સખ્ય
સ્નેહની વર્ષા
નિરંતર ભીંજવે,
દુકાળ ? એ શું ?
હાઇકુ વિશે ‘થોડું’
જાપાનીઝ કાવ્ય પ્રકાર હાઇકુ ઘણાં લાંબાં સમયથી ગુજરાતી સાહિત્યમાં અપનાવાયું છે.
છતાં ઘણાં ઓછાં લોકો એ લખવાનો પ્રયત્ન કરે છે, અને સાથે સાથે ઘણાં ઓછાં લોકો તેને પૂરેપૂરું માણી શકે છે.
હાઇકુની સુંદરતા એની લાઘવતામાં છે. (5-7-5 નું અક્ષર બંધારણ – એટલે કે પ્રથમ પંક્તિમાં 5 અક્ષર, દ્વિતીયમાં 7 અને તૃતીયમાં 5 અક્ષર. જોડાક્ષરને એક અક્ષર ગણવામાં આવે છે.)
ગણેલાં શબ્દોમાં અનેક વિચારો તથા ભાવો વર્ણવવામાં આવે છે. તેથી, જે શબ્દો પસંદ કરવામાં આવે, તે ખૂબ ખૂબ સમજી વિચારીને પસંદ કરવામાં આવતાં હોય છે. એક શબ્દ અથવા શબ્દ-સમૂહની પસંદગી માટે અનેક ભાવો ગોઠવાતાં હોય છે. જો વિરામચિહ્નોનો પ્રયોગ થયો હોય તો તેની પાછળ પણ ભાવની યોગ્ય (પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ) અભિવ્યક્તિ તથા અર્થ હોય છે.
તેથી, ઓછા શબ્દોમાં લખાયેલા હાઇકુને બરાબર સમજવા માટે તેને ઝડપથી એક વારમાં વાંચવાને બદલે ધીમે-ધીમે વાંચીને તેનો અર્થ સમજવાનો હોય છે, અને શબ્દો દ્વારા જે કહેવાયું છે તે ઉપરાંત જે ભાવોને શબ્દો નથી મળ્યા પરંતુ અધ્યાહાર છે, તે સમજવાના હોય છે. જેને અંગ્રેજીમાં આપણે ‘reading between the lines’ કહીએ છીએ, તેના જેવી પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે.
આમ, હાઇકુ એ તેના રચયિતા તથા વાચક, બંને માટે પડકારરૂપ છે. અને જો યોગ્ય રીતે લખાય અને સમજાય તો અદ્વિતીય રૂપ છે.
– જાગૃતિ ત્રિવેદી
અન્ય રચનાઓ
જાગૃતિ ત્રિવેદી – દાયણ
જાગૃતિ ત્રિવેદી – શંકર
(Jagruti Trivedi – Sakhya. Poems, Haiku in Gujarati. Literature and art site)