Category: પ્રભાત્યા (prabhatiya)

પ્રભાત્યા (prabhatiya)

અવિનાશ વ્યાસ – રામ તમે સીતાજીની તોલે ન આવોરામ રામ રામ …

દયાના સાગર થઇ ને, કૃપા રે નિધાન થઇ ને
છોને ભગવાન કહેવડાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદનથી છો પૂજાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

કાચા રે કાનના તમે, ક્યાંના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી
તમારો પડછાયો થઇ ને
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી

પતિ થઇ ને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફૂલાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજીએ રાવણને હરાવ્યો
દૈત્યોના વચ્ચમાં નિરાધાર નારી તો યે
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો

મરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ
અમથો વિજયનો લૂટ્યો લ્હાવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

          – અવિનાશ વ્યાસ

અન્ય રચનાઓ

 • અવિનાશ વ્યાસ – ચરર ચરર
 • અવિનાશ વ્યાસ – છુક છુક ગાડી
 • અવિનાશ વ્યાસ – તાલીઓના તાલે ગોરી
 • અવિનાશ વ્યાસ – માડી તારું કંકુ ખર્યુ
 • અવિનાશ વ્યાસ – રાખનાં રમકડાં
 • (Avinash Vyas. mara ram tame Lok Sahitya, bhajan-aarti in Gujarati. Literature and art site)

  Tags :

  પ્રીતમ – હરિનો મારગ

  હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
  પરથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને

  સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
  સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને

  મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
  તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને

  પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
  માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને

  માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
  મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને

  રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને;
  પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને

            – પ્રીતમ
  (Pritam – Hari no marag. Lok Sahitya, Prabhatiya, Poems in Gujarati. Literature and art site)

  Tags :

  નરસિંહ મહેતા – આજની ઘડી રળિયામણી

  હો…. મારે આજની ઘડી રે રળિયામણી,
  હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે.

  હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
  મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે.

  હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા,
  મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે.

  હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ,
  મારા વાલાજીના ચરણ પખાળિયે રે… મારે.

  હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ
  માંહે ચમકતો દીવડો મેલાવિયે રે… મારે.

  હા જી રે તન, મન, ધન, ઓવારિયે,
  મારા વાલાજીની આરતી ઉતારીએ રે… મારે.

  જી રે રસ વધ્યો છે અતિ મીઠડો,
  મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે….મારે.

            – નરસિંહ મહેતા (Narsinh Mehta – Aaj ni Ghadi Raliyamali. Poems in Gujarati. Literature and art site)

  Tags :

  કૃષ્ણલાલ શ્રીધરાણી – મુક્તપ્રાણ

  કૃષ્ણલાલ શ્રીધરાણી / Krishnalal Shridharani

  મુક્તપ્રાણ ! મુક્તપ્રાણ ! બંદીવાન હું નહિ :
  મુક્તધ્યાન ! જંજીરો ન બાંધવા ધરા મહીં.
  બાંધજો દીવાલ પર્વતો સમી ઊંચી ઊંચી :
  તારલા હસે – વદે, નભે : હસંત આંખડી.

  મુક્તપ્રાણ ! મુક્તપ્રાણ ! એકલો કદી નહિ :
  માંડવો રચી લિયો અનંત આભ છાવરી;
  આભ એથી એ વિશાળ અંતરે રહ્યું હસી :
  સૂર્ય, ચંદ્ર – પ્રાણ, ઊર્મિ – તારલા રહ્યા લસી.

  એકલો નથી ભલે ન હોય પ્રમીઓ સખા :
  અનંત હું અબંધ પ્રાણ ! સાથી આત્મ સર્વદા !

           -કૃષ્ણલાલ શ્રીધરાણી(Krishnalal Shridharani. MuktPran. Kavita. Prabhatiya. Gujarati Literature and art site)

  Tags :

  નરસિંહરાવ દિવેટિયા – પ્રેમળ જ્યોતિ તારો દાખવી

  પ્રેમળ જ્યોતિ તારો દાખવી,
  મુજ જીવનપંથ ઉજાળ.

  દૂર પડ્યો નિજ ધામથી હું ને
  ઘેરે ઘન અંધકાર,
  માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં,
  નિજ શિશુને સંભાળ,
  મુજ જીવનપંથ ઉજાળ. …. પ્રેમળ જ્યોતિ.

  ડગમગતો પગ રાખ તું સ્થિર ને
  દૂર નજર છો ન જાય,
  દૂર માર્ગ જોવાને લોભ લગીર ના,
  એક ડગલું બસ થાય …. પ્રેમળ જ્યોતિ.

  આજ લગી રહ્યો ગર્વમાં હું ને,
  માગી મદદ ન લગાર,
  આપ બળે માર્ગ જોઇને ચાલવા
  હામ ધરી મૂઢ બાળ,
  હવે માગું તુજ આધાર …. પ્રેમળ જ્યોતિ.

  ભભકભર્યાં ચિન્હોથી લોભાયો ને,
  ભય છતાં ધર્યો ગર્વ,
  વીત્યાં વર્ષ ને લોપ સ્મરણથી,
  સ્ખલન થયાં જે સર્વ,
  મારે આજ થકી નવું પર્વ …. પ્રેમળ જ્યોતિ.

  તારા પ્રભાવે નિભાવ્યો પ્રભુ મને
  આજ લગી પ્રેમભેર,
  નિશ્વે મને તું સ્થિર પગલેથી
  ચલવી પહોંચાડશે ઘેર,
  દાખવી પ્રેમળ જ્યોતિની સેર …. પ્રેમળ જ્યોતિ.

  કર્દમભૂમિ કળણ ભરેલી
  ને ગિરિવર કેરી કરાડ,
  ધસધસતા જળ કેરા પ્રવાહો
  સર્વ વટાવી કૃપાળ,
  મને પહોંચાડશો નિજ દ્રાર …. પ્રેમળ જ્યોતિ.

            – નરસિંહરાવ દિવેટિયા (Narsinhrao Divethia. Premal Jyoti. Bhajan aarti, prabhatiya, lok sahitya in Gujarati. Literature and art site)

  Tags :

  કૃષ્ણલાલ શ્રીધરાણી – પૂજારી પાછો જા!

  કૃષ્ણલાલ શ્રીધરાણી / Krishnalal Shridharani(ખાસ નીલમ દોશીના આભારી છીએ આ વાતચીતમાં મોકલવા બદલ)

  ઘંટના નાદે કાન ફૂટે મારા,
  ધૂપથી શ્વાસ રૂંધાય,
  ફૂલમાળા દૂર રાખ પૂજારી,
  અંગ મારું અભડાય
  ન નૈવૈધ્ય તારુ આ!
  પૂજારી પાછો જા!

  મંદિરના આ ભવ્ય મહાલયો
  બંધન થાય મને,
  ઓ રે,પૂજારી તોડ દીવાલો,
  પાષાણ કેમ ગમે?
  ન પ્રેમ નું ચિન્હ આ!
  પૂજારી પાછો જા!

  એરણ સાથે અફાળે હથોડા
  ઘંટ તણો ઘડનાર;
  દિન કે રાત ન નીંદર લેતો:
  ( ને)નૈવૈધ્ય તું ધરનાર?
  ખરી તો એની પૂજા!
  પૂજારી તું પાછો જા!

  દ્વાર આ સાંકડા કોણ પ્રવેશે?
  બહાર ખડી જનતા;
  સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યુ,
  પ્રેમ નહીં પથરા.
  ઓ તું જો ને જરા!
  પૂજારી પાછો જા!

  માળી કરે ફૂલ મહેકતી વાડી,
  ફૂલને તું અડ કાં
  ફૂલને ધરે તું, સહવા એણે,
  ટાઢ અને તડકા
  આ તે પાપ કે પૂજા,
  પૂજારી પાછો જા

  ઓ રે પૂજારી આ મંદિર કાજે,
  મજૂર વહે પથરા
  લોહીનું પાણી તો થાય
  એનું ને નામ ખાટે નવરા
  અરે તું કાં ના શરમા,
  પૂજારી પાછો જા

  ખેડૂતને અંગ માટી ભરાતી,
  અર્ધ્ય ભર્યો નખમાં
  ધૂપ ધર્યો પરસેવો ઉતારી,
  ઘંટ બજે ઘણમાં
  પૂજારી સાચો આ,
  પૂજારી પાછો જા

           -કૃષ્ણલાલ શ્રીધરાણી(Krishnalal Shridharani. Pujari pachho ja. Kavita. Prabhatiya, Vicharo. Gujarati Literature and art site)

  Tags :

  ભજન

  (ખાસ દિપ્તીબહેનના આભારી છીએ આ ભજન મોકલવા બદલ)

  મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
  મારુ મનડું છે ગોકુલ વનરાવન મારા તનના આંગિણયાંમાં તુલસીના વન
  હે મારા પ્રાણ જીવન….

  મારા આતમના આંગણે શ્રીમહાપ્રભુજી
  મારી આંખો વશે ગિરધારી રે ધણી મારુ તન મન ગયું છે જેને વારી રે વારી
  હે મારા શ્યામ મોરારિ…..
  મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

  હું તો નિત્ય વિઠ્ઠલ વર ની સેવા રે કરું
  હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું મેં તો ચિતડું શ્રીનાથજી ને ચરણે ધર્યું
  જીવન સફળ કર્યું …..
  મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

  હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
  નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા મે તો વલ્લભ પ્રભુજી ના કીધાં છે દર્શન
  મારું મોહી લીધું મન…..
  મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

  મેં તો ભક્તિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
  મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
  મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો મેં તો લાલાની લાલી કેરો નંગ રે માંગ્યો
  હીરલો હાથ લાગ્યો…..
  મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

  મારી અંત સમય કેરી સુણો રે અરજી
  લે જો શ્રીજીબાવા શરણોમાં દયા રે કરી મને તેડાં રે યમ કેરાં કદી ન આવે
  મારો નાથ તેડાવે…..
  મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

  ( Bhajan aarti, prabhatiya, lok sahitya in Gujarati. Literature and art site)

  બાલમુકુંદ દવે – આકાશી અસવાર – વર્ષાનું આગમન

  ઊની રે વરાળો પહોંચી આભમાં
           ધરતી પાડે રે પોકાર;
  દુંખિયાંનો બેલી સમરથ ગાજિયો,
           વા’લીડે કરિયો વિચાર:
  આવે રે રાજાનો રાજા મેહુલો.

  આવે રે દેકારા દેતો દખ્ખણે,
           વરતે જયજયકાર;
  છડી રે પોકારે વનના મોરલા,
  ખમ્મા ! આવો અનરાધાર:
  આવે રે રાજાનો રાજા મેહુલો.

  છૂંટાં રે ઊડે રાજાનાં ઓડિયાં,
           ઝૂલે વીજની તલવાર;
  અંકાશી ધોડાના વાગે ડાબલા,
  સાયબો થિયો છે અસવાર:
  આવે રે રાજાનો રાજા મેહુલો.

  નીચે રે મહેરામણ ઘેરા ગાજતા,
           ઊંચે હણેણે તોખાર;
  એકના પડછંદા દૂજે જાગતા,
           ધરતી-આભ એકાકાર:
  આવે રે રાજાનો રાજા મેહુલો.

           – બાલમુકુન્દ દવે (Balmukund Dave – Aakhashi Aavsar. Poems in Gujarati. Literature and art site)

  Tags :

  કૃષ્ણલાલ શ્રીધરાણી – કૂકડો

  કૃષ્ણલાલ શ્રીધરાણી / Krishnalal Shridharani
  અમે તો સૂરજના છડીદાર
           અમે તો પ્રભાતના પોકાર ! … અમે

  સૂરજ આવશે સાત ઘોડલે
  અરુણ રથ વ્હાનાર !
  આગે ચાલે બંદી બાંકો, પ્રકાશ-ગીત ગાનાર ! … અમે

  નીંદરને પારણીએ ઝૂલે, ધરા પડી સૂનકાર !
  ચાર દિશાના કાન ગજાવી, જગને જગાડનાર ! … અમે

  પ્રભાતના એ પ્રથમ પહોરમાં, ગાન અમે ગાનાર !
  ઊંઘ ભરેલાં સર્વ પોપચે, જાગૃતિ-રસ પાનાર ! … અમે

  જાગો, ઉઠો ભોર થઇ છે, શૂરા બનો તૈયાર !
  સંજીવનનો મંત્ર અમારો, સકલ વેદનો સાર ! … અમે

            – કૃષ્ણલાલ શ્રીધરાણી(Krishnalal Krishnalal Shridharani – kookdo / kukdo. Bal geet, prebhatiya, Poems in Gujarati. Literature and art site)

  Tags :

  અવિનાશ વ્યાસ – રાખનાં રમકડાં


  રાખનાં રમકડાં,
  મારા રામે રમતાં રાખ્યાં રે;
  મૃત્યુલોકની માટી માથે માનવ કહીને ભાખ્યાં રે. … રાખનાં રમકડાં.

  બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે,
  આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે. … રાખનાં રમકડાં.

  હે…કાચી માટીની કાયા માથે
  માયા કેરા રંગ લગાયા.
  ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં, ત્યાં તો વીંઝણલા વીંઝાયા રે ! … રાખનાં રમકડાં.

  અંત અનંતનો તંત ન તૂટ્યો, ને રમત અધૂરી રહી,
  તનડા ને મનડાની વાતો આવી તેવી ગઇ ! … રાખનાં રમકડાં.

           -અવિનાશ વ્યાસ (Avinash Vyas. Rakh Na Ramakda. Kavita. Prabhatiya, Vicharo. Gujarati Literature and art site)

  Tags :

  પ્રીતમ – હરિનો મારગ

  હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
  પરથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને.

            – પ્રીતમ
  (Pritam – Hari no marag. Kahvatoe, Prabhatiya, Poems in Gujarati. Literature and art site)

  Tags :

  નરસિંહ મહેતા – ગોવિંદ ખેલે હોળી

            – નરસિંહ મહેતા (Narsinh Mehta – Govind Khele Holi. Poems in Gujarati. Literature and art site)

  Tags :

  રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે

  રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
           મ્રત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાક્યાં રે
                    રાખનાં રમકડાં, રમકડાં …

  બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત ગમતું માંગે
           આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,
                    રાખનાં રમકડાં, રમકડાં …

  એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
           એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
                    રાખનાં રમકડાં, રમકડાં …

  તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
           તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,
                    રાખનાં રમકડાં, રમકડાં … (raakh naa ramkada Bhajan aarti, prabhatiya, lok sahitya in Gujarati. Literature and art site)

  પ્રિતમદાસ – હરીનો મારગ છે શૂરાનો

  હરીનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને,
  પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને.

  સુત વિત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
  સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડયા મરજીવા જોને.

  મરણ આગમે તે ભરે મુઠ્ઠી, દિલની દુગ્ધા વામે જોને;
  તીરે ઊભા જુએ તમાશો, તે કોડી નવ પામે જોને.

  પ્રેમપંથ પાવકની જવાળા, ભાળી પાછા ભાગે જોને;
  માંહી પડ્યા તે મહાસુખ માણે દેખનહારા દાઝે જોને.

  માથા સાટે મોંધી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
  મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

  રામ અમલમાં રાતામાતા, પૂરા પ્રેમી પરખે જોને;
  પ્રિતમનાં સ્વામીની લીલા, તે રજનીદન નીરખે જોને.

           – પ્રિતમદાસ (Pritamdas- Hari no maarag chhe. Poems in Gujarati. Literature and art site)

  Tags :

  બાલશંકર કંથારિયા – ગુજારે જે શિરે તારે

  આ કાવ્યની એક એક પંક્તિ મને પ્રિય છે અને જીવવા માટેની ચાવી છે.

  ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સ્હેજે;
           ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે.

  દુનિયાની જુઠી વાણી, વિશે જો દુ:ખ વાસે છે;
           જરાયે અંતરે આનંદ, ના ઓછો થવા દેજે.

  કચેરી માંહિ કાજીનો, નથી હિસાબ કોડીનો;
           જગત કાજી બનીને તું, વહોરી ના પીડા લેજે.

  જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસ;
           ન સારા કે નઠારાની, જરાએ સંગતે રહેજે.

  રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે;
           દિલે જે દુ:ખ કે આનંદ, કોઇને નહીં કહેજે.

  વસે છે ક્રોધ વેરી, ચિત્તમાં તેને તજી દેજે;
           ધડી જાએ ભલાઇની, મહાલક્ષ્મી ગણી લેજે.

  રહે ઉન્મત્ત સ્વાનંદે, ખરૂં એ સુખ માની લે;
           પિયે તો શ્રી પ્રભુના, પ્રેમનો પ્યાલો ભરી પીજે.

  કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે;
           પરાઇ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે.

  અરે પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માગે તો;
           ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે.

  અહો શું પ્રેમમાં રાચે, નહીં ત્યાં સત્ય પામે તું !
           અરે તું બેવફાઇથી ચડે નિંદા તણે નેજે.

  લહે છે સત્ય જે, સંસાર તેનાથી પરો રહેજે;
           અરે એ કીમિયાની જો મઝા છે, તે પછી કહેજે.

  વફાઇ તો નથી, આખી દુનિયામાં જરા દીઠી;
           વફાદારી બતાવા ત્યાં, નહીં કોઇ પળે જાજે.

  રહી નિર્મોહિ શાંતિથી, રહે એ સુખ મોટું છે;
           જગત બાજીગરીના તું, બધાં છલબલ જવા દેજે.

  પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું;
           પ્રભુની પ્યારી ગ્રીવામાં, પહેરાવી પ્રિતે દેજે.

  કવિ રાજા થયો શી છે, પછી પીડા તને કાંઇ?
           નિજાનંદે હંમેશા બાલ, મસ્તીમાં મઝા લેજે.

           – બાલશંકર કંથારિયા (Balshankar Kantharia – Gujara je shira tare. Poems in Gujarati. Literature and art site)

  Tags :