Garvi ગરવી ગુજરાત Gujarat

કોઇ પણ વ્યક્તિ માતૃભૂમિ છોડી વિદેશ વસવાટે જાય ત્યારે માતૃભાષાથી પણ કંઇક અંશે વિખૂટુ પડી જાય છે. આજ અંજપો તેને ભાષા અને ભૂમિ થકી કંઇક કરવા પ્રેરે છે અને પ્રેરણાસ્રોતનું પરિણામ છે - "પ્રભાતનાં પુષ્પો". ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ શરૂ થયેલાં આ બ્લૉગને અવકાશની પળોમાં સીંચીને આજે પરિપકવ વૃક્ષ બનતા જોવાનો આનંદ દેશવિરહને ભુલાવવામાં મદદરૂપ થયો છે. - એસ વી

ફોર એસ વી - પ્રભાતનાં પુષ્પો ફેસબૂક પેજ

નવરાત્રિની રાસ રમઝટ
(click here for complete list)


સપના વિજાપુરા – તારા જ સ્મરણો લાવશે

મંદ મઘમઘતો પવન, તારા જ સ્મરણો લાવશે,
આજ મધુકરને સુમન, તારા જ સ્મરણો લાવશે.

ચાંદની આ રાત ભીંજાતા, તડપતા એ ચકોર,
નીર સાગરના ગહન, તારા જ સ્મરણો લાવશે.

સાંજનાં આછાં ગુલાબી રંગ, વરસે આગ પણ
રાતનું શ્યામલ ગગન, તારા જ સ્મરણો લાવશે.

ગુંજતો પંખી તણો કલરવ ચમનમાં ઓ પ્રિતમ,
સૂર સરગમના કવન, તારા જ સ્મરણો લાવશે.

રેતનાં પગલાં સ્મરણને હચમચાવી નાખશે,
નામ તારું ઓ સજન, તારા જ સ્મરણો લાવશે.

આંખ જો મારી મળે, ક્ષણભર હવે તો પ્રિયતમ,
આજ સપનાંના નયન, તારા જ સ્મરણો લાવશે.

          – સપના વિજાપુરા (૦૨-૦૪-૨૦૧૩) (Sapana Vijapura. Tara j smaran lavshe. Ghazal in Gujarati. Literature and art site)

Tags :

હરીન્દ્ર દવે – આંસુને પી ગયો છું


આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

મારું સ્વમાન રક્ષવા જતાં કદી કદી,
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

કંટકની માવજતમાં અચાનક ઘણી વખત,
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

          – હરીન્દ્ર દવે (Harindra Dave – Aasu ne pi gayo chhu. Ghazal in Gujarati. Literature and art site)

Tags :

‘બેદિલ’ અશોક ચાવડા – લઇને ચાલ્યાં

મારા ઘરનાં શુભ ચોઘડિયાં લઇને ચાલ્યાં,
એ ચાલ્યાં તો સાથે ફળિયાં લઇને ચાલ્યાં.

રોકાયા’તા વાદળ ખાલી બે પળ માટે,
આ વખતે પણ છતનાં નળિયાં લઇને ચાલ્યાં.

ક્યાં રોકાશું? રસ્તો ક્યાંનો? કંઇ ખબર ના,
ક્યાંક કલમ, કાગળ ને ખડિયાં લઇને ચાલ્યા.

આજ નહીં તો કાલે સૌ જખમો રૂઝાશે,
તારાં સ્મરણોનાં ઓસડિયાં લઇને ચાલ્યા.

એણે હાથેથી ગંગાજળ મોંમાં મૂક્યું,
‘બેદિલ’ આંખોમાં ઝળઝળિયાં લઇને ચાલ્યા.

          – અશોક ચાવડા ‘બેદિલ’ (Ashoka Chavda ‘Bedil’ Lai ne chaliya. Poem / Kavita in Gujarati. Literature and art site)

Tags :

‘બેફામ’ બરકત વિરાણી – રહે છે

અહીં જે તેજ દીવામાં રહે છે,
તિમિર એનું ધુમાડામાં રહે છે.

મહાલય જેના નકશામાં રહે છે,
ઘણા એવા ય રસ્તામાં રહે છે.

છે કાંટા આખરે તો માત્ર કાંટા,
ભલેને એ બગીચામાં રહે છે.

જગા મળતી નથી જેને ચમનમાં
તો એવા ફૂલ વગડામાં રહે છે.

ગયાં સંતાઇ મોતી એ વિચારે,
કે પરપોટા ય દરિયામાં રહે છે.

હું એની છાંયડીમાં કેમ બેસું?
બિચારું વૃક્ષ તડકામાં રહે છે.

ઉઘડતાં આંખ દેખાતાં નથી એ,
હવે સપનાં ય સપનામાં રહે છે.

ગગનમાં ઘર કરી લીધું છે એણે,
દુઆ મારી સિતારામાં રહે છે.

ખુદાને બીજે શું કામ શોધું?
કે એ તો મારી શ્રધ્ધામાં રહે છે.

મરણ ‘બેફામ’નું ઝંખો છો શા માટે?
એ જીવતાં પણ ક્યાં દુનિયામાં રહે છે?

         – ‘બેફામ’ બરકત વિરાણી (Barkat Virani ‘Befaam’. Rahae chhe – Ghazal in Gujarati. Literature and art site)

Tags :

શ્યામ સાધુ – ગાન થવાનું

હોવાના પર્યાયતણું જો ભાન થવાનું,
શ્વાસો વચ્ચે ક્ષણનું આતમજ્ઞાન થવાનું!

ટેકરીઓના વાતા પવનો જોયા કરજો,
આકાશી રસ્તા પર તમને માન થવાનું!

સહુ જાંબુડી ઇચ્છાના દરવાજે ઊભા,
કોને કહેવું ? કોનું અહીં બહુમાન થવાનું!

પાછી પેલી ઋષિજન જેવી વાત કહું લો,
મીઠું મીઠું મૌન મહીં પણ ગાન થવાનું!

અગધ-પગધના રસ્તે ‘સાધુ’ ચાલ્યા કરજો,
સંતો કહે છે: કોલાહલમાં ધ્યાન થવાનું!

          – શ્યામ સાધુ (Shyam Sadhu. Gaan thavanu. Ghazal in Gujarati. Literature and art site)

Tags :

ગુણવંત શાહ – નિર્વેદ

ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તુટી પડ્યું;
દરિયાની ભૂરી ખારાશ, આંસું એક ખૂટી પડ્યું!

કોયલની વાણી તો એવી અવાક્;
એને વાગ્યો વસંતનો કાંટો;
કેસૂડાં એવાં તો ભોંઠા પડ્યાં
જાણે ઊડ્યો શિશિરનો છાંટો.

સમદરને લાગી છે પ્યાસ; વાદળ એક રૂઠી પડ્યું;
ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તુટી પડ્યું;

વાયરાઓ વાત કાંઇ કહેતા નથી
અને સૂનમૂન ઊભાં છે ઝાડ;
પંખીને લાગે છે પોતાની પાંખમાં
ચૂપચાપ સૂતા છે પથ્થરિયા પ્હાડ.

હવે અંધારે ઝૂરે ઉજાસ; કિરણ એક ઝૂકી પડ્યું;
ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તુટી પડ્યું;

          – ગુણવંત શાહ (Gunvant Shah. Nirvaad. Poems in Gujarati. Literature and art site)

Tags :

વિનોદ ગાંધી – લટકવાનું

ઘણું અઘરું છે મળવાનું,
બીજાના મનને કળવાનું.

જીવનભર એ કર્યું છે ને,
હવે અંતે ય બળવાનું ?

ચલો, કોશિશ તો કરીએ,
દૂધે સાકર શું ભળવાનું !

બધાંએ વૃક્ષના ભાગે,
નથી હોતું જ ફળવાનું !

જીવન માટે ઝઝૂમ્યા ને,
મરણ કાજે ટટળવાનું !

તને હું કામ સોંપું છું,
ઋષિના મનને ચળવાનું !

અમે છટકીને અહીં આવ્યા,
હવે અહીંથી છટકવાનું ?

જનેતાએ જ શીખવ્યું છે,
ઊંધે માથે લટકવાનું !

          – વિનોદ ગાંધી (Vinod Gandhi- Latakvanu. Poems in Gujarati. Literature and art site)

Tags :

ખલીલ ધનતેજવી – તને મળવા નહિ આવું

હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું,
કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહિ આવું.

ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું.

કહે તો મારું આ માથું મૂકી લાઉં હથેળી પર,
પરંતુ હાથ જોડીને તને મળવા નહિ આવું.

તું દરિયો છે, તો મારું નામ ઝાકળ છે, એ જાણી લે,
નદીની જેમ દોડીને તને મળવા નહિ આવું.

ટકોરા દઈશ, પણ દરવાજો તારે ખોલવો પડશે,
કોઈ દીવાલ તોડીને તને મળવા નહિ આવું.

ખલીલ ! આવીશ તો કે’ જે કે ઉઘાડેછોગ હું આવીશ,
હું માથામોઢ ઓઢીને તને મળવા નહિ આવું.

         – ખલીલ ધનતેજવી(Khalil Dhantejvi. Tane malva nahi aavu. Ghazal/Vicharo in Gujarati. Literature and art site)

Tags :

‘ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા – દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો

તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી !
ને ચરણ ક્યાં જતાકને અટકીને ઊભા રહ્યા !
ચરણો ચાલી ચાલીને પોતાનાં ઘરઆંગણે
પોતાની સામેસ્તો આવીને ઊભા રહ્યા !
છેવટે તો આ યાત્રા મુખ મુખની સુખયાત્રા હતી !
કેટકેટલાં મુખોને ચૂપચૂપ ચાહવાનું મળ્યું !
અને બધાં જ મુખોમાં તારી જ રેખાના
ઉઘાડની ઓળખ એ તો આ પ્રેમયાત્રાની ફલશ્રુતિ છે.
તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો, ને હે પૃથ્વી !
ક્યાં આવતોક ને ઊભો રહ્યો ! છેવટે મારી સામે જ !
તને સમજવા નીકળ્યો હતો
ને આવીને ઊભો છું પ્રેમના એક આંસુની આગળ !
– અહંકાર થોડોકે ઓગળ્યો હોય તો સારું.
તને સમજવા નીકળ્યો હતો મોટા ઉપાડે
એક દિવસ જ્ઞાનયાત્રાએ,
ને પ્રેમયાત્રાને અંતે છેવટ ઘેર આવીને ઊભો છું !
તને તો શું સમજી શક્વાનો હતો ?
હું મને થોડોકેય સમજી શક્યો હોઉં તો સારું.

(જન્મ : 29 સપ્ટેમ્બર 1920 _ અવસાન : 21 એપ્રિલ 2012)

          – ‘ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા(‘Ushnas’ Natwarlal KuberBhai Pandya. Dur dur na pravas ae nikalyo hato. Kavita in Gujarati. Literature and art site)

Tags :

‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – અમે જોગી બધા વરવા


અમે જોગી બધા વરવા સ્મશાનો ઢુંઢનારાઓ
તહીંના ભૂતને ગાઈ જગાવી ખેલનારાઓ
જહાં જેને કરી મુર્‌દું કબરમાં મોકલી દેતી
અમે એ કાનમાં જાદુ અમારું ફૂંકનારાઓ
જહાંથી જે થયું બાતલ અહીં તે થયું શામિલ
અમે તો ખાકની મૂઠી ભરી રાજી થનારાઓ
જહીં જખ્મો તહીં બોસા તણો મરહમ અમે દેતાં
બધાંનાં ઈશ્કનાં દરદો બધાંએ વહોરનારાઓ
અમે જાહેરખબરો સૌ જિગરની છે લખી નાખી
ન વાંચે કોઈ યા વાંચે ન પરવા રાખનારાઓ
ગરજ જો ઈશ્કબાજીની અમોને પૂછતા આવો
બધાં ખાલી ફિતુરથી તો સદાએ નાસનારાઓ
જહીં સ્પર્ધા તણી જગની દખલ ના પ્હોંચતી ત્યાં ત્યાં
જમીં ને આસમાનોના દડા ઉડાવનારાઓ
ગમે તે બેહયાઈને દઈ માથું ધરી ખોળે
અમે આરામમાં ક્યાંએ સુખેથી ઊંઘનારાઓ
સનમની બેવફાઈથી નથી સુખ કાંઈએ કરતાં
અમે જાણ્યું અમે માણ્યું ફિકરને ફેંકનારાઓ
જખ્મથી જે ડરી રહેતા વગર જખ્મે જખ્મ સહેતા
અમે તો ખાઈને જખ્મો ખૂબી ત્યાં માનનારાઓ
બની ઉસ્તાદ આવો તો થશો આંહી તમે ચેલા
મગર મુરશિદ કરો તો તો અમે ચેલા થનારાઓ
અમારા આંસુથી આંસુ મિલાવો આપશું ચાવી
પછી ખંજર ભલે દેતાં નહિ ગણકારનારાઓ

      – ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (Kalapi – Ame Jogi Badha. Kavita / Poems, Lok Shaitya in Gujarati. Literature and art site)

Tags :

‘યોગ’ યોગેન્દુ જોષી – ઠરાવની વાતો

શાંત જળના પડાવની વાતો;
થાય છે રોજ વાવની વાતો.

ઝંખના લઇ સતત રડ્યું છે મન;
એમ ખૂટે અભાવની વાતો?

વાદ્યનો તાર સૂરમાં બોલ્યો;
દર્દ પીડા તણાવની વાતો.

શ્વાસ ઉછવાસ એટલે જીવન;
કે પછી આવ-જાવની વાતો?

પ્રેમ સંબંધ ત્યાંજ તૂટે છે;
જ્યાં બને છે ઠરાવની વાતો.

          – યોગેન્દુ જોષી ‘યોગ’ : ૧૯/૦૨/૨૦૧૩ (Yogendu Joshi ‘Yog’ Tharav ni vaato. Ghazal in Gujarati. Literature and art site)

Tags :

ગૌરાંગ ઠાકર – ભૂખનો આકાર ખોબો હોય છે

હાથ એમાં ફક્ત હાથો હોય છે,
ભૂખનો આકાર ખોબો હોય છે.

બે જણાંનાં મૌનની સાથે સતત,
એમનો વાંધો બબડતો હોય છે.

પુખ્તવયનાં કાનથી સાંભળ નહીં,
શેર મારી મુગ્ધતાનો હોય છે.

બે લગોલગ ગોઠવેલી ઈંટથી,
કેટલી ઘરમાં દીવાલો હોય છે?

માછલી તો તરફડીને શાંત થઇ,
જાળમાં જળનો નિસાસો હોય છે.

જે ઇરાદાથી થવાયું પર નહીં,
એ ઇરાદાનો ઇરાદો હોય છે.

તું ય અંધારાની છોડી દે ફિકર,
રાતનો બસ રાતવાસો હોય છે.

       – ગૌરાંગ ઠાકર (Gaurang Thakar- Bhuk no aakar khobo hoi chhe. Ghazals in Gujarati. Literature and art site)

Tags :

‘ઝાઝી’ ચિરાગ ઝા – તમારા વિચારો બરાબર નથી

તમારા વિચારો બરાબર નથી,
મગજના વિભાગો બરાબર નથી.

તમે રાજધાની લૈ દોડી ગયા,
હતા જે વિવાદો બરાબર નથી.

ઘરોને હટાવી દુકાનો કરી!,
નફાનો વિસામો બરાબર નથી.

નવો છે જમાનો નવી છે હવા,
જુના આ વિમાનો બરાબર નથી.

પ્રયોગો થયા છે પ્રજાની ઉપર,
બધેથી વિતાડો બરાબર નથી.

શબદને તમેતો રખડતો કર્યો,
કુ-વાણી, વિલાસો બરબર નથી.

(છંદ : લગાગા લગાગા લગાગા લગા)

          – ‘ઝાઝી’ ચિરાગ ઝા(Chirag Jha Zazi. Tamara Vicharo barabar nathi. Ghazal in Gujarati. Literature and art site)

Tags :

ભરત ત્રિવેદી – ચાણોદ

નર્મદાને કાંઠે
 
નર્મદા નદીમાં કમર સામાણાં જળમાં 
ત્રાંબાના લોટાથી તારું તને જ અર્પણ કહીને
જળની ધારા કરતો 
જનોઈ ધારી દ્વિજ પોતાના પાછલા 
અને આગળ આવનારા ભવની ચિંતામાં 
એટલે પડે કે 
તેના પગ તળેની રેતી ધીમેધીમે 
સરી રહી હોતી લાગે, ને 
સવારનો સૂરજ પણ પાછા પગે 
સરી જતાં કશા સંકેત કરતો હોય તેમ લાગે 
 
 તેની પહોળી થઈ ગયેલી આંખો, ને
સર્કસના જોકરના હોય છે તેવા 
ચહેરાની સીમા વટાવી ગયેલા હોઠ 
તમને જરા પણ હસાવી ના શકે  
 
 
નર્મદાના પાણીમાં પગ રાખીને તમે 
બે જગતના વિચારોમાં અટવાઈ જાવ 
તો વૈતરણી તરી જવા માટે 
તમારે નજીકની ગો શાળામાંથી
વંડી ઠેકીને ભાગી આવેલી કો ગો માતાની 
પુચ્છનો સહારો લેવો જ પડે 
 
 
તરણી તરવા કરવા કરતાં  
નર્મદાના છીછરા જળમાં
છબછબિયાં કરવામાં, કે
કાયમ મોડી ઊપડતી  
સાંજની બસ પકડીને ઘેર પાછા ફરવામાં
કશું ય ખોટું નથી
 
 નર્મદાને તીરે જ એ બધું સમજાય
એવું તે કેમ હશે બળ્યું ? 
 
          – ભરત ત્રિવેદી ૯/૭/૨૦૧૨ (Bharat Trivedi. Chanod. Poem in Gujarati. Literature and art site)

Tags :

અનિલ ચાવડા – અધીરો

અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે;
તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે?

          – અનિલ ચાવડા (Anil Chavda. Aadhiro. Shayari / Vicharo in Gujarati. Literature and art site)

Tags :