(ખાસ કામયોગીના આભારી છીએ આ મોકલવા બદલ)
હિરણના હેઠવાસના પટમાં ખીજડિયાની નજીક ભોજા કોળીએ દર વર્ષના રાબેતા મુજબ તડબૂચનો વાડો ઊભો કર્યો હતો. આડે દિવસે તો ભોજાનું કુટુમ્બ નદીના ખુલ્લા પટમાં પડયું રહેતું, પણ ઓણ શિયાળે રીંગણી બાળી નાખે અને ગોળાનાં પાણી થીજવી દે એવી ટાઢ પડવા માંડી ત્યારે ભોજો ગીરની અંદર જઈને ત્રણચાર તલબાવળ કાપી આવ્યો અને જીવલીએ વગડો કરીકરીને સૂકી સાંઠીઓની ભારીઓ ભેગી કરી; ચાર દિવસમાં તો ધણીધણીયાણીએ મળીને ચાર છોકરાં ને ચૂલો સમાઈ શકે એવડો કૂબો વાડા વચ્ચે જ ઊભો કરી દીધો.
છતાં ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતાં આ વખતે ટાઢ મારા પર વેર વાળવા આ વાડા ઉપર જ વધારે પ્રમાણમાં ખાબકી છે. એક તો હીરણની પાટનાં ટાઢાંબોળ પાણી અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો. આ હિમવર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડે ડિલે ઊભો ઊભો વાડાનું ટોયામણ કરતો. એને પહેરવા કડિયું તો આજ કેટલાય સમયથી સાંપડતું નહોતું. વરસોજૂની ચોરણી હતી એના ઉપર ગોદડાં જેટલાં ઉપરાઉપરી થીગડાં ચોંટી ચૂક્યાં હતાં, અને હવે તો એ થીગડાંઓ પણ ઘસાતાં ઘસાતાં ચાળણી બનેલું એ થેપાડું એટલું તો જીર્ણ થઈ ગયું હતું કે હવે એનો વધારે જીર્ણોદ્ધાર શક્ય જ નહોતો.
(more…)
