Category: કવિતા (kavita)

કવિતા (kavita)

‘નિરંકુશ’ કરસનદાસ લુહાર – હું?

સતત સંકીર્ણતાઓની વચાળે વિસ્તર્યો છું હું !
અને મારી ચિતાની રાખમાંથી અવતર્યો છું હું !

છલોછલતાનું બીજું નામ જાણે કે, હું પોતે છું;
મને ખાલી કરી દેનાર, લે અભરે ભર્યો છું હું !

કુટિલ એ કારસાઓને મળ્યો અંજામ એવો કે-
ગયો દરિયો સ્વયં ડૂબી અને જુઓ, તર્યો છું હું !

મને મારા મહીંથી પણ જે ભૂંસી નાખવા માટે-
મથ્યા છે એની આંખોમાં હજુયે ચીતર્યો છું હું !

સદાયે જાળવી રાખી છે મેં મારી લીલાશોને;
ગઈ ડાળી સુકાઈ તે છતાંય ક્યાં ખર્યો છું હું ?!

ગગન ઘેરાઈને વરસે ફરીથી શુભ્ર થઈ જાયે;
ડહોળાઈ રડ્યો પાછો, ફરીથી આછર્યો છું હું !

         – ‘નિરંકુશ’ કરસનદાસ લુહાર (‘Nirankush’ Karsandas Luhar – Hu. Kavita, Shayari in Gujarati. Literature and art site)

Tags :

વિનોદ જોષી – મુંને એકવાર કાગળ તો લખ

ટચલી આંગલડીનો નખ
લટમાં પરોવી હું તો બેઠી, સજન!
મુંને એકવાર કાગળ તો લખ.

કૂંપણ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું?
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન!
હવે લૂછી દે પાંપણનાં દખ.

છાતીમાં સૂનમૂન પાળ્યાં રે પારેવડાં,
પાતળિયા પૂછ, એના પડછાયા કેવડા?
છાલક ના જાય જરી વેઠી, સજન!
મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ.

         – વિનોદ જોષી (Vinod Joshi. Mane ek vaar kagal toe lakh. Kavita in Gujarati. Literature and art site)

Tags :

હરીન્દ્ર દવે – અનહદનો સૂર


શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ,
મને આપો એક અનહદનો સૂર,
એક વાર ઓરેથી સંભળાવો, દૂર દૂર
વાગે છે ક્યાંકનાં નૂપુર.

હમણાં હમણાં આ શીળી રાતનો સમીર
મારાં વ્હૈ જાતાં વેણ નહીં ઝીલે,
અધવચ મૂંઝાઈ મન પાછું ફરે છે
ઝાઝાં પગલાની ભાત પડી ચીલે;
પ્રગટાવો એક વાર ભીતરનાં તેજ, પછી
લઈ લો આ આંખડીના નૂર.

મનને આકાશ સૂર સૂરજનું રૂપ:
અને સૂરજનું આભ કોઈ ઓર,
આભમાં મુલક કોઈ અણદીઠો, પહોંચવા જ્યાં
યુગ છે ઓછો ને ઝાઝો પ્હોર;
અગની અડકે તો જરા પ્રજળું
હવામાં મારાં ખાલી વેરાતાં ક્પૂર.

          -હરીન્દ્ર દવે (Harindra Dave – Anhaad no sur. Poems in Gujarati. Literature and art site)

Tags :

ઉષા ઉપાધ્યાય – ફૉન

ગઈ કાલે ફોન હતો લંડનથી
મારા પિતરાઈનો-
ઘરનાં સહુના સમાચાર
એ હોંશથી આપતો હતો-
આપણી મૉટેલ તો ધમધોકાર ચાલે છે હોં !”
આ વખતે વૅકેશનમાં
મોન્ટુ જવાનો છે
અમેરિકા
ને પિંકી એની બહેનપણીઓ સાથે
સ્વીટ્.ઝર્લેન્ડ
તારાં ભાભી પણ લ્હેર કરે છે,
લેસ્ટરના મૂર્તિમહોત્સવમાં
સૌથી વધારે ડોનેશન આપીને એણે
પહેલી આરતી ઉતારી હતી,
અને હું – ?
ઑહ ! હું કેમ છું એમ પૂછે છે ?
ફાઈન ! વેરીફાઈન !!
પણ, તમે બધાં કેમ છો?..” – ને પછી ચાલી લાં…બી વાત
ઘરની, શેરીની, ગામની,
ને ખેતરની,
છેલ્લે હું કહેવા જતો હતો “આવજો”
ત્યાં એકાએક એણે મને પૂછ્યું-
” આપણી વાડીમાં હજુ કોસ ચાલે છે?
ને…રામજી મંદિરની આરતીમાં
ઝાલર કોણ વગાડે છે ?”
એનો ઉત્કંઠાભર્યો – આદ્ર અવાજ
ખારાં પાણીમાં ઝબકોળાઈને આવતો હોય
એવું કેમ લાગ્યું ?
એના આગળના શબ્દો હવામાં ઉડતા રહ્યાં
મને લાગ્યું, જાણે એના હાથમાં
ફૉનનું રિસિવર નહીં
ઝાલર વગાડવાની દાંડી
અટકી ગઈ છે…

          – ઉષા ઉપાધ્યાય(Usha Upadhaya. Phone. Kavita / poem in Gujarati. Literature and art site)

Tags :

સિતાંશુ યશસ્ચંદ્ર – વીક-એન્ડ

દિવસોના કાંઠેથી લંગર ઉઠાવીને વહાણો વહે છે
દરિયામાં રાતમાં અંધારામાં

પાંચ-સાત
ભેગાં

કંદીલો સળવાગે છે માલમો
લાંબે લલકારે આલબેલ પોકારે છે
કાંઠેથી ગુપચુપ ગામમાં પાછા ફરતા લોકો
દીવાદાંડીની ટોચે તાપણું સળગાવી લઈ
મશાલો બુઝાવી દઈ
ટાઢ સામે પોતાનાં ઘરનાં કમાડ વાસી દે છે

હવે પાંચ-સાત વહાણો તરે છે
રાતમાં દરિયામાં અંધારામાં

સતત ઘૂઘવે છ્એ આ પાણી
ખારાં
ખળભળતાં
એક વાત કહે છે ક્યારનાં
કરી નથી શકતાં

પાંચ-સાત વહાણ
કાને હથેળી ધરી સાંભળવા મથે છે
સઢ ફુલાવતા
બોલ્યે જાય છે એ
સાંભળવાનું કર્યા કરે છે આ

અંધારામાં દરિયામાં રાતમાં

કાંઠા અને છેડા વચ્ચે જાણે કે એક તળાવ છે
ને આ પાંચ-સાત વહાણો
ત્યાં તર્યા કરે છે

કોઈ ખાતરી નથી
કે પાછા આવતાં જતાં
કાંઠે ખડકો આડે એ ભટકાવાના નહીં
છીછરાં પાણીમાં રેતીના ઢુંવા પર એ છીતી જવાના નહીં
ને નાંગરે તોયે
ધક્કે લટકાવેલા મોટાં કડાંમાં રસ્સા બાંધી ગામમાં ગયેલા ખલાસીઓ
ગામમાં જ મરી નથી જવાના કેદમાં નથી પડવાના સુખી થઈ જવાના નથી

કોઈએ ગેરેન્ટી આપી નથી
કે આગળ વધવા જતાં
પેલા છેડાની પાળી પાર કરતાં જ પેલી પારના
તળિયા વગરના ખાડામાં પડી જઈ દટાઈ નથી મરવાનાં નરી ધૂળમાં

કે પછી છેડો ખસ્યે જવાનો નથી આઘો જેમ જેમ આ પાંચ-સાત વધ્યે જાય આગળ આગળ

સઢમાં દરિયાનો ખારો પવન ભરી ગાલ ફુલાવે છે અંધારામાં
બ્હી જઈને બહાદુરી બતાડતાં આ પાંચ-સાત વહાણો રાતમાં
અફાટ ખારા ઊસ કપટી આ તળાવમાં
જે ખબર નહીં ક્યાં દોરી જશે

આ થોડુંક જ પીવાનું પાણી ભરીને ઉપડેલાં
પાંચ-સાત અબૂધ હિમ્મતબાજ વહાણોને

એક બીજા સાથે વાતો કરવા ચાહે છે
કંદીલોથી
માલમો

કંદીલો ઝૂલતાં રહે છે ઝબૂકતાં
અજવાળું અંધારું
અજવાળું અજવાળું
અંધારું અજવાળું
અજવાળું અંધારું
અંધારું અંધારું અંધારું અંધારું

કંદીલોની બોલી બોલાય છે રાતમાં
કલાક પછી કલાક
તેલ ખૂટવા લાગે છે કાચમાં તડ પડે છે ટાઢાં
પાણીનાં છાંટા અડ્યે
હાથ થાકે છે ખારવાઓનાણ્

થોથવાય છે કંદીલોના બોલ

આખો દરિયો તોતડાય છે

એવા ઘૂઘવાટામાં
બીધેલા બહાદુર આ વહાણો ગોળ ગાલ કરે છે હવે
સઢ ફુલાવી આગળ જાય છે
પોતપોતાના કાન પર હથેળી ધરે છે હજી…..

          – સિતાંશુ યશસ્ચંદ્ર (Sitanshu Yashaschandra – Weekend. Kavita / Poems, Lok Sahitya in Gujarati. Literature and art site)

Tags :

‘નિરંકુશ’ કરસનદાસ લુહાર – ભૂલી ગયો છું?

મારું જ નામ ને હું નકશો ભૂલી ગયો છું,
મારા સુધી જવાનો રસ્તો ભૂલી ગયો છું.

છે યાદ કે હતો હું મોંઘો મનેખ અહીયાં;
પણ કેમ થઈ ગયો હું સસ્તો, ભૂલી ગયો છું.

કૂંડા મહીં આ કેકટસ રોપી રહ્યો છું ત્યારે –
ઊગ્યાં’તાં આપમેળે વૃક્ષો ભૂલી ગયો છું.

છેલ્લું રડ્યો’તો ક્યારે એનું નથી સ્મરણ તો
ક્યારે મને મેં જોયો હસતો ભૂલી ગયો છું.

પથરાળ થૈ ત્વચા કે તારા પ્રથમ પરસનો –
લાગ્યો’તો લોહીમાં એ ઝટકો ભૂલી ગયો છું.

આથી વધુ સજા શું હોઈ શકે મને કે ?
હું મોર છું ને મારો ટહુકો ભૂલી ગયો છું.

         – ‘નિરંકુશ’ કરસનદાસ લુહાર (‘Nirankush’ Karsandas Luhar – Bhuli gayo chhu. Kavita, Shayari in Gujarati. Literature and art site)

Tags :

‘સુન્દરમ્’ ત્રિભોવનદાસ લુહાર – ત્રણ પાડોશી

'સુંદરમ' ત્રિભોવનદાસ લુહાર / 'Sundaram' Tribhuvandas Luhar
રામને મંદિર ઝાલર બાજે, ઘંટના ઘોર સુણાય,
શેઠની મેડીએ થાળીવાજું નૌતમ ગાણાં ગાય,

મંદિરની આરતીટાણે રે,
વાજાના વાગવા ટાણે રે,
લોકોનાં જૂથ નિતે ઊભરાય.

એક ફળીનાં ત્રણ રહેવાસી, શેઠને બીજા રામ,
ત્રીજી માકોર બાઈ રાંડેલી, કોડી કને ના દામ,

લોકોનાં દળણાં દળતી રે,
પાણીડાં કો’કનાં ભરતી રે,
કાઢી ખાય રોટલો કરતી કામ.

શેઠની મોટી દૈત્ય હવેલી ગામનું નાક કહેવાય.
રામનું મંદિર આરસ બાંઘ્યું નિત ઝળાંઝળાં થાય,

ફળીના એક ખૂણામાં રહે,
ગંધાતા કો’ક ખૂણામાં રે,
માકોરનાં મહેલ ઉભેલા સુણાય.

છત્ર૫લંગે શેઠ સૂતા હોય, રામ સીતાજીને ઘેર,
પાછલા ૫હોરની મીઠી ઊંઘની લોક લેતું હોય લહેર,

૫હેલો જયાં કૂકડો બોલે રે,
જાગેલો કૂકડો બોલે રે,
તૂટે માકોરની નીંદર સેર.

માકોર ઊડી અંગ મરોડે, પેટાવે દી૫કજયોત,
ધાન લઈને દળવા બેસે, રામની માગી ઓથ,

ઘરેરાટ ઘંટી ગાજે રે,
ભૂખી ડાંસ ઘંટી ગાજે રે,
ગાજે જેમ દૂકાળિયાનું મોત.

*

ગોકુળઆઠમ આજ હતી ને લોક કરે ઉ૫વાસ,
માકોર ભૂખી રહી ન કારોડી, કાયામાં ના રહયો સાસ,

સીતાના રામ રિઝાવા રે,
મૂઠી’ર ધાન બચાવા રે,
પેટાવ્યો પેટમાં કાળહુતાશ.

શેઠને ઘેરે, રામને મંદિર સાકરઘીનાં ફરાળ,
પાણામાં કાલ કરવા ભજિયાં દળવા આપી દાળ,

દળાતી દાળ તે આજે રે,
હવાયેલ દાળ તે આજે રે,
ઉઠાડે માકોરપેટ વરાળ.

અંગ થાકયું એનું આંચકા લેતું, હૈડે હાંફના માય,
બે ૫ડ વચ્ચે દાળ દળે તેમ કાયા એની દળાય,

દળી જો દાળ ના આપે રે,
શેઠે દમડી ના આપે રે,
બીજો ઉ૫વાસ માકોરને થાય.

ઘરર ઘરર આંજણહીણી ઘંટી ભારે થાય,
વારે વારે થાકેલ હાથથી ખીલડો છૂટઠી જાય,

ચણાની દાળ દળ’તી રે,
માકોરની દેહ દળ’તી રે,
ઘંટીનાં ઘોર તહીં ઘેરાય.

અન્ન ખાતી તો ય અન્નનો દાણો દેતી ઘંટી આજ,
માકોરની અન્નપૂરણા રૂઠી ફરવા પાડે ના જ,

હજી દાળ અરધી બાકી રે,
રહી ના રાત તો બાકી રે,
મથી મથી માકોર આવે વાજ.

શેઠ જાગે તે રામજી જાગે, જાગે સૌ સંસાર.
ભોમના ભાર ઉતારવા આજે જનમ્યા’તા કિરતાર,

૫રોઢના જાગતા સાદેરે,
પંખીના મીઠડા નાદે રે,
ડૂબે માકોરનો ભૂખપોકાર.

શેઠ હસે બેઠા આઠમે માળે, રામ રમે રણવાસ,
રામે મંદિર ઝાલર બાજે, શેઠને મહેલ હુલાસ,

માકોરની મૂરછાટાણે રે,
ઘંટીનાં મોતના ગાણે રે,
કાળો એક કાગ કળેળે નિસાસ,

          – ‘સુંદરમ’ ત્રિભોવનદાસ લુહાર (‘Sundaram’ Tribhuvandas Luhar – Tran Padoshi. Lok Sahitya, Kavita in Gujarati. Literature and art site)

Tags :

હરીન્દ્ર દવે – જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં


જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !

હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?

          -હરીન્દ્ર દવે (Harindra Dave – Jaani bhuji ne aame aalga chaliya. Poems in Gujarati. Literature and art site)

Tags :

ઉમાશંકર જોશી – રહ્યાં વર્ષો

રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું
ભલા પી લે; વીલે મુખ ફર રખે, સાત ડગનું
કદી લાધે જે જે મધુર રચી લે સખ્ય અહીંયાં;
નથી તારે માટે થઈ જ નિરમી ‘દુષ્ટ’ દુનિયા.
– અહો નાનારંગી અજબ દુનિયા ! શે સમજવી ?
તને ભોળા ભાવે કરું પલટવા, જાઉં પલટી;
અહંગર્તામાં હા પગ, ઉપરથી, જાય લપટી !
વિસારી હુંને જો વરતું, વરતે તું મધુરવી –

મને આમંત્રે ઓ મૃદુલ તડકો, દક્ષિણ હવા,
દિશાઓનાં હાસો, ગિરિવર તણાં શૃંગ ગરવાં;
નિશાખૂણે હૈયે શશિકિરણનો આસવ ઝમે;
જનોત્કર્ષે–હ્રાસે પરમ ૠતલીલા અભિરમે.
–બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું –
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.

         – ઉમાશંકર જોશી (Umashankar Joshi. Rahiya varsho. Kavita in Gujarati. Literature and art site)

Tags :

માધવ રામાનુજ – રોઈ રોઈ આંસુની ઊમટે નદી

રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો એને કાંઠે કદમ્બવૃક્ષ વાવજો,
વાદળ વરસે ને બધી ખારપ વહી જાય પછી ગોકળિયું ગામ ત્યાં વસાવજો.

આંખોમાં સાંભરણ ખૂંચશે કણાની જેમ
પાંપણનાં દ્વાર કેમ દેશું?
એક પછી એક પાન ખરશે કદમ્બનાં
ને વેળામાં વીખરાતાં રેશું.

છલકાતું વહેણ કદી હોલાતું લાગે તો વેળુમાં વીરડા ગળાવજો.
આઠમની ધોધમાર મધરાતે એક વાર
પાનીએ અડીને પૂર ગળશે,
પાણીની ભીંતો બંધાઈ જશે
ગોકુળને તે દી’ ગોવાળ એક મળશે.

લીલુડાં વાંસવન વાઢશો ન કોઈ, મોરપીંછિયુંને ભેળી કરાવજો.
પૂનમની એકાદી રાતના ઉજાગરાને
સાટે જીવતર લખી જાશું,
અમથુંયે સાંભરશું એકાદા વેણમાં
તો હૈયું વીંધાવીને ગાશું.

ભવભવની પ્રીતિનું બંધારણ ભેટે તો વનરાવન વાટે વળાવજો!
લીલુડાં વાંસવન વાઢશો ન કોઈ, મોરપીંછિયુંને ભેળી કરાવજો.

         – માધવ રામાનુજ (Madhav Ramanuj. Roi roi aasoo ni umtae nadi. Kavita in Gujarati. Literature and art site)

Tags :

સિતાંશુ યશસ્ચંદ્ર – દરેક ચીજ બે બે

મારી પાસે દરેક ચીજ બે બે છે.
દરેક બારણું, દરેક દીવાલ, દરેક ચંદ્ર
દરેક મેદાન, દરેક શહેર કે પ્યાલો કે તારો.

એક પ્યાલો કાચનો, ને એ જ પાછો સ્ટીલનો.

કાચના તારાને
ખૂબ કાળજીથી જાળવી રાખું છું બને તેટલો વધારે સમય.
વર્ષો, પળો, સદીઓ કે પ્રહરો સુધી બચાવી લઉં છું
તૂટવામાંથી,
તોડી નાખે એવી પંખીઓની પાંખોની ઝાપટમાંથી.
હાથમાંથી છટકી ન જાય, કોઈની ઠેસ ના વાગે.
કોઈ બારીની પાળ પરથી પડી ના જાય કાચનો તારો
કે શહેર, એની સંભાળ પાછળ
ખરચી નાખું છું જિંદગી.

પછી
જ્યારે અણધારી રીતે સહસા
તૂટી જાય છે કાચનો પ્યાલો

ત્યારે
હળવે રહીને
મારા ખ્યાલમાં આવે છે, છલોછલ,
છલોછલ સ્ટીલની ચીજ.

          – સિતાંશુ યશસ્ચંદ્ર (Sitanshu Yashaschandra – Darek chij bae bae. Kavita / Poems, Lok Sahitya in Gujarati. Literature and art site)

Tags :

‘નિરંકુશ’ કરસનદાસ લુહાર – એક લીલા પાંદ

એક લીલા પાંદ પર તેં વહાલ વરસાવ્યું હશે!
એ પછી આંગણ સુધી જંગલ ધસી આવ્યું હશે!
આંહીનો અંધાર મારો સૌમ્ય, હરિયાળો થયો;
તુલસી ક્યારે કોડિયું તેં હમણાં પ્રગટાવ્યું હશે!
જે જગાથી આપણે લઇને તરસ છૂટાં પડ્યાં;
એ જગા જોવા પછી કોઇ ઝરણ આવ્યું હશે!
ચાર અક્ષર જેટલું અંતર સહેવાયું નહીં;
એટલે તેં છૂંદણાંમાં નામ ત્રોફાવ્યું હશે!
મારું નિર્જળ શહેર આખું પાણીપાણી છે હવે!
પત્રમાં સરિયામ ચોમાસું તેં ચીતરાવ્યું હશે!

         – ‘નિરંકુશ’ કરસનદાસ લુહાર (‘Nirankush’ Karsandas Luhar – Ek Lila paan. Kavita, Shayari in Gujarati. Literature and art site)

Tags :

રાજેન્દ્ર શાહ – આયુષ્યના અવશેષે

૧. ઘર ભણી
ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની,
વિજન પથને ચીલે ચીલે તમિસ્ર મહીં ઘન;
સ્વપન મધુરી નિદ્રાનું તે દ્રગો મહીં અંજન
ભરતી ઘૂઘરી ધોરી કેરી મીઠા રણકારથી.

ચરમ પ્રહરે ઠંડી ધીમા સમીર મહીં ભળી,
સ્મૃતિદુઃખ મને વ્યાપે તેવી બધે પ્રસરી રહી.
લઘુક દીવડે સૂતી સીમા બધી બનતી લહી
સજગ, તમ-ને ઓઢી પાછું જતી પડખું ફરી.

પથ-તરુ તણા નીડે પંખી ક્યહીં ફરકે અને
કદિક અથવા તારો કોઈ ખરે, બસ એટલું
કળિત બનતું, ત્યાંયે ઊંડા મને કરણો સહુ
કણકણની આ માટી કેરી કથા નીરખી રહે.

જનમ-સ્થલની ઝાંખી આયુષ્યની અવધે કરું,
ભર્યું જવ હતું તેની યાદે સૂને ઘર સંચરું.

૨. પ્રવેશ
ભર્યું ઘર હતું તેના સૂના રજોમય પ્રાંગણે
લઘુક ગઠડી મૂકી આયુષ્યના અવશેષની,
ત્યહીં ધૂમસથી છાએલા તે વિષણ્ણ ઉજેશની
ટશર ગગને લાગી; જાગી દિશા અનુકંપને.

ખબર પૂછતાં મોટેરાં જે જીવંત રહ્યાં જૂજ,
નજર કરી લૈ કામે લાગી જતી વહુવારુઓ,
કુતૂહલ થકી પ્રેર્યાં આવી વળ્યાં કંઈ બાળકો,
ક્ષણ ભસી પછી શ્વાને સૂંઘી લીધા ચરણો મુજ.

મુખથી ઊઘડ્યાં તાળાં, દ્વારે કર્યું જરી ક્રંદન,
અચલ સ્થિતિમાં ગાત્રો જેનાં જડાઈ ગયાં હતાં;
ભીતર થકી ત્યાં ભીની વાસી હવા તક લાધતાં
ધસી રહી શી! કો પ્રેતે જાણે લહ્યું નિજ મોચન.

ઘર મહીં જતાં અંધારાંએ ઘડી લીધ આવરી,
કિરણપરશે જૂનાં પાત્રો વળી નીરખ્યાં ફરી.

૩. સ્વજનોની સ્મૃતિ
જીરણ થઈને ભીંતે ઝૂકી ઊભો હજી ખાટ આ,
રજનિ નમતાં જે ઢાળીને પિતાજી પુરાણની
જીવનબળને દેતી ક્‍હેતા કથા રસની ભરી,
પુર ઘર સમું હેતે મ્હોર્યું હતું પરસાળમાં.

મુખ મરકતું માનું જેના સ્વરે ઘર ગુંજતું,
નિતનિત વલોણાનાં એનાં અમી ધરતી હતી,
સુરભિ હતી જ્યાં સૌની વાંછા સદા ફળતી હતી,
અવ અહીં ઝૂલે ખાલી સીકું, વિના દધિ ઝૂરતું.

અહીં ઉપરની મેડી જોને કશી વલખી રહી!
પ્રિય! ઊછળતાં બે હૈયાંનો થયો અહીં સંગમ.
અહીં પૂનમની રાતે મોજે ચડ્યાં ભરતી સમ.
ગગન ઝીલતી જાળી જાળાં થકી અવ આંધળી.

ગિરિસર સમું હંસોનો જે કલધ્વનિ રેલતું,
તમરું પણ ત્યાં આજે મૂંગી વ્યથાથી ન બોલતું.

૪. પરિવર્તન
શિશુ હ્રદયના ઉલ્લાસે હ્યાં ઊભી ઝરુખા કને
ઇહ નીરખતો ચીલો, બંકી ધરી ગતિ દ્રષ્ટિમાં
ક્ષણક્ષણ રમી સંતાતો ને અનંતન સૃષ્ટિમાં
ભ્રમણ અરથે જાતો, પૂંઠે વિમુગ્ધ મૂકી મને.

તલસતું હતું હૈયું કેવું સુદૂર અગમ્યને
પથ વિહરવા કાજે! – જેની અપૂર્ણ કથાતણા
ધૂમસ પર અંકાતી મારી સુરંગીન કલ્પના;
નિજ રચિત, આનંદે જોતાં દ્રગો, ભવિતવ્યને.

હજીય ઝરુખો એનો એ, હું, અને વળી પંચ આ,
પણ અવ અહીં આવી ઘેરી વળે ગતની સ્મૃતિ.
બીન મૂક થયું તો યે એની સુણી રહું ઝંકૃતિ,
વિવિધ સમયે છેડ્યા તે સૌ મળે સ્વર વૃંદમાં.

સરલ મનમાં ચાંચલ્યોનાં હવે નહિ ક્રીડન,
અવ હ્રદયના શૂન્યે લાધ્યું પ્રશાન્ત નિમજ્જન.

૫. જીવનવિલય
અવ હ્રદયના શૂન્યે પામી રહ્યો લહું છું લય.
અહીં નહિ હવે સંકલ્પો ને નહીં કંઈ વૃતિ યે,
તદપિ મુજ કર્મોની પેલી પ્રફુલ્લિત સૃષ્ટિ તે
ચહુ દિશ થકી ગર્જે આદ્યંત જીવનનો જય.

શબદ ઊપન્યો તેવો જોકે શમે, પણ એહના
અસીમિત જગે વ્યાપી ર્‍હે છે અનંત પ્રતિધ્વનિ.
નહિવત બની ર્‍હેતું માટી મહીં, પણ બીજની
તરુવર તણાં પર્ણે કેવી રમે શત એષણા!

જીવનનું જરા આઘે ર્‍હૈને કરું અહીં દર્શન,
ઉગમ નહિ વા ન્યાળું કોના ય તે વળી અંતને;
રૂપની રમણા માંહી કોઈ ચિરમ્તન તત્વને
નીરખું, નિજ આનંદે ર્‍હેતું ધરી પરિવર્તન.

ગહન નિધિ હું, મોજું યે હું, વળી ઘનવર્ષણ,
અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન.

         – રાજેન્દ્ર શાહ (Rajendra Shah. Aayushy na aavshesh. Kavita. Literature and art site)

Tags :

હરીન્દ્ર દવે – કોઈ અમથું અમથું કાં યાદ આવે


કોઈ અમથું અમથું કાં યાદ આવે,
દૂર દૂર દૂર સુધી નીરવ એકાંત
છતાં ભીતરથી કોનો સાદ આવે !

આકાશે તારલાઓ ટમટમતા ચૂપ,
ચૂપ ખળખળતી નદીઓનાં પાણી,
લહેરાતા વાયરાનું કંપન ખામોશ,
કંઈયે કહેતી નથી ભીતરની વાણી,
વેણ એક હોઠથી ન નીસર્યું, ને તોય
સાવ અણચિંતવી દાદ કોક આવે.

નીડમાં સૂતેલ કોઈ પંખીની આંખ
જરા ટમકીને પાછી બિડાતી,
તેજની લકીર એક હળવેથી અડકી
ને ઝળાંહળાં થાય મારી છાતી,
બંધ મારી આંખોને કેમ આજ સૂરજનો
ઓચિંતો લાલ સ્વાદ આવે !
કોઈ અમથું અમથું કાં યાદ આવે.

          -હરીન્દ્ર દવે (Harindra Dave – Koi aamthu aamthu ka yaad aave. Poems in Gujarati. Literature and art site)

Tags :

ઉમાશંકર જોશી – ગયાં વર્ષો

ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં !
ગયાં સ્વપ્નોલ્લાસે, મૃદુ કરુણહાસે વિરમિયાં !
ગ્રહ્યો આયુર્માર્ગ સ્મિતમય, કદી તો ભયભર્યો;
બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું એમ જ સર્યો !
ઉરે ભારેલો જે પ્રણયભર, ના જંપ ક્ષણ દે.
સ્ફુર્યો કાર્યે કાવ્યે, જગમધુરપો પી પદપદે
રચી સૌહાર્દોનો મધુપટ અવિશ્રાંત વિલસ્યો.
અહો હૈયું ! જેણે જીવવતર તણો પંથ જ રસ્યો.

ન કે નાવ્યાં માર્ગે વિષ, વિષમ ઓથાર, અદયા
અસત્ સંયોગોની; પણ સહુય સંજીવન થયાં.
બન્યા કો સંકેતે કુસુમ સમ તે કંટક ઘણા.
તિરસ્કારોમાંયે કહીંથી પ્રગટી ગૂઢ કરુણા.
પડે દૃષ્ટે, ડૂબે કદીક શિવનાં શૃંગ અરુણાં –
રહ્યો ઝંખી, ને ના ખબર વરસો કેમ જ ગયાં !

         – ઉમાશંકર જોશી (Umashankar Joshi. Gaya varsho. Kavita in Gujarati. Literature and art site)

Tags :