડા જનમ જનમની હરશે

દૈ દૈ તાળી ગાઓ આજ વાજિંત્રો વગડાવો રાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..

          સાંભળો (click to listen)(Sathiya puravo. Lok Sahitya, Garba-Raas in Gujarati. Literature and art site)

લોક સાહિત્ય – મારી શેરીએથી કાનકુંવર

મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ,
         મુખેથી મોરલી બજાવતા રે લોલ.
હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ
         ઓઢણ અંબર વીસરી રે લોલ.
હું તો પાણીડાંની મસે જોવા નીસરી રે લોલ,
         ઇંઢોણી ને પાટલી વીસરી રે લોલ.
સાગ રે સીસમની મારી વેલડી રે લોલ
         નવલે સુતારે ઘડી પીંજણી રે લોલ.
મેં તો ઘોળો ને ઘમળો બે જોડિયા રે લોલ
         જઇ અને અમરાપરમાંમાં છોડિયા રે લોલ
અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ
         મેં તો જાણ્યું ક એ હરિ અહીં વસે રે લોલ
મેં તો દૂધ ને સાકરનો શીરો ક્ર્યો રે લોલ
         ત્રાંબાના ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલ
હું તો જમવા બેઠી ને જીવણ સાંભર્યા રે લોલ
         કંઠેથી કોળિયો ન ઊતર્યો રે લોલ
મને કોઇ તો દેખાડો દીનાનાથને રે લોલ
         કોળિયો ભરાવું જમણા હાથનો રે લોલ
હું તો ગોંદરે તે ગાવડીને છોડતી રે લોલ
         ચારેય દિશે તે નજર ફેરતી રે લોલ
મેંતો છેટેથી છેલવર દેખિયા રે લોલ
         હરિને દેખીને ઘૂંઘટ ખોલિયા રે લોલ
મારી શેરીએ તે કાનકુંવર આવતા રે લોલ
         મીઠી તે મોરલી વગાડતા રે લોલ

(Maari sheriae thi kaankuwar. Lok Sahitya, Garba-Raas in Gujarati. Literature and art site)

લોક સાહિત્ય – વાદલડી વરસી રે

વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં.
સાસરિયે જાવું રે, મહિયતિયે મહાલી રહ્યાં. ટેક
મારા પગ કેરાં કડલાં રે, વીરો મારો લેવા હાલ્યો.
વીરા લઇને વહેલો (૨) આવજે રે,
સાસરિયાં મારાં ઘેરે બેઠાં … વાદલડી …

મારા હાથ કેરો ચૂડલો રે, વીરો મારો લેવા હાલ્યો.
વીરા લઇને વહેલો (૨) આવજે રે,
સાસરિયાં મારાં ઘેરે બેઠાં … વાદલડી …

મારી ડોક કેરો હારલો રે, વીરો મારો લેવા હાલ્યો.
વીરા લઇને વહેલો (૨) આવજે રે,
સાસરિયાં મારાં ઘેરે બેઠાં … વાદલડી …

મારા નાક કેરી નથણી રે, વીરો મારો લેવા હાલ્યો.
વીરા લઇને વહેલો (૨) આવજે રે,
સાસરિયાં મારાં ઘેરે બેઠાં … વાદલડી …
વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં.
સાસરિયે જાવું રે, મહિયતિયે મહાલી રહ્યાં.

(Vaadaldi varsi re. Lok Sahitya, Garba-Raas in Gujarati. Literature and art site)

વલ્લભ ભટ્ટ – રંગતાળી રંગતાળી

રંગતાળી, રંગતાળી, રંગતાળી રે, રંગમાં રંગતાળી.
મા ગબ્બરના ગોખવાળી રે, રંગમાં રંગતાળી.
મા ચાચરના ચોકવાળી રે, રંગમાં રંગતાળી.
મા મોતીઓના હારવાળી રે, રંગમાં રંગતાળી.
મા ધીના દીવડાવાળી રે, રંગમાં રંગતાળી.
મા માનસરોવરવાળી રે, રંગમાં રંગતાળી.
મા ચુંવાળના ચોકવાળી રે, રંગમાં રંગતાળી.
મા અંબે આરાસુરવાળી રે, રંગમાં રંગતાળી.
મા કાળી તે પાવાવાળી રે, રંગમાં રંગતાળી.
મા કલક્ત્તે દિસે કાળી રે, રંગમાં રંગતાળી.
મા ભક્તોને મન વ્હાલી રે, રંગમાં રંગતાળી.
મા દૈત્યોને મારવાવાળી રે, રંગમાં રંગતાળી.
મા અંબા ને બહુચરા બેની રે, રંગમાં રંગતાળી.
ક્યાંય મળતી નથી જોડ તેની રે, રંગમાં રંગતાળી.
માને શોભે સોનાની વાળી રે, રંગમાં રંગતાળી.
માએ કનકનો ગરબો લીધો રે, રંગમાં રંગતાળી.
માંહી અત્રીસ બત્રીસ જાળી રે, રંગમાં રંગતાળી.
તેમાં રત્નનો દીવડો કીધો રે, રંગમાં રંગતાળી.
માએ ઓઢણી કસુંબી ઓઢી રે, રંગમાં રંગતાળી.
મા ફરે કંકુડાં ઘોળી રે, રંગમાં રંગતાળી.
માંહી નાના તે વિધની ભાત રે, રંગમાં રંગતાળી.
ભટ્ટ વલ્લભને જોવાની ખાંત રે, રંગમાં રંગતાળી.

          – વલ્લભ ભટ્ટ (Vallabh Bhatt . Rang taali rang tali re . Lok Sahitya, Garba-Raas in Gujarati. Literature and art site)

Tags :

અવિનાશ વ્યાસ – તાલીઓના તાલે ગોરી

તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
આસમાની ચૂંદડીમાં, લહેરણિયાં લ્હેરાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
ગોરો ગોરો ચાંદલિયો ને દિલ ડોલાવે નાવલિયો,
                  કહેતી મનની વાત રે …
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

ઓરી ઓરી આવ ગોરી, ઓરી ઓરી,
ચાંદલિયો હિંચોળે તારા હૈયા કેરી દોરી,
                  રાતલડી રળિયાત રે …
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો,
રૂમો ઝૂમો, ગોરી રૂમો ઝૂમો,
રસ રમે જાણે શામળિયો ,
                  જમુનાજીને ઘાટ રે …
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

          – અવિનાશ વ્યાસ

         સાંભળો (click to listen)
(Avinash Vyas. Taaliyo na taal ae gori. Lok Sahitya, Garba-Raas in Gujarati. Literature and art site)

Tags :

લોક સાહિત્ય – હમ્બો હમ્બો વિંછૂડો

અરરર માડી રે,
છાણાં વીણવા ગઇ’તી, રે,
મા, વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો

મને ટચલીએ ટચકાવ્યો રે,
મા, વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો

મારા સસરાજીને તેડાવો રે,
મા, વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો

મારા જેઠજીને તેડાવો રે,
મા, વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો

મારા પરણ્યાને તેડાવો રે,
મા, વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો

વિંછૂડાના ઝેર ઉતરાવો રે,
મા, વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો
હમ્બો હમ્બો વિંછૂડો

(Chhana vinva gai ti re, Hambo hambo Vichudo. Lok Sahitya, Garba-Raas in Gujarati. Literature and art site)

નરસિંહ મહેતા – ખમ્મા, મારા નંદજીના લાલ

ખમ્મા, મારા નંદજીના લાલ,
મોરલી ક્યાંરે વગાડી?

હું રે સૂતી’તી મારા શયનભવનમાં,
સાંભળ્યો મોરલીનો નાદ … મોરલી … ખમ્મા …

ભર રે નીંદરમાંથી ઝબકીને જાગી,
ભૂલ ઈ ગૈઅ સુધ ભાન સાન … મોરલી … ખમ્મા …

પાણીડાંની મસે જીવન જોવાને હાલી,
દીઠાં મેં નંદજીના લાલ … મોરલી … ખમ્મા …

દોણું લૈઅને ગૌ દો’વાને બેઠી,
નેતરાં લીધાં હાથ … મોરલી … ખમ્મા …

વાછરુ વરારે મેં તો છોકરાંને બાંધ્યાં
નેતરાં લૈઅને હાથ
મોરલી ક્યાં રે વગાડી?

ખમ્મા, મારા નંદજીના લાલ,
મોરલી ક્યાંરે વગાડી?

          – નરસિંહ મહેતા

         સાંભળો  (click to listen)
or
         સાંભળો  (click to listen)

(Narsinh Mehta. Khamma mara nandji na lal. Lok Sahitya, Garba-Raas in Gujarati. Literature and art site)

Tags :

વલ્લભ ભટ્ટ – મા પાવા તે ગઢથી ઊતર્યા

(રાગ: ભીમ પલાસ, તાલ: ખેમટો)

મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે,
માએ વસાવ્યું ચાંપાનેર, પાવાગઢવાળી રે.

મા ચાંપા તે નેરના ચાર ચૌટા મા કાળી રે,
સોનીએ માંડ્યાં હાટ, પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી …

મા સોનીડો લાવે રૂડાં ઝૂમણાં, મા કાળી રે,
મારી અંબા માને કાજ, પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી …

મા માળી તે આવે મલપતો, મા કાળી રે,
એ તો લાવે છે ગજરાની જોડ, પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી …

મા કુંભારી આવે મલપતો, મા કાળી રે,
એ તો લાવે છે ગરબાની જોડ, પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી …

મા સુથીરી આવે મલપતો, મા કાળી રે,
એ તો લાવે છે બાજઠની જોડ, પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી …

મા ગાય શીખે ને સાંભળે, મા કાળી રે,
તેની અંબા મા પૂરજો આશ, પાવાગઢવાળી રે. મા પાવા તે ગઢથી …

          – વલ્લભ ભટ્ટ

         સાંભળો (click to listen with intro)

         સાંભળો (click to listen with intro)

         સાંભળો (click to listen in female voice)

(Vallabh Bhatt . Ma Pavate Ghadthi Utarya Ma Kali Re . Lok Sahitya, Garba-Raas in Gujarati. Literature and art site)

Tags :

આરતી – શ્રી અંબામાની આરતી

                           Goddess Ambe

Mataji's Aarti

સાંભળો (click to listen in male voice)

સાંભળો (click to listen in female voice)

(Jai Adhyay Shakti Mataji Ambe Aarti. Bhajans Aartis in Gujarati. Literature and art site)