Archive for the ‘ગઝલ (ghazal)’ Category

નીતિન વડગામા – ઊઘડે છે

Sunday, December 22nd, 2013

એક નાની બંધ બારી ઊઘડે છે,
આભની ઊંચી અટારી ઊઘડે છે.

આંખ જાણે પાંખ ફફડાવી રહી છે,
ને નજર પણ એકધારી ઊઘડે છે.

કેદ પરદામાં થયું છે એ જ જોવા,
જાત આખી કેમ તારી ઊઘડે છે?

રાત થાતાં ઊંઘની પીંછી ફરે છે,
એમ સપનાંની સવારી ઊઘડે છે.

સૂર્યનાં કૂણાં કિરણનો હાથ ઝાલી,
મ્હેકતી એ ફૂલકયારી ઊઘડે છે.

કોઇ સોનામહોર જેવાં ધણ વચાળે,
મૂળમાંથી માલધારી ઊઘડે છે!

એ જ સોનેરી સમયને સાદ દેવા,
યાદની પાલવકિનારી ઊઘડે છે.

          – નીતિન વડગામા (Nitin Vadgama – Ughadae chhe. Ghazal in Gujarati. Literature and art site)

અંજુમ ઉઝયાન્વી – સમજી લે આજ તું

Wednesday, October 2nd, 2013

જેવો છે એવો ઠીક છે, સમજી લે આજ તું,
એ હીરો કે અકીક છે, સમજી લે આજ તું !

આંસુનો બોજો આંખ ઉઠાવે છે ઉમ્રભર,
બચપણથી એ શ્રમિક છે, સમજી લે આજ તું !

ઓઢીને છાંયો વૃક્ષનો ઊંઘે છે ચેનથી,
મુફલિસ ખરો ધનિક છે, સમજી લે આજ તું !

આવે છે મનમાં દોડીને આવેગ હર ઘડી,
પરપોટા સૌ ક્ષણિક છે, સમજી લે આજ તું !

આંખોને છાંયે બેસવા આવી ચડે કદી,
શમણાં તો જગપથિક છે, સમજી લે આજ તું !

હૈયામાં ધરબી રાખજે ભીતરની ચીસને,
ચાહતની એ પ્રતીક છે, સમજી લે આજ તું !

‘અંજુમ’ ગઝલ તો બંદગીનું બીજું નામ છે,
શાયરથી રબ નજીક છે, સમજી લે આજ તું !

         -અંજુમ ઉઝયાન્વી(Anjum Ujyanvi. Samji ke aaj tu. Ghazal in Gujarati. Literature and art site)

અંજુમ ઉઝયાન્વી – ફકીરા

Friday, August 2nd, 2013

ઘણીવાર એવું બને છે ફકીરા,
મને આરસી પણ છળે છે ફકીરા !

કદી શીત છાંયો, કદી ધોમ તડકો,
ઘણા વેશ તું પણ ધરે છે ફકીરા !

નહીં ચાતરે પંથ જળની તરંગો,
સદા પાઠ સાચો ભણે છે ફકીરા !

મળી જાય પીવા ફકીરોની તૃષા,
પછી રંગ પાકો ચડે છે ફકીરા !

સમય પી ગયો લીલી જાહોજલાલી,
બધા ઝાડ મનમાં રડે છે ફકીરા !

ઝગારો થયો છે ફરી પથ્થરોમાં,
હજી કોઈ આડો ફરે છે ફકીરા !

ગઝલ છેક ઊંચા ગગનથી પધારી,
બધા સૂફી, સંતો કહે છે ફકીરા !

લખો નામ અંજુમ એનું અદબથી,
હવા પર હકુમત કરે છે ફકીરા !

         -અંજુમ ઉઝયાન્વી(Anjum Ujyanvi. Fakira Ghazal in Gujarati. Literature and art site)

ભરત વિંઝુડા – કમરામાં હશે

Monday, July 22nd, 2013

જેટલા મચ્છર આ કમરામાં હશે
એટલા ઇશ્વર આ કમરામાં હશે !

તોડવી ચારે ય દીવાલો પડે
કેટલા પથ્થર આ કમરામાં હશે !

મેં તમોને બહાર પણ જોયાં હતાં
કોણ તો અંદર આ કમરામાં હશે !

પ્રશ્ન પારાવાર છે થોભો જરા
એક બે ઉત્તર આ કમરામાં હશે !

હોય છે જેઓ અમર તે અહીં નથી
જે હશે નશ્વર આ કમરામાં હશે !

એક કમરામાં જ આખું વિશ્વ છે
ક્યાંક મારું ઘર આ કમરામાં હશે !

(જન્મ : 22 જુલાઈ 1956)

          – ભરત વિંઝુડા (Bharat Vinzuda. Kamara Ma hashe. Ghazal in Gujarati. Literature and art site)

મનોજ ખંડેરિયા – અમથો અમથો ખુશ થાઉં છું

Saturday, July 6th, 2013

મનોજ ખંડેરિય / Manoj Khanderiya
મેદાનો હરિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
લીલાંછમ અજવાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

આંખોમાં વૈશાખી સૂકું શ્હેર લઈને રખડું ત્યારે
રસ્તા પર ગરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

અજમેરી પીળા બોર સમા આછું મીઠું મ્હેંક્યા કરતા
આ દિવસો તડકાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

રોજ જતા ને રોજ જશે પણ આજ અચાનક સાંજ ઢળી તો
ઘણા જતાં ઘરઢાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

એની તીણી ટોચ અડી જ્યાં નભને તારક-ટશિયા ફૂટ્યા
અંધારાં અણિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

પૂનમ રાતે સામે સામી ડાળ ઉપરથી મંડાતા કંઈ-
ટહુકાના સરવાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

શબ્દોનો આ કોષ લઈને ખાલી બેઠો છું ઉંબર પર
ભાષાની ભરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

         – મનોજ ખંડેરિયા (Manoj Khanderiya. Amtho amtho Khush thav chhu – Ghazal in Gujarati. Literature and art site)

હરીન્દ્ર દવે – કોને ખબર

Thursday, July 4th, 2013


કોને ખબર તને હશે એ મારી દશા યાદ ?
મુજને તો આ ઘડી સુધી છે તારી સભા યાદ.

એકાન્તની ક્ષણો, એ અમારે નસીબ ક્યાં ?
સ્વજનો તજીને જાય તો સરજે છે સભા યાદ.

નાનકડા નીલ વ્યોમથી ટપકી રહી’તી જે,
જલધારા ફક્ત યાદ ને મોસમ, ન ઘટા યાદ.

વીસરી ગયો’તો એમને બે ચાર પળ કબૂલ,
આપી ગયા હવે એ જીવનભરની સજા યાદ.

એને પૂછી શક્જો તો કોઈ સંકલન મળે,
મુજને તો ઝાંખી ઝાંખી ને અસ્પષ્ટ કથા યાદ.

એ કલ્પના કે સત્ય હવે ભેદ ક્યાં રહ્યો !
પૂછો છો તો આવે છે મને કંઈક કથા યાદ.

પૂછો તો અંશ માત્ર બતાવી શકું નહીં,
મનમાં તો એની છે મને એકેક અદા યાદ.

size=-1 COLOR=”white”>(Harindra Dave – Kone khabar. Ghazal in Gujarati. Literature and art site)

વરસાદ વિષે થોડી રચનાઓ

Tuesday, July 2nd, 2013

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ
ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ

          -હરીન્દ્ર દવે (Harindra Dave – Varsaad. Vicharo, Poems in Gujarati. Literature and art site)

અંજુમ ઉઝયાન્વી – વરસાદમાં

Tuesday, June 4th, 2013

તેં હવા બાંધી હતી, વરસાદની વરસાદમાં;
મેં ઘટા વાંચી હતી વરસાદની વરસાદમાં !

યાદનો પગરવ થયો ને આંખ છલકાઈ ગઈ,
ભેટ તેં આપી હતી, વરસાદની વરસાદમાં !

ચાલતાં શીખી ગયા પનઘટ, નદી, ઝરણાં બધા,
આંગળી ઝાલી હતી, વરસાદની વરસાદમાં !

મેઘ તું પ્યાસો રહીને પ્યાસ ઠારે લોકની,
વાત મેં જાણી હતી, વરસાદની વરસાદમાં !

ખૂબ ભીંજાયા પછી તો માણસો ત્રાસી ગયા,
ધાક પણ લાગી હતી, વરસાદની વરસાદમાં !

વાદળાં પાગલ થઈને કેર વરસાવી ગયા,
નેમ તેં પાળી હતી, વરસાદની વરસાદમાં !

વૃદ્ધ આંખોમાં અજંપો ઘૂઘવે તો શું થયું ?
ભેર તેં તાણી હતી, વરસાદની વરસાદમાં !

રાવ હું કોને કહું અંજુમ ભીના કોપની ?
તેં સજા આપી હતી, વરસાદની વરસાદમાં !

         -અંજુમ ઉઝયાન્વી(Anjum Ujyanvi. Varsaad ma Ghazal in Gujarati. Literature and art site)

‘બેફામ’ બરકત વિરાણી – એટલે તો કબર ફરતી વાડ છે

Thursday, May 30th, 2013

ઘરનાં તો જો કે વાસી દીધેલાં કમાડ છે,
જોવી જ હો દશા તો ભીંતોમાં તિરાડ છે.

અશ્રુ પછીનાં સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ,
વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે.

બળતી બપોરે રણમાં બીજું તો શું સાંભરે?
આવે છે યાદ એ જ બગીચામાં ઝાડ છે.

લેવો જ પડશે મારે બુલંદીનો રાહ પણ,
મારી નજરની સામે દુઃખોનો પહાડ છે.

આ સુખનાં સોણલાં એ ફક્ત સોણલાં નથી,
મારા ભવિષ્યમાંથી કરેલો ઉપાડ છે.
મરનારનાં ય જૂથ જુદાં હોય છે અહીં,
’બેફામ’ એટલે તો કબર ફરતી વાડ છે.

         – ‘બેફામ’ બરકત વિરાણી (Barkat Virani ‘Befaam’. Aetle toe kabar farti vaad chhe – Ghazal in Gujarati. Literature and art site)

‘યોગ’ યોગેન્દુ જોષી – સસલી

Sunday, May 26th, 2013

આયનો જોઈને મલકાય સસલી;
ને પછી વાળમાં સંતાય સસલી.

સોળ શણગાર લઇ યૌવન વસ્યું છે;
તે છતાં સાદગીમાં ન્હાય સસલી.

જીન્સ ‘ને ટોપ પ્હેરી જાય કોલેજ;
તોય સંસ્કારમાં વખણાય સસલી.

કો’કના આગમનની રાહ જોતી;
ઉંબરે, બારણે ભટકાય સસલી.

ઝાડ પર વેલ જેવી લટકે, મ્હેકે;
એજ રીતે બધે વળખાય સસલી.

ધૂપ-દીવાની સસલાઓ લે બાધા;
સ્વપ્નમાં પણ જો આવી જાય સસલી.

એક સાથે ચમન ખીલી ઉઠે છે;
જ્યારે ગુન-ગુન સરીખું ગાય સસલી.

ચંદ્ર પણ શૂન્યવત જોતો રહે છે;
છાપરે બે ઘડી દેખાય સસલી.

બાપની પાઘડી, માનું હૃદય, તો;
ભાઈની રાખડી થઇ જાય સસલી.

ગીત, કાવ્યો, ગઝલ સ્હેજે બને છે;
જે દિવસ સ્મિત લઇ શરમાય સસલી.

યોગ ગઝલો બધી અર્પણ કરી દે;
ફક્ત ચાહતથી વાંચી જાય સસલી.

          – યોગેન્દુ જોષી “યોગ” : ૦૯/૦૨/૨૦૧૩ (Yogendu Joshi ‘Yog’. Sasli. Ghazal in Gujarati. Literature and art site)

શ્યામ સાધુ – બની જા

Friday, May 24th, 2013

અવળ સવળ ઇચ્છાનો મલમલ તાર બની જા
ઘટી શકે એ ઘટનાનો શણગાર બની જા!

એકલદોકલ હોવાનો અસબાબ કાયમી,
આંખો મીંચી અંદરનો આધાર બની જા!

મેં ય કિરમજી રસ્તાનો ઇતિહાસ લખેલો,
શક્ય હોય તો તું ય ક્ષણોનો સાર બની જા!

ખરી ગયેલા તારા જેવું ભાગ્ય મળે તો,
રાત પૂનમની હોય ભલે અંધાર બની જા!

આખેઆખી શેરી એને યાદ કરે છે,
સમજ પડે તો ત્યાં જઈને અભિસાર બની જા!

હું મરજીવો, તું મરજીવો મોતી માટે,
છોડ સકલ બકવાસ, યાર તું યાર બની જા!

          – શ્યામ સાધુ (Shyam Sadhu. Baani ja. Ghazal in Gujarati. Literature and art site)

ભરત વિંઝુડા – કોના મરણ પર રડે છે ભાઇ

Thursday, May 16th, 2013

આ શૂન્યતાથી દૂર તું ક્યાં જઇ ચડે છે ભાઇ
તું કોણ છે ને કોના મરણ પર રડે છે ભાઇ !

ફેલાયેલો પ્રદેશ હતો એક મીણનો
સુમસામ શેરીઓનાં ચરણ ત્યાં પડે છે ભાઇ !

તૂટી ગયેલ કાચ અરીસાનો વીણતાં
ચૂરેચૂરા થયેલ ચહેરો જડે છે ભાઇ !

બદલાઈ જાય અર્થ બધાં છત-દિવાલના

એકાદ બારી-બારણું જો ઊઘડે છે ભાઇ !

બારી ખૂલી તો ખૂલી ગયું વિશ્વ બહારનું
અંદર તમારો ઓરડો ય ઊઘડે છે ભાઇ !

          – ભરત વિંઝુડા (Bharat Vinzuda. Kona maran par radae chhe bhai. Ghazal in Gujarati. Literature and art site)

હેમંત પુણેકર – એક દર્શક વગર દૃશ્ય બનતું નથી

Wednesday, May 15th, 2013

કંઈ નથી, જ્યાં સુધી કોઈ જોતું નથી
એક દર્શક વગર દૃશ્ય બનતું નથી

એટલે આંખની આંખમાં રહી ગઈ
ખારા જળની નદી, કોઈ લોતું નથી

એકબીજાના સહારે ટક્યા આપણે
હું સમુ કંઈ નથી, જો કોઈ તું નથી

સ્વપ્નની રાખ સાથે વહી જાય છે
અશ્રુ કારણ વગર ખારું હોતું નથી

એક ડૂસકું દબાવ્યું મેં એ કારણે
અહીંયા કારણ વગર કોઈ રોતું નથી

ખૂબ શોધો છતાં શક્ય છે ના જડે
જે બધે હોય છે, ક્યાંય હોતું નથી

(છંદઃ ગાલગા ગાલગા ગાલગા ગાલગા)

         – હેમંત પુણેકર (Hemant Punekar. Aek dharshak vagar dhrashiya bantu nathi. Ghazal in Gujarati. Literature and art site)

‘નારાજ’ ચંદ્રેશ મકવાણા – મારી સમજણના છેડા પર

Friday, May 10th, 2013

મારી સમજણના છેડા પર જેની પક્ક્ડ ભારી છે,
મોડે મોડે જાણ થઈ એ માણસ ધંધાદારી છે.

જ્યાંથી છટકી માણું છું હું સાવ અજાણી દુનિયાને,
મારી અંદર છાની-છૂપી એક મજાની બારી છે.

કાલ સુધી મારી અંદર પણ એક મદારી ફરતો’તો,
કાલ સુધી મેં ઈચ્છાઓને નચવી નચવી મારી છે.

કટ કટ કટ કટ કાપી નાખે દિવસો, દસકા, સૈકાને,
તોય ખબર ના પડે જરા આ સમય ગજબની આરી છે.

કાલ સુધી તેં પગ ના વાળ્યો આજે પણ પગ ના વળતો,
બીજું કશું નહીં ભઈલા આ તો વારાફરતી વારી છે.

‘નારાજ’ કહી દો એ જણને જે તણખાથી પણ ધ્રૂજે છે,
કે મેં આંખના આંસુથી બળતી રાતોને ઠારી છે.

          – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’ (Chandresh Makwana. Mari Samjan na chheda par. Ghazals in Gujarati. Literature and art site)

‘ચાતક’ દક્ષેશ કોન્ટ્રાકટર – સપનાં તણાય છે

Wednesday, May 8th, 2013

પાંપણ ભીની કરો નહીં, સપનાં તણાય છે,
પડછાયા ઊંચકી પછી ઘરમાં લવાય છે.

સૂરજના પ્રેમમાં તમે શું શું ગુમાવિયું,
ઝાકળની જાતને કદી પૂછવા જવાય છે ?

આંખોને બોલવા વિશે સમજાવવું પડે,
હૈયાને હાથમાં લઈ થોડું અપાય છે ?

પાછાં જવાનું થાય તો ગમશે તને, નદી,
સાગરથી એટલુંય ક્યાં પૂછી શકાય છે !

સંવેદનાની દોરથી બાંધીને રાખજો,
સંબંધની કિતાબનાં પાનાં છપાય છે.

વંચાવવા ચહો છતાં વાંચી નહીં શકો,
ઈચ્છાઓ શ્વાસના ખૂણે એવી લપાય છે.

જીવનનો દાખલો હશે સીધો સરળ, કબૂલ,
‘ચાતક’થી એ હજીય ક્યાં પૂરો ગણાય છે !

          – ‘ચાતક’ દક્ષેશ કોન્ટ્રાકટર (Daxesh Contractor ‘Chatak’. Sapna Tanai chhe. Ghazal in Gujarati. Literature and art site)